નવરાત્રિમાં રાસનો આરંભ કરાવતી આપણા વારસાની સ્ત્રી પુરુષને ઉપાડી જાય એવી ઇન્ટરરેસિયલ ઈરોટિક લવ સ્ટોરી!

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- પ્રેમાનંદ જેવા ગુજરાતી ભાષાના પ્રાચીન કવિ અને શ્રીમદ્ ભાગવત તથા હરિવંશમાં આવતી, શિવ અને કૃષ્ણ સમાવતી જાણીતી કથાનું શક્તિપૂજનની નવરાત્રિમાં રચાતા રાસ સાથે શું કનેક્શન હોઈ શકે?
ભા રતના વારસામાં શિલ્પ જુઓ કે સાહિત્ય બધે જ બ્રહ્મચર્યનો મહિમા નહિ, પણ આકર્ષણનો ઉત્સવ હિલોળા લે છે. એમાં કોઈ શરમ સંકોચ છે એવું પણ નથી. છોભીલા પડવાની પણ વાત નથી. પ્રકૃતિના સહજ ઉન્માદનો રસ ઝીલતી કદાચ જગતની સૌથી પ્રાચીન સનાતન સંસ્કૃતિએ એટલે હદે એના સંદર્ભો ગૂંથી લીધા છે કે પાછળથી કોઈ ચોખલિયો જીવ એમાં શૃંગારરસ કે વર્ણસંકર વિવાહ કે દેહસંબંધના વિરુદ્ધમાં શ્લોેક કે કથા ઠઠાડી દે, તો તરત 'ઓડ આઉટ' તરીકે અલગ તરી આવે! કારણ કે મુખ્ય ધારા દેખીતી રીતે અલગ હોય. જેને મર્યાદાના નામે પાછળથી રીતસર એડિટ કરવામાં આવે છે કહેવાતા વિદ્વાનો દ્વારા અસહજ અને અપ્રાકૃતિક દંભના લીધે.
તો નવલા નોરતાના થનગનાટ સાથે જ રાસ રમતા ખેલૈયા યુવક યુવતીઓના એટ્રેકશન અને ફેશન બાબતે સંસ્કૃતિના નામે જે દાનવો કકળાટ કરે છે, એમને માટે આજે કથા માંડીએ ઓખાહરણની. એક સમયે અલૂણા વ્રત માટે આ લોકકથા તરીકે જાણીતી હતી. પણ જનરેશન ચેન્જ થતી ગઈ. એને રિવાઈઝ કરવાનું એક વાઈઝ કારણ પણ છે, જેની વાત છેલ્લે. મૂળ ઓખા યાને ઉષાની આ પૌરાણિક કથા હરિવંશપુરાણના વિષ્ણુપર્વના ૧૧૬થી ૧૨૮મા અધ્યાયમાં અને શ્રીમદભાગવતના દશમસ્કંધના ઉત્તરાર્ધમાં અધ્યાય ૬૨ અને ૬૩માં મળે છે.
મધ્યકાળમાં વીરસિંહ (નરસિંહ મહેતાના કાળમાં) હીરાસુત કહાન, નાકર, વિષ્ણુદાસ, (બધા સોળમી સદી) નરસિંહ નવલ, માધવદાસ, વીરજી (સત્તરમી સદી), દયારામ (ઈ. સ. ૧૭૭૭- ૧૮૫૩) અને જનાર્દન ત્રવાડી (ઈ. સ. ૧૯૪૨), જેવા કવિઓએ પોતપોતાની રીતે ઓખાહરણની કવિતા રચી. પણ આ સૌમાં પ્રેમાનંદ(ઈ. સ. ૧૬૪૯-૧૭૧૪)નું ઓખાહરણ સૌથી પ્રસિદ્ધ અને પ્રાસાદિક. યાને સરસ. એ વખતે આખ્યાનના પ્રકરણ કે કડવું કહેવાતું એવું તો ધ્યાન આપ્યું હશે તો ભણી ગયા હશો શાળામાં. આજના લેખમાં જે એક સેન્સ્યુઅસ રોમાન્સની કથા માંડવી છે, એનો મૂળ આધાર પ્રેમાનંદનું ઓખાહરણ અને શ્રીમદ ભાગવતનો દશમ સ્કંધ.
