ડેમોગોર્ગોન : આંખો વિનાની માછલી, ૧.૧૬ કરોડ વર્ષનું રહસ્ય છુપાવી રહી છે?

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
અ મેરિકાના અલાબામા રાજ્યમાં આવેલું રેડસ્ટોન આર્સેનલ, જેને લોકો મજાકમાં ''અલાબામાનું એરિયા ૫૧'' પણ કહે છે. જે દાયકાઓથી યુએફઓ અને ગુપ્ત સંશોધનની અફવાઓનું કેન્દ્ર રહ્યું છે. પરંતુ હવે આ જ લશ્કરી થાણાની નીચે આવેલી એક ગુફામાંથી વૈજ્ઞાનિકોએ ખરેખર કંઈક રહસ્યમય શોધી કાઢયું છે. જોકે તે કોઈ એલિયન નથી, પરંતુ પૃથ્વી પરની જ એક તદ્દન નવી પ્રજાતિ છે. હન્ટ્સવિલે યુનિવસટીના સંશોધકોએ આ નાની માછલીને ''ડેમોગોર્ગોનિચ્થિસ આર્કાનસ'' નામ આપ્યું છે. તેને સામાન્ય રીતે ''ડેમન કેવફિશ'' તરીકે ઓળખવામાં આવે છે. માત્ર બે ઇંચ જેટલી લાંબી, આ માછલીને આંખો નથી, તેની ચામડીમાં કોઈ રંગદ્રવ્ય નથી. તે રેડસ્ટોન આર્સેનલની નીચે આવેલી એક નાનકડી ભૂગર્ભ ગુફાના તળાવમાં રહે છે. જેમ અંધારામાં લાંબો સમય રહેતાં આંખોની દૃષ્ટિપ્રણાલી પર્યાવરણ પ્રમાણે અનુકૂળ થતી જાય છે, તેમ આ માછલી પણ લાંબા ઉત્ક્રાંતિગાળામાં સંપૂર્ણ અંધકારમાં જીવતાં પોતાની આંખો ગુમાવી ચૂકી છે. તે એટલી અનોખી છે કે ''વૈજ્ઞાનિકોએ તેને એક નવા જૈવિક ઉપસમૂહમાં સ્થાન આપ્યું છે.'' પરંતુ અહીં એક રસપ્રદ સવાલ ઊભો થાય છે: દાયકાઓથી નિરીક્ષણ હેઠળ રહેલી આ ગુફામાં આ પ્રજાતિ અત્યાર સુધી કોઈની નજરે કેમ ન ચડી? તેની વિશેષતાઓ શું છે?
૩૦ વર્ષથી છુપાયેલી પ્રજાતિ
રેડસ્ટોન આર્સેનલની કહાની ૧૯૪૧માં શરૂ થાય છે, જ્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાને ટેકો આપવા માટે આ લશ્કરી થાણું સ્થાપવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેનો ઉપયોગ દારૂગોળા અને રાસાયણિક શોના ઉત્પાદન માટે થતો હતો. સમય જતાં, જોકે, આ સ્થળ અમેરિકાના અવકાશ સંશોધનના મહત્વપૂર્ણ કેન્દ્રમાં પરિવતત થયું. સરકારી માહિતી અનુસાર, આ થાણું નાસાના જન્મસ્થાન તરીકે ઓળખાય છે અને આજે અહીં ૬૫થી વધુ સંસ્થાઓ કાર્યરત છે, જેમાં ૪૫,૦૦૦થી વધુ લશ્કરી અને નાગરિક કર્મચારીઓ કામ કરે છે. જ્યારે યુએસ સ્પેસ કમાન્ડનું મુખ્યાલય રેડસ્ટોન ખસેડવામાં આવ્યું, ત્યારે દાયકાઓ જૂની યુએફઓ ષડયંત્ર-થિયરીઓ ફરી ચર્ચામાં આવી હતી. પરંતુ યુએફઓની અફવાઓથી અલગ, રેડસ્ટોનની નીચે એક બીજી અને વધુ વાસ્તવિક વાર્તા પણ છેલ્લા ત્રણ દાયકાથી ચાલી રહી હતી.