Ravi Purti
અને હું પ્રેમમાં પડયો
By GS Team
18 Jul 20264 mins read
ગુજરાતી વાર્તાકાર કિરીટ દૂધાત તેમના આત્મકથનાત્મક નિબંધમાં પ્રથમ વર્ષ બી.એસ.સી.માં નાપાસ થવાનો પ્રસંગ વર્ણવે છે. ટ્રીગોનોમેટ્રીમાં 0 માર્ક મળ્યા બાદ, ફાઇનલ પરિણામમાં પણ તેઓ અનુત્તીર્ણ થયા. હીરા ઘસવાના કે કાપડ વણવાના પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા. અંતે, આર્ટ્સમાં અભ્યાસ કરી તેઓ ચંદ્રકાંત બક્ષી અને યશવંત ત્રિવેદીથી આગળ વધી સાહિત્યમાં સ્થાન પામ્યા.
00:00
00:22
Summarized by AI; it may make mistakes. Check important info
ગુજરાતી વાર્તાકાર કિરીટ દૂધાત તેમના આત્મકથનાત્મક નિબંધમાં પ્રથમ વર્ષ બી.એસ.સી.માં નાપાસ થવાનો પ્રસંગ વર્ણવે છે. ટ્રીગોનોમેટ્રીમાં 0 માર્ક મળ્યા બાદ, ફાઇનલ પરિણામમાં પણ તેઓ અનુત્તીર્ણ થયા. હીરા ઘસવાના કે કાપડ વણવાના પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા. અંતે, આર્ટ્સમાં અભ્યાસ કરી તેઓ ચંદ્રકાંત બક્ષી અને યશવંત ત્રિવેદીથી આગળ વધી સાહિત્યમાં સ્થાન પામ્યા.
00:00
00:22
Summarized by AI; it may make mistakes. Check important info

- વિન્ડો સીટ - ઉદયન ઠક્કર
''અને હું………
……. પ્રેમમાં પડયો. મારાં ઘરનાં લોકો અમારા એ સંબંધ વિરુદ્ધ હતાં. તો એ બિચારીના ઘરમાં પણ એવું જ હતું. એને તો મારીને એક રૂમમાં પૂરી દીધેલી. એણે ભૂખ હડતાલ કરીને અઠવાડિયું તો ખાધું નહોતું. પણ અમે બંને મજબૂત મનનાં હતાં એટલે અનેક મુશ્કેલીઓ પાર કરીને અમે એક બીજાનાં થઈને જ રહ્યાં…..
..નાજી, આવી કોઈ વાત મારે કરવાની નથી. કેમ કે આવું કશું બન્યું જ નથી. હું તો જે વાત કરવાનો છું એ વરખ ઉતારીને કરીશ. હા, તો મારી વાત આ રીતે શરુ થાય છે કે… અને હું……
……નાપાસ થયો.-
વાર્તાકાર કિરીટ દૂધાતના આત્મકથનાત્મક નિબંધનો આરંભ આમ થાય છે. આપણે સંક્ષેપમાં વાંચીએ- એફ વાય બીએસસીની પરીક્ષા પછી વર્ગમાં ટ્રીગોનોમેટ્રી પેપરના માર્ક જાહેર થયા. લેખક પીરિયડ પછી પ્રોફેસરની પાછળ દોડયા. 'સાહેબ, મારા માર્ક્સ જાહેર કરવાનું ભૂલી ગયા.' 'ભૂલી નથી ગયો પણ ક્લાસમાં તમને બેઆબરૂ નહોતા કરવા.' 'એટલે? મને ઓછા માર્ક્સ મળ્યા છે? પાંચ? દસ?' 'ના, ઝીરો.' 'ઝીરો? ઝીરો કેવી રીતે આપ્યા?' 'વેલ,પરીક્ષામાં હજી આપણે માઈનસમાં માર્ક્સ મુકવાની પદ્ધતિ અપનાવી નથી એટલે નાછૂટકે તમારા કેસમાં ઝીરોની સંખ્યાએ અટકવું પડયું.' એમ કરતાં ફાઇનલનું પરિણામ જાહેર થયું. લેખકે છાપું હાથમાં લીધું ફર્સ્ટ ક્લાસમાં મારો નંબર તપાસ્યો. સ્વાભાવિક રીતે એમાં મારો નંબર ન જ હોય પણ સેકંડ કે થર્ડ તો શું એ.ટી.કે.ટી.માં પણ નહોતો. અખબાર પર દાઝ કાઢી, 'સાલ્લાઓ એક પરિણામ પણ સાચું નથી છાપતાં આવડતું પછી સારો માણસ ક્યાંથી તમારું છાપું લે.' એવી ગાળો દેતા દેતા ઢીલાં પગલે ઘર તરફ પ્રયાણ કર્યું.'
