Ravi Purti

ચાર કરોડ વર્ષનો ભેદ : ખોટા ખાનામાં પુરાયેલો મગર

By GS Team
24 Oct 20267 mins read
ચાર કરોડ વર્ષનો ભેદ : ખોટા ખાનામાં પુરાયેલો મગર
  • ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

ગીઝાના ધગધગતા પઠાર પર, હજારો વર્ષોની તડકી-છાંયડી વેઠીને શાંત ઊભેલો ગ્રેટ સ્ફિંક્સ, માનવ ઇતિહાસ અને પ્રાચીન સ્થાપત્યકળાનું સૌથી જાણીતું પ્રતીક ગણાય છે. જ્યારે પ્રવાસીઓ તેના ભવ્ય ચહેરા સામે આંખો પહોળી કરીને ઊભા રહે છે, ત્યારે કદાચ ભાગ્યે જ કોઈને વિચાર આવતો હશે કે 'જે પથ્થર પર આ અજાયબી કોતરાઈ છે, તે ધરતીના ઊંડાણમાં કેટલાં જૂનાં રહસ્યો સંઘરીને બેઠો હશે? સામાન્ય રીતે આપણે ઇજિપ્તના સ્મારકોને આશરે ૪,૫૦૦ વર્ષ જૂના ગણીને આશ્ચર્ય અનુભવતા હોઈએ છીએ. પરંતુ વિજ્ઞાન જ્યારે ભૂતકાળના પડદા ખોલે છે, ત્યારે માનવ ઇતિહાસ કરતાં કુદરતનો ઇતિહાસ ક્યાંય વધુ પ્રાચીન, ગહન અને વિસ્મયકારક સાબિત થાય છે. એ જમાનામાં ઉત્તર ઇજિપ્તનો મોટો હિસ્સો, પ્રાચીન ટેથિસ મહાસાગર સાથે જોડાયેલો હતો. તેનો કેટલોક ભાગ ગરમ, છીછરા દરિયાના તરંગોથી ઢંકાયેલો રહેતો હતો. વિખ્યાત ઓસ્ટ્રિયન ભૂસ્તરશાસ્ત્રી એડવર્ડ સુએસે, પોતાના મહાગ્રંથ 'ડાસ એન્ટલિટ્ઝ ડેર એર્ડે'માં આ વિરાટ લુપ્ત મહાસાગરને 'ટેથિસ' નામ આપ્યું હતું. લાખો વર્ષો સુધી એ દરિયાના તળિયે જમા થતા રહેલા કાંપના સ્તરોમાંથી, સમય જતાં મોકટ્ટમ રચનાના ખડકો તૈયાર થયા હતાં. જેમાં આજે એ લુપ્ત દુનિયાના અસંખ્ય જૈવિક પુરાવા સચવાઈ રહ્યા છે.

