લક્ષ્મીના વાલી બનો, માલિક નહિ

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- લક્ષ્મીને હડપ કરવાની નથી, સંઘરો કરવાનો નથી પણ જીવન જીવવા માટે એ સમ્યક્ રીતે મેળવી એનો કેવળ સમ્યક્ ઉપયોગ કરવાનો છે.
લ ક્ષ્મી હોય ત્યાં સરસ્વતી ના હોય અને જ્યાં સરસ્વતી નિવાસ કરતી હોય ત્યાં લક્ષ્મી ના રહે. આવી ઉક્તિ આપણે ત્યાં જાણીતી છે. આજે કંઈ આ ઉક્તિ સર્વથા સત્ય ઠરતી નથી. લક્ષ્મી એટલે ધન. ધન પાસે શક્તિ છે. એ વૈશ્વિક શક્તિનું પ્રતીક છે લક્ષ્મી. સ્થૂળ ભૂમિકા ઉપર તેના વગર ડગ પણ ભરી શકાતું નથી. બાહ્ય જીવનની ખુશી માટે એ જરૂરી છે. માણસનો અહમ કયા કારણે વકરે છે? એમાં પણ ધન-લક્ષ્મી જ જવાબદાર છે. સત્તા, લક્ષ્મી અને કામવાસના આ ત્રણેય શક્તિઓ માણસને બરબાદ કરી શકે છે. માનવનું દાનવમાં રૂપાંતરણ એને કારણે જ થાય છે. માણસ અભિમાની બને છે એમાં પણ એ ત્રણેય શક્તિઓ જવાબદાર છે. લક્ષ્મીને ઘણા માણસો ખોટી રીતે પકડી રાખે છે અથવા એનો દુરૂપયોગ પણ કરતા હોય છે. લક્ષ્મીને વિકૃત કરી અસુરો તેની ઉપર કબજો જમાવે છે. લક્ષ્મીને હડપ કરવાની નથી, સંઘરો કરવાનો નથી પણ જીવન જીવવા માટે એ સમ્યક્ રીતે મેળવી એનો કેવળ સમ્યક્ ઉપયોગ કરવાનો છે. એ શક્તિ આપણી અધ્યાત્મિકજીવન યાત્રામાં સહાયક બને એ જ જોવાનું છે.
આપણી માનસિકતા એવી નથી, આપણે બીજી કોઈ શક્તિ કરતાં ધન ઉપર જ વધારે ધ્યાન આપીએ છીએ. સંપત્તિ એકઠી કરવામાં જ આપણને રસ પડે છે. પેઢીઓની પેઢીઓ સુધી એ ચાલે, સંતાનોને કમાવું જ ના પડે એવી આપણી માન્યતા છે એટલે ખોટી રીતે આપણે લક્ષ્મીને આપણી તરફ ખેંચી લાવી, એને કેદ કરીને રાખીએ છીએ.
આપણે નાણાં બેંક બેલેન્સ લક્ષ્મી શક્તિને જ જીવનનું સર્વસ્વ માનીને એને એકઠી કરવામાં જીવન વેડફી નાખીએ છીએ, અને એકઠી કરેલી સંપત્તિ આપણને સંપૂર્ણ સંતોષ નથી આપી શકતી.
