અપરાજિતા

વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
સમરસેટ મોમ (૧૮૭૪-૧૯૬૫) અંગ્રેજીના ખૂબ લોકપ્રિય નાટયકાર, નવલકથાકાર અને વાર્તાકાર. તેમની વાર્તા 'ધ અનકોન્કર્ડ'નો અનુવાદ કર્યો છે શરીફા વીજળીવાળાએ.
વાર્તાનો સંક્ષેપ :
હાન્સનો ચહેરો લોહીલુહાણ હતો. એના મોં પર પાંચેય આંગળીઓના તીક્ષ્ણ નખથી થયેલા ઉઝરડા જોઈ શકાતા હતા… 'એનું જો ચાલ્યું હોત ને તો એણે મારી આંખો જ ખેંચી કાઢી હોત, સાલી કૂતરી… પણ હવે એ ઠેકાણે આવી ગઈ છે. હવે જા તારો વારો.' હાન્સે પોતાના સાથીદાર વિલીને કહ્યું. પણ આનેત બેભાન થઈ ચૂકી હતી. ફ્રાન્સ ઉપર હિટલરની સેનાએ વિજય મેળવ્યો હતો, અને સ્વાસોં નજીકના ગામડે બે જર્મન સૈનિકો રખડતાં આવી ચડેલા. દારૂ પીધા પછી ખેડૂત દંપતી સાથે કંકાસ થયો અને હાન્સ ઉશ્કેરાટમાં તેમની દીકરી આનેત પર બળાત્કાર કરી બેઠો. આનેત દેખાવડી ન કહેવાય પણ એની આંખોમાં અજાણ્યું આકર્ષણ હતું. હાન્સે જતી વખતે દારૂની કિંમત પેટે ખેડૂતના ટેબલ પર સો ફ્રાંક મૂક્યા. ત્રણ મહિના પછી હાન્સ ફરી ખેડૂતને ઘરે આવ્યો. આનેત એકલી બેઠી બટાકા છોલતી હતી. 'હું તારા માટે સિલ્કનાં મોજાં લાવ્યો છું,' કહીને હાન્સ પણ બટાકા સમારવા બેઠો. 'મોજાંને નાખ ભાડમાં અને સાથે તું પણ જા ભાડમાં.' ખોટું લગાડયા સિવાય હાન્સ બોલ્યો, 'મને ભૂખ લાગી છે. જરાક અમસ્તી બ્રેડ અને ચીઝ આપ.. હું કિંમત ચૂકવી દઈશ.' પેલી કડવું હસી, 'ત્રણ મહિનાથી અમે ચીઝનાં દર્શન નથી કર્યાં. બ્રેડ પણ નથી. જર્મનો અમારી ગાયો, ભૂંડ, મરઘાં, બધું ઝૂંટવી ગયા.'
દસેક દિવસ પછી હાન્સ પાછો આવ્યો. એણે પડીકું ખોલ્યું : ચીઝ, ડુક્કરનું માંસ, સાર્ડીન માછલીના બે ડબ્બા. તેણે ખેડૂત દંપતીને કહ્યું, 'પહેલી મુલાકાતની ગેરસમજ માટે હું માફી માગું છું.' ત્યાં આનેત પ્રવેશી, તેણે બધી ચીજો ઉસરડીને ઘા કર્યો, 'લઈ જા બધું અહીંથી!' પણ તેની માએ માંસના લોંદાને છાતીસરસો ચાંપી લીધો. હાન્સ બોલ્યો, 'હું અવારનવાર આવતો રહીશ, તમને જોઈતી ચીજો લાવતો રહીશ.' જર્મન સૈનિકોને ફ્રેંચ પ્રજા વેરભાવથી જોતી. કોઈ સાથે બે ઘડી વાત કરવા મળે એટલા સારુ હાન્સ આનેતને ઘરે આવતો હતો. તેણે આનેતને એક વાર પૂછયું, 'તું કેમ મારો તિરસ્કાર કરે છે?' પેલીએ પોષાક ખસેડીને પેટ દેખાડયું. હાન્સના મનમાં ઉત્પાત મચ્યો, 'તું સગર્ભા છે?' તે આનેતને બાથમાં લેવા ધસ્યો, 'મારી મીઠડી!' આનેતે તેને હડસેલી દીધો, 'મને અડતો જ નહિ! અહીંથી દીસતો થા!'