પથ્થર એ જ, જોવાની નજર બદલાઈ

માનવીએ કૈરોની આસપાસ ભવ્ય સ્મારકો અને ગ્રેટ સ્ફિંક્સનું નિર્માણ કરવા માટે, જે ચૂનાપથ્થરની ભૂસ્તરીય શ્રેણીનો ઉપયોગ કર્યો હતો. તે પથ્થરો માનવજાતના જન્મ કરતાં પણ કરોડો વર્ષ જૂના હતા. આ જ મોકટ્ટમ ખડકોમાંથી, વર્ષો પહેલાં લાંબા જડબાંવાળા મગરની એક ખોપરી મળી આવી હતી. જે મગરોની ગેવિયાલોઇડ શાખા સાથે સંબંધ ધરાવતી હતી. પરંતુ અશ્મિ પુરાવા દર્શાવે છે કે 'આજની સરખામણીએ, આ વર્ગના સગાંઓ પૃથ્વી પર, એક સમયે ઘણા મોટા ભૌગોલિક વિસ્તારમાં સામ્રાજ્ય ભોગવતા હતા.- ઇજિપ્તના મધ્ય ઇઓસીન કાળના મગરોની ગાથામાં, બ્રિટિશ પેલિયોન્ટોલોજિસ્ટ ચાર્લ્સ વિલિયમ એન્ડ્રુઝનું યોગદાન પાયાનું રહ્યું છે. ૧૮૬૬માં જન્મેલા એન્ડ્રુઝે લંડનના વિખ્યાત બ્રિટિશ મ્યુઝિયમ - નેચરલ હિસ્ટરીમાં સેવાઓ આપી હતી. ૧૯૦૧માં તેમણે ક્સર અલ-સાગા રચનામાંથી મળેલા એક મગરમચ્છનું નામકરણ 'ટોમિસ્ટોમા આફ્રિકેનમ' તરીકે કર્યું હતું. ત્યારબાદ ૧૯૦૬માં તેમનો સીમાચિહ્નરૂપ સંદર્ભ ગ્રંથ 'અ ડિસ્ક્રિપ્ટિવ કૅટલોગ ઑફ ધ ટર્શિયરી વર્ટિબ્રેેટા ઑફ ધ ફયૂમ' પ્રકાશિત થયો હતો. આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વચ્ચે, ૧૯૨૦ના દાયકામાં ઇજિપ્તમાંથી મગરમચ્છની એક વિશિષ્ટ અશ્મિભૂત ખોપરી મળી આવી હતી. ૧૯૨૭માં તેનું પ્રથમ વૈજ્ઞાનિક વર્ણન કરવામાં આવ્યું. તે સમયે ખોપરીની અંદરની જટિલ રચના તપાસવાની તકનીકી સુવિધાઓ પણ મર્યાદિત હતી. પરિણામે એ અશ્મિને સીધું જ 'ટોમિસ્ટોમા' એટલે કે ખોટા ઘડિયાલની જાણીતી પ્રજાતિના ખાનામાં ગોઠવી દેવામાં આવ્યું હતું. પરંતુ એક સાદું ઉદાહરણ લઈએ : જૂની ટપાલના મોટા ઢગલામાં, જો કોઈ અગત્યનો પત્ર ઉતાવળે ખોટા ખાનામાં મુકાઈ ગયો હોય, તો તે વર્ષો સુધી ત્યાં જ પડયો રહે છે. પણ જ્યારે નવી સુધારેલી યાદી હાથમાં આવે અને કોઈ તેને પારખુ નજરે ફરી તપાસે, ત્યારે જ એ પત્ર પોતાના સાચા સરનામે કે સાચા ખાનામાં પહોંચી શકે છે! બરાબર આવું જ સંગ્રહાલયોમાં સચવાયેલા અશ્મિઓ સાથે પણ બનતું હોય છે. નવી તકનીકો અને નવા પુરાવા મળતાં વૈજ્ઞાનિકો જૂના નમૂનાઓનું પુન:પરીક્ષણ કરે છે.

પથ્થરમાં પોઢેલો એક અદ્રશ્ય સમુદ્ર

આ સંશોધનનું વૈજ્ઞાનિક મહત્ત્વ ત્રણ મુખ્ય પરિમાણો પર આધારિત છે. પ્રથમ, આ અશ્મિ માત્ર લુપ્ત જીવોની યાદીમાં વધારો કરતું નામ નથી, તે ઐતિહાસિક પુરાવો આપે છે કે 'ઇઓસીન કાળ દરમિયાન ગેવિયાલોઇડ મગરોની જૈવવિવિધતા પ્રાચીન ભૂમધ્ય વિસ્તાર સુધી વ્યાપકપણે ફેલાયેલી હતી. - આજના જીવંત મગરો તો, લાખો વર્ષો જૂની મહાકાય ઉત્ક્રાંતિ યાત્રાના બચેલા નાનકડા અંશો માત્ર છે. આજે ભલે આપણે ગેવિયાલોઇડ વંશાવળીને મુખ્યત્વે એશિયા ખંડ સાથે જોડતા હોઈએ, પરંતુ ઇજિપ્તનો આ પુરાવો સમજાવે છે કે તેઓ ભૂતકાળમાં ક્યાં વસવાટ કરતા હતા? તેમનો ભૌગોલિક ફેલાવો કેવો હતો? યુગો દરમિયાન આવેલા આબોહવાકીય પર્યાવરણીય ફેરફારોએ, તેમનું વૈશ્વિક વિતરણ કેવી રીતે બદલી નાખ્યું હતું.
બીજું મોટું તારણ એ છે કે 'સંગ્રહાલયોના સંગ્રહસ્થાનમાં સદીઓથી પડેલા અશ્મિઓનું મૂલ્ય ક્યારેય ઘટતું નથી. આધુનિક ડિજિટલ ઇમેજિંગ અને ઊંડા તુલનાત્મક અભ્યાસો જૂના નિષ્કર્ષોને પલટાવવાની અદભુત ક્ષમતા ધરાવે છે.-ભૌતિક દુનિયા કે પથ્થર બદલાયા વગર પણ વિજ્ઞાન કેવી રીતે આગળ વધે છે? તેનું આ જ્વલંત ઉદાહરણ છે : અશ્મિ તો એ જ સદી જૂનું રહ્યું છે. ફક્ત તેને જોવાની અને તપાસવાની માનવીય ક્ષમતા બદલાઈ ગઈ છે!
આ બાબતનો ભારતીય ભૂસ્તરીય સંદર્ભ પણ એટલો જ અચરજ પમાડે તેવો છે. જે ટેથિસ મહાસાગરના તળિયે આ મગરના અવશેષો અને કાંપ જમા થતા હતા, એ જ ટેથિસ સમુદ્રના તળિયાના સ્તરો ભારતીય ટેક્ટોનિક પ્લેટની ઉત્તર તરફની પ્રચંડ અથડામણને કારણે કરોડો વર્ષોમાં ઊંચકાઈને હિમાલયની ગગનચુંબી પર્વતમાળાઓ બન્યા છે. નેપાળ અને ભારતમાં વહેતી કાળી ગંડકી નદીમાંથી મળતા પવિત્ર 'શાલિગ્રામ' પથ્થરો, વાસ્તવમાં એ જ લુપ્ત ટેથિસ સમુદ્રના કરોડો વર્ષ જૂના એમોનાઇટ દરિયાઈ જીવોના અશ્મિઓ છે. જેને ભારતીય સંસ્કૃતિ સદીઓથી પૂજતી આવી છે. પૃથ્વીના એક છેડે એ જ સમુદ્ર સ્ફિંક્સના પથ્થરો અને મગરના અશ્મિ સર્જે છે, તો બીજે છેડે હિમાલય અને શાલિગ્રામનું નિર્માણ પણ કરે છે!

