Ravi Purti

એરહોસ્ટેસ વેઇટર નથી ઊડ્ડયનનો શ્વાસ છે

By GS Team
3 Oct 20263 mins read
એરહોસ્ટેસ વેઇટર નથી ઊડ્ડયનનો શ્વાસ છે
  • શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

ટ્રે ઇનની મુસાફરી કરતાં પ્લેનની મુસાફરી વધુ શિસ્તવાળી હોય છે. ઇન્ડિગોની એક ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં પેસેન્જરને ભોજનમાં વાંધો લાગતા એર હોસ્ટેસ સાથે બોલાચાલી કરી તેને 'નોકર' કહી હતી. તેણીએ નોકર નહિ પણ પોતે 'કર્મચારી' હોવાનું જણાવ્યું હતું. આ મુદ્દાથી એરહોસ્ટેસની ફરજ શું છે તે જાણવા જેવું છે. એરહોસ્ટેસ અથવા કેબિન ક્રુ એ પાયલોટની સૂચનાઓનું પાલન કરવાનું હોય છે. તેઓ સલામતી માટે અને પેસેન્જરની આરામદાયક મુસાફરી માટે જવાબદાર હોય છે. તેઓ ઉડ્ડયન દરમ્યાન પેસેન્જરને જરૂરી માહિતી પણ આપે છે. એ જાણીતું છે કે એરહોસ્ટેસ ઉડ્ડયન દરમ્યાન ભોજન પણ પીરસે છે અને કોટન પણ આપે છે ! હવે કોસ્ટ કટિંગને કારણે એરલાઇન ઓછી સેવાઓ આપે છે અને એરહોસ્ટેસની દોડધામ ઓછી
થઇ છે.
કેબિન ક્રુ પેસેન્જરને સીટ શોધવા માટે મદદ કરે છે. વિમાનની સલામતી સીસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવે છે. અને પીણાં આહારની જરૂરીયાતોને પૂરી પાડે છે.
ઉડ્ડયન પહેલાં તે તમામ સલામતીના સાધનો તપાસે છે, વિમાનમાં ખોરાક અને પીણાંઓ પૂરતા પ્રમાણમાં છે કે નહિ તેની નોંધ લે છે. પેસેન્જર વિમાનમાં અંદર પ્રવેશે કે બહાર જાય ત્યારે તેનું અભિવાદન કરે છે. દરેક પેસેન્જર ટેકઓફ અને લેન્ડિંગ માટે તૈયાર છે કે નહિ તે જૂએ છે. વૃદ્ધો અને બાળકોની ખાસ જરૂરીઆતમાં મદદ કરે છે. અથવા તેમને તબીબી મદદ કરે છે. પ્રાથમિક સારવાર આપે છે. પેસેન્જરને ઉડ્ડયન દરમ્યાન વાંચન અને આનંદપ્રમોદની સામગ્રી આપે છે. પહેલાં વિમાની ઉડ્ડયન દરમ્યાન સરસ મેગેઝિન વાચવા મળતા હવે એક બે ધંધાદારી કાર્ડ અને સલામતી કાર્ડ સિવાય ખાસ જોવા મળતું નથી. ખર્ચા ઘટાડવાની કવાયતમાં મેગેઝિન પણ ગૂમ થઇ ગયો છે. કેબિન ક્રૂ તમને ડયુટી-ફ્રી ધંધાદારી આઇટમ પણ આપે છે. ખાસ કરીને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં આવી વિશિષ્ટ સેવાઓ મળે છે. કેટલીક વાર પ્લેનમાં તોફાની તત્ત્વો પણ ઘૂસી જાય છે. આવા પેસેન્જરોને કાબૂમાં રાખવા જરૂરી પગલાં લે છે. કેટલાંક શંકાશીલ વ્યક્તિઓનું પણ તેઓ ધ્યાન રાખે છે. મુસાફરી દરમ્યાન ઊભા થતા તબીબી કે સલામતી અંગેના પ્રશ્નોની પણ તે નોંધ લે છે. એરહોસ્ટેસ પેસેન્જર લાઈનરના કર્મચારી ઊર્ફે એમ્પ્લોઇ છે એટલે એ કંપનીના નિયમો પ્રમાણે ચાલે છે. બે કલાકની ફ્લાઈટમાં એ તમારા નોકર બની ગયા એવું ના સમજતા. એ સૌજન્યથી તમારી સેવા કરે છે. બેગ-કેબિનમાં ઉપર મુકવાનું કે ઉતારવાનું કામ તેમનું નથી…! પરંતુ તમારી ઉંમરને કારણે કે તબીબી સ્થિતીને કારણે તે તમને મદદ કરી શકે છે. તે શિસ્તબધ્ધ રીતે તમારી સાથે વર્તે છે એટલે તમારે પણ શિસ્ત જાળવવી જરૂરી છે.
ઉડ્ડયન પુરૂ થયા પછી તમે તો કન્વેઅર બેલ્ટ પાસે બેગ લેવા પહોંચી જાવ છો પણ એરહોસ્ટેસની ડયૂટી ચાલુ રહે છે. આને 'પોસ્ટ ફ્લાઇટ' ડયૂટી કહેવાય છે.
(૧) સલામતી, મેડિકલ અથવા પેસેન્જર સર્વિસ અંગેના રિપોર્ટ ઓફિસમાં આપવા પડે છે.
(૨) જરૂરી દસ્તાવેજો તેમજ અન્ય માહિતી તેમના પછી આવનારા સ્ટાફને આપવી પડે છે.
(૩) ઉતરાણ થયા પછી કેબિન ચેક કરવાની રહે છે.
ટૂંકમાં એરક્રુની પ્રાથમિક ફરજ સલામતી અંગેની હોય છે. પછી જ પેસેન્જરની કાળજી, સેવા હોય છે. આમ એમનું ટીમવર્ક જરૂરી હોય છે.
હવે તમને ખ્યાલ આવશે કે ઉડ્ડયન પહેલા, દરમ્યાન અને પછી પણ વિમાની સ્ટાફ વ્યસ્ત હોય છે. એટલે ખૂબ જરૂરી હોય તે જ વસ્તુની વિનંતી કરવી. શું કોટન પ્લગ સાથે ના લઇ જવાય ? સેનીટાઈઝર સાથે ના લઇ જવાય ?