હન્ટ્સવિલે યુનિવસટીના જીવવિજ્ઞાનીઓ બોબકેટ કેવ તરીકે ઓળખાતી ગુફા પર લગભગ ૩૦ વર્ષથી નજર રાખી રહ્યા હતા. અહીં સધર્ન કેવફિશ નામની જાણીતી પ્રજાતિ પહેલેથી મળી આવી હતી. વર્ષો સુધી એક જ ગુફાના એક જ તળાવનું નિરીક્ષણ કર્યા પછી પણ સંશોધકોને ખબર નહોતી કે ''તેઓ જે માછલીઓને જોઈ રહ્યા છે. તેમાં એક અલગ પ્રજાતિ પણ સામેલ છે. ૨૦૧૯થી ૨૦૨૫ વચ્ચેના અવલોકનો દરમિયાન સંશોધકોને, આ જ તળાવમાં એક બિલકુલ અલગ અને અજાણી પ્રજાતિ મળી આવી, જેને પાછળથી ''ડેમન કેવફિશ''નામ આપવામાં આવ્યું છે. ડેમન કેવફિશનું નામ પણ તેની શોધ જેટલું જ રસપ્રદ છે. તેનું નામ ગ્રીક પુરાણકથાના રાક્ષસ ''ડેમોગોર્ગોન''પરથી પ્રેરિત છે, જે ''સ્ટ્રેન્જર થિંગ્સ''માં પણ જોવા મળે છે. ડીએનએ પરીક્ષણો દર્શાવે છે કે આ પ્રજાતિ લગભગ ૧.૧૬ કરોડ વર્ષ પહેલાં અન્ય ઉત્તર અમેરિકન કેવફિશથી અલગ પડી ગઈ હતી. લશ્કરી પ્રતિબંધોના કારણે સામાન્ય લોકોને, આ વિસ્તારમાં પ્રવેશ મળતો ન હોવાથી ગુફા બાંધકામ, અને માનવીય વિનાશથી ઘણી હદ સુધી બચી ગઈ હતી. કદાચ આ પરિસ્થિતિ પણ આ અત્યંત દુર્લભ પ્રજાતિના અસ્તિત્વ પાછળનું એક કારણ બની હશે.
ઉત્ક્રાંતિનું અસલી રહસ્ય?
ડેમન કેવફિશ આટલા લાંબા સમય સુધી વૈજ્ઞાનિકોની નજરથી કેમ બચી ગઈ? તેનો મુખ્ય જવાબ તેના દેખાવમાં છુપાયેલો છે. તે સધર્ન કેવફિશ સાથે એટલી મળતી આવે છે કે પહેલી નજરે બંનેને અલગ પાડવી મુશ્કેલ છે. જેમ એક ટોળામાં એકસરખા દેખાતા બે લોકોને પહેલી નજરે અલગ ઓળખવા મુશ્કેલ હોય, તેમ સંશોધકોએ પણ વર્ષો સુધી બંને માછલીઓને એક જ પ્રજાતિ માની લીધી હતી. પરંતુ નજીકથી અભ્યાસ કરતાં ટીમને તેમની શારીરિક રચનામાં સ્પષ્ટ તફાવતો જોવા મળ્યા હતાં. ડેમન કેવફિશની પીઠ સહેજ ખૂંધવાળી છે, તેની પાંખો એટલે કે ફિન્સ પર કાંટાળા છેડા છે. તેનું નાક અન્ય જાણીતી કેવફિશથી અલગ આકાર ધરાવે છે. આ માછલી જીવંત અવસ્થામાં, આછા વાદળી-ઇલેક્ટ્રિક રંગની દેખાય છે. જોકે તેની ચામડીમાં કોઈ રંજકદ્રવ્ય, એટલે કે પિગમેન્ટ નથી. આ બાહ્ય લક્ષણોએ જ, આ પ્રજાતિની ઓળખ તરફ મહત્વપૂર્ણ સંકેત આપ્યો હતો. પરંતુ સૌથી નિર્ણાયક પુરાવો ડીએનએ પરીક્ષણમાંથી મળ્યો હતો. જિનેટિક વિશ્લેષણે સ્પષ્ટ કર્યું કે બંને ''માછલીઓ એકબીજા સાથે નજીકથી સંબંધિત નથી. તેમની ઉત્ક્રાંતિ અલગ માર્ગે થઈ છે.''