સદી જૂની ખોપરીને નવું નામ

આજના પ્રતિભાશાળી સંશોધક પૉલ બર્કે,લગભગ એક સદી જૂના અશ્મિને નવી ઓળખ અપાવવાનું બીડું ઝડપ્યું છે. ૨૦૨૪માં તેમણે સેસિલી નિકોલ, બેથની પિટાર્ડ, હેશામ સલ્લામ અને ફિલિપ માનિયન જેવા વિદ્વાનો સાથે મળીને, ઇજિપ્ત અને લિબિયાના પ્રારંભિક માયોસીન કાળના 'ટોમિસ્ટોમા ડાઉસોની'નું પુન:વર્ગીકરણ કર્યું હતું. તેમણે આ જીવને તદ્દન નવી પ્રજાતિ 'સુતેખસુકસ'માં સ્થાન આપ્યું હતું. તેમનું સંશોધન વિખ્યાત 'જર્નલ આફ સિસ્ટમેટિક પેલિયોન્ટોલોજી'માં પ્રકાશિત થયું હતું. જેણે દાયકાઓથી ચાલતા ગંગેય ઘડિયાલ અને ખોટા ઘડિયાલ વચ્ચેના, પારસ્પરિક સંબંધોના ઉત્ક્રાંતિ વિવાદ પર નવો પ્રકાશ પાડયો છે. જે આજે ૈંેંભશની લાલ યાદીમાં 'અતિ સંકટગ્રસ્ત' શ્રેણીમાં મુકાયેલો છે. હાલમાં 'ઇઓસુકસ લેરિચેઇ'ની ખોપરીની આંતરિક રચનાનો મહત્ત્વપૂર્ણ અભ્યાસ પણ રજૂ થયો છે. હવે સવાલ એ થાય કે આ સદી જૂની ખોપરીની અંદર ડોકિયું કરીને, આખરે નવી ઓળખ કેવી રીતે સ્થાપિત કરવામાં આવી છે? સંશોધકોએ કોઈ પરંપરાગત તોડફોડ કરવાને બદલે, અત્યાધુનિક ત્રિ-પરિમાણીય એક્સ-રે ઇમેજિંગ પદ્ધતિનો આશરો લીધો છે. આ પદ્ધતિ હકીકતમાં તબીબી ક્ષેત્રે વપરાતા સીટી સ્કૅન જેવી જ કાર્યક્ષમ અને ચોક્કસ હોય છે. જેમ કોઈ બંધ લાકડાની પેટીને તોડયા વગર, અંદર રહેલો સામાન સ્કેનિંગ દ્વારા સ્પષ્ટ જોઈ શકાય છે. તેવી રીતે ખોપરીના ખડકાળ બંધારણને, સહેજ પણ નુકસાન પહોંચાડયા વિના, તેની અંદર છુપાયેલી સૂક્ષ્મ રચનાઓ કમ્પ્યુટર સ્ક્રીન પર જીવંત કરી શકાય છે. પૉલ બર્ક અને તેમના સાથીઓએ, આ અત્યાધુનિક ડિજિટલ માહિતીને, વિગતવાર શારીરિક સરખામણીઓ સાથે મૂલવી જોઈ હતી. પરિણામે આ અશ્મિભૂત ખોપરી, જૂના 'ટોમિસ્ટોમા'ના વર્ગીકરણમાં રહી શકે તેમ નથી. તેની આંતરિક રચના અને ઉત્ક્રાંતિ ઓળખ એટલી બધી ભિન્ન હતી કે - તેના માટે જીવવિજ્ઞાનમાં એક નવી જ પ્રજાતિ અને નવી જાતિનું નિર્માણ કરવું અનિવાર્ય બન્યું ગયું છે. સંશોધકોએ તેને વિધિવત નામ આપ્યું : હેરુગેવિયાલિસ કાઇરેન્સિસ. આ મહાકાય જીવ આજથી આશરે ૪.૫ કરોડ વર્ષ પહેલાં, મધ્ય ઇઓસીન કાળના છીછરા સમુદ્રમાં જીવતો હતો.

