કોઈ આપણું યુપીઆઇ આઇડી જાણીને ખાતું ખાલી કરી શકે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આપણે અવારનવાર વિવિધ સર્વિસમાંથી આપણો ડેટા લીક કે ચોરાઈ જતો હોવાનું સાંભળીએ છીએ. આવા ડેટામાં જે તે સર્વિસમાં આપણે આપેલ પોતાનું નામ, યૂઝરનેમ, પાસવર્ડ, પિન નંબર, મોબાઇલ નંબર, ઇમેઇલ એડ્રેસ, પોસ્ટલ એડ્રેસ, બેંક એકાઉન્ટ વગેરે જાતભાતનો ડેટા હોઈ શકે છે. બેંકિંગ કે ઓનલાઇન પેમેન્ટ એપનો ડેટા ચોરાય તો આપણું યુપીઆઇઆઇડી પણ કોઈને પણ મળી શકે છે. આ બધા કારણે લોકોને મનમાં સતત ફડક રહેતી હોય છે કે આપણું બેંક એકાઉન્ટ ગમે ત્યારે ખાલી તો નહીં થઈ જાય ને?
ખરેખર આવી બહુ ચિંતા રાખવાની જરૂર નથી - ખાસ કરીને આપણે પહેલેથી સલામતીનાં કેટલાંક પગલાં લીધાં હોય તો. યુપીઆઇ આઇડીની વાત કરીએ તો તે આપણા બેંક એકાઉન્ટ નંબર જેવી વાત છે. આપણે કોઈની પાસેથી ચેકથી પેમેન્ટ મેળવવું હોય તો ફક્ત ખાતાનું નામ આપીએ તો ચાલે પરંતુ ઓનલાઇન પેમેન્ટ મેળવવું હોય તો ખાતા નંબર, આઇએફએસસી કોડ વગેરે વિગતો આપવી પડે. બરાબર એ જ રીતે આપણે પોતાનું યુપીઆઇ આઇડી પણ અન્ય લોકોને આપવું પડે.
વાસ્તવમાં બેંકનો ખાતા નંબર, આઇએફએસસી કોડ કે યુપીઆઇ આઇડી જેવી વિગતો અન્ય લોકોને શેર કરવા માટે જ ડિઝાઇન થયેલી છે. એ જ રીતે, જે રીતે આપણે કોઈ પાસેથી ઇમેઇલ મેળવવો હોય તો ઇમેઇલ એડ્રેસ તો આપવું જ પડે. આથી આપણે આ બધી વિગતો શેર કરીએ કે તે ચોરાઇ જાય તેમાં કોઈ મોટો તફાવત નથી. આપણું યુપીઆઇ આઇડી કોઈ વ્યક્તિ જાણી જાય તો એ આપણું ખાતું ખાલી કરી જશે એવી ચિંતા રાખવાની જરૂર નથી.
હા, એ ચોક્કસ યાદ રાખવા જેવું છે કે હેકર્સ આપણી વિવિધ બાબતો એકઠી કરીને તેનો એકમેક સાથે તાળો મેળવે અને પછી તે બધાનો આપણી સામે દુરુપયોગ કરી શકે છે. જેમ કે કોઈ ઠગને આપણું યુપીઆઇ આઇડી મળી જાય તો અગાઉ એ તેના પર ‘ક્લેક્ટ રિકવેસ્ટ’ મોકલી શકતો હતો. આપણે સમજ્યા વિચાર્યા વગર તેને એપ્રૂવ કરી દઇએ તથા આપણો યુપીઆઇ પિન પણ એન્ટર કરીએ તો આપણા ખાતામાંથી રકમ ચાલી જાય. હવે આવી વ્યક્તિગત રિક્વેસ્ટ પર પ્રતિબંધ આવી ગયો છે, એટલે જોખમ ઘટ્યું છે, પણ બધો આધાર આપણી સજાગતા પર છે.




