Ravi Purti

E20 એટલે શેરડીમાંથી સોનું બનાવ્યાનું મિથ્યાભિમાન...!

By GS Team
8 Aug 20262 mins read
E20 એટલે શેરડીમાંથી સોનું બનાવ્યાનું મિથ્યાભિમાન...!
  • શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

સ મગ્ર ભારતમાં પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલ ઉમેરવામાં આવતાં ભારે ગૂંચવણ પેદા થઈ છે. બધાને એવું લાગે છે કે એવરેજ બગડી ગઈ છે અને એંજીનમાં તકલીફ ઊભી થઈ છે. અહીં ૨૦૨૩ની લક્ષ્મણ રેખા યાદ રાખો.
હવે એ સમજી લો કે જે વાહનો ૨૦૨૩ કે તે પછી બન્યા છે એ ઈ-૨૦ કોમ્લાયન્ટ છે એટલે એમણે કોઈ ચિંતા કરવી નહિ. અતિ શુદ્ધ પેટ્રોલ શોધવાની કસરત બંધ કરવી.
જો તમારા વાહનના પેટ્રોલના ઢાંકણમાં ઈ-૨૦ સ્ટિકર હોય તો તે ઈ-૨૦ બળતણ માટે તૈયાર છે. હવે મોટાભાગના પેટ્રોલપંપ પર ઈ-૨૦ જ મળે છે છતાંયે કેટલાંક નાના શહેરોમાં જૂનો સ્ટોક ચાલુ હશે.
ઈથેનોલ વિનાનું અતિશુદ્ધ પેટ્રોલ ફક્ત લકઝરી વાહનો માટે છે જેની કિંમત લગભગ ૧૫૦ રૃા. પ્રતિ લિટર છે. એટલે ત્યાં બીએમડબ્લ્યુની જગા રાખવી. ઈ-૨૦નો પર્યાય નથી.
ઈથેનોલ એટલે કે ઇથાઇલ આલ્કોહોલ શેરડીમાંથી બને છે. શેરડીના રસમાં મોટા પ્રમાણમાં શર્કરા હોય છે. સેકેરોમાઇસિસ સેરેવિસી નામની યીસ્ટ આ શર્કરાનું આથવણ કરી ઇથેનોલ બનાવે છે. આ દરમ્યાન નીકળેલા શેરડીના કૂચા પ્લાન્ટ ચલાવવા માટે ઉપયોગી થાય છે.
ઈથેનોલ બનાવતો પ્લાન્ટ જબરજસ્ત પ્રદુષણ ફેલાવે છે. તેનાથી વનસ્પતિ, માટી કાળા થઈ જાય છે. મેઘાલયના પ્લાન્ટનો વિડીઓ તમે જોયો હશે. તેમાંથી અંતે નીકળતું ગંદુ પાણી બરાબર ટ્રીટ ના થાય તો નદી, તળાવોના પ્રાણવાયુની માત્રા ઘટાડી પાણીના જીવો માટે ઘાતક બને છે.
શેરડીના પાકને મબલખ પ્રમાણમાં ઉગાડવા પાણી ઉપરાંત પેસ્ટીસાઇડ અને ખાતરનો ઉપયોગ થાય છે જે માટીની ફળદ્રુપતાને અસર કરે છે.
ઈથેનોલમાં પેટ્રોલ કરતાં ઓછી એનર્જી હોવાથી વાહનની એવરેજ ૩ થી ૮ ટકા ઘટે છે કારણ કે એટલા જ પાવર માટે સહેજ વધુ બળતણ જોઈએ છે.
જોકે ચોક્કસ કારણ તો વાહનના પ્રકાર અને ડ્રાઇવિંગ કન્ડિશન પર આધારિત છે. કેટલાંક વાહન ચાલકો ''પરફોર્મન્સ'' બગડયાની વાતો કરે છે. (જેમના વાહનો જૂના છે) પરંતુ દરેક કેસમાં ઈ-૨૦ જ જવાબદાર છે એવું કહી ના શકાય.
જે વાહનો (૨૦૨૩ પહેલાંના) નોન ''કોમ્પેટિબલ'' છે તેઓમાં લાંબા સમયના વપરાશ પછી ફ્યુઅલ લાઇન, રબર સીલ અને એંજીનના કેટલાંક ઘટકોના પ્રશ્નો ઉદ્ભવી શકે છે. એમણે ઓથોરાઇઝ્ડ સર્વિસ સેન્ટર પાસે જ પ્રશ્નોનું નિરાકરણ શોધવું. મોબાઇલના રીલના રવાડે ના ચઢવું.
સરકારની સ્થિતી વિચિત્ર છે. એમના મતે ઈ-૨૦ બળતણ, જરૂરી સ્ટાન્ડર્ડ પ્રમાણે છે. તેમનો હેતુ ઓઈલની આયાત ઘટાડવાનો છે અને સ્થાનિક ઈથેનોલ ઉત્પાદન વધારવાનો છે. સરકાર સ્પષ્ટ કરે છે કે આ પ્રયોગ નથી.
પેચીદો પ્રોબ્લેમ પાણીનો છે. એક લીટર ઈથેનોલના ઉત્પાદનમાં પ્લાન્ટમાં ૩ થી ૫ લીટર પાણી જ જોઈએ. જમીનમાં વોટર ટેબલ ઝડપથી નીચે જઈ રહ્યું છે. એવું ના થાય કે શેરડીમાંથી સોનું મેળવ્યા પછી પણ તરસ્યા જ ટપકી જાવ… !!
ઓટોમોબાઈલ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે ઈથેનોલ-૨૦ એક એવું શબ્દભેદી બાણ છે જે ઈથેનોલ મંત્રીને જ વીંધી નાંખશે.