Ravi Purti

દો રાસ્તે : ગાયનો હિટ તો પિકચર હિટ!

By GS Team
8 Aug 20265 mins read
દો રાસ્તે : ગાયનો હિટ તો પિકચર હિટ!
  • બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી
  • 'દો રાસ્તે'માં બિન્દુજીએ ગ્લેમરસ ખલનાયિકાનો રોલ એવો જોરદાર રીતે ભજવ્યો કે એ પછી એમને સતત નેગેટિવ જેવા ફીક્સ રોલ જ મળવા લાગ્યા…

આ જે પણ યાદ છે કે રેડિયો સિલોન ઉપર ફિલ્મોનાં પ્રમોશન માટે જે 'રેડિયો પ્રોગ્રામ' આવતા હતા એમાં અમીન સયાની પોતાની આગવી શૈલીમાં ફિલ્મનાં વિવિધ પાસાંની શાનદાર રજુઆત કરતાં હતા. પણ 'દો રાસ્તે' વખતે અમીન સયાની બિલકુલ
'મ્યુટ' હતા!
'મ્યુટ' એટલે? આખેઆખા ૧૫ મિનિટના પ્રોગ્રામ દરમ્યાન 'દો રાસ્તે'નાં એક પછી એક સુપરહિટ થયેલાં ગાયનો જ વાગતાં 'જાય.. અને વચ્ચે વચ્ચે પેલું મુકેશનું ગીત આવે 'દો રંગ દુનિયા કે ઔર દો રાસ્તે…' બસ, એમ કરતાં કરતાં ૧૫ મિનિટ પુરી થઇ જાય! બોલો.
શી ખબર, તે વખતે અમીન સયાનીનું ગળું બગડી ગયું હશે? કે પછી એમણે જોયું હશે કે ગાયનો જ એટલાં હિટ છે કે ફિલ્મની સ્ટોરી-બોરીમાં પડવાની કંઇ જરૂર જ નથી! શક્ય છે કે આવી 'સ્ટ્રેટેજી' ખુદ રાજ ખોસલાએ જ આપી હોય!
કેમકે અમે અમારી માસૂમ ટીન-એજમાં આ ગાયનો પરદા ઉપર જોવા માટે જ દોઢ રૂપિયાની ટિકીટના ચાર રૂપિયા બ્લેકમાં આપીને હોંશે હોંશે થિયેટરમા ગયેલા! અને કસમ સે, 'સ્ટોરી-બોરી'માં તો ફિલ્મ જોતાં જોતાં ય રસ પડયો નહોતો!
અને ગાયનો કેવાં ઝમકદાર હતાં! 'બિંદીયા ચમકેગી' અમારું ફેવરીટ હતું. એમાં ઢોલકની જે રિધમ હતી એની ઉપર અમે ફિદા હતા. (એ રિધમ અમે ઘરના હિંચકા ઉપર અને ભણવાના ટેબલ ઉપર વગાડતાં!) એ ગીત કેવી રીતે જન્મ્યું એની કહાણી પણ મજેદાર છે.
ખુદ આનંદ બક્ષીએ રેડિયો પર એની વાત કરતાં કહ્યું હતું કે 'દો રાસ્તે' માટે બેસ્ટ ગાયનો બનાવવાં એ તો નક્કી જ હતું. પરંતુ તે દિવસે કોણ જાણે કેમ લક્ષ્મી-પ્યારે સાથે મ્યુઝિક રૂમમાં ત્રણ ચાર કલાક સુધી મથ્યા છતાં કોઇ વાત જામી નહીં. આખરે 'કાલે વાત'. એમ કહીને બક્ષીજી ઊભા થયા. હજી એમના બંગલાના દાદરા ઉતરતા હતા ત્યાં ઉપરથી લક્ષ્મી-પ્યારેએ આ ઢોલકનો અનોખો તાલ વગાડવાનો શરૂ કર્યો!
એ સાંભળતાં જ જાણે જાદૂ થયો હોય એમ આનંદ બક્ષીના દિમાગમાં શબ્દો સૂઝવા માંડયા! એ તરત જ પાછા ફર્યા! અને… (રેસ્ટ ઈઝ
હિસ્ટ્રી, હેંને!)