ખોટા ખાનામાં પુરાયેલો મગર

યાદ રહે કે આ કોઈ ગીઝાની રેતીમાંથી તાજેતરમાં મળેલું નવું ખોદકામ નથી. અહીં કોઈ મગરનું આખું સાબૂત હાડપિંજર પણ મળ્યું નથી. -આ તો સંગ્રહાલયની પેટીમાં વર્ષોથી પડેલા એક અશ્મિની સાચી ઓળખ માત્ર છે. આ નવા વૈજ્ઞાનિક નામકરણમાં પણ ઇજિપ્તનો પ્રાચીન સાંસ્કૃતિક રંગ ઘૂંટાયેલો છે. તેમાં વપરાયેલો 'હેરુ' શબ્દ ઇજિપ્તના પ્રાચીન બાજ-મુખી દેવ હોરસ સાથે સંબંધિત છે. જ્યારે 'કાઇરેન્સિસ' શબ્દ કૈરો શહેરની ભૌગોલિક સ્મૃતિ કરાવે છે. નામકરણ પાછળ એક રસપ્રદ સંયોગ પણ રહેલો છે : આ અશ્મિભૂત ખોપરીના લાંબા મુખના આગળનો છેડો તૂટેલો હતો. સામે પક્ષે ગીઝાના સ્ફિંક્સનું નાક પણ ખંડિત થયેલું છે! પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ સામ્ય માત્ર એક રોચક સંયોગ છે; તે પ્રાણી અને સ્મારક વચ્ચેના કોઈ ઐતિહાસિક સંબંધનો જૈવિક પુરાવો નથી.
ખોપરીના આધારે તેના ખોરાક કે શિકાર પદ્ધતિ વિશે બાંધવામાં આવેલા અનુમાનો, અંતે તો પરિકલ્પના જ રહે છે. વિજ્ઞાન જગતમાં 'સ્ફિંક્સનું અદભુત રહસ્ય' કે 'મૂર્તિમાંથી નીકળ્યો મગર' જેવી સનસનાટીભરી અફવાઓ, હંમેશાં સાચા સંશોધનને મોટું નુકસાન પહોંચાડતી હોય છે. આ શોધ પાછળની સાચી કડી તો, સંપૂર્ણપણે ભૂસ્તરીય છે. જે જીવન, નિર્જીવ ખડક અને માનવ સભ્યતા વચ્ચે ગૂંથાયેલી પૃથ્વીની કરોડો વર્ષોની અખંડ સ્મૃતિને ઉજાગર કરે છે. આ સંશોધન આપણને કેટલાક ગંભીર પ્રશ્નો તરફ પણ દોરી જાય છે :વિશ્વભરના અને આપણા સંગ્રહાલયોમાં ધૂળ ખાતા અશ્મિઓ, હજુ પૃથ્વીના ઇતિહાસના બીજાં કેટલાં અજાણ્યાં રહસ્યો ખોલી શકે તેમ છે? જો માત્ર ૪.૫ કરોડ વર્ષના ગાળામાં હરિયાળું દરિયાઈ ઇજિપ્ત સૂકા રણમાં ફેરવાઈ જતું હોય, તો આગામી લાખો વર્ષોમાં, આપણી આ ધરતીનું સ્વરૂપ કેવી રીતે બદલાશે? સૌથી મહત્ત્વનું, એક રોચક વૈજ્ઞાનિક સત્ય અને લોકપ્રિય સનસનાટી વચ્ચે વિજ્ઞાન પ્રત્યાયને પોતાની લક્ષ્મણરેખા ક્યાં દોરવી જોઈએ? સ્ફિંક્સ આશરે ૪,૫૦૦ વર્ષ જૂનું સ્થાપત્ય ગણાય છે, જ્યારે આ મગર તેના કરતાં પણ લગભગ દસ હજાર ગણો, જૂનો સાબિત થાય છે. કુદરતની આ લાંબી યાત્રા સામે અહીં માનવ ઇતિહાસ તો પલકારા જેટલો જ ભાસે છે.