'બાપુજીની સુપ્રીમ કોર્ટે 'હવે ભણવામાં સમય બગાડવાની જરૂર નથી, હીરા ઘસવા મંડો.' એવું જણાવી દીધું.'
પિતરાઈ ભાઈ પાંચ ઘંટી ચલાવતા. તેમના કારીગરે લેખકને શિખવવા માંડયું 'હીરો સાણસીમાં કેમ પકડાય, કાચમાં પાસાં કેમ જોવાય અને એમરી ઉપર સાણસીમાં ભરાવેલો હીરો હળવેથી ઘસીને કેમ પહેલ પડાય. અરધા કલાકમાં તો લેખકે હીરો ખોઈ નાખ્યો. સન્નાટો છવાઈ ગયો. બધા કારીગરોનાં વસ્ત્રો અને આંતરવસ્ત્રો ઉતરાવવા પડશે કે શું? અરધા દિવસની સાફસફાઈ પછી હીરો જડયો. આવું અવારનવાર થવા માંડયું. 'મારી હાજરીથી ભયનું એક વાતાવરણ ઊભું થવા માંડયું અને મને જોતાવેંત બધા કારીગરો મનમાં અબોલ પ્રાર્થના કરવા લાગ્યા કે એમની ઘંટીએ મારો વારો ન આવે.' આખરે લેખકની ઘરવાપસી કરવામાં આવી અને કાળુ (લેખકનું હુલામણું નામ) વેતા વિનાનો છે એ જાહેર થઈ ગયું. પછી મોટા બાપુજીએ બીડું ઝડપ્યું. પોતાની સાથે મિલમાં લઈ જઈ વણાટ શીખવવા લાગ્યા. ત્યાં પણ વારંવાર લેખકના હાથે શાળનો કાઠલો તૂટી જતો. વડીલોની હિંમત પણ તૂટી ગઈ. ભણાવવાના પૈસા નહોતા તોય આર્ટ્સમાં ફર્સ્ટ ક્લાસ લાવે તો આગળ ભણાવશું, એવી શરત મૂકીને ફરી કોલેજે મૂક્યો. લેખકના માથે ચંદ્રકાંત બક્ષીનું ભૂત સવાર હતું, એટલે ચિનુ મોદી પાસે જઈને કહેતા, 'બક્ષી વિશ્વના શ્રેષ્ઠ નવલકથાકાર છે અને યશવંત ત્રિવેદીની 'પારમિતા' વિશ્વની શ્રેષ્ઠ કવિતા છે, બોલો સ્વીકારો છો કે નહીં?' ધીરે ધીરે પ્રોફેસર અબ્દુલ કરીમ શેખની સંગતથી જાણ્યું કે દુનિયામાં દોસ્તોયેવસ્કી જેવો નવલકથાકાર છે અને કીટ્સ જેવા કવિઓ છે. 'એટલે ધીમે ધીમે હું બક્ષી અને યશવંત ત્રિવેદીથી આગળનું સહેજસાજ જોતો થયો.' નિબંધ લાંબો છે, કોલમનો પનો ટૂંકો છે, એટલે અહીં અટકીએ.
