ફીમેલ ટેનન્ટ

- અનુરાધા દેરાસરી
- ખ્યાતિબહેન, 'મને પણ દાળમાં એવું જ કંઈક કાળું લાગે છે. ફલેટવાળાઓએ કાઢવા ખૂબ પ્રયત્ન કર્યો, પોલીસ કમ્પ્લેઈન પણ કરી જોઈ, પણ કંઈ ના વળ્યું.'
- આ બધા સંજોગો સામે મારી રીયા દીદી ઢાલ બનીને ઊભી રહી. તેણે એક પણ આંસુ ના પાડયું. પોતાનું ભણતર છોડી દીધું અને નોકરી કરી મને ભણાવવાનું ને માની સેવા કરવાનું નક્કી કર્યું
મું બઈના જુહુ વિસ્તારમાં બીજા રોડ પર, ગુલમહોર ગ્રીન્સ લક્ઝુરીયસ એપાર્ટમેન્ટ આવેલા છે. જેવું નામ છે તેવા જ ગુલમહોર, નારીયેળી અને પામના વૃક્ષોથી ઘેરાયેલો ૧૦ માળનો એપાર્ટમેન્ટ છે. જેમાં દસમે માળે અચલા બહેન રહેવા આવ્યા છે.
ઘાટકોપરની શાળામાં પ્રિન્સીપાલ તરીકે નિવૃત્ત થયા પછી, તેઓ ગુલમહોર ગ્રીન્સમાં રહેવા આવ્યા છે. બંને સંતાનો અમેરિકા હોવાથી, ચોથા રોડ પર તેમની બહેન અને છઠ્ઠા જુહુ રોડ પર નણંદ રહેતી હોવાથી, પાસે આ સુંદર લક્ઝુરીયસ ફલેટ લીધો છે.
તેમના દસમા માળે ત્રણ ફલેટ છે, એમાં એક સામેનો બંધ રહે છે અને બાજુના ફલેટમાં એક સુંદર છોકરી રહે છે જે વહેલી સવારે તૈયાર થઈને, બ્લેક સુટ પહેરી, મેકઅપ કરીને જાય છે અને રાત્રે લગભગ આઠ વાગે ફરી ઝાઝા વસ્ત્રો પહેરી, થોડો વધારે મેકઅપ કરી જાય છે. ને રાત્રે મોડી આવે છે.
અચલાબહેને જ્યારે જોયું ત્યારે થોડી નવાઈ લાગી પણ હજુ ઘર ગોઠવવામાં આ વાત તેઓ ભૂલી ગયા છે.
અઠવાડિયા પછી, બપોરના ૪.૩૦ વાગે અચલા બહેન ચ્હા મૂકી રહ્યા હતા ત્યારે દરવાજા પર કોઈએ બેલ માર્યો.
અચલાબહેને બારણું ખોલ્યું તો સામે અપટુડેટ બમ્બૈયા સ્ટાઈલ તૈયાર થયેલી બે મહિલાઓ ઊભી હતી.
'હલો, મેમ, હું ખ્યાતિ, તમારા ફલેટમાં નવમે માળે તમારી નીચે જ રહું છું. ખાસ નવા આવ્યાની ખબર પડી એટલે તમને મળવા આવ્યા છીએ.'
'હા, હું વત્સલા આઠમે માળે રહું છું, નવી આવેલી વ્યક્તિઓને મદદરૂપ થવું અમને ગમે છે. એમાં પાછા તમે તો એકલા છો, એટલે વધારે મદદરૂપ થવું ગમે.'
'અરે, સારું થયું ખ્યાતિબહેન, વત્સલાબહેન આવો, આવો. સારું થયું તમે સામેથી આવ્યા. હું તો આપણા ચોકીદાર લક્ષ્મણસીંગને પૂછીને કોઈનો પરિચય થાય તે ઇચ્છતી જ હતી.'
ચ્હા મૂકું છું. સાથે ચ્હા પીએ ને ગપ્પા મારીએ. વેલકમ, વેલકમ.' અચલાબહેને તેમનો મોર્ડન આઉટ લુક જોઈ, અંગ્રેજી શબ્દોથી
સ્વાગત કર્યું.
