અંતરિક્ષની આગનો પુરાવો! ઇજિપ્તનાં ફારોહના ગળામાં લટકતો હતો

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
બ્રહ્માંડ અને પૃથ્વીના ઇતિહાસમાં, એવી કેટલીય પ્રચંડ અને વિસ્ફોટક ઘટનાઓ બની છે, જેના પુરાવા આજે પણ આપણી નજર સામે વિખરાયેલા પડયા છે. આવી જ એક અકલ્પનીય અને રહસ્યમય બ્રહ્માંડીય ઘટનાનો જીવતો જાગતો પુરાવો, આફ્રિકાના વિશાળ સહારા રણના એક ખૂણામાં દટાયેલો છે. ઇજિપ્ત અને લિબિયાની સરહદ પર ફેલાયેલા ૭૨૦૦૦ ચોરસ કિલોમીટરના 'ગ્રેટ સેન્ડ સી' નામના નિર્જન વિસ્તારમાં, સોનેરી-લીલા રંગના કાચના હજારો ટુકડાઓ પથરાયેલા છે. સૂર્યના પ્રકાશમાં ચમકતા આ વિશિષ્ટ કાચને, વૈજ્ઞાનિક જગતમાં 'લિબિયન ડેઝર્ટ ગ્લાસ' તરીકે ઓળખવામાં આવે છે. આ કોઈ સામાન્ય કાચ નથી, પરંતુ પૃથ્વી પરનો પ્રકૃતિ દ્વારા સર્જાયેલો સૌથી શુદ્ધ કુદરતી સિલિકા કાચ છે. કરોડો વર્ષોથી રણની તેજ હવાઓએ, તેને ઘસીને સુવાળો અને આકર્ષક બનાવ્યો છે.
વૈજ્ઞાનિક જર્નલ 'મેટોરિટિક્સ એન્ડ પ્લેનેટરી સાયન્સ'માં પ્રકાશિત સંશોધન પત્ર, 'ન્યુ એવિડન્સ ઓન ધ ફોર્મેશન કન્ડિશન્સ ઓફ ધ લિબિયન ડેઝર્ટ ગ્લાસ'માં આ કાચના રહસ્ય પરથી પડદો ઉઠયો છે. વિજ્ઞાન, ઇતિહાસ અને પુરાતત્વના આવા અદભુત સંગમ સમાન આ કાચ, આજે પણ સંશોધકો માટે કુતૂહલનો વિષય છે. પરંતુ આ સર્જનની પાછળની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, કેવા વિવાદોથી ખરડાયેલી છે?
૨૬ કિલોની ચાવી : શોધ એક, સવાલ અનેક
આ અનોખા કાચને પશ્ચિમી જગત અને વિજ્ઞાનની નજરે લાવવાનો શ્રેય, બ્રિટિશ સંશોધકોને જાય છે. ઈ.સ. ૧૯૩૨-૧૯૩૩માં બ્રિટિશ સંશોધકોની ટુકડી ઇજિપ્તના પશ્ચિમી રણના અડાબીડ વિસ્તારોની સફરે નીકળી હતી, ત્યારે તેમની નજર રેતીના ઢુવાઓ વચ્ચે પથરાયેલા સોનેરી-લીલા પથ્થરો પર પડી. એક સદીથી વિજ્ઞાનીઓ આ કાચના નિર્માણની પ્રક્રિયાને સમજવા મથી રહ્યા છે. આ કાચના સૌથી મોટા ટુકડાનું વજન આશરે ૨૬ કિલોગ્રામ છે, જે વિજ્ઞાનીઓ માટે કરોડો વર્ષ જૂના બ્રહ્માંડીય રહસ્યો ખોલવાની ચાવી સમાન છે! ૧૯૨૦ના દાયકામાં બ્રિટિશ પુરાતત્વવિદ્ હાવર્ડ કાર્ટરે તુતનખામુનની કબર શોધી ત્યારે કોઈને અંદાજ નહોતો કે, રાજાના સુવર્ણ હારની બિલકુલ મધ્યમાં જડવામાં આવેલો, સૂર્યદેવના પ્રતીક સમાન સ્કૅરબ ભમરો લિબિયન રણના કાચમાંથી બનેલો છે. તેના લગભગ ૭૦ વર્ષ પછી, ૧૯૯૭માં ઇટાલિયન ખનિજશાસ્ત્રી વિન્સેન્ઝો ડી મિશેલે કૈરો સંગ્રહાલયની મુલાકાત લીધી, ત્યારે તેમની અનુભવી નજરે આ રહસ્ય પારખ્યું હતું. ૧૯૯૮માં થયેલા ઓપ્ટિકલ પરીક્ષણોએ સાબિત કર્યું કે, આ કાચ ૨.૯૦ કરોડ વર્ષ પહેલાં રણમાં બનેલો 'લિબિયન ડેઝર્ટ ગ્લાસ' જ હતો.
