ડ્રેગન, પિશાચ અને AI

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- એક પાકિસ્તાની ક્રિયેટરે પોતાના કમ્પ્યુટર પર એઆઈ વડે ફિલ્મ બનાવી ને યુટયુબ પર તરખાટ મચી ગયો. એક મહિનાની અંદર તેને એક અબજ કરતાંય વધારે વ્યુઝ મળી ગયા. ફિલ્મમેકર બનવા માગતા ક્રિયેટિવ ઉત્સાહીઓ પાસે હવે એઆઈ નામનું શક્તિશાળી શસ્ત્ર આવી ગયું છે એ તો નક્કી.
- ધ મધર્સ મોન્સ્ટર
આ જકાલ એક નવજાત ડ્રેગન અને એની મા બહુ પોપ્યુલર થઈ ગયાં છે. બાળ-ડ્રેગન પરાણે વહાલું લાગે એવું છે - ક્યુટ-ક્યુટ, ગુલાબી-ગુલાબી. ચમકાવી દે એવી વાત આ છે: આ સુંદર ડ્રેગન બચ્ચાની જનેતા કોઈ માદા ડ્રેગન નથી, બલ્કે એ એક કાળા માથાની મનુષ્ય-સ્ત્રીનું સંતાન છે! સ્ત્રીને પોતાનેય ખબર નહોતી કે એના ગર્ભમાં ઉછરી રહેલું બાળક મનુષ્ય નહીં, પણ ડ્રેગન છે! આ ભૂમિકા, આ વિચાર જ એટલો આકર્ષક છે કે એના આધારે બનેલી ફિલ્મ ઇન્ટરેસ્ટિંગ ન બને તો જ આશ્ચર્ય. ૨૮ મિનિટની આ ફિલ્મનું ટાઇટલ છે, 'શી ગેવ બર્થ ટુ અ ડ્રેગન - ધ મધર્સ મોન્સ્ટર'. આ એક સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા તૈયાર થયેલી શોર્ટ ફિલ્મ છે. ૧૪ જુલાઈએ તે યુટયુબ પર મૂકાઈ અને ડિજિટલ એન્ટરટેઇન્મેન્ટની દુનિયામાં, સમજોને કે, ધમાકા હો ગયા. એક લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં તેને એક અબજ વ્યુઝ મળી ચૂક્યા છે! રિલીઝ થયાંના પહેલા સાત દિવતમાં જ ૫૫ મિલિયન વેરીફાઇડ વ્યુઝ થઈ ચૂક્યા હતા.
હજુ ઔર એક રસપ્રદ વાત સાંભળો: આ સંપૂર્ણપણે એઆઈ જનરેટેડ ફિલ્મ એક પાકિસ્તાની જુવાનિયાએ બનાવી છે. નામ છે એનું, ઝાહિદ ઇક્બાલ. અચાનક જ, કોણ જાણે ક્યાંથી, પાકિસ્તાનના આ અજાણ્યા ડિજિટલ ક્રિએટરે એક એવી નાનકડી ફેન્ટસી ફિલ્મનું સર્જન કરી બતાવ્યું કે કોઈ પણ ટિપિકલ સ્ટુડિયો, મોટા સ્ટાર્સ કે થિયેટર રિલીઝ વિના તે વિશ્વભરના દર્શકો સુધી પહોંચી ગયું. મનમાં કદાચ સવાલ જાગે: હેં? પાકિસ્તાનીઓને આટલું બધું એઆઈ ક્યારથી આવડી ગયું? આપણાવાળા શું કરે છે? તો સાંભળી લો, આપણાવાળા પણ મસ્ત મસ્ત એઆઇ જનરેડેટ ફિલ્મો બનાવવા લાગ્યા છે. કરીશું, આપણે એમની વાત પણ કરીશું, પણ પહેલાં 'ધ મોન્સ્ટર્સ મધર' વિશે ચર્ચા કરી લઈએ.