તો કથા શરુ થાય છે બાણાસુરથી. એની વંશાવળી મહત્વની છે. હોળી સાથે જોડાયેલા હિરણ્યકશ્યપુના પુત્ર પ્રહલાદને બચાવવા વિષ્ણુનો નરસિંહ અવતાર થયો. એના પુત્ર વિરોચનનો પુત્ર બલિ. જેમના નામે બળેવનો તહેવાર છે, રક્ષાબંધનનો. દાદાની માફક એ તહેવારમાં તો નિમિત્ત બન્યો જ પણ દાદાની જેમ એને પણ વિષ્ણુના દર્શન વામન અવતાર સ્વરૂપે થયા. એ બલિનો પુત્ર બાણાસુર પણ ભારે પરાક્રમી. શોણિત એટલે લોહી એવા શોણિતપુરનો એ રાજા. એ વળી વિષ્ણુને બદલે પ્રખર શિવભક્ત થયો. શિવે પ્રસન્ન થઇ એને હજાર હાથ (સિમ્બોલિકલી સમજવાનું કે પ્રચંડ શક્તિ)નું વરદાન આપ્યું. બાણાસુરની ભક્તિ વધી, ફરી રાજી થઇ શિવે પૂછયું શું જોઈએ છે તો એણે અનોખી માંગણી કરી (જે એના જીવનમાં એક ઉત્તમ વળાંક રૂપે આવી) મોટા ભાગના ભક્તો ધન કે આયુષ્યનું સુખ માંગે. બાણાસુરે મહાદેવને કહ્યું કે મારા નગરના રક્ષક તરીકે મને આપનું સાન્નિધ્ય મળે.
ભોલાનાથે કહ્યું તથાસ્તુ. બાણાસુર અતુલ્ય બળવાન યોદ્ધા તરીકે વિખ્યાત વિજેતા બન્યો. એમાં જરા એને ઘમંડ આવી ગયો ને શિવ પાસે પહોંચ્યો. પોતાના માટે ભાવ રાખનારા ઉપાસકને જોઈ રાજી થઇ મહાદેવે પૂછયું કે 'બોલ શું જોઈએ છે?' તો કહે કે 'આપની કૃપાથી શક્તિ બહુ છે, પણ આપના સિવાય કોઈ લડનારો મારા બળનો દેખાતો નથી.' શંકરે જોયું કે આ મનોરથમાં તો અહંકાર પ્રવેશી ગયો છે. એટલે કહ્યું કે 'તારા હજાર હાથ પણ પહોંચી નહિ વળે એવા ધુરંધર સાથે તારો મુકાબલો થશે. મારા જેવો જ મળશે તને હરાવનાર!' શિવ સમાન કોઈ હોય નહિ એમ માની બાણાસુર નચિંત થઇ ગયો.
