Ravi Purti
સુગંધનાં સરનામાં
By GS Team
27 Jun 20264 mins read

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- આમ જુઓ તો પુષ્પો ક્યાં નથી? નજરે પડે ત્યાં પુષ્પો છે, પુષ્પો છે ત્યાં સુવાસ છે. વૃદ્ધજનની કરચલિઓમાં પણ એના અતીતની સુવાસ છે
સુ ગંધનો ઇજારો કેવળ પુષ્પો પાસે? ના, ભાઈ ના. સુગંધનાં સરનામાં ઇશ્વરની જેમ અનેક હોય છે. ભાઈ, સુગંધનો ઇજારો કેવળ બાગનાં પુષ્પો પાસે જ નથી હોતો, કોઈ પ્રસન્ન કન્યાના ચહેરા ઉપર અને કોઈ તરૂણની આંખોમાં પણ સુગંધ વસતી હોય છે, પ્રસન્નતામાં ચમકીલી સુગંધ હોય છે. પ્રેમમાં પણ ગમતીલી સુગંધ હોય છે અને વિવેકપૂર્ણ વ્યવહારમાં પણ સુગંધ જ હોય છે. મોગરો, રાતરાણી, પારિજાત, પારસ અને ગુલાબ જેવાં અનેકવિધ પુષ્પો સુગંધ આપે છે, પણ એ પુષ્પોને હળવે હાથે ઉતારીને વાંસની ટોપલીમાં ભેગાં કરતી તરૂણીના ટેરવામાં પણ સુગંધની લકીરો હોય છે. ફૂલોના હાર બને છે ત્યારે એને ગૂંથનારા હાથની કોમળ આંગળીઓમાંથી નીકળતી ગંધ પણ ભેગી ગૂંથાઈ જતી હોય છે. સરળ સાદગીમાં અને સત્યમાં વિશિષ્ટ પ્રકારની સુગંધ હોય છે.
સુગંધનું કામ પ્રસરવાનું છે. જે પ્રસરે છે તે બધી જ ગંધ છે. વાયુ એનો દૂત. પુષ્પો સાથે નિવાસ કરવો એ પણ સૌભાગ્ય છે. જે ફૂલમાંથી ઉદ્ભવી ના હોય એવી જ સુગંધનું પણ આ વિશ્વમાં પ્રવર્તન ક્યાં નથી? કોઈ પ્રણયીની નજરમાં, કોઈ સ્નેહીના સંકેતમાં જે સુગંધ હોય છે તે અનન્ય હોય છે, નભ જ્યારે જળ વરસાવે છે ત્યારે એનો આનંદ સુગંધ બનીને ધરતીમાં પ્રગટે છે. ફૂટેલા અંકુરો પણ રાજીપાની ગંધ છે. સાગરનાં મોજાં એ પણ ઉત્સાહની સુગંધ છે. નદીનાં વહેણમાં પણ અભિસારની સુગંધ છે. પ્રસવ પામતું બાળક માતાના રક્તની સુગંધ છે. માતાનું હાલરડું એ મમતાની સુગંધ છે. સુગંધ પ્રસન્નતાનો પર્યાય છે. જ્યાં જ્યાં પ્રસન્નતા છે ત્યાં ત્યાં સુગંધ હોવાની જ, સુગંધ હોય ત્યાં સૌંદર્ય પણ હોવાનું. સૌંદર્યમાં સુગંધ જન્મે એમ આપણે કહીએ છીએ પરંતુ ખરેખર જ્યાં જ્યાં સુગંધ હોય ત્યાં અસલી સૌંદર્ય હોય જ છે. સોનાનાં ઘરેણાં સુંદર ભલે હોય, પણ એ જ્યારે લલનાને અંગ ઉપર સોહે ત્યારે તેમાંથી સુગંધ પ્રસવતી હોય છે. સાદગી સહજ પૂર્ણ વ્યવહારોમાં પણ સુગંધનો હાર જોઈ શકો.
