ગુડબાય મિસ્ટર ચિપ્સ

- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
આ જે ટીચર્સ ડે નથી, પણ આ લેખ વાંચીને તમને ટીચર્સ ડે ઊજવ્યાનો આનંદ થશે. જેમ્સ હિલ્ટનની આ લઘુ નવલનું પ્રકાશન ૧૯૩૪માં થયું હતું, તેના પરથી બે ફિલ્મ પણ બની હતી. એક ઝલક જોઈએ.
પ્રકરણ ૧
પાનખર વીતીને શિયાળો બેસવામાં હતો. મિસ્ટર ચિપ્સ, નિવૃત્ત થયા પછી પણ, શાળાના સમયપત્રક મુજબ જીવતા. તેમનું ભાડાનું ઘર નિશાળની પડખે જ હતું. આરામખુરશી પર બેઠેલા ચિપ્સને યાદ આવ્યું કે ૧૮૭૦માં પોતે બૂ્રકફીલ્ડ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયેલા. ફ્રાંસ- જર્મનીની લડાઈનું વર્ષ હતું. પહેલા જ પીરિયડમાં કોકે મેજનું ઢાંકણું પછાડયું. ચિપ્સે બૂમ પાડી, 'પાંચમી હરોળ, મજીઠિયા વાળ… હા, હા, તું જ. શું નામ તારું? કોલી? કાલે સો લાઇન લખી આવજે!' આમ પહેલા દિવસથી ચિપ્સનો છાકો પડી ગયેલો. પચીસ વરસ પછી, કોલી થઈ ગયેલો બેરોનેટ, વળી મ્યુનિસિપાલિટીનો હોદ્દેદાર, અને તેણે પોતાના (મજીઠિયા વાળવાળા) દીકરાને મોકલ્યો હતો બૂ્રકફીલ્ડમાં. મિસ્ટર ચિપ્સે તેને કહેલું, 'મેં જિંદગીની પહેલી શિક્ષા કરેલી તારા બાપને, તે એ જ લાગનો હતો, અને હવે શિક્ષા કરું છું તને, તું પણ એ જ લાગનો છે!' આખો વર્ગ હસી પડેલો. દીકરાએ આ કિસ્સો લખી મોકલ્યો, તે વાંચીને સર કોલી પોતે પણ હસી પડેલા.
પ્રકરણ ૮
૧૮૯૮ની વસંત. મિસ્ટર ચિપ્સ ગામમાં નિરુદ્દેશ ભટકતા હતા- દુસ્વપ્ન ક્યારે વીતશે? ત્યાં મળ્યો એક વિદ્યાર્થી, ફોકનર. 'સર, મારાં વાલીઓ આવવાનાં છે, બપોર પછી સ્કૂલે ન આવું તો ચાલે?' ચિપ્સે કહ્યું, સમજ્યા વિના, 'ચાલે.' 'આજે ચેપલમાં નહિ જાઉં તો ચાલે?' 'ચાલે.' 'તેમને લેવા સ્ટેશને જાઉં?' ચિપ્સને કહેવાનું મન થયું, જ્યાં જવું હો ત્યાં જા, જહન્નમમાં જા, મારી પત્ની આજે મૃત્યુ પામી છે, દીકરી પણ! હું કેમ મૃત્યુ ન પામ્યો? પણ તેમણે ફક્ત ડોકી ધુણાવી.ચોથા ધોરણનો વર્ગ તેમણે હંમેશ મુજબ લીધો. છોકરાઓને ગોખણપટ્ટીનું કામ સોંપીને ખુરશી પર બેઠા રહ્યા, શૂન્યમનસ્ક. 'સર, તમારા માટે બહુ બધા પત્ર આવ્યા છે.' તેમણે પોતાના નામના ઢગલો પરબીડિયાં એક પછી એક ખોલવા માંડયાં. દરેકમાં ફક્ત કોરો કાગળ. વિચિત્ર લાગ્યું. બે-ત્રણ દિવસો પછી તેમને સમજાયું કે એ તો એપ્રિલ ફૂલનો જોક હતો. બન્ને એક જ દિવસે ગુજરી ગયેલાં, મા અને નવજાત શિશુ, ૧ એપ્રિલ, ૧૮૯૮.
