Ravi Purti

આ સદીના અંતે મુંબઈ, કલકત્તા, ઢાકા, લંડન, ન્યુયોર્ક જેવા શહેરો દરિયામાં ડૂબી ગયા હશે

By GS Team
20 Sep 202613 mins read
TukuTouch Logo
વૈજ્ઞાનિકોની ચેતવણી મુજબ, આગામી 70-80 વર્ષમાં સમુદ્રની સપાટી વધવાથી મુંબઈ, કોલકાતા, લંડન, ન્યુયોર્ક જેવા અનેક મહાનગરો જળબંબાકાર થઈ જશે. ગુજરાતના દહેજ અને સોમનાથ મંદિર સહિત 80% મુંબઈ 2050 સુધીમાં પાણીમાં ગરક થશે. પર્યાવરણના પ્રદુષણથી હિમાલયનો બરફ પીગળી રહ્યો છે, જે ભયાનક જળપ્રલય નોતરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આ સદીના અંતે મુંબઈ, કલકત્તા, ઢાકા, લંડન, ન્યુયોર્ક જેવા શહેરો દરિયામાં ડૂબી ગયા હશે

હોટલાઈન - ભાલચંદ્ર જાની

આપણી સુંદર વસુંધરા સામે એક નોખી સમસ્યા, એક જબરદસ્ત સંકટ વિશ્વ સામે ખડું થયું છે. વિજ્ઞાાનીઓ એમ કહે છે કે આવતા સાત-આઠ દાયકામાં સમુદ્રની સપાટી એટલી ઊંચે જશે કે દરિયા કિનારે વસેલાં કેટલાંય મોટા શહેરો અને કેટલાંક આખાને આખા ટાપુ દેશો દરિયામાં ગરક થઈ જશે. હવામાન શાસ્ત્રીઓએ ઉચ્ચારેલી ચેતવણી તેમના જ શબ્દોમાં ટાંકવી હોય તો સમસ્ત વિશ્વમાં ગરમીનું પ્રમાણ પાંચથી છ ડિગ્રી સેલ્સિયસ વધી જવાને કારણે આ સદીના અંતે મુંબઈ, કલકત્તા, લંડન, મિયામી, ન્યૂયોર્ક, હોંગકોંગ, બેંગકોક, વેનિસ જેવા કેટલાંય મહાનગરો પર સમુદ્રના પાણી ફરી વળશે. કાં તો આખાને આખા નગર દરિયામાં ડૂબી જશે અથવા તો આ મહાનગરો સુનામી જેવા અભૂતપૂર્વ જળપ્રલયનો સામનો કરશે.
એરિઝોના યુનિવર્સિટીના પ્રોફેસર જોનાથન ઑવરપેકે જાગતિક હવામાનમાં થઈ રહેલું પરિવર્તન અને ધુ્રવ પ્રદેશ તથા હિમાલય પર પર પીગળતા જતાં બરફનો લાંબા ગાળા સુધી અભ્યાસ કર્યા બાદ એવો વર્તારો આપ્યો છે કે આશરે ૧,૩૦,૦૦૦ વર્ષ પૂર્વે જે રીતે જળપ્રલયે આખી પૃથ્વીને રસાતાળ કરી મૂકી હતી એવી જ હોનારતના ભણકારા વાગી રહ્યા છે. આશરે ૭૦-૮૦ વર્ષ પછી આ સમસ્યા વિકરાળ બનતી જણાશે અને સદીના અંત સુધીમાં તો અનેક શહેરો જળબંબાકાર થઈ જશે.
ભારતના વિજ્ઞાાનીઓ અને પર્યાવરણ-શાસ્ત્રીઓએ તાકીદ કરી છે કે સમયસર ઉચિત પગલાં નહીં લેવાય તો બીજા સાતેક દાયકામાં મહાનગરી મુંબઈના ઘણાખરા ભાગ પર સમુદ્રના પાણી ફરી વળશે. સ્થળ છે ત્યાં જળ થઈ જશે. નરીમાન પોઈન્ટ, કોલાબા, કફ પરેડ, વાલકેશ્વર અને પેડર રોડની ગગનચુંબી ઈમારતો અને મોટી મહેલાતો પાણીમાં ગરક થઈ જશે અથવા સમુદ્રનાં પ્રચંડ ઊછળતાં મોજાંને લીધે આ તમામ વિસ્તાર માનવ વસાવટને લાયક નહીં રહે. આવી જ હાલત દરિયાકિનારે વસેલાં વરલી, વાંદ્રા, જુહૂ, વરસોવા તેમ જ બીજા ઉપનગરીય વિસ્તારોની પણ થશે. ટૂંકમાં મુંબઈ હતું ન હતું થઈ જશે. કદાચ ચારસો વરસ પહેલાં છુટાછવાયા ટાપુ ઉપર વસેલા મુંબઈના દીદાર કેવા હતા તેનો હૂબહૂ ચિતાર નવી પેઢીને નજરોનજર જોવા મળશે.