ચ્હાને ખારી બિસ્ટીકની રમઝટ સાથે વાતોની રમઝટ ચાલી. ધીરે રહીને વત્સલાબહેને શરૂ કર્યુ, 'અચલા બહેન ખાસ તો અમે તમને તમારા બાજુવાળા 'ફીમેલ ટેનન્ટ'થી ચેતવવા આવ્યા છીએ.'
ખ્યાતિબહેન, 'એવું છે ને બહેન, આ છોકરી છેલ્લા ચાર વર્ષથી રહે છે. સવારે અને રાત્રે જુદા જુદા પહેરવેશ પહેરી, સખત મેકઅપ કરીને ક્યાંક જાય છે.'
વત્સલાબહેન, 'શી ખબર કેવા ને શું ધંધા કરે છે. કદાચ કોલ… હોઈ પણ શકે.'
ખ્યાતિબહેન, 'મને પણ દાળમાં એવું જ કંઈક કાળું લાગે છે. ફલેટવાળાઓએ કાઢવા ખૂબ પ્રયત્ન કર્યો, પોલીસ કમ્પ્લેઈન પણ કરી જોઈ, પણ કંઈ ના વળ્યું.'
વત્સલાબહેન, 'પોલીસ સ્ટેશનવાળાએ કહ્યું કે, જો તે તમને કોઈ રીતની હેરાનગતિ ના કરતી હોય, તો અમે તેની સામે એફઆઈઆર નોંધી ના શકીએ. બોલો બહેન કેવો સમય આવી ગયો છે. છેડેચોક છોકરીઓ આવા ધંધામાં સામેલ થાય છે અને પાછી રહે આવા પોશ વિસ્તારમાં.'
ખ્યાતિબહેન, 'એને ક્યાં ભાડું આપવાનું હશે. કોઈ એનો….. આપતો હશે. ખાસ તો અમે તમને ચેતવવા જ આવ્યા છીએ કે આ છોકરી સાથે કોઈ વ્યવહાર ના રાખશો.'
વત્સલાબહેન, 'હા, હા અરે કેમ છો નો પણ જવાબ ના આપશો. આવી છોકરીઓ પહેલા હસે, પછી કેમ છો કહી ઘરમાં પગ પેસારો કરે અને તેઓ કોઈ ખરાબ કામ કે ગુન્હો કરે તો પડોશી તરીકે આપણે ફસાઈએ બરાબરને !'
અચલા બહેન, 'બરાબર, બિલકુલ બરાબર. સારું થયું. તમે આ વાત કરી. એકવાર રાત્રે મેં તેને જતા જોઈ હતી, મને પણ થોડું ઓડ, વિચિત્ર તો લાગેલું જ.'
આડીઅવળી વાતો કરી, ત્રણે બહેનો છૂટા પડયા.
અચલાબહેનના મનમાં બાજુની 'ફીમેલ ટેનન્ટ' માટે બરોબરની નકારાત્મક ગડ બેસી ગઈ.
આ વાતના બરોબર અઠવાડિયા પછી, વહેલી સવારે અચલાબહેનના દરવાજા પર ટકોરા પડયા. અચલાબહેને દરવાજો ખોલ્યો તો, સામે તેમની 'ફીમેલ ટેનન્ટ' ઊભી હતી. બ્લેક સુટ, મેકઅપ અને હાથમાં પાણીની બોટલ.
'આન્ટી, ગુડમોર્નીંગ, સોરી ટુ ડીસ્ટર્બ યુ, પણ મારો આરો પ્લાન્ટ અચાનક બંધ થઈ ગયો છે અને ફ્રીઝમાંથી પાણીની બોટલમાંથી ચ્હા મૂકવાને, ટીફીન કરવામાં પાણી વપરાઈ ગયું. થોડું આ નાની બોટલ જેટલું મળશે. હું રીયા તમારી પાડોશી.'
અચલાબહેનને ખ્યાતિબહેન અને વત્સલાબહેનની વાત યાદ આવી ગઈ, બહુ જ કડકાઈથી તેમણે જવાબ આપ્યો, 'હું હજુ હમણાં જ ઊઠી છું. મારી પાસે પણ મારા જેટલી જ પાણીની બોટલ છે. સોરી.' આટલું કહી કંઈ પણ શિષ્ટાચાર કર્યા વગર ધડાક દઈને બારણું બંધ કરી દીધું.
રીયા જરાય કચવાટ વગર લીફ્ટ બાજુ વળી ગઈ.
