'વિનસ'ના ચહેરા પાછળ છુપાયેલું 500 વર્ષ જૂનું દર્દ

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
છે લ્લા પાંચ દાયકાથી વૈશ્વિક કળા જગતમાં, મહાન ચિત્રકાર સેન્ડ્રો બોટિસેલીનું અમર ચિત્ર 'ધ બર્થ ઓફ વિનસ' આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. સમુદ્રના મોજાંમાંથી પ્રગટતી સૌંદર્યની દેવી વિનસના, એ અલૌકિક અને સહેજ ઉદાસ ચહેરો દુનિયાભરના કળાપ્રેમીઓએ નિહાળ્યો છે. પાંચ સદીઓથી વધુ સમય સુધી દુનિયા એ જ માનતી રહી કે, ઇટાલિયન પુનર્જાગરણ કાળની, આ પરમ સુંદરી સાયમોનેટા વેસ્પુચીનું મૃત્યુ, માત્ર ૨૩ વર્ષની નાની ઉંમરે ક્ષય રોગના કારણે થયું હતું. પરંતુ તાજેતરમાં તબીબી વિજ્ઞાન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંયુક્ત સંશોધને, આ ઇતિહાસને સંપૂર્ણપણે બદલી નાખ્યો છે.
પ્રતિષ્ઠિત જર્નલ 'એન્ડોક્રિનોલોજી, ડાયાબિટીસ એન્ડ મેટાબોલિઝમ'માં પ્રકાશિત સંશોધન પત્રે, વૈજ્ઞાનિકોને સ્તબ્ધ કરી દીધા છે. ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડન, યુનિવર્સિટી કેમ્પસ બાયો-મેડિકો ડી રોમા, અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોની સંયુક્ત ટીમે દાવો કર્યો છે કે 'સાયમોનેટાનું મૃત્યુ ક્ષય રોગથી નહીં, પરંતુ પિચ્યુઇટરી ટયુમરની ગંભીર ગૂંચવણોના કારણે થયું હતું.' ૧૫મી સદીના ઐતિહાસિક પત્રો, તબીબી કેસ સ્ટડીઝ અને બોટિસેલીના ચિત્રોના, અત્યાધુનિક છૈં ફેસિયલ-રેકગ્નિશન વિશ્લેષણ દ્વારા આ તારણ મેળવ્યું છે.
બોટિસેલીની પીંછી
વિજ્ઞાનની દ્રષ્ટિએ આ શોધ તે સાબિત કરે છે કે કળા માત્ર કલ્પના નથી, પણ દર્દીના શારીરિક લક્ષણોનો જીવંત દસ્તાવેજ બની શકે છે. સાયમોનેટાના શરીરમાં પાંગરી રહેલી અદ્રશ્ય ગાંઠના લક્ષણો, બોટિસેલીએ પોતાના ચિત્રોમાં અજાણતા જ કંડારી લીધા હતા. આમાં તબીબી વિજ્ઞાન, કળા અને આધુનિક તકનીકનો અદ્ભુત ત્રિવેણી સંગમ દેખાય છે. ૨૮ જાન્યુઆરી, ૧૪૫૩ના રોજ લિગુરિયા ખાતે જન્મેલી સાયમોનેટા કેટાનિયો, જ્યારે ફ્લોરેન્સની ઉચ્ચ સોસાયટીમાં આવી, ત્યારે પોતાની બુદ્ધિમત્તા અને અલૌકિક સુંદરતાના કારણે ત્યાંની ધડકન બની ગઈ. પ્રખ્યાત કવિ પોલિઝિયાનોએ તેને 'લા સાન્સ પાર' (અજોડ)ની ઉપાધિ આપી હતી. ૧૪૬૯માં તેના લગ્ન પ્રતિષ્ઠિત માર્કો વેસ્પુચી સાથે થયા, જેણે તેને મેડિસી પરિવારના શાસન હેઠળ, ફ્લોરેન્સના ભદ્ર વર્ગનું કેન્દ્રબિંદુ બનાવી દીધી. મહાન ચિત્રકાર સેન્ડ્રો બોટિસેલી પણ તેના પરમ પ્રશંસક હતા, જેમણે સાયમોનેટાને આશરે ૫થી ૬ વખત પોતાના કેનવાસ પર ઉતારી હતી. પરંતુ, આ ભવ્યતા પાછળ કરુણતા છુપાયેલી હતી.