જો કે આનંદ બક્ષીએ 'દો રાસ્તે'ના બીજા એક ગીતમાં હવામાનશાસ્ત્રની આખી પથારી ફેરવી નાંખી છે! બિચારી મુમતાઝ પૂછે છે 'છૂપ ગયે સારે નઝારે, ઓય ક્યા બાત હો ગઈ?' ત્યારે રાજેશ ખન્ના જવાબમાં કહે છે : 'તૂને કાજલ લગાયા, દિન મેં રાત હો ગઈ!!' સાલું, ધોળે દહાડે જે ગ્રહણ થાય છે એમાં કોઇનું કાજળ જવાબદાર હોય છે? દિન મેં રાત? ફક્ત કાજળથી? હદ થઇ ગઇ!
એ જ ગીતમાં અંબાલાલને પણ ટક્કર મારે એવું બીજું લોજિક છે: 'તુને ચુનરી લહેરાઇ, બરસાત હો ગઈ!'
યાહ, એવું જ હોય તો કચ્છમાં જઇને આપણી મુમતાઝની ચુનરીઓ જ લહેરાવોને? આવવા જવાનું ભાડું અમે આપીએ, શું કહો છો!
એમ તો 'બિંદીયા ચમકેગી'માં બક્ષી સાહેબે એક લાઇન બિલકુલ સ્ટોરીમાં ફીટ થાય એવી લખી છે. યાદ છેને, એ ગાયન મુમતાઝ રાજેશ ખન્નાના જુનવાણી ઘરના ધાબા પર ગાય છે. (આરાધનાની કોપી) અહીં ઘર એટલું એન્ટિક છે કે મુમતાઝ પોતાનાં સાસરિયાંને ધમકી આપતી હોય તેમ ઉછળી ઉછળીને ગાય છે : 'છત તૂટ દીયે તે તૂટ જાયે,
મૈં તો નાચૂંગી, મૈં તો ગાઉંગી!'
એ જ રીતે રાજ ખોસલાને પણ ચોક્કસ એંગલ અને કેમેરા મુવમેન્ટો સાથે ગાયનો પિકચરાઇઝ કરવાનો શોખ છે. એ તો બરોબર, પણ સાહેબ, અંધજન મંડળમાંથી લાવ્યા હોય એવા કાળા ગોગલ્સ, પેલી નવમા ધોરણમાં ફેલ થઇ હોય અને સાવ સીવણ ક્લાસમાં જતી હોય એવી રેઢિયાળ છોકરીઓને પહેરાવવાના? વળી એ બધી લાઇનસર ઊભી રહે! અને કેમેરો એ કાગડીઓ ઉપરથી ફરતો ફરતો મુમતાઝ પાસે જાય! ત્યાં ખન્નાજી એના ગોગલ્સ ઉતારીને ગાયન શરૂ કરે : 'યે રેશમી જુલ્ફેં, યે શરબતી આંખે…!' ઓ મારા સાહેબ, કઇ કોલેજની છોકરીઓ આ રીતે 'પિકનિક' કરતી હોય છે?
પરંતુ એ જમાનો જ એવો હતો કે આવું બધું પિંજણ કોઇ કરતું જ નહોતું. ફિલ્મની શરૂઆતમાં રાજેશ ખન્ના માટે એક સંવાદ બોલાય છે કે 'વહ હપ્તે મેં સિર્ફ એક દિન શેવ કરતા હૈ ઔર બાકી કે દિનોં મેં દાઢી બઢાતા હૈં…' બસ, એ બહાને રાજેશ ખન્નાને કોઇ સીનમાં સફાચટ ચમકતો બતાડી શકાય અને કોઈ સીનમાં પેલી ચાર દિવસની સ્ટાઇલીશ દાઢી સાથે દેખાડી શકાય! (યાર, છોકરીઓ એ ચાર દિવસની દાઢીવાળા લુક ઉપર તો ઉદાસીભરી આહ… ભરીને 'જાન છિડકતી' હતી.)