આ ઘટનાના થોડા દિવસ પછી, સવારે ૬.૩૦ વાગે, રીયા ઘરને તાળું વાસી રહી હતી. વોચમેન લક્ષ્મણસીંગ દૂધ આપવા આવ્યો તો અંદરથી, 'મને કોઈ વધારે કમ્બલ ઓઢવાનું ઓઢાડો, બહુ ટાઢ વાય છે. બાપરે મારું શરીર સખત તૂટે છે. માથામાં હથોડા વાગે છે.' એમ તૂટક તૂટક બોલી ઊંહકારા સંભળાતા હતા. લક્ષ્મણસીંગ વોચમેન શું કરવું તેના વિચારમાં પડયા.
ત્યાં તેમણે રીયાને તાળું મારતી જોઈ અને તરત બૂમ પાડી, 'દીદી જલદી આવો, આ આન્ટી બહુ માદા લાગે છે. આપણે કંઈક કરવું પડશે. જો હું એકલો કંઈક ખોલી ઘરમાં પ્રવેશીશ તો, બધા મારા પર શક કરશે. તમે આવો ને.'
બે મીનીટ રીયા વિચારમાં પડી, પછી તો એને હોટેલ પહોંચવાનું મોડું થાય અને તેના કરતાં, આ આન્ટીનો તેના પ્રત્યેનો અભિપ્રાય…
પણ તેને તેની મમ્મીની શીખ યાદ આવી, 'મુશ્કેલીના સમયે, દુશ્મનને પણ મદદ કરવી.' અને તરત રીયા અચલાબહેનના ઘર તરફ વળી.
રીયાએ અચલાબહેનની બૂમો સાંભળી, ઘર ખોલીને દોડીને ઘરમાંથી ફોલ્ડીંગ સીડી લઈ આવી, ઘરની ડ્રોઈંગરૂમની બારીની ઉપરનું વેન્ટીલેશન ખુલ્લું હતું. તેણે લક્ષ્મણસીંગને ઉપર ચડી વેટીલેશનમાંથી ધીરેથી અંદર વળીને બારણાની સ્ટોપર ખોલવા કહ્યું.
લક્ષ્મણસીંહે તેમ કર્યું, પછી જરા જોરથી ધક્કો મારતા લોક ખુલી ગયું અને બન્ને જણા અંદર ગયા. (ઘરની સફાઈ કરાવતા આ વેન્ટીલેશન ખુલ્લું રહી ગયું હતું.)
રીયા દોડીને અચલાબહેન પાસે ગઈ. માથે હાથ મૂકી તાવની તપાસ કરવા પ્રયત્ન કર્યો. લગભગ ચાર ડીગ્રી જેટલો તાવ લાગ્યો. શરીર બંબાની જેમ તપતું હતું. તેમની આંખો લગભગ મીંચાઈ ગઈ હતી. આટલા તાવમાં પણ જ્યારે અચલાએ માથે હાથ મૂક્યો ત્યારે તેમણે તે હાથ ખસેડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમનો હાથ ઊંચો ના થઈ શક્યો. જાણે ઇશ્વર રીયાની ફેવર કરી રહ્યા હતા !
રીયાએ કંઈપણ ના વિચાર્યું.
તેણે રસોડામાં જઈ, ફ્રીઝમાંથી ઠંડા પાણીની બોટલ કાઢી અને પોતાનો રૂમાલ પર્સમાંથી કાઢી, તેની પટ્ટી બનાવી પોતા મૂકવા માંડયા. લક્ષ્મણસીંઘને તે પટ્ટી મૂકવા કહ્યુ અને તે રસોડામાં ગઈ. માથે ઠંડા પાણીના પોતા અને બીજા રૂમમાંથી રજાઈ લઈ ઓઢાડવાથી અચલાબહેનને ઘણી રાહત થઈ.
રીયાએ ચોખાનો લોટ અને મરી શોધી, માથે ચોપડવાનો લેપ બનાવ્યો અને લક્ષ્મણસીંઘને કેવી રીતે લગાડવું તે બતાવ્યું. રીયા જાણતી હતી, તેનો સ્પર્શ અચલાબહેનને મનોદુ:ખ કરાવે છે એટલે તે વધારે દુ:ખી કરવા માગતી ન હતી.