એપ્રિલ ૧૪૭૬માં, માત્ર ૨૩ વર્ષની વયે સાયમોનેટાનું અકાળ અવસાન થયું. તબીબોએ મૃત્યુનું કારણ 'કન્ઝમ્પશન' એટલે કે ક્ષય રોગ જાહેર કર્યું, જે થિયરી પાંચ સદીઓ સુધી અકબંધ રહી. તેના મૃત્યુ પછી, પાર્થિવ દેહને ફ્લોરેન્સની પરંપરા 'વેસ્ટિટા એ ડિસ્કોપર્ટા' (સફેદ વસ્ત્રોમાં સજ્જ અને ખુલ્લો ચહેરો રાખી) મુજબ, જનતાના દર્શનાર્થે રાખી ઓગ્નિસેન્ટી ચર્ચમાં દફનાવવામાં આવી. ૧૫૧૦માં બોટિસેલીનું મૃત્યુ થતાં, તેમની અંતિમ ઈચ્છા મુજબ, તેમને સાયમોનેટાના ચરણોમાં દફનાવવામાં આવ્યા હતાં. આધુનિક વિજ્ઞાને આ થિયરી સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. ક્ષય રોગમાં દર્દી ધીમે ધીમે કૃષ થતો જાય છે, જ્યારે ઐતિહાસિક પત્રો દર્શાવે છે કે, સાયમોનેટા એક નૃત્ય સમારોહ દરમિયાન અચાનક તૂટી પડી હતી. આ અચાનક આવેલી તબીબી કટોકટી, ક્ષય રોગની ધીમી ગતિ સાથે મેળ ખાતી નથી, જેથી વૈજ્ઞાનિકોએ નવી શોધ હાથ ધરી હતી.
સૌંદર્યની દેવીની આંખોનું તબીબી સત્ય
આ આંતરરાષ્ટ્રીય સંશોધન ટીમે, સાયમોનેટા વેસ્પુચીના તબીબી રહસ્યને ઉકેલવા જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી, તેમાં પાંચ સદી જૂના ચિત્રોને એક જીવંત ક્લિનિકલ રિપોર્ટની જેમ વાંચવામાં આવ્યા છે. આ દાવો મુખ્ય ત્રણ મજબૂત સ્તંભો પર ટકેલો છે : પિચ્યુઇટરી ટયુમરના શારીરિક લક્ષણો, સાયમોનેટાના અંતિમ દિવસોની તબીબી સ્થિતિ, અને ઇતિહાસમાં નોંધાયેલી બે ચોક્કસ ઉત્તેજક ઘટનાઓ. આ સંશોધનનો સૌથી રોમાંચક ભાગ, બોટિસેલીના ચિત્રોનું છૈં દ્વારા થયેલું વિશ્લેષણ છે. વૈજ્ઞાનિકોએ સાયમોનેટાના પાંચ ચિત્રોને પ્રી-ટ્રેન્ડ ડીપ લર્નિંગ મોડેલ આધારિત, ફેસિયલ રેકગ્નિશન અલ્ગોરિધમમાંથી પસાર કર્યા હતા. જેણે સમય સાથે તેના ચહેરાના હાડકાં અને નકશામાં થયેલા પ્રગતિશીલ ફેરફારો પકડી પાડયા. બોટિસેલીના ચિત્ર 'એલેગોરિકલ પોટ્રેટ ઓફ એ વુમન' (આશરે ૧૪૭૬-૧૪૮૦)માં, સાયમોનેટાના જમણા સ્તનમાંથી દૂધની નાની ધાર વહેતી દર્શાવી છે. જે તબીબી ભાષામાં અકાળે સ્તનપાન સ્ત્રાવ દર્શાવે છે. આ પ્રોલેક્ટીનોમા નામની પિચ્યુઇટરી ગાંઠનું મુખ્ય લક્ષણ છે. સાયમોનેટા વંધ્યત્વનો ભોગ બની હતી, જ્યારે તેના પતિ માર્કોએ બીજા લગ્ન કર્યા પછી, તેમને ૯ સંતાનો થયાં હતાં. બીજો પુરાવો 'ધ બર્થ ઓફ વિનસ' ચિત્રમાં, દેવીની આંખોના ભીંડાપણા (સ્ટ્રેબિસમસ)માં છુપાયેલો છે. ડૉ. પોઝીલીના મતે, જ્યારે પિચ્યુઇટરી મેક્રોએડેનોમાં કદમાં મોટો થાય છે, ત્યારે તે કેવર્નસ સાઇનસની ક્રેનિયલ ચેતાઓને દબાવે છે, જેનાથી આંખોની ગોઠવણી બગડે છે. જ્યારે આ ગાંઠ મોટી થઈને નાકના પોલાણ તરફ વિસ્તરી, ત્યારે નૃત્ય સમારોહમાં શારીરિક શ્રમથી લોહીનું દબાણ વધતાં, ગાંઠની અંદર રક્તસ્ત્રાવ થયો, જેને 'પિચ્યુઇટરી ટયુમર એપોપ્લેક્સી' કહેવાય છે. સાયમોનેટા ત્યાં જ ઢળી પડી અને અતિશય નસકોરી ફૂટી હતી. અંતિમ દિવસોમાં તે માઇેગ્રેન, ઉલટી અને પ્રકાશ પ્રત્યે અસહ્ય સંવેદનશીલતા (ફોટોફોબિયા)ને કારણે અંધારા ઓરડામાં રહી. ઐતિહાસિક પત્રો મુજબ, મેડિસી પરિવારના શાહી વૈદ્ય સ્ટેફાનોએ, તે સમયે પણ આ રોગ ક્ષય ન હોવાની આશંકા વ્યક્ત કરી હતી, જે પાંચ સદીઓ પછી સાચી સાબિત થઈ છે.