ભાગવતમાં નથી પણ પ્રેમાનંદ અને અન્ય કવિઓ એમના વર્ઝનની વાતમાં વધુ મોણ નાખે છે કે બાણાસુરને એના વેવાઈ હરાવશે એવી આગાહી થઇ. ક્યાંક એવું લખાયું કે એટલે બાણાસુરે દીકરીના લગ્ન થવા ન દેવા એવું નક્કી કર્યું. પ્રેમાનંદ જેવા કવિઓએ બાણાસુરની દીકરી ઉષાની બેકસ્ટોરી લખી ને પાર્વતીએ ગણેશની જોડે એને ઘડી હતી પણ પિતાનો ક્રોધ ( જેમાં હાથીનું મસ્તક આવ્યું ગણેશ પર ) જોઇને એ નમકની કોઠી પાછળ સંતાઈ ગઈ. ડરી હોવાને લીધે શ્રાપગ્રસ્ત થઈને પછી અસુરપુત્રી તરીકે જન્મી. એમાં પ્રેમાનંદ તો 'જમપે ભૂંડું જોબનિયું રે, મદપૂરણ મુજ કાય જી,પિતા તો પ્રીછે નહિં રે બાઈ! કુંવારો ભવ કયમ જાય જી? / જળ વિના જેમ માનસરોવર, ચંદ્ર વિના નિશા જેવી જીપિયુ વિના જોબન ગયું રે, હું અભાગણી પૂરી તેવી જી / અઘોર વનમાં વેલી ફૂલી, ન મળે ભમરો ભોગી જી,વપુવેલી જોબનિયું ફૂલ્યું, ન મળ્યો નાથ સંજોગી જી,' જાણે ડીડએલજેની કાજોલ મેરે ખ્વાબો મેં જો આયે ગાતી હોય યુવતી એવું દ્રશ્ય રચ્યું છે! ખેર,પાર્વતીએ એને વરદાન આપ્યું ને ઉષાએ ઉત્સાહમાં એકની એક માંગણી કંદર્પ યાને કામદેવ જેવા રસિક ને સુંદર વરની ત્રણ વાર કરી તો ત્રણ વાર લગ્ન થશે એમ કહ્યું.
પણ ભાગવત સીધી બાણાસુરની દીકરી ઉષા કહીને એની લવસ્ટોરી પર પહોંચી જાય છે. તસ્યોષા નામ દુહિતા સ્વપ્નેપ્રાદયુમિમ્ના રતિમ્ . એની ઉષા નામની દીકરીને (કામદેવનું એક નામ પ્રદ્યુમ્ન એ તો ખબર છે ને હે ડિજીટલ સનાતનીઓ) એક રાત્રે ઈરોટિક ડ્રીમ જોયું. જેમાં એક અત્યંત સોહામણા યુવક સાથે એ સમાગમરત હતી!
ઉષા કેવી હતી ? વિવિધ કવિઓના વર્ણનનો સાર કાઢીએ તો ઉષા એટલે સાક્ષાત્ અપ્સરા જેવું રૂપ. સોના જેવી કાંતિ, મૃગ જેવી નશીલી આંખો અને ઘૂઘરાળા કાળા કેશ જેની પીઠ પર લહેરાતા હોય. તે જ્યારે મહેલના બગીચામાં કે ઝરૂખામાં બેસતી, ત્યારે મોર પણ શરમાઈ જાય. ઘાટીલી અને સપ્રમાણ દેહયષ્ટિ ધરાવતી સુંદરી જેની કાયાના યૌવનપુષ્ટ વળાંકો જે પુરુષનો સ્પર્શ મેળવશે એ દેવતાઈ ભાગ્ય ધરાવતો હશે એવી!
એ ઉષાની ગાઢ સહેલી હતી બાણાસુરના મંત્રી કુભાંડની દીકરી ચિત્રલેખા. જે વળી માયાવી શક્તિઓ પણ ધરાવતી હતી. અડધી રાતે વિહ્વળ સખીને જોઈ ચિત્રલેખાએ પૂછયું તો જવાબ મળ્યો કે 'સપનામાં એક પીતાંબરધારી અનુપમ સુંદર યુવક દેખાયો અને એની જોડે હું એના હોંઠથી માંધુરાસનું પાન મારા હોંઠ પર કરતી હતી…(પાયયિત્વાધરં મધુ) ત્યાં સ્વપ્ન તૂટી ગયું ને હું એના વિયોગના વિષાદમાં ઘેરાઈ ગઈ. ( છે ને ઈન્સ્ટા પર રીલ જોઈ થઇ જાય એવો
ઈન્સ્ટન્ટ લવ!)