તેના ઉદ્ભવ અંગે એક સદીથી વાદ-વિવાદ ચાલે છે. શરૂઆતમાં કેટલાક સંશોધકોએ વિચિત્ર થિયરી આપી હતી કે, આ કાચ ચંદ્ર પર આવેલા જ્વાળામુખીના વિસ્ફોટથી પૃથ્વી પર ફેંકાયો હશે! અન્ય કેટલાકનું માનવું હતું કે, રણમાં ત્રાટકેલી પ્રચંડ વીજળીએ રેતીને ઓગાળીને આ કાચ બનાવ્યો છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં 'ફુલગુરાઈટ' કહે છે. પરંતુ વિજ્ઞાનના પાકા પુરાવા સામે આ બધી થિયરીઓ ટકી શકી નથી; કારણ કે વીજળીથી બનતા ફુલગુરાઈટ અત્યંત નાના અને ટયુબ જેવા હોય છે, જ્યારે અહીં તો હજારો ટન કાચના મોટા-મોટા પથ્થરો વિખરાયેલા હતા. છેવટે વિજ્ઞાન એક વાત પર સહમત થયું કે, આ ઘટના પાછળ કોઈ બ્રહ્માંડીય શક્તિ જ જવાબદાર છે. પરંતુ આ રહસ્ય પરથી પડદો ઉઠાવનાર મુખ્ય વ્યક્તિઓ
કોણ છે?
પરમાણુ બોમ્બ કે ઉલ્કા?
૧૯૯૬માં પ્રોફેસર ક્રિશ્ચિયન કોબર્લની ટીમે, ઇલેક્ટ્રોન માઇક્રોપ્રોબ અને ઇન્સ્ટ્રુમેન્ટલ ન્યુટ્રોન એક્ટિવેશન એનાલિસિસનો ઉપયોગ કરીને, આ કાચની અંદર બે અતિ દુર્લભ ખનિજો શોધી કાઢયા હતા : 'લેશેટેલિયરાઇટ' અને 'બેડેલીયાઇટ'. લેશેટેલિયરાઇટએ ક્વાર્ટઝ રેતી અત્યંત ઊંચા તાપમાને ઓગળે ત્યારે બને છે, જ્યારે બેડેલીયાઇટ એ ઝિર્કોન નામના ખનિજના વિઘટનથી બને છે. આ બંને ખનિજો ત્યારે જ અસ્તિત્વમાં આવે, જ્યારે તાપમાન ૧૬૦૦ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ હોય! પૃથ્વીના પેટાળમાં સામાન્ય ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયાઓમાં આટલું પ્રચંડ તાપમાન ક્યારેય પેદા થતું નથી.
૨૦૧૯માં ડા. એરોન કેવોસીએ આ કાચમાં, 'રેઇડાઇટ' નામના અત્યંત વિરલ ખનિજના માઇક્રોસ્કોપિક અવશેષો શોધી કાઢયા. ઝિર્કોન પર જ્યારે અકલ્પનીય દબાણ અને તાપમાન આવે, ત્યારે તેનું રૂપાંતર રેઇડાઇટમાં થાય છે. આ પ્રક્રિયા માત્ર અને માત્ર ત્યારે જ શક્ય બને છે, જ્યારે કોઈ ઉલ્કા કે લઘુગ્રહ પૃથ્વીની સપાટી સાથે સીધો જ અથડાયો હોય. ૨૦૧૩માં રશિયાના ચેલ્યાબિન્સ્ક શહેરમાં, હવામાં જ એક મોટો ઉલ્કાપિંડ ફાટયો હતો. જેને એરબર્સ્ટ કહેવાય છે. તેનાથી હવામાં પ્રચંડ ગરમી પેદા થઈ હતી, પરંતુ જમીન પર કોઈ ખાડો નહોતો પડયો. વિજ્ઞાનીઓ લાંબા સમય સુધી માનતા હતા કે, લિબિયન કાચ પણ આવા જ કોઈ ૧૦૦ મેગાટનના હવાઈ વિસ્ફોટથી બન્યો હશે. પરંતુ રેઇડાઇટની હાજરીએ સાબિત કરી દીધું કે, આ કોઈ હવાઈ વિસ્ફોટ નહોતો, પરંતુ સીધો અને પ્રચંડ ઉલ્કાપાત જ થયો હતો!