મુંબઇ સહિત દેશભરમાં સમુદ્ર કિનારે વસેલા શહેરોમાં દરિયાની સપાટી એક મીટર વધી છે. આવનારા વર્ષોમાં આ સપાટી હજી પણ વધવાની શક્યતાને લીધે જોખમ વધી ગયું છે. પર્યાવરણની કથળતી સ્થિતિને લીધે ભય વધ્યો છે.
કોસ્ટલ રોડ બાંધનારી રાજ્ય સરકાર અને મહાપાલિકાની આંખો ઊઘાડી નાખે એવો અહેવાલ આવ્યો છે. સાત બેટો જોડીને મુંબઇ મહાનગર રચાયું હતું. ત્યાર પછી નરીમાન પોઇન્ટ અને બાંદરામાં સમુદ્રમાં ભરણી કરી જમીન નવસાધ્ય કરવામાં આવી હતી. એટલે આ વિસ્તારોને દરિયાનું વધુમાં વધું જોખમ છે. ભવિષ્યમાં દરિયાના મોજા મંત્રાલય અને વિધાનભવન સુધી પહોંચે એવું જોખમ છે, એમ આ અહેવાલ તૈયાર કરનારી ટીમના એક અભ્યાસુ ડૉ. અર્ણવ ઘોષે જણાવ્યું હતું. ભારતના દરિયા કિનારાના શહેરો ઉપરાંત ન્યૂયોર્કે અને શાંઘાઇને પણ જોખમ છે. કોલકાતામાં આ જળપ્રલયનું જોખમ ૧૦૦૦ ગણું, શાંઘાઈમાં ૪૦ ગણું અને ન્યુયોર્કમાં ૨૦૦ ગણું વધી જશે.
વર્ષો સુધી દરિયો પૂરીને માનવીએ ઘણી જગ્યા પચાવી પાડી છે. હવે આ જગ્યા એક જ ઝાટકે અંકે કરી લેવા વરુણદેવ વીફરે તો નવાઈ નહીં. આવું ખરેખર બને તો તે એક મહાદુઃસ્વપ્ન હશે. હકીકત એ છે કે પરિસ્થિતિ ઝડપથી વણસીને માનવજાતના કાબૂ બહાર જઈ રહી હોવા છતાં દુનિયાભરના શાસકોની ઊંઘ ઊડતી નથી. એકલું મુંબઈ જ નહીં, મિયામી, સિડની વેનિસ, મોન્ટેકાર્લો, ઢાકા, કલકત્તા, કરાચી જેવાં શહેરો અને સેનેગલ, માલદીવ, ફીજી તથા ઈજિપ્ત જેવા કેટલાય દેશોનો તટપ્રદેશ પાણીમાં ગરક થઈ જવાની ભીતિ વિજ્ઞાાનીઓએ વ્યક્ત કરી છે. મિની પ્રલય જેવી આ પરિસ્થિતિ માટે જવાબદાર હશે ઝડપથી વધતી જતી સાગરની સપાટી!
હાલ ચાલી રહેલા હવામાનના અભ્યાસ વિશેના એક ન્યુસ રિપોર્ટમાં મુંબઇને વિશ્વભરના એવા ૨૦ બંદરી શહેરોની યાદીમાં છઠ્ઠુ સ્થાન આપ્યું છે, જેમના પર વાવાઝોડાને કારણે પૂર આવવાનું અને તોફાની પવનો તથા દરિયાની વધતી સપાટીને કારણે મોટાપાયે નુકસાન થવાનું જોખમ તોળાય છે. અભ્યાસમાં જણાવ્યા મુજબ ૨૦૭૦ સુધીમાં હવામાનના આત્યંતિક ફેરફારોને કારણે મુંબઇમાં સવા કરોડ લોકો અને ૧.૬ પરાર્ધ ડોલરની અસ્ક્યામતો પર સંકટ તોળાશે.