આરંભે જ લેખક આંચકો આપે છે. પોતે પ્રેમમાં પડયા, પ્રેયસીને ઓરડીમાં પૂરી દેવાઈ… એવી દિલધડક વાતો કર્યા પછી વાઘનો કાગ કરે છે ઃ આવું કશું બન્યું જ નહોતું હોંકે! હું તો ફર્સ્ટ યરમાં નાપાસ થયેલો. આને 'મોક હીરોઇક' શૈલી કહેવાય - ફિશિયારીથી ફિયાસ્કો સુધી જતી આ કડી સાંભળો ઃ
'ઊંચો કરીને ભુજદંડ તેણે
એકાગ્ર ચિત્તે અનિમેષ નેણે
ચાપલ્ય ધારી પ્રતિ અંગ વ્યાપ્યું
છરી વતી દૂધીનું દીટું કાપ્યું'
જ્યોતીન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતાની હાસ્યનવલ 'અમે બધાં'ના બીજા પ્રકરણની શરૂઆત આમ થાય છે ઃ 'અને હું રડયો.' તેનો કથાનાયક બિપિન કહે છે કે તે જન્મતાંવેંત રડયો અને ઉપસ્થિત સગાંસ્નેહી હસ્યાં. આ જાણીતી પંક્તિને જાણે અંજલિ આપતાં આપણા લેખક દૂધાત આરંભે કહે છે કે 'અને હું.. નાપાસ થયો.' બીજી સાહિત્યકૃતિના સંદર્ભો ઉમેરવાને 'આંતરકૃતિત્વ' કહે છે. નિબંધના આરંભે જ લખાયું છે, 'અને હું નાપાસ થયો?' અરે ભઈ, શેમાં? 'અને' એટલે? તેની પહેલાં શું શું થયેલું? આમ પ્રસંગની અધવચ્ચે કથાને આરંભીને તેને રસપ્રદ બનાવવાની શૈલીને 'ઇન મીડીયાસ રેસ' (બનાવોની વચ્ચોવચ) કહે છે. અહીં લેખકે અન્યને ભોગે નહિ પણ પોતાને ભોગે હાસ્ય નિષ્પન્ન કર્યું છે, જે હાસ્યનો ઉત્તમ પ્રકાર ગણાયો છે. જ્યોતીન્દ્ર દવે પણ આવું કરતા. પોતાની સુકલકડી કાયા વિશે લખે છે, 'મને જોઈને આગંતુક બોલ્યો ઃ ઉંમરના પ્રમાણમાં તબિયત સારી કહેવાય. મેં કહ્યું ઃ ના, તબિયતના પ્રમાણમાં ઉંમર સારી કહેવાય!' આજે કોઈ ટકોર નહિ કરે કે દૂધાતને ગણિતમાં મીંડું મળેલું, ફાઇનલમાં દાંડી ઉડેલી, હીરા ઘસવાને બદલે આબરુ ઘસતો, કાપડ વણવાને બદલે કાઠલા તોડતો, યશવંત ત્રિવેદીને વિશ્વના શ્રેષ્ઠ કવિ માનતો… બલ્કે વાચક કહેશે કે દૂધાત, આજનો સક્ષમ વાર્તાકાર, સંપાદક, વિદ્વાન, કેવા કેવા સોપાનો ચડીને અહીં સુધી પહોંચ્યો છે. વરખ ચોપડયા વિનાનું આત્મકથન વાંચીને કોને ન થાય હરખ? બાકી એક સમર્થ વાર્તાકારને કોઈએ પૂછેલું, 'તમે કેમ ચંદ્રકાંત બક્ષીની જેમ ઓટોબાયોગ્રાફી નથી લખતા?' તે બોલ્યા, 'મારું ફિક્શન ઓટોબાયોગ્રાફી છે, અને બક્ષીની ઓટોબાયોગ્રાફી ફિક્શન છે!'