વિજ્ઞાનીઓના મતે આવી સ્થિતિ, પૃથ્વી પર માત્ર બે જ રીતે પેદા થઈ શકે : ૧. પરમાણુ બોમ્બનો વિસ્ફોટ થયો હોય અથવા ૨. કોઈ વિશાળ ઉલ્કા પૃથ્વી સાથે અથડાઈ હોય! કરોડો વર્ષ પહેલાં પરમાણુ બોમ્બ હોવાની શક્યતા વિજ્ઞાનીઓ સ્વીકારતા નથી, એટલે ઉલ્કાપાતની થિયરીને તેઓ એકદમ પાકી સાબિતી ગણે છે. જો આટલી વિશાળ ઉલ્કા પૃથ્વી સાથે સીધી અથડાઈ હોય, તો તેના પુરાવાઓ ક્યાં છે? વિજ્ઞાનીઓ પાસે આ સવાલનો કોઈ જવાબ નથી.
ભેદ ઉકેલનારના નામે લઘુગ્રહ છે
સદીઓથી સુધી ન ઉકેલાયેલા રહસ્યને ઉકેલવા માટે અસાધારણ નૂતન અભિગમની જરૂર પડે છે. આ રહસ્ય ઉકેલવા આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓએ પોતાનું જીવન સમર્પિત કર્યું છે. જેમાં અગ્રસર નામ પ્લેનેટરી સાયન્ટિસ્ટ પ્રોફેસર ક્રિશ્ચિયન કોબર્લનું છે. વિયેનાના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ અને યુનિવર્સિટી ઓફ વિયેનામાં જીઓકેમિસ્ટ્રીના પ્રોફેસર કોબર્લ, ઉલ્કાપાતથી બનતા ખાડાઓના સંશોધનમાં અગ્રણી વિજ્ઞાની ગણાય છે. તેમણે ૧૯૯૬માં, લિબિયન ડેઝર્ટ ગ્લાસના રાસાયણિક બંધારણનો તદ્દન નવો એક્સ-રે રજૂ કર્યો હતો. તેમની અસાધારણ વૈજ્ઞાનિક સિદ્ધિઓ માટે વૈજ્ઞાનિક જગતે, ૨૦૦૧માં એક લઘુગ્રહનું નામ પણ '૧૫૯૬૫ કોબર્લ' રાખીને તેમને બહુમાન આપ્યું હતું. ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત કર્ટિન યુનિવર્સિટીના સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટરના અગ્રણી સંશોધક ડૉ. એરોન કેવોસીએ સંશોધનનું મેદાન સંભાળ્યું. ડા. કેવોસી પૃથ્વી પર અબજો વર્ષો પહેલાં થયેલા ઉલ્કાપાતના, માઇક્રોસ્કોપિક પુરાવા શોધવામાં નિષ્ણાત છે. તેમની કામગીરી, પત્રકારત્વની ચોકસાઈ અને ડિટેક્ટિવ જેવી બારીકાઈ ધરાવે છે. તેમણે પ્રોફેસર કોબર્લ સાથે મળીને, લિબિયન ડેઝર્ટ ગ્લાસની અંદર છુપાયેલા અતિ સૂક્ષ્મ સ્ફટિકોનું વિશ્લેષણ કર્યું. ડૉ કેવોસીએ લિબિયન રણની કાળઝાળ ગરમી વચ્ચે, રાતો વિતાવીને સેમ્પલ એકઠા કર્યા છે. તેમણે સાબિત કર્યું કે, 'પૃથ્વીની સપાટી પર જ્યારે અવકાશી ખડક સીધો અથડાય છે, ત્યારે જ આ પ્રકારનું વિશિષ્ટ બંધારણ સર્જાઈ શકે છે.' તેમના આ સંશોધને, વૈજ્ઞાનિક સામયિક 'જીઓલોજી'માં ભારે હલચલ મચાવી દીધી હતી. આ રહસ્યના આધુનિક પ્રકરણમાં ઇટાલીની યુનિવર્સિટી ઓફ મિલાનો-બિકોકાના પ્રોફેસર ફોસ્કો ડી'એમિકો અને તેમની ટીમનો ફાળો પણ અત્યંત પ્રશંસનીય છે. ૨૦૨૦ના દાયકામાં થયેલા સૌથી આધુનિક નેનો-ટેકનોલોજી પરીક્ષણો, આ ઇટાલિયન વિજ્ઞાનીઓ દ્વારા જ હાથ ધરવામાં આવ્યા છે. તેમણે વાળથી ૨૦ ગણા નાના કણોનું પરીક્ષણ કરીને, કરોડો વર્ષ જૂની ઘટનાનું તાપમાન માપ્યું છે. આજે આપણે એ જાણી શક્યા છીએ કે, સહારાના રણમાં ૨.૯૦ કરોડ વર્ષ પહેલાં વાસ્તવમાં શું બન્યું હતું.