આ રીતે સમુદ્રની વધતી સપાટી મુંબઈ માટે પણ ખૂબ જોખમી સાબિત થવા જઈ રહી છે. મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ સુધરાઈ દ્વારા તાજેતરમાં આ મહાનગરનો નવેસરથી સર્વે થઈ રહ્યો છે. હાથ ધરાયેલા અભ્યાસ મુજબ શહેરના ૧૪૯ કિલોમીટર લાંબા સાગરકાંઠે વસેલી વસતી પર આવનારી આફતનો અંદાજ માંડવામાં આવ્યો છે. એ મુજબ વર્ષ ૨૦૫૦માં મુંબઈ શહેરના ૮૦ ટકા વિસ્તાર પર દરિયાના પાણી ફરી વળશે.
ગુજરાત રાજ્યની સ્થિતિ પણ જરાય સારી નથી. છેલ્લાં ૫૦ વર્ષોમાં ભારતીય કાંઠા પર સમુદ્રની સપાટીમાં ૯ સેન્ટિમીટર જેટલો વધારો થયો છે. તેને કારણે. દેશનું એક મહત્ત્વનું કંડલા બંદર પણ આવનારા જળપ્રલયમાં ખૂબ કપરી પરિસ્થિતિમાં મૂકાશે.
ચિંતાજનક વાત એ છે કે ગુજરાતના દરિયાકાંઠાની જમીનનું ઝડપથી ધોવાણ થઈ રહ્યું છે. ગત ૧૦ વર્ષોમાં અહીં દરિયાએ ૧૦ મીટરથી પણ વધુ જમીન પોતાની અંદર સમાવી લીધી છે. આથી આશરે વર્ષ ૨૧૦૦ સુધીમાં ભરૂચ નજીકનો દહેજ ઈન્ડસ્ટ્રિયલ ઝોન અડધાથી વધુ ડૂબી જશે. દરિયાનાં જળ ખતરનાક રીતે જમીન પર ફરી રહ્યાં છે. ઈસરોના સેટેલાઈટ સર્વેમાં આ તથ્ય ઉજાગર થયું છે.
ભરૂચ નજીક તો નર્મદા નદીનાં પાણીમાં દરિયાનાં પાણી ભળી ગયાં હોવાનું નોંધાયું છે.
સોમનાથ મંદિર તો અનેક વિદેશી આક્રમણનો ભોગ બન્યું છે, પણ હવે સોમનાથ મંદિર સામે દરિયાનું જોખમ તોળાઈ રહ્યું છે. સોમનાથ મંદિરની દીવાલો પર એની સ્પષ્ટ અસર જોઈ શકાય છે. આમેય સોમનાથનો દરિયો તોફાની મનાય છે. મંદિરના દરિયાકાંઠે દરિયાને ખાળવા મોટા મોટા પથ્થર મૂકવામાં આવ્યા હોવા છતાં ધીમે ધીમે આગળ વધતો વિકરાળ દરિયો સોમનાથની મિલકત પર અસર પહોંચાડી રહ્યો છે.
આફતોને કારણે કેટલી અસ્ક્યામતોને નુકસાન થશે એના આધારે શહેરોને યાદીમાં રેન્ક અપાઇ છે. આવા દસમાંથી આઠ નગરો દુનિયાના સૌથી વધુ વસતિ ધરાવતા ખંડ (એશિયા)માં છે. ૨૦ જોખમી બંદરી શહેરોની યાદીમાં કોલકત્તા ચોથા સ્થાને છે. પશ્ચિમબંગની રાજધાનીમાં ૨૦૭૦ સુધીમાં ૧ કરોડ ૪૦ લાખની વસતિ અને ૨ પરાર્ધ ડોલરની અસ્ક્યામતો પર કુદરતી આફતોનું મોટુ જોખમ તોળાતું હશે.
નિષ્ણાતોના જણાવવા મુજબ આંતરરાષ્ટ્રીય શહેરોમાં નિરંકુશ કોન્ક્રિટાઇજેશનને લીધે માત્ર વિશ્વભરના તાપમાનમાં ચઢઉતર નથી થઇ રહી પરંતુ એને કારણે માઇક્રોક્લાઇમેટસ પણ બદલાઇ રહી છે. આ ફેરફારો ભેગા થઇને ૨૦૭૦ સુધીમાં વિનાશક સિનારિયો ઉભો કરશે અને એને પરિણામે અતિવૃષ્ટિ થશે. નબળા આયોજનને કારણે મુંબઇ જેવા શહેરોમાં પાણીને જમીનમાં ઝમવા માટે નહિવત સ્પેસ બચી છે. આવા નગરોમાં કુદરતી આફતોની અસર પ્રચંડ હશે.