આ જ સિચ્યુએશનને પ્રેમાનંદ બહેલાવે છે : બેઠાં શય્યાએ સામાસામી, એવું સ્વપ્ને પ્રમદા પામી.ત્રૂટે હાર, છૂટે મેખલા, રમે રતિસુખ આસન-કલા.નિશ્ચે નારીએ જાણ્યો નૃપ, કન્યા સ્ખલિત થઈ કંદર્પ,સમણામાં રજની જાગે, ઓખાજીને તે તો રૂડું લાગે. એક પથારી પર નર નારી બેઉ સુતા ને એવી કેલીમાં રમમાણ થયા કે એમાં એકમેકમાં ઓગળવાની ઉતાવળમાં હાર તૂટી ગયો, કેડનો કંદોરો છૂટીને સરકી ગયો… છે ને વાઈલ્ડ ગેમ્સ ઓફ પેશન !
પણ બહેનપણીનો આ ડ્રીમલવર શોધવો કેવી રીતે. ચિત્રલેખાએ અન્વના વીર વિખ્યાત અને સોહામણા પુરુષોના ચિત્રો ફટાફટ દોરી બતાવ્યા. એમાં કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નનું ચિત્ર આવ્યું એટલે ઉષાએ કહ્યું કે આવો જ દેખાતો હતો પણ આથી વધુ ઘણો વધુ યુવાન. અને કૃષ્ણના પૌત્ર તથા પ્રદ્યુમ્નના પુત્ર એવા અનિરુદ્ધનું ચિત્ર જોઈએ ઉષા નાચી ઉઠી. આ જ છે મારો ચિત્તચોર !
ચિત્ત ખરા અર્થમાં એનું અનિરુદ્ધને મળ્યા પણ વિના આજકાલ ચેટ થાય એમાં લવ થાય એમ ચોરાઈ ગયેલું. પ્રેમાનંદે તો સપનામાં લગ્ન પણ બતાવી દીધેલા. એ તૂટયા એટલે વાર એ રહ્યો પણ પાર્વતીના વરદાન મુજબ પહેલા લગ્ન થઇ ગયા. મૂળ વર્ણન વાંચજો ઓખાહરણનું સીધું ચિત્ર નથી દોરાતું. ઉષાની પ્રેમજ્વર (લવેરિયા?) ની મનોસ્થિતિ અને બધે શોધવા નીકળતી સહેલી દીવો લઈને કે કોણ પુરુષ આવી ગયો અહીં ? અને ઉષા ? 'કામવશ મન નથી લાજતું, વ્રેહ-અગ્નિએ તન દાઝતું. / વધી વિજોગ તણી વેદના, મૂર્છાગત થઈ અચેતના.'
એની વે, ટુ કટ લોંગ સ્ટોરી શોર્ર્ટ, ચિત્રલેખાએ જાદૂઈ શક્તિઓ મિત્રતા માટે કામે લગાડી. તેણે પોતાની યોગસિદ્ધિથી ગાઢ રાત્રે દ્વારકા જઈને અનિરુદ્ધના મહેલમાં પ્રવેશ કર્યો. અનિરુદ્ધ તો ગાઢ નિદ્રામાં સૂતેલો. ચિત્રલેખાએ તેના પલંગ સાથે જ તેમને ઊંઘમાં ઉપાડી લીધો અને આકાશ માર્ગે સીધા ઉષાના મહેલમાં પહોંચાડી દીધો. ફિમેલે લવ માટે મેલને કિડનેપ કયો ! કહેવાય ઓખાહરણ પણ થયું તો અનિરુદ્ધહરણ ! કેવો મોડર્ન વાર્તાઓ છે આપણા વારસામાં !
અનિરુદ્ધ તો ઊંઘમાં જ હતો. 'ઊંચે સ્વરે જઈ બોલાવે, ચરણ-આભૂષણ વજાડે જી, વાયુ ઢોળે ને ચરણ તળાંસે, કરતી મુખે ચુંબન જી; 'સવારે અનિરુદ્ધની આંખ ખૂલી ત્યારે આજુબાજુનું વાતાવરણ બદલાયેલું હતું. સામે એક સુંદર રાજકુમારી શરમથી નજર ઝૂકાવીને બેઠી હતી. શરૂઆતમાં તો અનિરુદ્ધ ચોંકી ગયો, 'હું ક્યાં છું?!