સૌથી પહેલાં તો, કોણ છે આ ફિલ્મ બનાવનારો ઝાહિદ ઇકબાલ? એ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લય્યાહ નામના શહેરનો વતની છે અને ઝેટોમેટ નામના ડિજિટલ સ્ટુડિયો સાથે કામ કરે છે. એની પાસે પરંપરાગત ફિલ્મોનું ડિરેક્શન કરવાનો કોઈ અનુભવ નથી. એની પ્રોફાઇલ કહે છે તે મુજબ, એણે છેલ્લાં પાંચ વર્ષમાં દુનિયાભરના ૫૦૦થી વધુ ક્લાયન્ટ્સ માટે ડિઝાઇન, એનિમેશન અને વીડિયો ડિરેક્શન કર્યું છે. આટલા અનુભવે ઝાહિદને એક મહત્ત્વની વાત શીખવી દીધી: જો વીડિયો એકદમ ચકચકિત હોય તો જ ઓડિયન્સ એને સારો પ્રતિસાદ આપે એવું નથી. જે કોન્ટેન્ટ ધૂમ મચાવે છે તેની પાછળ સામાન્યપણે આ બે વસ્તુ કામ કરતી હોય છે - મજબૂત સ્ટોરી અને અને ઇમોશનલ હૂક!
જુઓને, ઝાહિદે બનાવેલી 'ધ મધર્સ મોન્સ્ટર' ફિલ્મનો આઇડિયા કેટલો સરળ છે. જાણે બાળવાર્તા જોઈ લો. દૂર-દૂર બરફીલા પહાડો વચ્ચે એક અંતરિયાળ ગામ છે, જેમાં એલારા નામની એક ી વસે છે. ફિલ્મની શરૂઆત જ એની પીડાદાયી પ્રસૂતિથી થાય છે. એ બાળકને જન્મ તો આપે છે, પણ એ જુએ છે કે આ કોઈ મનુષ્ય નથી, આ તો એક ડ્રેગન છે. આઘાત પામી ગયેલી એલારા શરૂઆતમાં તો બાળ-ડ્રેગનને ધુત્કારી કાઢે છે, તેને ગુફામાં મૂકીને જતી રહે છે, પણ પછી એની માતૃત્વ જાગી ઉઠે છે.
એ બચ્ચાને છાનીમૂની પોતાના ઘરે લઈ આવે છે, અને એનું નામ પાડે છે - એમ્બર. આ મમતામયી સ્ત્રી માટે ડ્રેગન પોતાનું સગું સંતાન જ છે, પણ ગામલોકો માટે આ અજાયબ પ્રાણીને રાક્ષસ તરીકે જુએ છે. પછી? પછી શું થાય છે તે તમારે યુટયુબ પર જઈને જોઈ લેવાનું છે.
અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખજો. યુટયુબ પર મૂકાતું કોન્ટેન્ટ નધણિયાત ખેતર જેવું હોય છે. લોકો તેનો મનફાવે તેમ ઉપયોગ કરતા હોય છે. 'ધ મધર્સ મોન્સ્ટર્સ' ફિલ્મ તમને અલગ અલગ કેટલીય યુટયુબ ચેનલો પર દેખાશે, પણ તમારે સ્રૃ્લ્લઇછ નામની યુટયુબ ચેનલ ધ્યાનમાં લેવાની છે, કેમ કે અહીં મૂકાયેલી ફિલ્મ જ ઓરિજિનલ અને જેન્યુઇન છે.
આ ફિલ્મ કેવી રીતે બની? ૨૭-૨૮ મિનિટની માસ્ટર કટ સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ પછી માત્ર ૭૨ કલાકથી પણ ઓછા સમયમાં તેની કોર પ્રિન્ટ તૈયાર થઈ ગઈ હતી. આ ફિલ્મ માટે કમ્પ્યુટિંગ, સોફ્ટવેર અને ઓડિયોનો ખર્ચ ૨,૦૦૦ ડોલર (આશરે ૧ લાખ ૯૪ હજાર રૂપિયા) કરતાં પણ ઓછો થયો છે. ૪૦૦થી વધુ અલગ-અલગ દ્રશ્યો જનરેટ કરવામાં આવ્યા, તેનું કલર ગ્રેડિંગ થયું, બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઉમેરાયું અને પછી એડિટિંગ કરીને