સરળ ભાષામાં કહીએ તો, એક જ મહોલ્લામાં રહેતા બે પરિવારો એકબીજાથી અલગ સંસ્કૃતિ અને ઇતિહાસ ધરાવી શકે છે. એ જ રીતે, આ બંને માછલીઓ એક જ 'ઘર' એટલે કે એક જ ગુફામાં રહેતી હોવા છતાં, જિનેટિક રીતે તદ્દન અલગ કુટુંબ સાથે સંબંધિત છે. સંશોધકોને એક ખાસ જનીન પણ મળ્યું છે. જે સામાન્ય રીતે દૃષ્ટિ સાથે સંકળાયેલું હોય છે. પરંતુ ડેમન કેવફિશમાં આ જનીન નષ્ટ થઈ ચૂક્યું છે. લાંબા ઉત્ક્રાંતિગાળામાં આવી પરિસ્થિતિમાં બિનજરૂરી બનેલા અંગો, અથવા તેમની સાથે જોડાયેલી જૈવિક વ્યવસ્થાઓમાં ફેરફાર થઈ શકે છે. ડેમન કેવફિશની આંખો ગુમાવવાનું લક્ષણ પણ, આ જ પ્રકારના ગુફા-અનુકૂલન સાથે જોડાયેલું છે. આ સંશોધન સાયન્ટિફિક રિપોર્ટ્સ સામયિકમાં પ્રકાશિત થયું છે. આ રીતે શારીરિક લક્ષણો, જિનેટિક વિશ્લેષણ અને લાંબા ગાળાના ક્ષેત્ર નિરીક્ષણો મળીને, આ માછલીને અલગ પ્રજાતિ તરીકે ઓળખવામાં મદદરૂપ બન્યા હતાં.
બાળપણની યાદે આપ્યું : રાક્ષસનું નામ
આ શોધ પાછળનું મુખ્ય નામ છે : ડા. મેથ્યુ એલ. નિમિલર. તેઓ યુનિવસટી ઓફ અલાબામા ઇન હન્ટ્સવિલે (યુએએચ)માં જીવવિજ્ઞાનના સહયોગી પ્રોફેસર અને કેવ બાયો લેબના ડિરેક્ટર છે. તેમણે યેલ યુનિવસટીમાં પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ કરી અને યુનિવસટી ઓફ કેન્ટુકી તથા ઇલિનોઇસ નેચરલ હિસ્ટ્રી સર્વેમાં વધુ સંશોધન કર્યું. ૨૦૧૭માં તેઓ યુએએચ સાથે જોડાયા. ત્યારથી તેમની ગુફા-જીવવિજ્ઞાન પ્રયોગશાળા ભૂગર્ભ ઇકોસિસ્ટમના અભ્યાસનું મહત્વનું કેન્દ્ર બની છે. નિમિલરનું સંશોધન ખાસ કરીને ગુફાઓમાં રહેતા જીવો પર કેન્દ્રિત છે. એવા જીવો, જે સંપૂર્ણ અંધકારમાં લાખો વર્ષોથી ટકી રહ્યા છે. તેમના નામે ૨૯૬થી વધુ વૈજ્ઞાનિક પ્રકાશનો છે અને તેમનું કાર્ય ભૂગર્ભ જૈવવિવિધતાના સંરક્ષણ માટે મહત્વનું ગણાય છે. રસપ્રદ વાત એ છે કે તેમનાં પત્ની કે. ડેનિસ કેન્ડલ નિમિલર પણ આ જ ક્ષેત્રમાં સંશોધક છે અને આ અભ્યાસના સહલેખકોમાંના એક છે. એટલે આ કિસ્સામાં વિજ્ઞાન અને જીવનસાથી બંનેએ સાથે મળીને અંધારી ગુફાઓના રહસ્યો ઉકેલવામાં ભૂમિકા ભજવી છે. ડેમન કેવફિશને નામ આપવાનો શ્રેય સહલેખક પામેલા હાર્ટને જાય છે. તેમણે ભૌગોલિક અથવા દિશાસૂચક નામોને બદલે, વધુ પ્રભાવશાળી નામ સૂચવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેઓ ૧૯૮૦ના દાયકામાં ઇન્ડિયાનામાં ઉછરેલા બાળક છે, તેથી ''સ્ટ્રેન્જર થિંગ્સ'' શ્રેણીના ડેમોગોર્ગોન પાત્રનું નામ આપ્યું છે. જ્યારે તેમની ટીમને મ્ર્મબચા ભચપી જેવી ત્રણ દાયકાથી નિરીક્ષણ હેઠળ રહેલી જગ્યાએ સાવ નવી પ્રજાતિ મળી, ત્યારે નિમિલરે આ અનુભવને ''નમ્રતાદાયક'' ગણાવ્યો. તેમના મતે, આ માછલીઓનો સમૂહ એટલો સારી રીતે અભ્યાસ થયેલો હતો કે ''મોટાભાગના વૈજ્ઞાનિકોને નવી જીનસ-કક્ષાની શોધ, હવે લગભગ અસંભવ જેવી લાગતી હતી. છતાં પ્રકૃતિએ ફરી એકવાર બતાવી દીધું કે ''તેના ઘણા રહસ્યો હજુ પણ આપણી નજરથી છુપાયેલા હોઈ શકે છે.''