હાન્સે ખેડૂત દંપતીને કહ્યું, હું યુદ્ધ પછી આનેત સાથે લગ્ન કરીશ, તમારી સાથે જ રહીશ, તમારાં ખેતરો ખેડી આપીશ. તે બન્ને રાજી થયાં, પણ આનેતે માતાને કહ્યું, 'હું એને ધિક્કારું છું, એણે મને જેવો આઘાત આપ્યો છે એવો જ આઘાત એને આપવાનો કોઈ રસ્તો મળી જાય તો હું ખુશીથી મરી શકીશ.' હાન્સે ફરી વિનવણી કરી, 'તારા પેટમાં બાળક છે એ જાણવાની ક્ષણે જ મને ખબર પડી કે હું તને ચાહું છું. એ બાળક મારા માટે દુનિયામાં સર્વસ્વ છે.' આનેત બોલી, 'તું મારો દુશ્મન છે. અમે હારી ગયા છીએ પણ અમે જિતાયા નથી.' જર્મન લશ્કરે બીજા મોરચે જવાનું હતું. હાન્સ આનેતને મળવા આવ્યો. 'અરે તું!' માતાએ બૂમ પાડી, 'આજે સવારે જ છોકરો જન્મ્યો છે! માથે તારા જેવા સોનેરી મોવાળા અને તારા જેવી જ ભૂરી આંખો…' હાન્સના હોઠ ફફડયા, 'આ દુનિયા કેવી સુંદર છે!' આનેતની માતા બાળકને લેવા ઉપરના ઓરડામાં ગઈ, તરત ધબડાટી બોલાવતી પાછી આવી. 'આનેત નથી. બાળક પણ નથી!' સૌની રાડ ફાટી ગઈ. 'ગઈ ક્યાં?' તેટલામાં આનેત આવતી દેખાઈ. તે આખી નીતરી ગઈ હતી. 'બાળક ક્યાં?' માતાએ રાડ નાખી. 'મેં એને વહેળામાં ડુબાડી દીધું.' આનેત બોલી. હાન્સે બરાડો પાડયો. બે હાથે મોઢું ઢાંકીને તે લથડિયાં ખાતો ચાલ્યો ગયો. આનેત ખુરશીમાં ફસડાઈને હૈયાફાટ રડવા લાગી.
વાર્તા વિશે
સમરસેટ મોમ પ્રવાહી શૈલી માટે સુખ્યાત છે. આ વાર્તા યુદ્ધની પડછે પ્રેમની પ્રાચીન પરંપરાને આગળ વધારે છે. ખેડૂત દંપતીને નિમિત્તે લેખક દર્શાવે છે કે યુદ્ધ રૈયતને કેવી પાયમાલ કરી મૂકે છે, અને જાતનો ઉગારો કરવા માટે સિદ્ધાંતો સાથે કેવી સમજૂતી કરવી પડે છે. લેખકે જર્મન સૈનિકોને જંગલી જેવા નથી દેખાડયા, તેમનામાં પણ માનવતા તો છે. આનેતનું પાત્ર નિર્ભીક અને તેજસ્વી છે. તેને કદાવર હથિયારધારી સૈનિકોનો જરાય ડર નથી. રાષ્ટ્રભાવના તેના ચિત્તમાં ભડભડે છે. પરંતુ તે ઉદાત્ત નાયિકા નથી. હાન્સ પર વેર લેવા પોતાના નવજાત શિશુની હત્યા? શિશુનો શો વાંક ભલા? શિશુનું એક સ્વતંત્ર અને સ્વાયત્ત અસ્તિત્વ છે. તે વેરની વસૂલાતનું સાધનમાત્ર નથી. બાઇબલ- જૂના કરારમાં પ્રસંગ છે. અસીરિયાના સૈન્યને લઈને હલોફર્નિસ યહૂદીઓ ઉપર ચડી આવ્યો. યહૂદીઓની જ્યુડિથ નામની સ્વરૂપવતી યુવતી રાત્રે શત્રુ છાવણીમાં ગઈ. હલોફર્નિસે તેના રૂપ પર ઓળઘોળ થઈ તેને પોતાના કક્ષમાં રાત ગાળવા આમંત્રી. મોકો જોઈને જ્યુડિથે તેનું માથું વાઢી નાખ્યું. ૧૯૯૩માં લોરેના બોબિટે પોતાની મારપીટ અને જાતીય સતામણી કરનાર પતિનું શિશ્ન છરીથી કાપી નાખ્યું. 'અપરાજિતા' વાર્તામાં આનેત જો હાન્સનું મસ્તક અથવા ગુપ્તાંગ વાઢી નાખત તો કદાચ વાચકની સહાનુભૂતિ મેળવેત. આનેતને આપણે ફ્રેંચ પ્રજાના પ્રતીક તરીકે જોઈ શકીએ. તે પ્રજા પર બળજબરી કરાઈ છતાં તેણે મસ્તક ઉન્નત રાખ્યું. તેમ છતાં શિશુ જો જર્મન હતું તો શું ફ્રેંચ નહોતું? પિતાની સજા પુત્રને? તે પણ માતાને હાથે?




