નાચવા(Dance)ના 10 અદ્ભુત ફાયદા...

- લપછપ- કૌશિક કુમાર દીક્ષિત
- ગુજરાતના ગરબા-દાંડિયા રાસ હવે, માત્ર ગુજરાતના નહિ પણ જગતભરના બની રહ્યા છે ત્યારે જાણી-સમજી રાખવા જરૂરી છે…
માનસિક અશાંતિ-સાંધાના દુ:ખાવાઓ-શારીરિક નબળાઈ-હાડકાંના વ્યાધિઓ સહિત કંઈ કેટલાયે રોગોની સાવ નિર્દોષ મનભાવન દવા એટલે નાચવું !
નૃ ત્યના વિષયમાં રહેલું ઊંડાણ સમજવા માટે સંસ્કૃતમાં કહ્યું છે કે :
''યતો હસ્તસ્તતો દૃષ્ટિ :
યતો દ્રષ્ટિસ્તતો મન :
યતો મનસ્તતો ભાવ:
યતો ભાવસ્તતો રસ:''
એટલે કે, જ્યાં હાથ જાય છે ત્યાં દ્રષ્ટિ પહોંચી જાય છે…જ્યાં દ્રષ્ટિ જાય છે ત્યાં મન જોડાય જાય છે…જ્યાં મન જોડાઈ જાય છે ત્યાં ભાવ ઉત્પન્ન થાય છે અને જ્યાં ભાવ જન્મે છે ત્યાં રસ ઉત્પન્ન થાય છે !
શિવજી એટલે કે, મહાદેવજીને નૃત્યના દેવતા ગણ્યા છે. મહાદેવજીનું એક નામ નટરાજ એટલે કે, નૃત્યનો રાજા એવું પણ છે. હિંદુ તત્વજ્ઞાન સર્જન-સરક્ષણ-સંહાર આ ત્રણેય નૈસર્ગિક પ્રક્રિયાઓની નિરંતરતાને નૃત્ય તરીકે બિરદાવે છે અને તેનું સન્માન કરે છે. હિંદુ ધર્મ જગતનો એક માત્ર ધર્મ છે જેમાં નૃત્યનો અપાર મહિમા છે. બીજા કોઈ પણ ધર્મમાં નૃત્યને અવકાશ નથી-નૃત્યનું મૂલ્ય નથી.
નૃત્યના પ્રકાર
સંગીત સાથે સમય અને સ્થાન અનુસાર શરીરની લયબદ્ધ ગતિ એટલે, નૃત્ય ! નૃત્યના મુખ્યત્વે બે પ્રકાર પડે છે. એક તો, શાસ્ત્રીય નૃત્ય અને બીજું, લોકનૃત્ય. પ્રાચીન ગ્રંથ 'નાટય શાસ્ત્ર'ના નિયમો અને તેમાં જણાવેલા વ્યાકરણ આધારિત શાસ્ત્રીય નૃત્ય છે. શાસ્ત્રીય નૃત્યના કુલ ૮ પ્રકાર છે…ભરત નાટયમ-કથક-કથકલી-કુચીપુડી-ઓડીસી-મણિપુરી-મોહિનીઅટ્ટમ તેમજ સત્રિયા. લોકનૃત્ય જે-તે પ્રદેશની સંસ્કૃતિ તેમજ રસ રુચિ મુજબ આનંદ-મનોરંજન માટે અને ખાસ કરીને તો ઉત્સવોની ઉજવણી માટે વિકસતાં ગયાં છે. લોકનૃત્યને અંગ્રેજીમાં 'ફોક ડાન્સ' તેમજ 'ટ્રાયબલ ડાન્સ' જેવાં નામોથી પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્ય વચ્ચે પાયાનો ફરક વ્યાકરણ સાથે સંકળાયેલો છે. શાસ્ત્રીય નૃત્યને વ્યાકરણ હોય છે જયારે લોકનૃત્યને વ્યાકરણ જેવું કશું હોતું નથી.
ગરબા-દાંડિયા રાસ
નૃત્યનો કયો પ્રકાર ગણાય?
ગરબા-દાંડિયા રાસ તે બીજું કશું નહિ પણ, ગુજરાતનાં લોક નૃત્ય છે. ગરબા-દાંડિયા રાસને શાસ્ત્રીય નૃત્ય ગણી-ગણાવી નહિ શકાય. ગુજરાતમાં જેમ ગરબા-દાંડિયા રાસ પ્રખ્યાત છે તેમ પંજાબમાં ભાંગડા-ગિદ્દા અને રાજસ્થાનમાં કાલકા-ઘૂમર અને ઝારખંડ-બંગાળ-ઓરિસ્સામાં 'છઉ' ખૂબ પ્રખ્યાત છે. છત્તીસગઢમાં રાઉત નાચા તેમજ પંડવાની ખૂબ જાણીતાં છે. પણ, આ બધાંમાં ગુજરાતના ગરબા-દાંડિયા રાસ તો વિશ્વ વિખ્યાત છે અને, બિનગુજરાતીઓમાં પણ તે ઉત્તરોત્તર ખ્યાતિ-પ્રીતિ મેળવતા જાય છે !