સૈનિકના વતનપ્રેમમાં, નર્સની સેવામાં, શિક્ષકના ઘડતરમાં, માની મમતામાં, ભાઈબેનના હેતમાં, પિતાના વાત્સલ્યમાં અને કુદરતી દ્રશ્યોમાં સુગંધ જ દેખાય છે. ક્યારેક કોઈ પ્રખર વિદ્વાન લેખકના શબ્દોમાં પણ સુગંધ હોય છે. કોઈના વ્યાખ્યાનમાં કે કોઈના ઉપદેશમાં કે કોઈના મૌનમાં પણ મ્હેંક હોવાની,ચિત્તનાં શબ્દોનો રણકાર ગજબનું પરિવર્તન આણે છે. એ પરિવર્તન સુગંધનો પર્યાય છે. શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે અને દાક્તર-દર્દીની વચ્ચે જે હૃદયનો સંબંધ સ્થપાય તે સુગંધ છે. કવિ જ્યારે કવિતા કરે છે ત્યારે અનુભૂતિના બળે કરે છે દંભ, દેખાવ, ચાલાકી કે છેતરવાની વૃત્તિ એમાં ચાલી ના શકે તે કેવળ આંતરસત્વથી જ જન્મે અને ટકે. એને કોઈ પ્રશંસકો કે વિવેચકો ટકાવતા નથી, એનું આંતરસત્વ તેને ટકાવે છે - એ સૌંદર્ય છે - એ સુગંધ છે. કોઈ એક વ્યક્તિના આગમનથી જ ઘરમાં ફૂલો પથરાઈ જાય ત્યાં પણ મ્હેંક હોય છે, કોઈનું આગમન, કોઈનું મૌન, કોઈના શબ્દો, કોઈની નજર, કોઈનો અણસારો કોઈકને માટે સુગંધથી પણ વિશેષ હોય છે. સદ્ગુણોને પણ ક્યાં ઓછી સુવાસ હોય છે? સંયમ નામના સદ્ગુણને જે સુવાસ હોય છે એવી સુવાસ કોઈ અત્તર કે ફૂલોના દરબારમાં નથી હોતી. આપણે પુષ્પો સિવાયની સુવાસમાંથી અત્તર પામીએ તો આપણો જનમારો મઘમઘાટ અવશ્ય અનુભવે. કોઈના આંગણામાં કોઈ ભજનિક ભજન ગાતો હોય, અતિથિ આવી જતો હોય ત્યારે આંગણું જે આતિથ્ય કરે છે તેમાં પણ સુવાસ હોય છે, એ સુવાસ પણ દૂર દૂર સુધી પ્રસરતી હોય છે. જાઈ-જુઈ કે પારસ-રજનીગંધા, મોગરો-જાસૂદ કેવળ બગીચામાં જ હોતાં નથી. સંસારમાં, કુટુમ્બ પરિવારમાં, વ્યક્તિના વર્તન વ્યવહારમાં, વિવેકપૂર્ણ વચનોમાં અને સંસ્કારપૂર્ણ આચરણમાંથી પણ અભિવ્યક્ત થતાં પુષ્પો જ છે!
અપરિચિત ચહેરામાંથી પ્રગટતી આત્મીયતા, આંખોમાંથી દ્રવતી સંવેદના ગૂગળના ધૂપની જેમ હૃદયખંડ નહિ, જીવનખંડમાં પ્રસરી જાય છે. કોઈના હોઠનો ઝીણો કંપ, આંખનો જાદુ, ટેરવાંની તરસ અને સ્મિતની સુંવાળપમાં પણ ગજબની મ્હેંક હોય છે. પ્રાણીજગતમાં પણ પરસ્પરની લાગણી, ઘોડા-ઊંટની વફાદારી, શ્વાનનું વફાઈ શાણપણ એ બધામાં જે આશ્ચર્યકારક જણાય છે તેમાં સૌંદર્ય નહિ, સુવાસ છે. નભના તારલા નભનાં પુષ્પો છે. ઝાકળ ધરતીની પ્રગટ સુવાસ છે. પંખીના ટૌકામાં, પવનના લયમાં, અગ્નિની શિખામાં, સળગતા દીવાની જ્યોતમાં, પર્વત પરથી પડતા ઝરણામાં દોડતા દરિયામાં અને સ્થિર સરોવરમાં પણ સુવાસનાં લય વલયો સર્જાતાં હોય છે. ભારતીય વૈદિક પરંપરાની વેદો-ઉપનિષદો સુવાસ છે અને રામાયણ અને મહાભારત આર્યજીવનની નોખી સુવાસ છે એ સુવાસના પ્રવાહને કોણ થંભાવી શકે? રામ અને કૃષ્ણ માનવકુળની સુવાસ છે તો રાવણ દાનવકુળની સુવાસ છે. ગરીબ, લાચાર, અપંગને સહાય કર્યા પછી એમની કીકીમાં જે લાગણી ચમકે છે એમાં સુગંધ છે.
આમ જુઓ તો પુષ્પો ક્યાં નથી? નજરે પડે ત્યાં પુષ્પો છે, પુષ્પો છે ત્યાં સુવાસ છે. વૃદ્ધજનની કરચલિઓમાં પણ એના અતીતની સુવાસ છે અને સ્ત્રીના સમર્પણમાં પણ નારીકુળની સુવાસ છે. જે ઘરની, જે આંગણની, જે ગામની, જે રાજ્યની, જે દેશની, જે પેઢીની પ્રતિષ્ઠા થઈ હોય ચારે તરફ એની નામના હોય તે સુવાસ જ છે. નાનકડા હૃદયમાં આસન પાથરીને કેટકેટલા લોકો, કેટકેટલા પ્રસંગો આદરપૂર્વક અડ્ડો જમાવીને બેઠા હશે? એ કેવળ પ્રસંગો નથી આયખાનો ઉત્સવ છે. આપણે એ મૂડીથી રૂડા છીએ. એ રિદ્ધિથી સમૃદ્ધિ સુધી પહોંચાય છે. સુંદરમ્ અસુંદર ચીજોને ચાહીને સુંદર કરવાની જે ખેવના રાખે છે તેમની એ અભિવ્યક્તિમાં પણ મ્હેંકનો મહિમા છે. ભડકાઓ કરતાં અગરબત્તીનું મૂલ્ય એટલે જ અનેકગણું હોય છે. આપણે આપણી જીવનકેડી પરથી અગરબત્તીઓ શોધીએ અને પ્રગટાવીએ ફૂલોની હારમાળા હોય, જ્યારે સુગંધને સરનામાં હોય છે.