શ્રીમદ્ ભાગવતમાં કળિયુગના અંતે કેવો પ્રલય થશે તેનો ચિતાર આપ્યો છે. અત્યારે અંગત સ્વાર્થમાં લાલચુ અને અંધ બનેલો માનવી નૈસર્ગિંક સૃષ્ટિનું સર્વત્ર આડેધડ નિકંદન કરી રહ્યો છે. પરંતુ કોપાયમાન થયેલી કુદરત વેર વાળવા પંજો ઉગામશે ત્યારે આખી ધરતી રસાતાળ થઈ જશે એવો અણસાર ભાગવતમાં આપ્યો છે.
ધર્મગ્રંથો અને પૌરાણિક કથાઓની વાતનો આધાર ન લઈએ તો આધુનિક વિજ્ઞાાન થકી પણ એ વાતને સમર્થન સાંપડે છે કે બહુ દૂરનાં નહીં એવા ભવિષ્યમાં પૃથ્વીનો ૨,૨૪,૦૦૦ માઈલ દરિયાકાંઠા વિસ્તાર ઊંચા ઊછળતાં સમુદ્રી મોજામાં વિલિન થઈ જશે. જિનિવામાં પૂરી થયેલી યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાયમેટ ચેન્જની કોન્ફરન્સમાં આવી આગાહી વ્યક્ત કર્યા પછી હાજર રહેલા તમામ સભ્યોએ આ જોખમ ખરેખર ચિંતાજનક હોવાનું જણાવી એકી અવાજે વિશ્વને પ્રલયમાંથી ઉગારી લેવાનો સૂર સંભળાવ્યો હતો. જગતના ૧૩૩ દેશોના વિજ્ઞાાનીઓ તથા હવામાનશાસ્ત્રીઓ આ પરિષદમાં હાજર હ તા. તેમની મુખ્ય ચિંતા અને ચર્ચાનો વિષય એ જ હતો કે પૃથ્વી વધુને વધુ ગરમ બની રહી છે. પરિણામે ધુ્રવ પ્રદેશોનો બરફ પીગળવા માંડતા દરિયાની સપાટી એકદમ વધી જશે અને કેટલાંય શહેરો પાણીમાં ગરક થઈ જશે.
આ ભયાનક દુઃસ્વપ્ન પાછળ જવાબદાર મનાતા કારણોની સવિસ્તર છણાવટ કરવી જોઈએ. આડેધડ વિકાસ સાધવાની ધૂનમાં પ્રગતિના નામે ઠેર ઠેર કારખાનાં, જંગી પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ ઊભા કરી આપણે વાતાવરણમાં ઝેરી વાયુનો સતત ઉમેરો કરતા રહ્યા છે. ગેસોલીનના દહન અને કૃત્રિમ રસાયણોના ઉત્પાદન દ્વારા પણ પુષ્કળ કાર્બન ડાયોક્સાઈડ પેદા થાય છે. આ રીતે વાતાવરણમાં સતત સીઓટુ (કાર્બન ડાયોક્સાઈડ)નું પ્રમાણ વધતું રહે તો પૃથ્વીના સંરક્ષક ઓઝોન વાયુના આવરણને તેની વિપરીત અસર થયા વિના ન રહે. ઓઝોન એ ઑક્સિજન (પ્રાણવાયુ)નું એક અલગ રૂપ છે. ઓક્સિજનમાં આ વાયુના બે પરમાણું હોય છે જ્યારે ઓઝોનમાં ત્રણ પરમાણુ માનવજીવન માટે એ પ્રાણવાયુ જેટલો જ ઉપયોગી છે.
ઓઝોનનું ખાસ મહત્ત્વ એ છે કે સૂર્યના રેડિયોએક્ટીવ કિરણોને એ વાતાવરણ સોંસરવા ઊતરીને પૃથ્વી સુધી પહોંચવા દેતો નથી. અને માનવજાતને ઈન્ફ્રારેડ (અધોરક્ત) તથા અલ્ટ્રાવાયોલેટ (પાર જાંબલી) કિરણોની ઘાતક અસરથી ઊગારી લે છે. ઓઝોન આવરણ સુરક્ષિત હોય ત્યાં સુધી તો કોઈ વાંધો આવતો નથી. પરંતુ વાતાવરણમાં પ્રદૂષણ હદબહાર વધી જવાને લીધે આ છત્રમાં ગાબડું પડયું છે, જેને લીધે ગ્રીન હાઉસ ઈફેક્ટ (વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઈડ સૂર્યની ગરમી શોષી લેતાં ઉષ્ણતામાન વધે એ પ્રક્રિયા)નું પાપ દિવસે દિવસે બળકટ બનતું જાય છે.