પછી રીયાએ અંદર જઈ આદુ, ફૂદીનો, હળદરનો ઉકાળો બનાવ્યો જેમાં મીઠું ને લીંબુ નીચોવી અચલાબહેન પાસે આવી અને અચલાબહેનને ઉઠાડવા પ્રયત્ન કર્યો પરંતુ તે ઉઠી શકે તેમ ન હતા આથી તેણે લક્ષ્મણસીંઘને પીવડાવવા કહ્યું. પરંતુ લક્ષ્મણસીંઘે કહ્યું, 'દીદી, મારે ડયુટી પર નીચે જવું પડશે, ઘણો સમય થઈ ગયો છે.'
રીયા, 'ઓકે, ઓકે, તમારા પત્ની રાધીબહેનને મોકલો, હું મારા બોસને બે કલાક છુટ્ટી માટે ફોન કરી દઉં છું.'
રીયાએ પોતાની હોટેલ પર ફોન કર્યો, 'સર મારા આન્ટી બીમાર છે એટલે બે કલાક મોડી આવીશ. સાંજે ૨ કલાક મેક ઓવર કરી લઈશ. થેંક્સ સર.'
તરત જ ચમચીથી અચલાબહેનને ઉકાળો પીવડાવી દીધો જેથી તે ડીહાઈડ્રેટ ના થાય.
પછી પોતાના ડૉક્ટરને ફોન કર્યો, 'ડૉક્ટર આવવાની વાર હતી એટલે ઠંડા પાણીની પટ્ટીઓ પેટ પર ને પગે ચાલુ રાખી. માથા પર લેપ લાગવાથી માથાનો દુ:ખાવો ઓછો થયો હતો, તાવની ગોળી પોતાને ઘેરથી લાવી આપવાથી તાવ પણ ઓછો થયો હતો ને પોતા પણ મૂકાતા હતા.
એટલામાં બેલ વાગ્યો, 'ડૉક્ટર આવ્યા તેમણે અચલા બહેનને તપાસ્યા. દવાઓ લખી આપી અને તાવ ઊતરે તેનું ઇન્જેક્શન આપ્યું. ડૉક્ટરની ફી પણ પોતાની ડાયરીમાં લખવા કહ્યું.
અચલા બહેન આંખો બંધ કરી બધું સાંભળીને અનુભવી રહ્યા હતા. રીયા વિષેનો અભિપ્રાય સાચો કે ખોટો એ વિચારે જાણે તેમની આંખો ખોલ્લીને બંધ થતી હતી.
એવામાં રાધી, ચોકીદારની પત્ની આવી ગઈ. તેને બધુ સમજાવી તે, કામે જવા નીકળી. દવાનું લીસ્ટ લક્ષ્મણસીંઘને આપતી ગઈ અને દવાવાળા પાસે કેવી રીતે આપવી તે દવાના પત્તા પર લખાવી
રાખવાનું કહ્યું.
સહેજ સારું લાગતા, અચલાબહેને પાસે રહેતી તેમની નણંદ અને બહેનને ફોન કર્યો, બંને જણા તરત આવી ગયા, પરંતુ અચલાબહેનને તેમને ઘેર લઈ જવાય તેવી પરિસ્થિતિ ન હોવાથી, તેમના બહેન પન્ના બહેન ત્યાં જ રોકાયા.
બે દિવસ પછી થોડું સારું લાગતા, અચલાબહેન ડ્રોઈંગરૂમમાં સૂતા સૂતા ટીવી જોતા હતા, પન્ના બહેન સામે બેઠા હતા, રાધી રસોઈ કરી રહી હતી અને બેલ રણક્યો.
પન્ના બહેને બારણું ખોલ્યું તો, એક સુંદર, સ્માર્ટ છોકરી સામે ઊભી હતી. તે હસી અને કહ્યું, 'હું ઋચા, રીયાની બહેન, પૂનાથી આવી છું. એક કવર તો મેં ઘરમાં ડ્રોપ કરી દીધું છે, મને તરસ લાગી છે, પાછા પૂના જવું છે, પાણી આપશો ?'
અચલાબહેન જવાબ આપનાવે બદલે તેની સામું જોઈ રહ્યા. ઋચા સમજી ગઈ, ઓહ, તમે પણ દીદીની જેમ મને પણ નકારાત્મક રીતે જુઓ છો, તેવી મારી કલ્પના કરો છો.'