કેનવાસ પર અદ્રશ્ય રોગનો દસ્તાવેજ
ક્રાંતિકારી વૈજ્ઞાનિક શોધ પાછળ, પ્રવર્તમાન રૂઢિઓથી અલગ વિચારતા મગજ કામ કરતા હોય છે. સાયમોનેટા વેસ્પુચીના મૃત્યુના પાંચ સદી જૂના રહસ્ય પરથી પડદો હટાવનાર, આ આંતરરાષ્ટ્રીય ટીમની આગેવાની બે અદભુત તબીબી સંશોધકો કરી રહ્યા છે. ડૉ. ડોમિઝિયાના નાર્ડેલી અને ડૉ. પાઓલો પોઝીલી. ચિકિત્સા વિજ્ઞાનના ક્ષેત્રમાં, ક્લિનિકલ રિસર્ચ અને ઐતિહાસિક તબીબી તપાસનો આ એક સુવર્ણ સમન્વય છે. આ સંશોધન પત્રના પ્રથમ લેખક ડૉ. ડોમિઝિયાના નાર્ડેલી, રોમની પ્રતિષ્ઠિત 'યુનિવર્સિટી કેમ્પસ બાયો-મેડિકો ડી રોમા' ખાતે, ઇયર, નોઝ એન્ડ થ્રોટ વિભાગના રેસિડેન્ટ ડૉક્ટર તરીકે કાર્યરત છે. નાર્ડેલીની વિશેષતા, તબીબી લક્ષણોને માનવીય ઇતિહાસના સંદર્ભોમાં શોધવાની છે. આ પ્રોજેક્ટ દરમિયાન તેમણે, ૧૫મી સદીના પિએરો વેસ્પુચી અને લોરેન્ઝો ડી' મેડિસી વચ્ચે થયેલા પત્રવ્યવહારનું તબીબી વિશ્લેષણ કર્યું હતું. ડૉ. નાર્ડેલીએ શોધી કાઢયું કે, સાયમોનેટાને થયેલો અતિશય નસકોરી ફૂટવાનો અને નાકમાંથી પાણી પડવાનો રોગ, વાસ્તવમાં મગજની અંદર આવેલી પિચ્યુઇટરી ગ્રંથિની ગાંઠ, નાકના પોલાણ સુધી ફેલાવાને કારણે હતો.
ટીમના સિનિયર ઓથર ડૉ. પાઓલો પોઝીલી, લંડનની વિખ્યાત 'ક્વીન મેરી યુનિવર્સિટી' ખાતે ડાયાબિટીસ સંશોધક અને ક્લિનિકલ રિસર્ચ પ્રોફેસર છે, જેઓ એન્ડોક્રિનોલોજીના વૈશ્વિક નિષ્ણાત છે. તેમની વિચારસરણી, વૈજ્ઞાનિક સર જગદીશ ચંદ્ર બોઝ જેવી જ વ્યાપક છે, જેમણે ભૌતિક અને વનસ્પતિ વિજ્ઞાનને જોડયું, તેમ ડૉ. પોઝીલીએ તબીબી વિજ્ઞાનને પુનર્જાગરણ કાળની ચિત્રકળા સાથે જોડી દીધું. તેમણે જ ૨૦૧૯માં પ્રસ્તાવ મૂક્યો હતો કે, 'બોટિસેલીના ચિત્રોમાં દેખાતી સાયમોનેટા, હોર્મોનલ અસંતુલનનો ભોગ બનેલી દર્દી છે.' તેમણે આ સંશોધનમાં, છૈંના ડીપ લર્નિંગ મોડેલનો ઉપયોગ કરીને ચિત્રોની ક્રમબદ્ધ તપાસ કરાવી. આ બંનેએ સાબિત કર્યું કે, સાયમોનેટાને થયેલી ગાંઠ પ્રોલેક્ટીન અને ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ કરતી એક જટિલ ગાંઠ છે. એટલે કે પિચ્યુઇટરી મેક્રોએડેનોમા હતી. કળાના વિવેચકો જેને 'અલૌકિક સૌંદર્ય' કહેતા હતા, તેને હવે તબીબી ભાષા મળી છે.