પરિણામે પૃથ્વીના વાતાવરણમાં ગરમીનો એટલો ભરાવો થતો જશે કે ચાર-પાંચ દાયકામાં જગતનું તાપમાન ૪ થી ૬ સેલ્શ્યિસ જેટલું વધી જશે.
અમેરિકાના હવામાનશાસ્ત્રી જેમ્સ હાનસેને બે દાયકા પહેલાં વધી રહેલાં ઉષ્ણતામાન તરફ આંગળી ચીંધીને લોકોને ચેતવ્યા ત્યારે તેની વાતને હસી કાઢવામાં આવી હતી. ફક્ત ચાર ડિગ્રી સેલ્શિયસ ગરમી વધે તો તેમાં કયો મોટો પહાડ તૂટી પડવાનો છે?
પરંતુ હકીકત એ છે કે વાતાવરણમાં ગરમીનો પારો સહેજ ઊંચો જતાં હવામાનનું સંતુલન સાવ ખોરવાઈ જશે એટલું જ નહીં, આ ફેરફાર મોટી કુદરતી આપત્તિનું નિમિત્ત બની શકે. પ્રાગેતિહાસિક કાળમાં પારો ફક્ત પાંચ ડિગ્રી નીચે ગયો તેના પગલે આઈસએજ (હિમયુગ)નો તખતો ગોઠવાયો. હિમયુગ આવ્યો ત્યારે સૃષ્ટિ પર બરફ ફરી વળતાં દુનિયા જીવશેષ થઈ ગઈ હતી. આ જ રીતે ગરમીમાં સહેજે વધારો થાય તો વાતાવરણની સમતુલા ખોરવાતાં વિનાશક પ્રલય થઈ શકે. હિમયુગનાં મંડાણ થવાની પ્રક્રિયા તો હજારો વર્ષ સુધી ચાલી હતી. પરંતુ ગરમીને કારણે પૃથ્વી પર પ્રલય સર્જાતા એટલી વાર લાગશે નહીં.
આ સંભવિત વિનાશના મોજાં માટે જવાબદાર મનાતી કાર્બન ડાયોક્સાઈડને લગતી થિયરીના અનુસંધાનમાં વધુ પુરાવા મેળવવા વિજ્ઞાાનીઓએ દક્ષિણ ધુ્રવ પ્રદેશમાં કરોડો વર્ષોથી જામેલા બરફનાં ઊંડાણ તપાસી જોયા છે. ભૂંગળી આકારની શારડી બરફમાં ઊંડે ઉતારી વિજ્ઞાાનીઓએ નળા આકારનો બરફનો ટુકડો બહાર કાઢી પોટેશિયમ ડેટિંગ પધ્ધતિથી એને ચકાસીને એવું તારણ કાઢ્યું હતું કે ૨૦,૦૦૦ વર્ષ પૂર્વે વાતાવરણમાં જેટલો કાર્બન ડાયોક્સાઈડ હતો તેનાથી આજે બમણો છે.
વાતાવરણમાં આ જ રીતે અંગારવાયુ ઠલવાતો રહેશે તો એ સમય દૂર નથી જ્યારે હિમાલય, આલપ્સ, કોકેસસ, એન્ડિઝ, પામીર વગેરે પર્વતોનાં શિખરોનું હિમ પીગળવા લાગશે. વધી રહેલાં ઉષ્ણતામાનની આ અસરથી ધુ્રવ પ્રદેશનો બરફ પણ પાણીમાં ફેરવાતો જશે.
૧૯૭૫થી અમેરિકન અને રશિયન ઉપગ્રહો વડે ઝડપાતી રહેલી હિમાલયની તસવીરોનો અભ્યાસ કરી ભારતીય હવામાનશાસ્ત્રીઓએ નિર્દેશ કર્યો છે કે પર્યાવરણના ઉપલા સ્તરમાં રહેલા પ્રદૂષણની અસરથી હિમાલયનો બરફ ઓગળવાની પ્રક્રિયા ઝડપી બની રહી છે. પરિણામે આ પર્વતમાળામાંથી નીકળતી સરિતાઓમાં પૂર આવવાની પરંપરા ઉગ્ર બની જશે.
