જનરલ ડાયર

- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
- 'અમૃતસરની શેરીઓમાં તોફાની તત્ત્વોનો પીછો ન કરી શકાય. જલિયાંવાલા બાગ તો જનરલ ડાયરને મળેલી અણધારી ભેટ હતી. બધા અપરાધી એકસાથે, તે પણ તલવાર ઉગામી શકાય તેવા અંતરે.'
જ નરલ રેજિનાલ્ડ ડાયરનું પહેલું જીવનચરિત્ર ૧૯૨૯માં પ્રકટ થયું હતુંત પણ તેના લેખક સામ્રાજ્યવાદી હતા. ડાયરનું સાચું મૂલ્યાંકન થઈ શકે ૨૦૦૫માં પ્રકટ થયેલા નાઇજેલ કોલેટના પુસ્તક થકી, જેનું શીર્ષક છે, 'ધ બુચર ઓફ અમૃતસર'' અમૃતસરનો કસાઈ. તેનાં અમુક પ્રકરણોમાંથી પસાર થઈએ.
પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રયાસ થયા હતા. આને લીધે રોલેટ એક્ટ જાહેર કરાયો, અને પ્રજા પર દમનની શક્યતા વધી ગઈ. આ કાયદાના વિરોધમાં દેખાવો થયા. પંજાબમાં પરિસ્થિતિ વણસી. લશ્કરના કર્નલ ડાયર (જે થોડો સમય બ્રિગેડિયર જનરલના હોદ્દા પર હતા) અમૃતસર પહોંચ્યા. ૧૩ એપ્રિલ ૧૯૧૯ની સવારે તેમણે અમૃતસરની શેરીઓમાં જાહેરનામું વંચાવ્યું, જે થકી ચારથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લદાયો. શહેરના ઘણા વિસ્તારોમાં જોકે આ જાહેરનામું વંચાયું જ નહોતું. એ દિવસે બૈસાખીનો તહેવાર હોવાથી આસપાસના વિસ્તારોમાંથી ખેડૂતો પણ આવ્યા હતા. રોલેટ એક્ટનો વિરોધ કરવા સાંજે સાડા પાંચે જલિયાંવાલા બાગમાં સભા બોલાવાઈ. બાગમાં દસથી વીસ હજાર લોકો એકઠા થયા. અમુકના હાથમાં લાઠી હતી, પણ મોટા ભાગના સાવ નિ:શસ્ત્ર હતા. બાગમાં બાળકો અને અમુક સ્ત્રીઓ પણ હતી. સભા મળવાની છે એવી આગોતરી જાણકારી હોવા છતાં સરકારે તેમાં પ્રવેશ અટકાવવા કશા પગલાં ન લીધાં.
જનરલ ડાયરે નક્કી કરી લીધેલું કે લશ્કરી પગલાંથી સમગ્ર પંજાબમાં ગભરાટ અને આતંક ફેલાવી દેવા. તેમની પત્ની શ્રીમતી ડાયરે કહ્યું- 'અમૃતસરની શેરીઓમાં તોફાની તત્ત્વોનો પીછો ન કરી શકાય. જલિયાંવાલા બાગ તો જનરલ ડાયરને મળેલી અણધારી ભેટ હતી. બધા અપરાધી એકસાથે, તે પણ તલવાર ઉગામી શકાય તેવા અંતરે.' ડાયરનો ઇરાદો સભા વિખેરવાનો નહોતો. તેમને તો નરસંહાર જ કરવો હતો. હંટર કમિટીએ તેમને પ્રશ્ન કર્યો, 'માત્ર સભા ભરવાના કારણસર સૌને ગોળીએ દેવાનું તમે નક્કી કર્યું?' ડાયરનો જવાબ, 'હા.' પંડિત દુર્ગા દાસ રોલેટ કાયદાનો વિરોધ કરતો ઠરાવ રજૂ કરતા હતા ત્યારે કશી ચેતવણી આપ્યા વગર ડાયરે ગોળીબાર ચાલુ કરાવી દીધા. આનું શું પરિણામ આવ્યું તે સૌ જાણે છે. હિંસા પૂરી કરીને ડાયર સૈનિકો સાથે પાછા ગયા. ઈજા પામેલાની સારવાર કરવાનો તેમને વિચાર ન આવ્યો. રાતે આઠ પછી તો કરફ્યુ હતો. એટલે ઇજાગ્રસ્તો રાત આખી બાગમાં જ પડી રહ્યા.
હંટર કમિટી પાસે ડાયરે કબૂલ્યું કે સભા ન ભરવાનો ઢંઢેરો ઘણાંએ ન સાંભળ્યો હોય એ બની શકે. મોતીલાલ સેતલવાડે પૂછયું, 'શેરીમાંથી તમારી બખ્તરિયા ગાડી પસાર થઈ શકતી હોત તો તમે મેદની પર મશીન ગન પણ ચલાવતા?' ડાયરનો ઉત્તર, 'મોટે ભાગે ચલાવતા.' બ્રિટનની પાર્લામેંટે ૧૯૨૦માં ડાયરને ઠપકો આપ્યો. પણ સામ્રાજ્યવાદી અંગ્રેજોએ ડાયરને 'ભારતનો ઉદ્ધારક' કહીને આજના રૂપિયા તેર કરોડ જેટલી થેલી અર્પણ કરી.
કોલેટ લખે છે કે ૧૮૫૭ની ક્રાંતિના અપવાદને બાદ કરીએ તો અંગ્રેજોએ વિશ્વમાં કદીયે જલિયાંવાલા બાગ જેવી હિંસા નાગરિકો સામે આચરી નથી. આના પરિણામે અંગ્રેજોએ ભારતની પ્રજાનો ભરોસો કાયમ માટે ગુમાવ્યો. મવાળ અને મધ્યમ માર્ગી ભારતીયો, જે સરકારના સમર્થક હતા, તે હવે સંપૂર્ણ આઝાદી માગતા થયા.
સરકાર જ્યારે આત્યંતિક બળનો પ્રયોગ કરે, ત્યારે તેની આબરુ ઓછી થાય છે.