બ્રહ્માંડ, સંસ્કૃતિ અને વિજ્ઞાનનો સંગમ
આ કાચ એક સીધા અને પ્રચંડ ઉલ્કાપાતનું જ પરિણામ છે, તો પછી સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે, તે ઉલ્કાની અથડામણથી બનેલો પ્રચંડ ખાડો ક્યાં છે? હજારો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો કાચ બનાવવા માટે, જે ઉલ્કા પૃથ્વી સાથે અથડાઈ હશે તેનો ખાડો પણ એટલો જ વિશાળ હોવો જોઈએ. પરંતુ સહારાના આ રણમાં, આવો કોઈ જ કન્ફર્મ થયેલો ખાડો આજ દિન સુધી મળ્યો નથી! લિબિયાના પૂર્વ ભાગમાં આવેલા 'જીપી' અને 'ઓએસિસ' નામના ખાડાઓ, આ કાચના ક્ષેત્રથી ઘણા દૂર છે અને કદમાં પણ અત્યંત નાના છે.
વિશાળ ક્રેટર ન મળવાનાં બે કારણો હશે. પ્રથમ, પૃથ્વી પર સહારાનું રણ એ સૌથી વધુ ગતિશીલ અને સક્રિય વાતાવરણ ધરાવે છે. ૨.૯૦ કરોડ વર્ષોમાં રણની ભયાનક આંધીઓ, પવનોનું સતત ઘર્ષણ અને તાપમાનના અતિશય ફેરફારોને કારણે, ખાડો કદાચ સંપૂર્ણપણે ભૂંસાઈ ગયો હોય અથવા રેતીના વિશાળ ઢુવાઓની નીચે દટાઈ ગયો હોય. જો ખરેખર એવું થયું હોય, તો કાચ પણ રેતી નીચે દટાઈ જવો જોઈએ? પરંતુ એવું થયું નથી!
ભવિષ્યમાં આ ખાડાને શોધવા માટે, સેટેલાઇટ રિમોટ સેન્સિંગ ટેકનોલોજી અને જમીનની અંદર જોઈ શકતા ગ્રાઉન્ડ-પેનિટ્રેટિંગ રડારનો ઉપયોગ કરવો પડશે. આ સંશોધન માત્ર ભૂતકાળને સમજવા માટે જ નહીં, પરંતુ પૃથ્વીના ભવિષ્ય અને પ્લેનેટરી ડિફેન્સ એટલે કે, અવકાશી આફતો સામે પૃથ્વીના રક્ષણ માટે અત્યંત મહત્વનું છે. લિબિયન કાચ બનાવે તેવા ભયાનક ઉલ્કાપાત, કરોડો વર્ષોમાં એકાદ વાર જ થાય છે. જે માનવજાત માટે રાહતના સમાચાર છે. આમ, સહારાના રણમાં વિખરાયેલો આ સોનેરી-લીલો કાચ, બ્રહ્માંડની પ્રલયકારી શક્તિ, પ્રાચીન માનવ સંસ્કૃતિની કલાત્મકતા અને આધુનિક વિજ્ઞાનની જિજ્ઞાસાનો એક અદભુત સંગમ છે. એક નાનકડો સ્ફટિક, જે માનવ વાળ કરતાં પણ પાતળો છે, તે પોતાનામાં બ્રહ્માંડના કરોડો વર્ષ જૂના રહસ્યો સાચવીને બેઠો છે.









