Ravi Purti

કચરામાંથી સર્જી કામયાબી

By GS Team
10 Oct 20267 mins read
કચરામાંથી સર્જી કામયાબી
  • આજકાલ-પ્રીતિ શાહ
  • 'માઉન્ટેન મેન' તરીકે ઓળખાતા દશરથ માંઝી કહેતા કે, 'ભગવાન કે ભરોસે મત બૈઠો, ક્યા પતા ભગવાન આપ કે ભરોસે બૈઠા હો.'

ઝા રખંડના સાહિબગંજમાં જન્મેલા અને ઉછરેલા અમૃત પ્રકાશ સાહના કાર્ય વિશે જાણીએ, ત્યારે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ ઉક્તિ યાદ આવ્યા વિના ન રહે. એનું કારણ એ છે કે સામાન્ય માનવીને જે વસ્તુ કચરા જેવી કે સાવ ફેંકી દેવા જેવી લાગે છે એમાં એને કલાના દર્શન થાય છે. આમ તો તેઓ મૂર્તિ બનાવે છે. મૂર્તિકલા શીખ્યા છે, પણ તેમનું કામ માત્ર મૂર્તિ બનાવવા સુધી સીમિત ન રહેતા અન્ય કલાકૃતિઓ પણ બનાવે છે. ગંગાકિનારે જન્મેલા અમૃત પ્રકાશ કુદરતને જ કલા માને છે. તેમણે બહુ ઓછા સમયમાં ઝારખંડના જનનાયક ગણાતા શિબૂ સોરેનની સત્તરથી અઢાર ફૂટ ઊંચી સાત પ્રતિમા બનાવી છે. જેને સાહિબગંજ ઉપરાંત છ જિલ્લામાં મૂકવામાં આવી અને રામગઢ જિલ્લાના નેવરા ગામ જે શિબૂ સોરેનનું પૈતૃક ગામ છે ત્યાં પણ તેમની પ્રતિમા મૂકવામાં આવી છે. શિબૂ સોરેનની પ્રતિમામાં ગતિ છે, એ ચાલી રહી છે, એક હાથથી આશીર્વાદ આપી રહી છે જેના દ્વારા અમૃત પ્રકાશના કહેવા પ્રમાણે ઝારખંડની સંસ્કૃતિ, સભ્યતા, માન-સન્માન કેવી રીતે આગળ વધે તે ગતિ દર્શાવવામાં
આવી છે.
વીર કુંવર સિંહ ૧૮૫૭ના વિપ્લવમાં અંગ્રેજો સામે લડતાં હાથના કાંડામાં ગોળી વાગી તેથી તેમને લાગ્યું કે આ હાથ નકામો થઈ ગયો છે અને કદાચ આખા હાથમાં ઈન્ફેક્શન લાગી જશે. તેથી પોતાની તલવારથી જ કોણીથી આગળનો હાથ કાપીને ગંગામાં પધરાવી દીધો. તે સમયે તેમની ઉંમર એંશી વર્ષની હતી. આટલી ઉંમરે આવો જુસ્સો આશ્ચર્યચકિત કરી દે છે. તેમની સ્મૃતિમાં અમૃત પ્રકાશે એકવીસ ફૂટ ઊંચી તલવાર બનાવી અને દસ ફૂટનું પેડસ્ટલ બનાવ્યું, જે વિશ્વની બ્રોંઝમાં બનેલી સૌથી મોટી તલવાર છે. તેઓ આરા ગામના હતા તેથી આરામાં ચાર જગ્યાએ ચાર તલવાર બનાવીને મૂકી છે. એવી જ રીતે મહાત્મા ગાંધીનો પ્રથમ સત્યાગ્રહ ચંપારણમાં થયો હતો. તે ચંદ્રહિયા જગ્યા પર ચરખો બનાવીને મૂક્યો છે, જે પીત્તળનો સૌથી મોટો ચરખો છે. અમૃત પ્રકાશ ટેરાકોટામાં પણ કામ કરે છે. તેઓ કહે છે કે, 'મારો જન્મ ગંગાકિનારે થયો છે અને બાળપણથી તેની માટી સાથે એક લગાવ છે, એ માટી મને ઓળખે છે અને હું માટીને ઓળખું છું. છેવટે એ માટીમાં જ મળવાનું છે. ગંગાની માટીમાં જે છે તે દિલ્હી કે કૉલકાતાની માટીમાં નથી. ગંગાની માટીમાંથી ટેરાકોટાનું નિર્માણ સહેલાઈથી થાય છે, તેમના જણાવ્યા પ્રમાણે ટેરાકોટા બનવાની પ્રક્રિયા બાળકના જન્મ લેવાની પ્રક્રિયા જેવી જ છે. ટેરાકોટા પણ પંચતત્ત્વથી બને છે, તેથી બંને વચ્ચે ઘણું સામંજસ્ય છે.