એમ તો 'દો રાસ્તે'માં ગ્લેમરસ ખલનાયિકા બનેલી બિન્દુનું ગુજરાતી કનેકશન પણ જાણવા જેવું છે. બિન્દુ દેસાઇ મૂળ તો વલસાડનાં હોં! એમના પિતાજી નાનુભાઇ દેસાઇ એક જમાનામાં હિન્દી ફિલ્મોમાં લેખક, દિગ્દર્શક હતા. પરંતુ બિન્દુજી માંડ દસેક વર્ષનાં હશે ત્યારે એમનું મૃત્યુ થયેલું.
બીજી જાણવા જેવી (અથવા જાણીતી) વાત એ છે કે બિન્દુજી લક્ષ્મી-પ્યારેની જોડીવાળા લક્ષ્મીકાંતનાં સાળી થાય! ૧૯૬૨માં 'અનપઢ' ફિલ્મમાં બિન્દુને નાનો પણ મહત્વનો રોલ મળેલો. પરંતુ ૧૯૬૯માં એમનું નસીબ ચમક્યું! બન્યું એવું કે લક્ષ્મીકાંત જોડે એક રેકોર્ડીંગ વખતે તે સાથે આવેલાં તે જોઇને રાજ ખોસલાએ સજેસ્ટ કરેલું કે તમે મારી ફિલ્મમાં રોલ કરશો?
જોકે 'દો રાસ્તે'માં બિન્દુજીએ ગ્લેમરસ ખલનાયિકાનો રોલ એવો જોરદાર રીતે ભજવ્યો કે એ પછી એમને સતત નેગેટિવ (અને ડાન્સરનાં આઇટમ સોંગ) જેવા ફીક્સ રોલ જ મળવા લાગ્યા.ખેર, એ જમાનો જ એવો હતો. શું થાય?
બાકી 'સ્ટોરી-બોરી'ની વાત કરીએ તો છેલ્લાં ૨૦ વરસથી ટીવીમાં જે ટાઇપની સિરીયલો આવે છે એવું જ બધું હતું. બિચારા મોટાભાઈ બલરાજ સહાની આખું ઘર ગિરવે મુકીને પ્રેમ ચોપરાને લંડનમાં ભણવા મોકલે છે પણ વિદેશમાં જ બિન્દુના પ્રેમમાં પડીને આવેલો આ ભાઈ બધા ઉપકારો ભૂલીને બૈરીઘેલો થઈ જાય છે. વગેરે વગેરે.
પણ ખોસલા સાહેબ, ભલે તમે લંડનનું એકેય દ્રશ્ય ના બતાડયું, તોય કમ સે કમ એરપોર્ટ ઉપર વિમાન ઉતરે છે એવો એક 'રેડીમેડ' શોટ તો બતાડવો હતો?

= 'દો રાસ્તે' એ વર્ષની 'આરાધના' પછીની બીજા નંબરની બોક્સ ઓફિસ હિટ હતી.
= ફિલ્મના પ્રિમિયર વખતે રાજેશ ખન્નાને જોવા માટે એટલી બધી ભીડ ભેગી થઈ ગઈ હતી કે પોલીસે લાઠીચાર્જ કરવો પડયો હતો!
= 'દો રાસ્તે'ની સાથે સાથે રાજેશ ખન્ના 'ઇત્તેફાક'નું શૂટિંગ પણ કરી રહ્યા હતા એટલે 'ઇત્તેફાક' માટે રાખેલી દાઢી 'દો રાસ્તે'નાં અમુક દ્રશ્યોમાં દેખાતી રહે છે!
= આ જ ફિલ્મથી મુમતાઝની ગણત્રી એ ગ્રેડની હિરોઇન તરીકે થવા લાગી હતી. આ અગાઉ તે બી ગ્રેડની હિરોઇન અથવા એ ગ્રેડની સાઇડ હિરોઇન હતી.
= સંયુક્ત કુટુંબની વાર્તા કહેતી આ છેલ્લી હિન્દી ફિલ્મ હતી! વરસો પછી 'હમ આપ કે હૈં કૌન' આવી…