પ્રકરણ ૧૮
ચિપ્સ ઊઠયા ત્યારે એમને સમજાયું કે હું બિછાનામાં છું. ડોક્ટર હસતાં હસતાં બોલ્યા, 'મવાલી, તને કેમ લાગે છે? તેં તો અમને ડરાવી મૂક્યાં.' ચિપ્સ થોડી વારે બોલ્યા- અને અવાજની નબળાઈથી પોતાને પણ નવાઈ લાગી- 'કેમ? શું થયું?' 'તને મૂર્છા આવી ગયેલી. મિસિસ વિકિટે તને જોઈ લીધો. હવે બધું ઠીકઠાક છે.' ચિપ્સ જુએ તો પ્રિન્સિપાલ, અને બીજાંયે ઘણાં ઊભાં હતાં. સૌ શું કરે છે અહીંયાં? આગળ વિચારવાની ઇચ્છા ન થઈ. અર્ધનિદ્રામાં ચહેરાઓ, અવાજો, સંગીત, આવતાં હતાં અને જતાં હતાં. યુવાન પત્નીએ વગાડેલી મોઝાર્ટની ધૂન, હર્ષનાદ, બંદૂકના ભડાકા, અને તે સૌની ઉપર બૂ્રકફીલ્ડના ઘંટનાદ, બૂ્રકફીલ્ડના ઘંટનાદ! પ્રિન્સિપાલ ડોક્ટરને કહેતા હતા, 'બિચારો' એકલપંડે જીવ્યો.' ડોક્ટર બોલ્યા, 'હંમેશા નહિ. તેમને પત્ની હતી.' 'ખરેખર? પણ એમને બાળકો તો નહોતા.' ચિપ્સે આંખો ખોલી, 'શું કહ્યું તમે? મને બાળકો નથી? છે ને…' બધા મૌન રહ્યાં. ચિપ્સ હળવેથી હસ્યા, 'હજારો બાળકો, બધા છોકરા.' તેમના ચિત્તમાં સમૂહગાન બજવા લાગ્યું- પેટીફર, પોલેટ,પોરસન, પોટ્સ, પુલમેન, પુર્વીસ, રેડ્લેટ, રેપ્સન, રીપર, રેડી.. આવો, મને વિંટળાઈ વળો, આખરી ગપસપ અને ગંમત માટે, હાર્પર, હેઝલેટ, હેટફિલ્ડ, હેધરલી, આવો મારા દીકરાઓ…
ચિપ્સ પોઢી ગયા. બીજી સવારે નાસ્તાનો ઘંટ વાગ્યો ત્યારે બૂ્રકફીલ્ડમાં સમાચાર પહોંચી ગયેલા. પ્રિન્સિપાલે ભાષણમાં કહ્યું,'ચિપ્સ કદી નહિ ભુલાય.' જે ખરું નહોતું, કારણ કે છેવટે તો બધું વિસરાઈ જતું હોય છે. પણ લિનફોર્ડ બધાને કહેતો ફરશે, 'ચિપ્સ મર્યાની આગલી રાતે મેં તેમને ગુડબાય કીધેલું.'
મારી બે વાત
કરુણ વાત કરતાં પહેલાં લેખક રમૂજ પણ કરી લે છે. બે જ વર્ષના લગ્નજીવન પછી હાસ્યના ફુવારા જેવી પત્ની પ્રસૂતિમાં મરી ગઈ, સાથે નવજાત શિશુ પણ ગયું. આ જ વાતની સાથે છોકરાઓનો એપ્રિલ ફૂલનો જોક મુકાયો છે. અંતિમ પ્રકરણ પહેલાં કિસ્સો છે- સ્કૂલના મોટા છોકરાઓ લિનફોર્ડ નામના નવા નિશાળિયાને ઉલ્લુ બનાવે છે 'જા, તને મિસ્ટર ચિપ્સે તાકીદે તેડાવ્યો છે. ચિપ્સે તેને ભોંઠો ન પડવા દીધો, બલ્કે ચા પિવડાવી, વોલનટ કેક ખવડાવ્યું, તેના ગામ-કુટુંબનાં ખબરઅંતર પૂછયાં. નીકળતી વખતે લિનફોર્ડ બોલ્યો, 'ગુડબાય, મિસ્ટર ચિપ્સ.' એના પછીની સવારે ચિપ્સનું અવસાન થયું. આખરી વિદાયનો પ્રસંગ કેવો રમૂજમાં ભેળવીને મૂક્યો! રોકકળ કરવાથી શોકનો ભાવ નીપજે, પણ શોકમાં સંયમ ભળે તો કરુણ રસ સંભવે. ચિપ્સના જીવનમાં બે જ જણસ હતી- પત્ની કેથરીન અને શાળા. લગ્નની આગલી રાતે કેથેરીને કહેલું 'ગુડબાય મિસ્ટર ચિપ્સ.' પત્ની અને વિદ્યાર્થીઓ- બન્નેનાં ભાવભીનાં વિદાયવચન લઈને ચિપ્સ ગયાં. છેલ્લી ઘડીઓમાં ચિપ્સને વિદ્યાર્થી યાદ આવ્યા, એટલું જ નહિ, તેમનાં નામો કડકડાટ, કક્કાવારી પ્રમાણે યાદ આવ્યાં. તેમને મન સૌ સમાન હતા, માટે એકસામટા યાદ આવ્યા. મૃત્યુ સમયે ચર્ચના ઘંટનાદનો રિવાજ છે, પણ આ તો આજીવન શિક્ષક. તેમને અંત પહેલાં ઘંટ તો સંભળાયા, પણ તે દેવળના નહોતા.