અમૃત પ્રકાશની ઘણી કલાકૃતિઓ રાંચી, બોકારો, દિલ્હી, બોલીવૂડ, એથેન્સ જેવી જગ્યાએ છે અને તેમને અત્યાર સુધીમાં અનેક પુરસ્કારો મળ્યા છે. આજે તેઓ સાહિબગંજમાં 'વેસ્ટ ટૂ વંડર' પાર્ક બનાવવામાં વ્યસ્ત છે. પોતાની જન્મભૂમિ સાહિબગંજ વિશે ઘણા લોકો બેકાર જગ્યા જેવો શબ્દપ્રયોગ કરતા હતા, તેથી તેમને ખૂબ ખરાબ લાગતું. તેમણે વિચાર્યું કે બેકાર ચીજોમાંથી જ પાર્કનું નિર્માણ કરવું છે. બાવીસ હજાર સ્ક્વૅર ફૂટમાં એક હજાર ટન કચરામાંથી કલાકૃતિઓનું નિર્માણ કરી રહ્યા છે, જેને તેઓ કબાડ સે જુગાડ કહે છે. જેમાં જૂના ટિન, પ્લાસ્ટીક, લાકડાની વસ્તુઓ, ઔદ્યોગિક કચરો જેવી અનેક વસ્તુઓ જેને લોકોએ નકામી સમજીને ફેંકી દીધી હોય તેને એકત્ર કરીને તેમાંથી કલાકૃતિનું નિર્માણ કરે છે.
વેસ્ટ ટૂ વંડર પાર્ક માટે વાહનનો કચરો, લોખંડની વસ્તુઓ, નટ-બોલ્ટ, જૂની સાઇકલ, મોટરસાઇકલો, તૂટેલી ટાઇલ્સ, વાસણો, પ્લાસ્ટિક બોટલ, જૂના ચૂલા, ગેસ સિલિન્ડર અને અન્ય અનેક પ્રકારની ચીજવસ્તુનો ઉપયોગ કર્યો છે. સ્થાનિક નગર પરિષદ દ્વારા બસો ટન કચરો મળશે અને કેટલીક સામગ્રી ગંગામાંથી પ્રાપ્ત થશે. સાહિબગંજના પહાડો, દાદી-નાનીની વાર્તાઓ, કવિતા, કબીરના દુહા, જાનવરો, ડાયનાસોર જેવી અનેક બાબતો જોવા મળશે. અમૃત પ્રકાશના કહેવા પ્રમાણે આને તમે મુહાવરા પાર્ક પણ કહી શકશો. જેમકે 'પૈસે ક્યા પેડ પે ઉગતે હૈ ?' જેવા મુહાવરા પરની કલાકૃતિ તેમાં જોવા મળશે. તેઓ ત્યાં એક એમ્ફી થિયેટર બનાવવા માગે છે. જેથી કલામાં રુચિ રાખનારા લોકો ત્યાં પ્રસ્તુતિ કરી શકે. સાહિબગંજના યુવાનો શહેરમાં કે દિલ્હીની એનએસડીમાં નાટક કરવા જવાના નથી, પરંતુ અહીં તેઓ નાટક, નૃત્ય, સંગીતની પ્રસ્તુતિ કરશે. મૂર્તિકલાને જોશે, ચિત્ર કરશે. ચોસઠ કલાઓમાંથી કેટલીક કલાની ઝલક મળશે જે માનવજીવનને ખુશનુમા બનાવશે. તેમણે આર્ટ લાઇબ્રેરી માટે દોઢથી બે હજાર પુસ્તકો એકત્ર કર્યાં છે. તેમની ઇચ્છા તો સાહિબગંજમાં આર્ટ કૉલેજ હોય તેવી છે, જેથી બાળકો અને યુવાનો તે શીખે. કલા માત્ર સુંદર ચિત્રમાં નથી, પરંતુ માનસિક સંતુલનથી આવતી સર્જનાત્મકતામાં છે એમ તેઓ માને છે. 'માઉન્ટેન મેન' તરીકે ઓળખાતા દશરથ માંઝી કહેતા કે, 'ભગવાન કે ભરોસે મત બૈઠો, ક્યા પતા ભગવાન આપ કે ભરોસે બૈઠા હો.' આ વાતને મનમાં રાખીને અમૃત પ્રકાશ સતત કામ કરે છે. જન્મભૂમિના ઋણને કલામાં રુચિ રાખનારા લોકો માટે કંઈક કરીને તેના દ્વારા થોડું ઘણું ઋણ ચૂકવવા માગે છે.