કળા જ્યારે વિજ્ઞાનની સાક્ષી બને છે
તબીબી વિજ્ઞાન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ સંયુક્ત સંશોધને, ભવિષ્યના સંશોધનો માટે એક તદ્દન નવો માર્ગ ખોલી આપ્યો છે. આ માત્ર એક જૂના રહસ્યનો ઉકેલ નથી, પરંતુ તે દર્શાવે છે કે આધુનિક તકનીક કઈ રીતે ભૂતકાળના ઇતિહાસને ફરીથી લખી શકે છે. આજે મેડિકલ સાયન્સ પાસે જે એમ.આર.આઈ., સીટી સ્કેન અને અત્યાધુનિક લેબોરેટરી ટેસ્ટિંગના સાધનો છે, તેના કારણે પિચ્યુઇટરી એડેનોમા જેવી જટિલ ગાંઠોનું નિદાન ખૂબ જ પ્રારંભિક તબક્કામાં થઈ જાય છે. દર્દીને 'ટયુમર એપોપ્લેક્સી' જેવી જીવલેણ કટોકટી સુધી પહોંચતા બચાવી શકાય છે.
પુનર્જાગરણ કાળના ફ્લોરેન્સમાં આ સાધનો નહોતા, પરંતુ બોટિસેલીએ અજાણતા જ પોતાના, ચિત્રોમાં જે ક્લિનિકલ ડેટા સાચવી રાખ્યો, તેને ઉકેલવાનું કામ આજના મશીન લર્નિંગે કર્યું છે. આ સંશોધનનું સૌથી મોટું ભવિષ્ય 'ડિજિટલ પેલેઓ-પેથોલોજી' એટલે કે, પ્રાચીન કલાકૃતિઓના આધારે ઐતિહાસિક રોગોના અભ્યાસમાં રહેલું છે. ભવિષ્યમાં આ જ અલ્ગોરિધમનો ઉપયોગ કરીને, ઇતિહાસની અન્ય મહાન વિભૂતિઓના ચિત્રો અને શિલ્પોની તપાસ કરી શકાશે, જેનાથી તેમના સ્વાસ્થ્ય અને મૃત્યુ અંગેના રહસ્યો પરથી પડદો હટી શકે છે.
જોકે, આ પદ્ધતિના કેટલાક જોખમો પણ છે. કળા એ મૂળભૂત રીતે કલાકારની કલ્પના, શૈલી અને તે સમયની કળા-પરંપરાઓનું મિશ્રણ હોય છે. વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે કે, વિનસની આંખોનું ત્રાંસાપણું (સ્ટ્રેબિસમસ)એ સાયમોનેટાનો વાસ્તવિક શારીરિક રોગ હતો કે પછી તે સમયની માત્ર એક ચિત્રશૈલી હતી, તે અંગે હજુ પણ થોડી અસ્પષ્ટતા છે. જો આપણે દરેક કલાકૃતિને સો ટકા તબીબી વાસ્તવિકતા માની લઈએ, તો કળાની મૌલિકતા જોખમાઈ શકે છે અને ખોટા નિદાનો થવાનું જોખમ પણ રહે છે. બોટિસેલીએ પોતાની પ્રેરણામૂર્તિની સુંદરતાને અમર કરવા માટે જે પીંછી ચલાવી હતી, તેણે પાંચસો વર્ષ પછી તબીબી વિજ્ઞાનને એક અમૂલ્ય ભેટ આપી દીધી છે. કળા અને વિજ્ઞાનનો આવો સમન્વય ખરેખર માનવ ઇતિહાસની અદ્ભુત ઘટના છે.