જરા અકળાઈને બોલી, તો બે મિનિટ સાંભળી લો, 'દીદી કોણ છે ને હું કોણ છું, અમારું ખાનદાન
કોણ છે.'
'અમે પેડરરોડ પર રહેતાહતા. અમારો મોટો ફલેટ 'આંગન વાટીકા'. પણ આંગનમાં કાંટા જ કાંટા હતા શરૂઆતથી. 'પરીખ એન્ડ સન્સ' નામની પિતાજીની ડાયની ફેક્ટરી રકમ ચાલે પરંતુ પિતાજી શ્યામરાવ પરીખ આખો દિવસ ક્લબમાં જ રહે. બીલીયર્ડ, બ્રિજના શોખીન. ફક્ત સવારે નામ ખાતર આંટો મારે. અમારા મેનેજર અંબાલાલ કાકા ખૂબ અનુભવી ને પ્રમાણિક એટલે એ જ
ફેક્ટરી ચલાવે.'
માએ જ અમને ઉછેર્યા છે. ઘર પણ મા જ ચલાવે. બધું રાબેતા મુજબ ચાલતું હતું. હું પૂનામાં એમબીએના પ્રથમ વર્ષમાં ભણવા ગઈ, દીદી જેને તમે બદચલન માનો છો ફલેટવાળા, તેની હવે વાત કરું છું. તે આર્ટ્સ વિભાગમાં બીએમાં સાયકોલોજી સાથે ત્રીજા વર્ષમાં આવી. પ્રથમ બે વર્ષે યુનિવર્સિટીમાં ટોપર ૧ થી પાંચમાં હતી, અને સાયકોલોજીસ્ટ થવું હતું.
પરંતુ અમારા નસીબે સદંતર વળાંક લીધો.
ક્લબમાં પિતાજીને એક ફક્કડ, સ્ટાઈલીશ દોસ્તનો પરિચય થયો. તેણે પિતાજી પાસેથી ધંધા વિષે જાણ્યું અને નવા ધંધાની પાર્ટનરશીપની લાલચ આપી, રજીસ્ટર પાર્ટનર બન્યો તેનું નામ પ્રેમપ્રસાદ.
પરંતુ આ અમારી પડતીનું પહેલું પગથિયું હતું.
પ્રેમપ્રસાદે પિતાજીને દારૂની લતે ચડાવ્યા, સાથે વધારે બ્રીજ, બીલીયર્ડ ને છોકરીઓની કંપનીમાં ભેરવ્યા. ધીરે ધીરે પાર્ટનર તરીકે કંપનીના બધા અધિકારો પર સહી કરાવતા ગયા. આખરે દશા એવી થઈ કે, અમારી ફેક્ટરી, અમારો ફ્લેટ બધું છીનવાઈ ગયું. પિતાજી બેંકરપ્ટ-દેવાદાર થઈ ગયા. બે જુવાન છોકરીઓ સાથે અમે રસ્તા પર આવી ગયા.
પિતાજીને ભૂલ સમજાઈ અને આઘાત લાગતા તેમનું હૃદયરોગના કારણે મૃત્યુ થયું. આ બધા આઘાતોથી માના મગજ પર અસર થઈ ગઈ, એને મેન્ટલ એસાઈલમમાં મૂકવાની ફરજ પડી.
આ બધા સંજોગો સામે મારી રીયા દીદી ઢાલ બનીને ઊભી રહી. તેણે એક પણ આંસુ ના પાડયું. પોતાનું ભણતર છોડી દીધું અને નોકરી કરી મને ભણાવવાનું ને માની સેવા કરવાનું નક્કી કર્યું.
અમે મુંબઈ છોડી દીધું, પૂના આવ્યા. હું હોસ્ટેલમાં દાખલ થઈ, માને મેન્ટલ એસાઈલમમાં મૂકી, દીદી નાની મોટી નોકરી કરવા લાગી, પણ તેમાં આવક ઓછી અને સુંદરતાનું શોષણ વધારે થતું હતું. પણ એ ગાડું ગબડાવે રાખતી હતી. એ દરમિયાન તેને પિતાજીના દોસ્ત યાદ આવ્યા, જે દુબઈ રહેતા હતા. જેમનો આ ફ્લેટ છે. દીદીએ એ અંકલનો કોન્ટેક કર્યો અને તે મુંબઈ પાછી આવી. અંકલની ઓળખાણની મદદથી તેને ફાઈવસ્ટાર હોટેલમાં, વેટર્સ સુપરવાઈઝરની નોકરી મળી. સવારે ૬.૩૦ વાગે યુનિફોર્મ પહેરી એ ત્યાં જાય છે.