ચિત્રલેખાએ ફરી ટ્રબલશૂટરનો રોલ ભજવ્યો. મીડીએટર બનીને ખુલાસો કર્યો. અનિરુદ્ધનો ગુસ્સો શમાવ્યો. એનું વર્ણન પણ કેવું બોલ્ડ ને ડાયરેક્ટ છે : 'આ નારી છે પ્રભુ તમારી, એનો સમાવો તનનો તાપ જી /સ્ત્રી-ભરથાર રહો બે છાનાં, ના જાણે એનો બાપ જી.' નોંધજો, વાત સીધા તનના તાપ શમાવવાની છે. મનના મેળ ને એવી કોઈ ગોળ ગોળ ફિલસુફી નથી ! અનિરુદ્ધ પોતાની ચિંતા બધા કરતા હશે ને આમ થોડો કોઈ ને લઇ અવાય ઊંઘમાં ઊંચકીને ધરાર એમ ગુસ્સો કરે છે. જે અનુભવી ચિત્રલેખા શાંત કરે છે. પણ એ જ્યારે ઉષા તો અસુર કન્યા ને પોતે તો પવિત્ર જાદવકૂળનો એવું કહે છે ત્યારે ખુદ ઉષા રોકડો જવાબ આપે છે એ આંતરજ્ઞાતીય કે આંતરધર્મીય લવ મેરેજ પર સંસ્કૃતિના નામે પ્રતિબંધ મુકવાની માંગણીઓ કરનારા આજના સંકુચિત ચિત્તને વાંચવા
જેવો છે.
'તવ અવળું જોઈને ઓખા બોલી, 'જાદવકુળ પવિત્ર જી! /વિચારીને બોલો, રાણાજી! જાણું પિતામહનાં ચરિત્ર જી./રીંછસુતા ને કુબ્જા દાસી, તે-પેં ના હું નરતી (ઉતરતી) જી,/ પિતા તમારો પરણી લાવ્યા, તે તો પ્રગટ નથી કરતી જી./ અનિરુદ્ધને તવ હસવું આવ્યું, રીસ ગઈ છે ઊતરી જી,/ અવળે મુખે શું બોલો, મહિલા? તમો જુઓને સવળું ફરી જી.' કૃષ્ણે તો રીંછપુત્રી યાને વાનવાસિની જાંબવતી સાથે પણ સ્નેહલગ્ન રચ્યા છે એ સત્ય પછી તો ઉષા અનિરુદ્ધના લિવ ઇન ટાઈપ ગંધર્વ વિવાહ થયા એમાં બેઉ પતિ પત્નીની જેમ જોડે રહેવા લાગ્યા ને એકબીજામાં એવા ખોવાઈ ગયા કે સમય ભૂલાઈ ગયો. આમે સ્ત્રીઓના એ અંતપૂરમાં વારંવાર બીજા પુરુષો આવતા નહિ, એટલે સિક્રેટ
છુપાયેલું રહ્યું.