સંપત્તિથી સંરક્ષકો મેળવી શકો, સલામતી નહીં,
મિલકતથી મિત્રો મેળવી શકો, મૈત્રી નહીં,
ધનભંડારથી સ્નેહીઓ મેળવી શકો, સ્નેહ નહીં,
માલમતાથી સ્ત્રી મેળવી શકો, સ્નેહ નહીં,
નાણાંથી પદ મેળવી શકો, પ્રતિષ્ઠા નહીં,
પૈસાથી પુત્ર મેળવી શકો, દીકરો નહીં,
રૂપિયાથી સાધનો મેળવી શકો, સાધના નહીં,
દોલતથી દ્રશ્યો વસાવી શકો, દ્રષ્ટિ નહીં,
લક્ષ્મીથી ભોજન મેળવી શકો, ભૂખ નહીં,
રિદ્ધિથી એશઆરામ મેળવી શકો, રામ નહીં,
રૂપિયાથી દવા મેળવી શકો, આરોગ્ય નહીં,
ધનથી મનોરંજન મેળવી શકો, માણસાઈ નહીં,
ધનથી ગીતા મેળવી શકો, જ્ઞાન નહીં,
પૈસાથી ખોરડાં ખરીદી શકો, ખાનદાની નહીં,
પૈસો અનિવાર્ય છે પણ સર્વસ્વ નથી એ સમજવું જરૂરી છે. આપણે પૈસા-લક્ષ્મીને કેવળ ઇશ્વરની એક શક્તિ માનીએ, જે આપણા જીવનને સરળ બનાવવામાં સાચી રીતે સહાયરૂપ જ થાય એ અંગે વિચારણા થવી જોઈએ. જો લક્ષ્મીને કેદ કરીએ, ખોટી રીતે ભેગી કરીએ તો એ લક્ષ્મી આપણે અસુરની જેમ લૂંટીએ છીએ તેમ થયું કહેવાય. આપણું લક્ષ્ય અધ્યાત્મનું છે, એના આકર્ષણને કારણે આપણે લક્ષ્યચૂક થઈએ છીએ.
પ્રભુની શક્તિ આપણને અંદરથી મજબૂત કરે છે. જીવનને સહાયક બને છે એવી જ રીતે ધન એ પણ પ્રભુની શક્તિ જ છે. પણ તે આપણને ઉપરથી, સ્થૂળ રીતે પ્રાણની ભૂમિકા એ સહાયક બને છે. ઇચ્છાઓને સંતોષવા માટે આપણે સીધો એનો ઉપયોગ કરીએ છીએ, જીવનને આનંદ આપવા, પ્રફુલ્લ બનાવવા, સમાજમાં આપણો અહમ સંતોષવા માટે એ ધનનો સહારો લઈને આપણે શિર ઉન્નત રાખીએ છીએ. એનાથી આપણો અહમ સંતોષાય પણ ખરો, પરંતુ એનો મૂળ ધર્મ આપણે જાણી લેવો જોઈએ. મનુષ્યના અહમને અને અસુરનું સૌથી વધારે બળપૂર્વક આકર્ષણ કરનારી ત્રણ મહાન શક્તિઓ આ જગતમાં છે. સત્તા, લક્ષ્મી અને કામવાસના. એમાંની લક્ષ્મી એક છે. એ શક્તિને ખોટી રીતે ખેંચી લાવવાની નથી, એનું અપહરણ કરવાનું પણ નથી, હાથમાં રાખ્યાનો અહમ સંતોષવાનો નથી. એનો દુરૂપયોગ પણ કરવાનો નથી, લક્ષ્મીના ધારણ કરનારા તરીકેનું અભિમાન પણ રાખવાનું નથી. એમ કરવાથી લક્ષ્મી વિકૃત થાય છે. એના ઉપર આસુરી અસરો થાય છે. કેટલાક માર્ગો અને લોકો લક્ષ્મીને સ્પર્શ કરતા નથી, એમ પણ કરવું બરાબર નથી. લક્ષ્મી વર્જ્ય નથી. તમે હાથ ના અડાડો તો એ પ્રભુ વિરોધી શક્તિઓ એને લઈ જશે. ખરેખર તો અસુરોના હાથમાંથી તેને મુક્તિ અપાવી તેને વહેતા રાખી, દિવ્ય જીવન ગાળવા માટે તેનો ઉપયોગ કરતાં સાધકે શીખી લેવું જોઈએ. લક્ષ્મીનું વાલીપણું બરાબર છે. તેના માલિક ન બનવું જોઈએ. વાલીપણું વહીવટ કરે છે અને માલિકીપણું એના પર હક જમાવે છે જે કંઈ લક્ષ્મી-ધન મળે તે મા ભગવતીનો પ્રસાદ આધ્યાત્મિક માની, એનું વાલીપણું કરવામાં જ દિવ્ય જીવનના માર્ગનાં દ્વાર ખુલ્લાં થાય છે, એવું શ્રી મહર્ષિ અરવિંદની વિચારધારા આ અંગે આપણને માર્ગદર્શન પુરું પાડે છે.