ધુ્રવ પ્રદેશનો બધો બરફ એકી સાથે પીગાળી નાખવામાં આવે તો એકઠા થયેલાં પાણીને લીધે વિશ્વના તમામ સાગરની સપાટી ૬૦ ફૂટ વધી જાય અને સમુદ્ર કિનારે વસેલાં તમામ શહેરો પાણીમાં ગરક થઈ જાય. દક્ષિણ ધુ્રવ ખંડની ૫૧ લાખ ચોરસમાઈલ જમીન બરફની શ્વેત ચાદરથી ઢંકાયેલી છે. ખરેખર તો તેને ચાદર નહીં પણ જાડી જાજમ કહેવી જોઈએ. કારણ કે જમીન પર જામી ગયેલા બરફની જાડાઈ બે માઈલ જેટલી છે. ઘનસ્વરૂપે (બરફરૂપે) એકઠું થયેલું આ પાણી એકીસાથે છૂટું પડે તો નીચાણવાળા તમામ પ્રદેશો જળબંબાકાર થઈ જાય. થોડા સમય પૂર્વે આપણે સુનામીની હોનારત જોઈ તેનાથી અનેકગણી વધુ આફત જગતના અનેક દેશો પર એક સામટી ઊતરી આવે.
હવામાનના અભ્યાસીઓનો એક વર્ગ જો કે એવું માને છે કે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વિષૃવૃત્ત નહીં પણ ધુ્રવ પ્રદેશો પર વધી જશે. જેને લીધે બરફ પીગળતાં હિમપ્રદેશોમાં બાષ્પીભવન થશે અને વાદળાં ઘેરાઈ જશે. મહાસાગરના જળપ્રવાહમાં પરિવર્તન આવશે અને દરિયાની સપાટી ૩૦ થી ૪૦ ફૂટ ઊંચે જતાં સમુદ્રતટે વસેલાં ન્યૂયોર્ક આમ્સ્ટરડેમ, હેમ્બર્ગ, ફ્લોરિડા, બોસ્ટન, મુંબઈ, કલકત્તા જેવાં અનેક શહેરો તથા ઈજિપ્ત,બાંગલાદેશ, ફીજી,માલદીવ જેવા અનેક દેશોની મોટાભાગની જમીન સમુદ્રમાં ગરક થઈ જશે. આ બધું બહુ દૂરના ભવિષ્યમાં નહીં પણ એકવીસમી સદીના મધ્યમાં અથવા ૮૦ના દાયકામાં બનશે તેવો અંદાજ મુકાય છે. યુનોના પર્યાવરણ કાર્યક્રમના વડા સ્ટેજપાલ કેક્સે તો આવતાં ૩૦ વર્ષની અંદર જ સમુદ્ર વધુ તોફાની અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે તેવી ચેતવણી ઉચ્ચારી છે.
પર્યાવરણ નિષ્ણાત માર્ટીન ઈવાન્સે લખેલા 'ધી રાઈઝિંગ સી' પુસ્તકમાં ચેતવણી આપી છે કે તાબડતોબ ચાંપતા પગલાં નહીં લેવાય તો મોટી સંખ્યામાં માનવ વસાહત પાયમાલ થઈ જશે. દરિયો માઝા મૂકતાં અનેક શહેરોનું ક્ષેત્રફળ સંકોચાઈ જશે. માલદીવ, વેસ્ટ ઈન્ડિઝ અને પેસેફિક મહાસાગરના અમુક ટચૂકડા બેઠી દડીના ટાપુઓનાં તો જગતના નકશા પરથી નામ જ ભૂંસાઈ જશે.
તેમની ગણતરી પ્રમાણે દરિયાની વધી રહેલી સપાટીમાં વિશ્વના જે વિસ્તારો જળસમાધિ લેવાના છે તેમાં ઓસ્ટ્રેલિયાનો સમગ્ર દક્ષિણ તટપ્રદેશ, સ્કેન્ડિનેવિયન (નોર્થ ફિનલેન્ડ, સ્વીડન વગેરે) દેશોના કિનારા અને બ્રિટનના એક તૃતીયાંશ સાગરતટનો સમાવેશ થાય છે. ઈજિપ્તનો એક તૃતીયાંશ ફળદ્રુપ વિસ્તાર પણ સમુદ્રમાં ઊછળતાં મોજામાં ગરક થઈ જશે.