પછીના વર્ણન બેઉની એકમેકમાં સમાઈ જવાની મસ્તીના છે. વાંચો. ગુજરાતી જૂની છે, પણ સીન એકદમ નવીન લાગશે. આ તો 'આપણી સંસ્કૃતિમાં આવું કહી હતું નહિ' એવું કહેતા હોય ને જે અભણ કોડા એમને માટે. સ્વામીએ સંભોગી નારી, સુખે વિધાત્રી મૂકી વિસારીત બંને વિસારી વિજોગની પીડા, નરનારી કરે કામક્રીડા./ વિલસિતવિષયમાં છે પૂરાં, નરનારી રતિયુદ્ધે શૂરાંત છે ચડતે જોબન કાયા, પ્રીત બંધાઈ વાધી માયા./ તેલ-મર્દન, મંજન અંગે, ચર્ચે ચંદન-કેસર સંગે;
નેત્રે અંજન, આભરણ હાર, મુખ તંબોલનો પિચકાર. /ઇન્દુ માંહે ઉડુગણ જેવો, સોહે નીલવટ ચાંદલો તેવો; શીશ રાખડી શોભે ઘણી, ચોટલો તે નાગની ફણી. /શીશફૂલ ને સેંથે સિંદૂર, દેખી મોહ્યો તે અનિરુદ્ધ સૂરતકાને કુંડળ ઝગમગ જોઈ કામકુંઅર રહ્યો છે મોહી. / પંકજ મધ્યે બિંદુ પડતાં, મોર-મોતી અધરે ઢળતાંત ચપળ નેત્ર ઝીણું અંજન, જાણે જાળે પડયું ખંજન. /નારી! તારી નાસિકાનો મોર, નહિ ભૂષણ, ચિત્તનો ચોરત રક્ત અધર હસે મંદ મંદ, ન હોય હાસ્ય, મોહના ફંદ/ મોઘો મોહ્યો તે મુખને મોડે, મોહ્યો મોહ્યો ભ્રકુટિને જોડેત મોહ્યો મોહ્યો હાર ગળુબંધ, મોહ્યો મોહ્યો બાજુબંધ / મોહ્યો મોહ્યો હસ્તકમળ, મોહ્યો મોહ્યો ઉર-કુંભસ્થળ; મોહ્યો મોહ્યો પ્રેમને પાશે, મોહ્યો મોહ્યો ચંદનની વાસે./મોહ્યો મોહ્યો અલકની લટે, મોહ્યો મોહ્યો કેસરી-કટેત મોહ્યો મોહ્યો નેત્રને નમણે, મોહ્યો મોહ્યો ચાલને લહેકે./મોહ્યો મોહ્યો ઝાંઝરને ઝમકે, મોહ્યો મોહ્યો અણવટને ઠમકે; મોહ્યો મોહ્યો નેપૂરિયાને ઠમકે, મોહ્યો મોહ્યો ગોફણિયાને રણકે./મોહ્યો મોહ્યો નેહને નમી, મોહ્યો મોહ્યો ચાર આંખે અમી; કામકુંવર રહ્યો છે મોહી, નારીની ચંચલતા જોઈ./અનિરુદ્ધ બાંધ્યો પ્રેમને પાશે, મોહ્યો કટિમેખલાને પ્રકાશે; એકસ્તંભ ઓખાનું ધામ, ગયું વીસરી દ્વારકા ગામ./ભક્ષ્ય ભોજને પોષ્યું આપ, તેણે વીસર્યાં મા ને બાપ; પામ્યો અધરામૃતનું પાન, તેણે વીસર્યો હરિનું ધ્યાન./અનિરુદ્ધને ચાલ છે ગમતી, નારી હીંડે નેહની નમતી; 'મહિલા! મહિલા!' મુખે ઊચરતો, હીડે નારીની પૂંઠે ફરતો./સ્ત્રીએ મોહની મદિરા પાઈ, આલિંગન દે છે ધાઈ ધાઈ; નિર્ભે નિરંકુશ કરે છે ભોગ, તેણે નીવર્ત્યો વ્રેહનો રોગ./એક એકને ગ્રહી રાખે, અન્યોઅન્ય અધરામૃત ચાખે; અંગ ઉપર અંગ જ નાખે, 'મેલો મેલો જી' મુખથી ભાખે/અંગોઅંગે કામ રહ્યો રમી, ચાર આંખડીએ ઝમે છે અમી; સૂધ-બૂધ ગઈ છે વીસરી, એમ ચોમાસું ગયું નીસરી.
