Ravi Purti
શબ્દો ખૂટે ત્યાંથી સંવાદ શરૂ થાય છે
By GS Team
25 Jul 20263 mins read

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
- લડવું મૂઢતા છે, ઝૂકવું બોધ છે. જીવન ઉર્જાને અવિરોધ વહેવું છે કારણ કે તે નીર્બોજ હોય છે, તેની કોઈ દાવેદારી નથી
જીતના કમ સામાન રહેગા
ઉતના સફર આસાન રહેગા
- ગોપાલદાસ નીરજ
પ્ર વાસીને બરાબર ખબર હોય છે કે સામાન બે પ્રકારના હોય છે દેખાય છે તે અને નથી દેખાતો તે. માત્ર બગલથેલો નહીં, કોઈનું સ્મરણ પણ બોજ બની શકે. ચાલવું હોય કે વહેવું હોય નિર્બોજ રહેવું અનિવાર્ય. વહેવાથી માધુર્ય ટકી રહે છે, જુઓ નદી. અને સંઘરો કર્યો કે સ્થિર થયા તો ખારાશ આવી જાય છે, જુઓ સાગર. પણ હા સાગર કે નદી ઝૂકવાને લીધે, સમાવેશી હોવાને લીધે છલકાય છે. ગૌમુખથી નીકળેલી ગંગા છેક ગંગાસાગર આવે છે (લગભગ ૨૫૨૫ કી.મી.) કોઈ પર્વત કે શિખર પર રોકાતી નથી. લાઓત્ઝે તેના અદભૂત ગ્રંથ 'તાઓ-તે-કિંગ'માં કહે છે કે 'ખાલી હશે તે ભરાઈ જશે, ભરેલું હશે તે અકડ રહેશે- તો ખાલી રહેશે. વાવાઝોડાંમાં બરડ વૃક્ષો તૂટી પડે છે અને નમી જતા વાંસ બચી જાય છે. નમી પડવું જીવન-કલા છે.
રોબર્ટ મેઈક્યો રોઝેનબામ નામનો એક તાઓ-ઝેનનો વિદ્વાન મનોવિજ્ઞાની છે. તેના જીવનમાં એક પીડાદાયક અવસ્થા આવી. તેની મુગ્ધાવસ્થા પસાર કરતી દિકરી સાથે કોઈ પ્રશ્નમાં અબોલા થઈ ગયા. એક શબ્દ, સંવાદ કે નજરની આપ-લે પણ અટકી ગઈ. પિતાએ સામ, દામ, દંડ, ભેદ અજમાવ્યા પણ નિષ્ફળ ગયું. પિતાએ ચોકલેટ, આઈસ્ક્રીમ, પૈસા, જોક, માફી અજમાવી જોયા પણ નહીં. અરે, પત્ર લખ્યો, ગીત ગાયું, નાચ્યો, બિલાડી થયો પણ નહીં. આખરે તે થાક્યો, હાંફ્યો, હાર્યો. પછી એક દિવસ દિકરી પાસે બેસી ભીની આંખે, ભીના અવાજે બોલ્યો, 'બેટા, બધું કરી જોયું, આવડે તે બધું અજમાવી જોયું. મારી પાસે હવે કોઈ રીત કે શબ્દ બચ્યા નથી. બોલ તું કહે તેમ કરું…' અને તે પળે દિકરી કહે છે 'સાચ્ચે? તો આવો, બેસો આપણે વાત કરીએ…'
કદાચ, બધાં જ શબ્દો તૂટી અને ખૂટી પડે પછી જ ખરો સંવાદ આરંભાય છે. બધા જ નકશાઓ હાંફી જાય પછી ખરી યાત્રા પ્રારંભાય છે. બધા યુક્તિ-પેંતરા હારી ગયા પછી જીતવાની સૌથી વધુ સંભાવના હોય છે. પિતા તેની ઉદારતા અને સહહૃદયતા થકી પિતા છે-તેની અકડાઈને લીધે નહીં. તેણે પિતૃત્વ સિદ્ધ નથી કરવાનું-તે પિતા જ છે. આપણી જીતવાની જીદ અને વાસનાને લીધે આપણે હારીએ છીએ. આપણી બરડતાને લીધે આપણે તૂટીએ છીએ. સિહાંસન પરથી આદેશ દેવાથી સેવક કે ગુલામ મળે, સાથીદાર નહીં. મૈત્રીપૂર્ણ સંવાદ માટે સમત્વ કે સમભાવ અનિવાર્ય છે. શ્રેષ્ઠતા તો અપ્રયાસ જ એકલી ઉભી રહી શકે છે, નિમ્નતાને લડવું છે અને જીતવું છે. પરમ મરમી ઓશો એમ કહે છે કે લડવું મૂઢતા છે, ઝૂકવું બોધ છે. જીવન ઉર્જાને અવિરોધ વહેવું છે કારણ કે તે નીર્બોજ હોય છે, તેની કોઈ દાવેદારી નથી. મનની લઘુતાગ્રંથીને કારણે આપણે ધન, પદ, પ્રતિષ્ઠા, દેખાવની દાવેદારી કરે છીએ. બસ, મને કોઈ નોંધી લે,.. માસ્ટરીની દાવેદારી અજ્ઞાન, અંધકાર, અહંકારમાંથી આવે છે. આ બધો બોજ છે-સામાન છે. તેથી જ તેમાં જીવન-યાત્રા ઓછી અને થાક વધારે છે. કમનસીબે, મન-બુદ્ધિ દાવેદારી કરે છે અને પછી આયખું આખું તે બન્નેની ગોલાગીરી કરે છે.