દીદી સારું ગાય છે, એટલે રાત્રે તેણે બારમાં ગીત ગાવાની નોકરી લીધી. તે અઠવાડિયામાં ત્રણ-ત્રણ દિવસ બે બારમાં જાય છે. બારમાં ઝાઝા ચળકતા કપડાને વધારે મેકઅપ કરી જવું પડે માટે તે હોટલની નોકરી પરથી આવીને ત્યાં જાય છે. આમ છેલ્લા ચાર વર્ષથી તે મને ભણાવે છે અને માનો મેન્ટલ એસાઈલમનો ખર્ચો ઉઠાવે છે.
આવી કુટુંબને સમર્પિત…
વાક્ય પૂરું કરે તે પહેલાં, અચલાબહેનનો ડૉક્ટર ભત્રીજો પાર્થ, લીફ્ટમાંથી દોડતો અંદર ધસી આવ્યો. કોઈ કંઈ બોલે તે પહેલાં, 'બધી વાતો પછી, ફોઈ પેકઅપ યોર લગેજ, આટલું બધું થઈ ગયું ને મને ફોન પણ ના કર્યો. અવિનાશ પપ્પા પણ સખત ચીડાયા છે. ચલો ઊભા થાવ, વ્હાલી ફોઈ (બીજા બહેનને) અચુનો સામાન પેક કરો મારી સાથે સુરત લઈ જઉં છું.'
ડૉ. પાર્થને અચલાબહેન કે તેમના બહેન કંઈ કહેવા જાય પણ પાર્થ કોઈ દલીલ માટે તૈયાર નહોતો. તે અચલાબહેનના રૂમ તરફ જવા માંડયો, અચાનક તેને બોલતી ઋચાનો ખ્યાલ આવ્યો, તેની તરફ જોઈ વિવેકથી બોલ્યો, 'સોરી યંગ લેડી, નેક્સટ ટાઈમ વાત પૂરી કરજો, આઈ એમ ઈન હરી. અચુને લઈ જઉં છું.'
ઋચા સ્તબ્ધ બની બે મિનિટ ઊભી રહી, પછી લીફ્ટ તરફ ચાલવા લાગી.
તેની પાણીની તરસ તો બુઝાઈ નહિ પણ તેની દીદી રીયાની આબરૂની લોક તરસ પર તેણે ઠંડુ પાણી રેડયું તેનો તેને સંતોષ હતો.
પછી મહિનો ઝડપથી પસાર થઈ ગયો. અચલાબહેન ભાઈ અવિનાશને દીકરાસમાન ભત્રીજા ડૉ. પાર્થને ત્યાંથી સારા તાજામાજા થઈને પાછા આવ્યા.
ઘરનું તાળું ખોલતાં જ તેમની નજર 'ફીમેલટેનન્ટ' રીયાના ઘર તરફ ગઈ. તાળું લટકતું હતું. તેમણે નક્કી કર્યું કે, આજે રાત્રે જાગીને રીયાની માફી માગીશ. એક દિવસ, બે દિવસ, ચાર-પાંચ દિવસ થઈ ગયા. 'ફીમેલ ટેનન્ટ' રીયાના ઘરનું તાળું ખુલ્યું જ નહિ.
છઠ્ઠે દિવસે જ્યારે લક્ષ્મણસીંઘ દૂધ આપવા આવ્યા ત્યારે, અચલાબહેને રીયા વિષે પૂછ્યું કે 'તેનું ઘર કેમ બંધ રહે છે ?'
લક્ષ્મણસીંઘ, 'દીદી તો પૂના ચલી ગઈ. ઉનકી બહેન ઋચાદીદી આઈથી ના, વો ઇસ મહિને કા કિરાયા દેકર ચલી ગઈ. ઉનકી પઢાઈ પૂરી હો ગઈ હૈ, ઔર પૂના મેં ઉનકો અચ્છી નોકરી મીલ ગઈ હૈ, ઇસલિયે દીદી કો ભી લે ગઈ, દીદીને બહુ મહેનત કી ઉનકો પઢાને કે લીયે ઓર મા કે ઇલાજ કે લીયે.'