બરાબર વાંચજો, આજે જેની ટીકા થાય એ નવરાત્રિની ફેશનનું પણ વર્ણન છે. અને ભલભલા વતન, મા-બાપ ભગવાન બધું ભૂલી જાય ફીઝીકલ ઇન્ટીમસી થાય તો એની શુદ્ધ સ્પષ્ટતા છે. વૈશાખથી શરુ થયેલું મિલન એકમેકમાં ગૂંથાઈ જવાનું હનીમૂન કહો તે એવું ચાલ્યું કે ચોમાસું પૂરું થઇ ગયું! આલિંગન દે ધાઈ ધાઈ, અંગ ઉપર અંગ જ નાખે, અધરામૃત ચાખે… આનું પિક્ચરાઈઝેશન કરો તો આપણું કેન્સર જેવું સેન્સર બોર્ડ રિલીઝ જ ન થવા દે.
પછી ફાસ્ટ ફોરવર્ડમાં ભાગીએ તો ભાગવતમાં પણ છે એમ કોઈ પુરુષના નિયમિત સંસર્ગ પછી સ્ત્રીની ચાલમાં, શરીરના વળાંકોના ઉભારોમાં અને હોર્મોન્સ ને લીધે ચહેરામાં જે ફેરફાર થાય એ સેવકોના ધ્યાનમાં આવ્યા (ટિપિકલ પ્રેગ્નન્સી રહી ગઈ એવું વર્ણન નથી. પણ રેગ્યુલર સેક્સને લીધે જે ગ્લો ને ફીઝીકલ ફીચર્સ ફરે એની વાત છે! કેવી સૂક્ષ્મ નિરીક્ષણ કરતી અને આધુનિક સંસ્કૃતિ હતી આપણી આ મામલે ) એમણે મંત્રીનું ધ્યાન દોર્યું અને અંતે બાણાસુર રૂબરૂ આવી ચડયો.
ભાગવત મુજબ : અનિરુદ્ધજી ખુદ કામદેવના અવતાર એવા પ્રદ્યુમ્નજીના સુપુત્ર હતા. આ ત્રણેય લોકમાં એમના જેવું સુંદર રૂપાળું કોઈ જ નહોતું. એમનું શ્યામ શરીર અને એના પર લહેરાતું પીતાંબર, કમળની પાંખડીઓ જેવી મોટી-મોટી કોમળ આંખો, લાંબા-લાંબા હાથ, ગાલ પર ઝૂલતી ઘૂઘરાળી લટો અને કાનના કુંડળની ઝગમગતી રોશની… હોઠ પર હળવું હાસ્ય અને પ્રેમભરી નજરે એમનું મુખડું અદભુત અને મનમોહક લાગતું હતું! એ સમયે અનિરુદ્ધ પોતાની પ્રિયતમા ઉષા સાથે, જે સજ્જ થઈને સામે બેઠી હતી, તેની સાથે પાસાની રમત રમી રહ્યા હતા. તેમના ગળામાં પીળાં ફૂલોનો ખૂબ જ સુંદર હાર શોભી રહ્યો હતો, અને એ હાર પર ઉષાના અંગનો સ્પર્શ થવાથી તેના વક્ષસ્થળ પર લગાડેલ કેસર ચંદન પણ ચોંટી ગયા હતા. ઉષાની બરાબર સામે તેમને આ અંદાજમાં બેઠેલા જોઈને બાણાસુર દંગ રહી ગયો અને આશ્ચર્યચકિત થઈ ગયો!
પછી તો બાણાસુર અનિરુધ્ધ વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું. પ્રેમાનંદ એમાં જતાં અનિરુદ્ધને વારતી ઉષાના મુખે લખે છે : ઓખાએ નાથ બાથમાં ઘાલિયો, 'શું જાઓ છો વહીવહી?મરડી મરડી શું જાઓ છો? અરે દૈવડા! જાઉં ક્યહીં? /આ શો ઊજમ વઢવા તણો? સામું નથી કામનું ધામત દાનવને માનવ જીતે નહિ, એ ના કૈં રતિસંગ્રામ.' જોયું? પ્રેમથી હગ કરીને સમજાવટનું ઉદાહરણ પણ એ કે આ કોઈ બેડરૂમ ગેમ નથી, વોર છે. એની વે અનિરુદ્ધ એવી મર્દાનગીથી લડયો કે એને નાગપાશમાં બાંધવો પડયો. બેઉને કેદમાં નાખવામાં આવ્યા.