હાથસાળ સાથે હૃદયની વાત
વર્ષાએ વિચાર્યું કે આ કલાને કોઈ બાહ્ય ટેકા કે મદદથી નહીં, પરંતુ અંદરથી જ પુનર્જીવિત કરવી જોઈએ

ત મિલનાડુના જમક્કલમાં રહેતી વર્ષા શિવકુમાર ૨૦૧૭માં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ ફેશન ટૅક્નૉલૉજીમાં અભ્યાસ કરતી હતી, ત્યારે ત્યાં ઓરિએન્ટેશન કોર્સમાં એક વ્યાખ્યાતાનું હાથસાળના વણાટકામ વિશે વ્યાખ્યાન હતું. તેમાં તેમણે તમિલનાડુના ભવાની અને કુમારપાલયમમાં જાણીતી જમક્કલમ વણાટકલા ઉપર વ્યાખ્યાન આપ્યું. વર્ષા શિવકુમાર એ જ વિસ્તારમાં આ વાતાવરણમાં જ મોટી થઈ હતી. તેણે તેની આસપાસ હાથસાળ ચાલતા પણ જોયા હતા, પરંતુ વ્યાખ્યાનમાં રજૂ કરવામાં આવેલી ઘણી વિગતોથી તે અજાણ હતી. શૈવ સંપ્રદાય સાથે જોડાયેલો જંગમર્સ સમુદાય વણાટકામ સાથે જોડાયેલો હતો. આ જમક્કલમ કલાને ૨૦૦૫-૦૬માં જી.આઈ.ટેગ પણ પ્રાપ્ત થયો હતો, પરંતુ છેલ્લાં બે દાયકામાં વીસ હજાર વણકરોમાંથી માત્ર ત્રણ હજાર વણકરો કામ કરી રહ્યા છે.
ભવાની જમક્કલમ વણાટકલાને પુનર્જીવિત કરવા માટે વર્ષા શિવકુમારે હાઉસ ઑફ જમક્કલમની સ્થાપના કરી. ત્રણસો વર્ષ જૂની પેટર્નથી વણાટકામ કરનારા કેટલાક વણકરો છે. વર્ષોથી આ કામ કરતાં જેમણે ક્યારેય વણાટકામ છોડયું નથી તેવા મરિયમ્મા અને જે આ કામ છોડીને ગયા હતા અને પરત ફરીને ફરી વણાટકામ કરે છે તેવા અગિલાન્ડમની સાથે વર્ષા શિવકુમાર કામ કરે છે. તેની સાત હાથસાળમાંથી ચાર હાથસાળ ચાલતી રહે છે. એક સમયે સરકાર દ્વારા અપાતો ઑર્ડર આ વેપારની કરોડરજ્જુ સમાન હતો. તે દિવસે દિવસે ઓછો થવા લાગ્યો અને તૈયાર થયેલો માલ સ્ટોરરૂમમાં પડયો રહેતો, પરંતુ કેટલીક વ્યક્તિ સતત વણાટકામ સાથે જોડાયેલી રહી. એમાંના એક તે મરિયમ્મા જે આજે વર્ષા શિવકુમાર સાથે કામ કરે છે.
મરિયમ્મા નાનપણથી જ વણાટકામ કરતા હતા. તેમના લગ્ન થતાં તેઓએ અન્ય જગ્યાએ જઈને પણ આ કલાને જીવંત રાખી. તેમના પતિના અવસાન પછી તેઓ ભવાની પાછા આવ્યા. આજે તેઓ કહે છે કે વર્ષા જે ડિઝાઈન આપે છે, તેને તેઓ સહેલાઈથી બનાવી શકે છે. આટલા વર્ષોમાં જ્યાં જ્યાં કામ કર્યું તેમાંથી આશરે પાંચ-છ હજારની આવક થઈ છે અને તેથી આર્થિક સ્વતંત્રતાનો અનુભવ પણ થયો, જેથી કોઈની મદદ માટે હાથ લંબાવવો પડયો નથી. જ્યારે અગિલન્ડમ પણ પોતાના જીવનના અનુભવ અંગે જણાવે છે કે તેના બે પુત્રો તો અન્યત્ર સ્થાયી થયાં છે, પરંતુ આ કામને કારણે તે પોતાનું અને તેના બીમાર પતિનું ભરણપોષણ કરી શકે છે.