ફિલ્મને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું. આ ફિલ્મની સૌથી મોટી સફળતા છે, એની વિઝયુઅલ કન્સિસ્ટન્સી. જુદાં જુદાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સથી બનતી ફિલ્મો સામે સૌથી મોટો પડકાર જ આ હોય છે - દ્રશ્યોમાં સાતત્ય પેદા કરવું. એઆઈથી એક રૂપકડા ડ્રેગનની તસવીર તો ફટાક કરતી બની જશે, પણ આ જ ડ્રેગન ત્રણ દિવસનો હોય ત્યારે, ત્રણ મહિનાનો હોય ત્યારે, પછી તે છ મહિનાનો થાય ત્યારે, જુદાં જુદાં સ્થળોએ, અલગ-અલગ લાઈટિંગમાં, એેની મનુષ્ય-માતા સાથે કમ્યુનિકેટ કે ક્રિયા-પ્રતિક્રિયા કરતી વખતે, આ તમામ સ્થિતિઓમાં તેને અલગ-અલગ ભાવો વ્યક્ત કરતો દર્શાવવો અત્યંત મુશ્કેલ કામ છે. એકલું ડ્રેગન જ શા માટે, આખી ફિલ્મ દરમિયાન એની માતાનો ચહેરો પણ એકસરખો રહેવો જોઈએ. તેનો ચહેરો, વાળ, સ્કિન, કપડાં, આસપાસનું વાતાવરણ અને લાગણીઓનું સાતત્ય અનિવાર્યપણે જળવાવું જોઈએ. એઆઈ દ્વારા જનરેટ થયેલી એક નાની વીડિયો ક્લિપ અને આખી ફિલ્મ વચ્ચેનો આ જ સૌથી મોટો ફર્ક છે. ક્લિપ પરથી એટલું સાબિત થાય કે એઆઈથી એક-બે-ચાર શોટ આસાનીથી બની શકે છે, પણ વીસ-પચ્ચીસ કે તેથી વધુ મિનિટની આખી એઆઈ ફિલ્મ બનાવતી વખતે જે સવાલો ઊભા થાય છે તે આ છે: શું તમે શોટ નંબર ૧, શોટ નંબર ૪૭ અને શોટ નંબર ૬૦૪ એવા બનાવી શકશો જેમાં કન્સિસ્ટન્સી જળવાઈ રહી હોય? આ તમામમાં એ જ પાત્રો છે અને એ જ માહોલ છે તે તમે સુનિશ્ચિત કરી શકશો? એઆઈ ફિલ્મો સામે ખરો ટેકનોલોજીકલ પડકાર આ છે.
અચ્છા, 'ધ મધર્સ મોન્સ્ટર' ફિલ્મ યુટયુબ પર મૂકાઈ, હિટ થઈ ને પછી એક અસાધારણ ઘટનાક્રમ સર્જાઈ ગયો. કેટલાય અતિઉત્સાહી ક્રિયેટરોએ પોતપોતાની રીતે ફિલ્મની વાર્તા આગળ વધારી અને આ ફિલ્મનો અનઓફિશિયલ પાર્ટ-ટુ બનાવીને યુટયુબ પર ધડાધડ અપલોડ પણ કરી દીધો. તમે યુટયુબ પર જઈને જોશો તો તમને 'ધ મધર્સ મોન્સ્ટર'ના કેટલાય પાર્ટ-ટુ જોવા મળશે. હકીકત એ છે કે મૂળ ક્રિયેટર ઝાહિદ ઇક્બાલે તો હજુ પાર્ટ-ટુનું ફક્ત ટ્રેલર જ રિલીઝ કર્યું છે. પિક્ચર તો અભી બાકી હૈ, મેરે દોસ્ત!
હવે વાત કરીએ, એક એવા ભારતીય ફિલ્મમેકરનું જેણે મસ્તમજાની એઆઈ-જનરેડેટ ફિલ્મો બનાવી છે. એમનું નામ છે, રાહી અનિલ બર્વે. એની એઆઈ-જનરેટેડ નહીં, પણ 'મનુષ્ય-રચિત' ફિલ્મ આપણે થિયેટરમાં જોઈ ચૂક્યા છીએ ને વખાણી ચૂક્યા છીએ. તે છે, પેલી ખૂબ વખણાયેલી હોરર-સુપરનેચરલ ફિલ્મ, 'તુમ્બાડ' (૨૦૧૮). રાહી બર્વેએ બે એઆઈ-જનરેટેડ ફિલ્મો બનાવી છે - 'મન-પિશાચ' અને 'વન-વિદિશા'. કેમ, 'તુમ્બાડ' જેવી હિટ ફિલ્મ બનાવનાર રાઇટર-ડિરેક્ટરે સેટ પર જઈને સાચુકલી ફિલ્મ બનાવવાને બદલે પોતાના કમ્પ્યુટર પર ખોડાઈને કૃત્રિમ ફિલ્મ શા માટે બનાવવી જોઈએ? જવાબ છે - પૈસા ને સંયોગો. 