ભારતીય ઉપખંડમાં પ્રલયકારી પૂર સર્જનારા પરિબળોમાં સમુદ્રની વધતી જતી સપાટી ઉપરાંત હિમાલયની પર્વતમાળા મહત્ત્વનો ભાગ ભજવશે. વિજ્ઞાાનીઓ માને છે કે જે બે ભૂસ્તરીય છાજલીઓ ટકરાવાને કારણે સાડા ચાર કરોડ વર્ષ પૂર્વે હિમાલય અસ્તિત્વમાં આવ્યો એ છાજલીઓ વચ્ચેની અથડામણ હજુ થંભી નથી. પરિણામે ૨૯,૦૨૮ ફૂટની મહત્તમ ઊંચાઈ ધરાવતા માઉન્ટ એવરેસ્ટનું કદ હજુ વધતું જાય છે. આ ફેરફારની આડઅસર પર્વત નીચેની પૃષ્ઠભૂમિ પર પડી છે. વધુ પડતું દબાણ ખમી ન શકતા હિમાલય પર્વતમાળાના પૂર્વ હિસ્સામાં તિરાડો પડવા લાગી છે. આ ચોંકાવનારી હકીકત વિશે અત્યાર સુધી વિજ્ઞાાનીઓ વાકેફ નહોતા, પરંતુ ં ઉપગ્રહ દ્વારા હિમાલય પર્વતમાળાનો વ્યાપક અભ્યાસ હાથ ધરાયો અને અમુક ખડકોની રેડિઓએક્ટિવીટી ચકાસી જોતા વૈજ્ઞાાનિકો એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે હિમાલયની ઊંચાઈ હવે વધશે નહીં એ તો ઠીક, અમુક પર્વતોમાં ઊભી તિરાડો પડવાથી અને બરફ પીગળવાનું પ્રમાણ વધી જતાં તેમાંથી નીકળતી નદીઓનાં પ્રલયકારી પૂર પણ આવશે.
માર્ટીન ઈવાન્સનો અભિપ્રાય એવો છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે સહકાર સાધીને દરિયો માઝા મૂકે તે પહેલાં મજબૂત પાળ બાંધવી જોઈએ. નીચાણમાં રહેતા શહેરીજનોને સમુદ્ર કિનારાથી પીછેહઠ કરાવી દૂર સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની યોજના વિચારવી જોઈએ. સમુદ્રના ક્ષારો પચાવી શકે તેવી વનસ્પતિ વિકસાવીને તથા સમુદ્રમાં ઉમેરાનારું વધારાનું પાણી કોઈ મોટા સરોવર, ખાડીમાં વાળવાની યુક્તિઓ વિચારવી જોઈએ.
વર્લ્ડ મિટિયોરોજિકલ ઓર્ગેનાઈઝેશન નામથી સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ શરૂ કરેલા એક અલગ તંત્ર દ્વારા ગ્લોબલ વૉર્મિંગ્સની અમેરિકા પર શું અસર થશે તેનો વિસ્તૃત અહેવાલ તૈયાર થઈ ચૂક્યો છે. તેની ધારણા મુજબ દરિયાની સપાટી માત્ર ૧૫ ફૂટ વધે તોય અમેરિકાના ઘણાખરા તટપ્રદેશ પર પાણી ફરી વળતાં દેશના તમામ મોટાં બંદરો જળસમાધિ લેશે. સાનફ્રાન્સિસકો, ઓકલેન્ડ, ન્યુ ઓર્લિયન્સ, બાલ્ટિમોર, ન્યુયોર્ક, ન્યુજર્સી સ્ટેમ્ફોર્ડ, મિયામી જેવા દરિયા કિનારે વસેલાં મોટા ભાગનાં શહેરોમાં જમીન પર માથાડૂબ પાણી ફરી વળશે.