વર્ષા શિવકુમાર જ્યારે અભ્યાસ કરતી હતી ત્યારે જ્યારે જ્યારે ભવાની અને કુમારપાલયમ આવે ત્યારે તે કલાકો સુધી કારીગરો સાથે બેસતી. આ વણકરો જે કાંઈ કામ કરતા કે તેને બતાવતા તેનું દસ્તાવેજીકરણ કરતી. આ કારીગરોએ તો ક્યારેય તેને કાગળ પર કે અન્ય રીતે દસ્તાવેજીકરણ કર્યું નહોતું. તેણે જોયું કે બસો-ત્રણસો વણકરો માત્ર સરકાર દ્વારા અપાતા ઑર્ડર પર નભતા હતા અને બે હજારથી પંદર હજાર સુધીની કમાણી કરતા હતા, પરંતુ તેમના ઉત્પાદનોમાં કોઈ નવી ડિઝાઈન જોવા મળતી નહીં. વર્ષાએ વિચાર્યું કે આ કલાને કોઈ બાહ્ય ટેકા કે મદદથી નહીં, પરંતુ અંદરથી જ પુનર્જીવિત કરવી જોઈએ. ત્રણસો વર્ષથી ચાલી આવતી આ કલામાં ઘણી ડિઝાઈનો હશે, જેને થોડા ફેરફાર સાથે મૂકવી જોઈએ. પરંપરાગત કલાને આદૃુનિક ફેશન સાથે જોડવી જોઈએ, જેને માટે એણે તેના રંગો અને ડિઝાઈનમાં ફેરફારો કર્યા. હાઉસ ઑફ જમક્કલમની 'ધ સ્માઇલિંગ પાઉચ' ડિઝાઈન ખૂબ લોકપ્રિય થઈ. જે પલ્લુ મુત્તમ પરથી લેવામાં આવી હતી. તમિલ ભાષામાં પલ્લુ મુત્તમ એટલે મોતી જેવા દાંત. સામાન્ય રીતે સાઠથી સિત્તેર રૂપિયે કિલો સૂતર મળતું હોય છે, પરંતુ વર્ષાએ વધુ સારું સૂતર મેળવ્યું અને તેને જાતે જ રંગ કરે છે. જમક્કલમ શૈલીનો નાનામાં નાનો નમૂનો બનાવવો હોય તો પણ બે વણકરો ચાર દિવસ કામ કરે ત્યારે તે બને છે. વર્ષાએ પારંપરિક વણકરોને આધુનિક બજાર સાથે જોડયા. તે આજના જમાનાને અનુરૂપ બેગ, પાઉચ, શર્ટ, હોમ ડેકોરેશન જેવા ઉત્પાદનો તૈયાર કરાવે છે, જેનાથી યુવાનોમાં પણ તે ખરીદવાનો ઉત્સાહ વધ્યો. સોશિયલ મીડિયા દ્વારા તેનો પ્રસાર થાય છે અને તેના દ્વારા ઑર્ડર મળે છે. થોડા સમય પહેલાં શ્રીલંકાના એક દંપતીએ શ્રીલંકન લગ્નના -શ્યને વણાટકામમાં દર્શાવવાનો ઑર્ડર આપેલો. વર્ષા શિવકુમારે કોરોનાકાળ દરમિયાન પેપર તુંડુગલની સ્થાપના કરેલી જેના દ્વારા તે કાગળના રદ્દી ટુકડામાંથી કે પોસ્ટકાર્ડમાંથી સુંદર વસ્તુઓ બનાવે છે. હેન્ડલૂમ સમર્થક અને ક્રાફ્ટ પ્રેન્યોર છવ્વીસ વર્ષની વર્ષા ત્રીસથી પાંત્રીસ પારંપરિક વણકરો સાથે કામ કરે છે. જેનાથી નવી ડિઝાઈન, આધુનિક ગ્રાહકો અને વધુ આવક મળી રહી છે. તે વિમેન્સ ઇન્ડિયન ચેમ્બર ઑફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી, તમિલનાડુ હેન્ડલૂમ કાઉન્સિલની રાજ્ય અધ્યક્ષના રૂપમાં કામ કરી ચૂકી છે, પરંતુ તેનું લક્ષ્ય પારંપરિક ભારતીય કલાને વૈશ્વિક સ્તર પર ઓળખ અપાવવાનું છે.