દીદી મુજે ભી રાશન કે લીયે પૈસે દેતી થી. બહુત અચ્છી થી, મેં ચલતા હૂં, આપ બીમાર થે તબ ભી આપકી સેવા કી થી.
આટલું બોલી લક્ષ્મણસીંઘ ચાલ્યા ગયા.
અચલાબહેન સમક્ષ રીયા સાથેના શરૂઆતના વ્યવહારથી અંત સુધીનું રીલ ચાલી થઈ ગયું. તેઓ ગહેરા વિચારમાં ડૂબી ગયા.
સવારનો નિત્યક્રમ પતાવી, પૂજા કરી ઊઠયા ને ડોરબેલ રણક્યો, તેમણે બારણું ખોલ્યું તો બમ્બૈયા મેકઅપ અને સ્ટાઈલ સાથે ખ્યાતિબહેન અને વત્સલાબહેન ઊભા હતા.
અચલાબહેન તેમને આવકારવાને બદલે બારણામાં જ ઊભા રહ્યા.
બંને જણે કેમ છો કર્યું.
અચલાબહેન આવો ના કહ્યું, પણ બારણામાં ઊભા રહીને જ કહ્યું, 'સોરી મારે જરા બહાર જવું છે, પછી મળીએ તો !'
(અચલાબહેનને રીયા માટે કરેલા નીમ્ન વિચારોના વમળોમાંથી બહાર નીકળવું હતું. એ કળણમાં ફરી ડૂબવું નોતું.)
વત્સલાબહેન, 'હા, હા કંઈ વાંધો નહિ, અમે તો તમને ખુશખબરી જ આપવા આવ્યા છીએ.'
અચલાબહેન, 'શેની ખુશખબરી ?'
ખ્યાતિબહેન, 'તમારી બાજુની પેલી 'ફીમેલટેનન્ટ' આખરે ગઈ. લપ, ગઈ લપ. હવે તેનું મોઢું નહિ જોવું પડે. શું એ ગોરખધંધા કરતી તી.'
અચલાબહેન એકદમ જોશભેર ને ઉકળીને બોલી ઊઠયા, 'એ છોકરી રીયા લપ ન હતી, પણ લડવૈયણ હતી. એ ગોરખધંધા નતી કરતી. જીવનના સંજોગો સામે લડી કુટુંબ માટે જે મળી તે નોકરી કરતી હતી. તેની બહેનને ભણાવતી હતી, ને માની મેન્ટલ એસાઈલમની દવાદારૂ કરતી હતી. તેણે પોતાનું ભણવાનું છોડી દીધું હતું ને પહેલા તેઓ પેડરરોડ પર રહેતા હતા.'
જીવના સંઘર્ષ સામે લડી જીવનનૌકા આગળ વધારનાર ભલે બારની નોકરી કરે પણ તે ગોરખધંધા નથી, પવિત્ર ધંધા છે.
વત્સલાબહેન, ખ્યાતિબહેન સાથે, 'એમ, એમ તમને કેવી રીતે ખબર પડી ?'
અચલાબહેન, 'સોરી મારે બહાર જવાનું મોડું થાય છે. ફરી ક્યારેક વાત કરીશું.'
વત્સલાબહેન અને ખ્યાતિબહેન પડેલા મોઢે લીફ્ટ તરફ ચાલવા લાગ્યા.
તેમના મોઢા પરનો મેકઅપ તો એમનો એમ જ હતો, પરંતુ ખોદણી માટે કરવાની ઉત્સાહીત રેખાઓ નરમ પડી ગઈ હતી.
અચલાબહેને વીલા મોઢે બાજુના 'ફીમેલટેનન્ટ'ના ઘરના બંધ તાળા સામે જોયું.
તેમની આંખોના ખૂણા ભીના થયા.
તે મનમાં વિચારી રહ્યા, 'સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય છે. અને પગ ખેંચવાવાળી હોય છે.'
તેમણે ઘરનું બારણું બંધ કર્યું.
પરંતુ અચલાબહેનના મનનું બારણું સદા માટે ખુલી ગયું હતું.