ત્રીજા વિશ્વના દેશોમાં સૌથી વિનાશક અસર બાંગલાદેશને થશે. જ્યાં એક તરફ ગંગા-બ્રહ્મપુત્રામાં કાયમી પુરની પરિસ્થિતિ સર્જાશે તો બીજી બાજુ બંગાળના ઉપસાગરની સપાટી વધવાથી દોઢ કરોડ લોકોએ હિજરત કરવી પડશે. બાંગલાદેશની સરકાર આ સંભવિત ખતરા સામે હજુ સુધી કોઈ પૂર્વ તૈયારી કરી શકી નથી. પરંતુ અમેરિકાએ પોતાના દરિયા કિનારે વસેલાં શહેરોને તારાજીમાંથી ઉગારી લેવા યુદ્ધના ધોરણે તૈયારી કરવા માંડી છે. તાજેતરમાં કૅટરિના, રીટા જેવા હરિકેન, પૂર-વાવાઝોડાની હોનારતો સહન કર્યા પછી સરકાર સાવધ થઈ ગઈ છે. મિયામીના દરિયા કિનારેને સહેજ દૂર ખસેડવા ઈજનેરોએ દાયકા પહેલાં કમર કસી હતી. હવે આ દિશામાં વધુ મથામણ કરી આ શહેરનો સળંગ દરિયાકિનારો વધુ ઊંચી સપાટીએ લઈ જવાના ભગીરથ પ્રયત્ન થઈ રહ્યા છે. અનેક સ્થળોએ દરિયાઈ પાણીને ખાડીમાં વાળી લેવાના કે નદીના ઉપરવાસ સુધી પહોંચતા કરવાનો બંદોબસ્ત થઈ રહ્યો છે. સમુદ્રનાં પાણી નદીઓ મારફત અંદર ધસી આવતાં જરૂર લાગે ત્યાં નદી કિનારાની વસાહતને બીજે સ્થળાંતર કરવાની હિલચાલ પણ શરૂ થઈ ગઈ છે.
સમૃદ્ધ દેશ હોવાને કારણે અમેરિકા આવા અનેક રક્ષણાત્મક પગલાં ભરી શકે પરંતુ વાતાવરણ વધુ દૂષિત ન થાય તેવો વ્યૂહ ઘડવાની વાત આવી ત્યારે અમેરિકા સહિત તમામ ઔદ્યોગિક દેશો માથા ધુણાવવા માંડયા. ભૂતકાળમાં જિનિવા પરિષદમાં એવી માગણી થઈ હતી કે અમેરિકા અને રશિયા વાતાવરણમાં સૌથી વધુ (અનુક્રમે ૨૨ અને ૧૯ ટકા) કાર્બન ડાયોક્સાઈડ છોડે છે. આ બે દેશોએ પ્રદૂષણનું પ્રમાણ ઘટાડીને ૧૫ ટકા કરી નાખવું જોઈએ. પરંતુ જગતનું એક પણ ઔદ્યોગિક રાષ્ટ્ર પોતાના હિતના ભોગે જાગતિક પર્યાવરણને બચાવી લેવાના મૂડમાં નથી. આ સંજોગોમાં વિનાશના ઓળા વિરાટ બનતા જાય એ સ્વાભાવિક છે.
ઓઝોનના આવરણમાં પડેલું બાકોરું વધુ મોટું થશે તો પૃથ્વી પર ઓર મોટી હોનારતો સર્જાશે. જાતજાતની આપત્તિથી માનવજાત અને પશુ-પક્ષીઓ ત્રાહિમામ પોકારી જશે. અલ્ટ્રાવાયોલેટ કિરણોનો સીધો વહેતો ધોધ ચામડીના કેન્સરનું પ્રમાણ એકદમ વધારી દેશે. મોટા પ્રમાણમાં ધરતી પરની અને દરિયાના પેટાળની લીલોતરીનો નાશ થશે. અત્યારે ફળદ્રુપ ગણાતી જમીન રસકસ વિનાની થઈ જતાં ત્યાં વાતાવરણ રણપ્રદેશ જેવું વેરાન થઈ જશે. જ્યારે હાલમાં કાયમી બરફાચ્છાદિત રહેતા ધુ્રવ પ્રદેશ પરનો બરફ પીગળવાથી મોટા સરોવરો રચાઈ જશે. અત્યાર સુધી વાંઝણી રહેલી ધુ્રવ પ્રદેશની ધરતી પહેલીવાર ખેતી લાયક બનતાં ત્યાં અનાજનું વાવેતર થઈ શકશે.
આ બધું જોતા લાગે છે કે માનવીની પ્રગતિની સાથે સાથે પ્રકૃતિની અધોગતિ થઈ રહી છે. હજારો વરસોથી માનવી સમશીતોષ્ણ કટિબધ્ધમાં રહેવાનું પસંદ કરતો હતો. પરંતુ પ્રકૃતિમાં ધરમૂળથી ફેરફાર થયા પછી બધા સમીકરણો બદલાઈ જશે. સમુદ્રકિનારે વસવાટ કરવાને બદલે માનવી પહાડ ઉપર રહેવાનું વધુ પસંદ કરતો થાય તો નવાઈ નહીં.