'તુમ્બાડ' પછી રાહી બર્વેએ પોતાની બીજી ફીચર ફિલ્મ બનાવી - 'માયાસભા'. તેનું શૂટિંગ 'તુમ્બાડ' પછી તરત ૨૦૧૮માં જ થઈ ગયું હતું, પણ તે રિલીઝ થઈ છેક ૨૦૨૬. આ ફિલ્મ ચાલી નહીં. એમણે 'ગુલકંદા ટેલ્સ', 'પહાડપંગીરા', 'પક્ષતીર્થ' અને 'રક્ત બ્રહ્માંડ: ધ બ્લડી કિંગડમ' જેવા કેટલાય મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ પર કામ કર્યું. આમાંના કેટલાક પ્રોજેક્ટ ુપૂરા થઈ ગયા પછી રિલીઝના ચક્કરમાં ફસાઈ ગયા, તો કેટલાક અધવચ્ચે જ અટકી પડયા. 'તુમ્બાડ-ટુ'ની એનાઉન્સમેન્ટ થઈ, પણ એનું ડિરેક્શન બીજા કોઈને સોંપવામાં આવ્યું. રાહી બર્વે માટે આ વર્ષો ખૂબ આકરાં સાબિત થયાં. તેઓ કહે છે, 'જીવનમાં ક્યારેક એવો સમય પણ આવે છે, કે જ્યારે તમે પહાડાનેે હલાવી નાખો, તો પણ કામ એક ડગલું ય આગળ ન વધે. તમને લાગવા માંડે છે કે તમે તમારી પોતાની જ મહત્ત્વાકાંક્ષાની અંદર સડી રહ્યા છો.'
…અને આ જ મનોસ્થિતિ રાહી બર્વેને એઆઈ તરફ દોરી ગઈ. એમનું પરંપરાગત ફિલ્મમેકિંગ અટકી પડયું હતું એટલે એમણે એઆઈ સાથે અખતરા શરૂ કર્યા. એમણે કમ્પ્યુટર પર ૮૦ મિનિટની સાઇકોલોજિકલ ફૉક-હોરર ફિલ્મ બનાવી - 'મન-પિશાચ' (માર્ચ ૨૦૨૬). એમણે અલબત્ત, બે અસલી એક્ટરોનો ઉપયોગ કર્યો હતો, પોતાના આઇફોનથી એમની સાથે અમુક દ્રશ્યો શૂટ કર્યાં હતાં ને પછી તે ફૂટેજની આસપાસ એઆઈની મદદથી આખી સૃષ્ટિ ખડી કરી દીધી. એક ડિરેક્ટર, બે એક્ટર, એક આઇફોન, એક કમ્પ્યુટર… ને બસ, ફક્ત ૩૩,૦૦૦ના ખર્ચે આખી ફુલલેન્થ ફિલ્મ તૈયાર! રાહી બર્વે તો એમને જોકે ઝીરો-બજેટ ફિલ્મ જ ગણે છે. ત્રણ જ મહિના પછી એમણે પંદર મિનિટની ઔર એક એઆઈ ફિલ્મ બનાવીને રિલીઝ કરી નાખી - 'વન-વિદિશા'.
એઆઈએ, ટૂંકમાં, ફિલ્મસર્જકોને સંદેશો આપી દીધો છે: તમારી પાસે બજેટ ન હોય, પ્રોડયુસર ન હોય તો તમારે નિરાશ થઈને બેસી રહેવાની જરૂર નથી, તમે એઆઈની મદદથી ફાંકડી ફિલ્મો બનાવી જ શકો છો!
આ લેખમાં ઉલ્લેખ પામેલી ત્રણેય એઆઈ ફિલ્મો યુટયુબ પર ફ્રીમાં અવેલેબલ છે. જોજો. બાય ધ વે, કોઈ ઉત્સાહી ક્રિયેટિવ જીવને એઆઈ ફિલ્મ બનાવવી હોય તો શરૂઆત ક્યાંથી કરવી? તે માટે શાની જરૂર પડે? આ પ્રશ્નોનો વિગતવાર જવાબ આવતા રવિવારે.
શો સ્ટોપર
'ભારતમાં શાંતિ હોવી જોઈએ, પણ મને ભારતમાં હવે શાંતિનો અનુભવ થતો નથી. હું શિવજીને પ્રાર્થના કરું છું કે ભારતમાં એ શાંતિપૂર્ણ દિવસો પાછા આવે.'
- સંજય દત્ત