ડેમન કેવફિશ : લુપ્તપ્રાય રહસ્યની કહાની
બે ઇંચથી પણ નાની માછલી સંપૂર્ણપણે ભૂગર્ભજળ પર નિર્ભર છે. જેમ કોઈ છોડ ફક્ત એક જ કૂંડામાં ટકી શકતો હોય અને એ કૂંડું તૂટી જાય તો આખો છોડ જોખમમાં મુકાઈ જાય. તેવી જ રીતે પ્રદૂષણ, જળપ્રવાહમાં ફેરફાર, દુષ્કાળ અથવા પૂર જેવી કોઈપણ ઘટના આ પ્રજાતિના અસ્તિત્વ માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. આ જ કારણસર સંશોધકો તેને અત્યંત જોખમમાં મુકાયેલી, એટલે કે ''ક્રિટિકલી ઇમ્પેરિલ્ડ'', અને સંભવિત રીતે ગંભીર રીતે લુપ્તપ્રાય પ્રજાતિ તરીકે જુએ છે. રેડસ્ટોન આર્સેનલના કડક લશ્કરી પ્રતિબંધોએ એક તરફ આ પ્રજાતિને સુરક્ષા આપી છે. સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ હોવાથી ગુફાના વિસ્તારમાં બાંધકામ અથવા અન્ય માનવીય વિનાશનું જોખમ ઘટયું છે. પરંતુ આ જ વિસ્તારના ઔદ્યોગિક ભૂતકાળે ગુફાના પાણી માટે જોખમ ઊભું કર્યું છે.
છેલ્લા બે દાયકાથી કેડમિયમ, ક્રોમિયમ અને લેડ જેવી ધાતુઓ, પાણીના નમૂનાઓમાં વધુ પ્રમાણમાં મળી આવી છે. જૂના પરંપરાગત અને રાસાયણિક શોના નિકાલમાંથી, તે ધીમે ધીમે ભૂગર્ભજળમાં ભળ્યું હોવાનું માનવામાં આવે છે. જે લશ્કરી પ્રતિબંધોએ ગુફાને માનવીય દખલથી બચાવી, એ જ ઐતિહાસિક લશ્કરી પ્રવૃત્તિઓએ તેના ભૂગર્ભ પર્યાવરણ પર લાંબા ગાળાનું જોખમ પણ ઊભું કર્યું છે. ભારતીય સંદર્ભમાં જોઈએ તો, મેઘાલયની ગુફાઓમાં પણ અનોખી, અંધ અને ગુફા-અનુકૂલિત પ્રજાતિઓ મળી આવી છે. આ દર્શાવે છે કે ભૂગર્ભ ઇકોસિસ્ટમનું મહત્વ, માત્ર અમેરિકાના કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત નથી. તે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ છે. ભારત માટે પણ આવી ગુફાઓ જૈવવિવિધતા અને ઉત્ક્રાંતિના અભ્યાસનું મહત્વનું ક્ષેત્ર બની શકે છે. આ શોધ આપણને વિજ્ઞાન અને લશ્કરી સુરક્ષા વચ્ચેના જટિલ સંબંધ વિશે પણ વિચારવા મજબૂર કરે છે. એક જ વાડ કોઈ પ્રજાતિને માનવીય દખલથી બચાવી શકે છે. બીજી તરફ એ જ વિસ્તારમાં થયેલી જૂની માનવીય પ્રવૃત્તિ તેના પર્યાવરણ માટે જોખમ બની શકે છે.