પછીનું વર્ણન જાણીતું છે. એની હાઈલાઈટ્સ લઈએ. દ્વારકામાં બધા ચિતાગ્રસ્ત પણ કૃષ્ણ આશ્વસ્ત કે અનિરુદ્ધ પહોંચી વળશે. નારદથી સમાચાર મળ્યા. બાણાસુર વતી રક્ષણ માટે વચનબદ્ધ શિવ મેદાને ઉતર્યા ને આ બાજુ સાક્ષાત શ્રીકૃષ્ણ. હરી હરનું યુદ્ધ જામ્યું. પણ પ્રેમાનંદ રમૂજ કરે છે કે ભોળાનાથ વૈરાગી અને આરામ એમને બળે નહિ તો કૃષ્ણે બગાસું આવીને ઊંઘ આવે એવું બ્રહ્માસ્ત્ર છોડયું ને મહાદેવ સૂઈ ગયા. બાણાસુરના બે સિવાયના બધા હાથ કપાઈ ગયા, અર્થાત શક્તિનો મદ ઉતરી ગયો શિવ જેવા જ સમર્થ શત્રુ કૃષ્ણ સામે લડીને અને એની ધર્મમાતા કોટરા નિર્વસ્ત્ર થઇ આડી ઉભી રહી ને કૃષ્ણે આંખો ઝુકાવી લીધી એમાં બચ્યો. પણ પ્રહલાદનો અને બલિનો વંશજ એટલે વિષ્ણુના અવતાર કૃષ્ણે અભય આપ્યો એને. શિવે કૃષ્ણની પ્રશંસા કરી અને અંતે બ્રહ્મા થકી સમાધાન થયું. અસુરની દીકરી અને દ્વારિકાનાથના વારસ વચ્ચે લગ્ન લેવાયા. સ્વપ્ન, ગાંધર્વ વિવાહ ને હવે શિવ પાર્વતી ને કૃષ્ણ રુક્મિણી હાજર હોય એવા ત્રીજા સત્તાવાર લગ્ન! એ પણ પ્રેમ લગ્ન. એ પણ ઇન્ટરકાસ્ટ જ નહિ ઇન્ટરરેસિયલ મેરેજ શિવ, શક્તિ અને કૃષ્ણના આશીર્વાદ સાથે થયા. અન્ડરલાઈન કરજો સંસ્કૃતિના નામે પ્રિ મેરીટલ સેક્સ કે લિવ ઇન કે લવ મેરેજ બધાના વિરોધી મા-બાપ માતાજી, શિવ કે કૃષ્ણની સ્તુતિ કરતી વખતે પાઠ ભણે સરખો.
પણ અત્યારે આ લવ સ્ટોરી કેમ યાદ આવી? કારણ કે રાસ તો કૃષ્ણ સાથે હોય ને માતાજીના તો હવન હોય તો આ નવ નવ રાતના રાસ ક્યાંથી આવ્યા ગુજરાતમાં માની નવરાત્રિમાં ? નટરાજ અને શક્તિ જેને દીકરી માની એ ઉષા દ્વારકા સાસરે આવી એમાં વૈષ્ણવ ને શાક્ત પરંપરાનો પણ સંગમ થયો. ફેન્ટેસી ગણો તો પણ લોજીકલ તો છે! શુભ નવરાત્રિ/
ફાસ્ટ ફોરવર્ડ
'ઓલ આર્ટ ઈઝ ઈરોટિક. કળામાત્ર શૃંગારિક જ હોય!'
(વિશ્વવિખ્યાત ચિત્રકાર ગુસ્તાવ કલીમ્ટ)