ભારત બહાર પણ ગરબા-દાંડિયા રાસનો Craze?
ગુજરાતના ગરબા-દાંડિયા રાસ માત્ર ગુજરાતની સીમાઓ જ નહિ પણ દેશદેશાવરની સીમાઓની પાર આખા જગતમાં પ્રજાના આનંદ આકર્ષણનો એક મુખ્ય વિષય બની રહ્યા છે. અમેરિકા-કેનેડા-ઓસ્ટ્રેલીયા આ ત્રણ એવા દેશો છે જ્યાં ગુજરાત જેટલાં જ રસ-ઉત્સાહ સાથે નવરાત્રિના નવ દિવસ ગરવા-દાંડિયા રાસ રમાતા રહે છે… મુસ્લિમ દેશો યુ.એ.ઈ. (દુબઈ-શાહજહા-અબુધાબી વગેરે)માં લોકો ગરબા-દાંડિયા રાસ રમવા મોંઘીદાટ ટીકીટો ખરીદે છે. પાકિસ્તાનમાં પણ ગરબા-દાંડિયારાસ હિંદુઓ રમતાં રહે છે. ઓમાન-બહેરીન-કતર-સાઉદી અરબ કોઈ બાકી નથી, એ બધે પણ નવરાત્રિ દરમ્યાન ગરબા-દાંડિયા રાસ લોકો રમતાં રહે છે.
નાચવાના ૧૦ મોટા ફાયદા, કદાચ તમને ખબર નહિ હોય!
નાચવાના ૧૦ ફાયદા છે, અને ગરબા-દાંડિયા રાસ તે એક પ્રકારનો નાચ જ છે ! તમને ગરબા-દાંડિયા રાસ રમતાં આવડતું હોય કે નહિ આવડતું હોય પણ આ ૧૦ ફાયદા તમારે જાણી-સમજી રાખવા જોઈએ. ક્યારેક તમને કે બીજાંઓને ગરબા-દાંડિયા રાસ તરફ જો, કોઈ પ્રકારનો તિરસ્કાર-અણગમો હોય તો તે દૂર થઇ જાય !
(૧) સંગીતની ધૂન પર નાચવાથી વ્યક્તિની માનસિક અશાંતિ-ચિંતા તરત જ દૂર થવા લાગે છે તેમાં કોઈ સંદેહ નહિ !
(૨) જ્યાં સુધી તમે હૃદય રોગના દર્દી બન્યા નથી ત્યાં સુધી જો, તમે વારતહેવારે નિયમિત નાચવાનું રાખો તો હૃદય રોગના દર્દી કદાપિ બનશો નહિ તેની પણ ખાતરી રાખજો ! તમે તમારી આસપાસનાં હૃદયરોગીઓનો અભ્યાસ કરજો, દરેક હૃદયરોગી તમને એવો જ મળશે જેને નાચવાનો શોખ નહિ હોય !
(૩) નાચવાથી શરીરની તાકાત ચોક્કસ જ વધવા પામે છે. જો, તમે તમારી શારીરિક તાકાતને ઓછી આંકી રહ્યાં હોવો તો તમારે નાચવાનું શરુ કરવું જોઈએ !
(૪) નાચવાથી શરીરના સંતુલનમાં વધારો થવા લાગે છે. નાચતી વખતે તમારી અંદર એક પ્રકારનું શારીરિક-માનસિક સંતુલન આપમેળે વધવા લાગે છે જે નાચવા સિવાય કદાપિ તમારી અંદર આવી શકતું નથી.
(૫) નાચવું તે, સાંધાના દુખાવાની એક અમોઘ દવા છે ! સાંધાના દુ:ખાવાઓથી પીડાઈ રહેલી વ્યક્તિઓએ નિયમિત નાચવાનું રાખવું જોઈએ…સાંધાના દુ:ખાવા ધૂમાડાની જેમ ગાયબ થવા લાગશે !
(૬) કોઈ પણ પ્રકારનું નૃત્ય હાડકાંની પણ મફતમાં મળી જતી અકસીર દવા છે. હાડકાં પોચાં પડવાં કે હાડકાંની અંદરનાં દ્રવ્યો ઓછાં થઇ જવાં વગેરેમાં નિયમિત નાચતાં રહેવાથી ચમત્કારી લાભ અચૂક થાય છે.
(૭) નાચવાનો શોખ હોય તેમજ નાચવાનો નિયમિત અભ્યાસ પણ વ્યક્તિ રાખી રહી હોય તો તેની યાદશક્તિ ઉત્તરોત્તર વધવા લાગે છે, ભણતાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને કોઈ ને કોઈ પ્રકારે નૃત્ય જેવા વિષયમાં જોડવાની સલાહ છે.
(૮) સારું જીવન જીવવા માટે જીવન પ્રત્યે લગાવ હોવો ખાસ જરૂરી છે. નાચવાનો શોખ વ્યક્તિને જીવન પ્રત્યે લગાવ વધાર્યે જાય છે જેને લીધે તેના જીવનની ગુણવત્તા અવશ્ય ઊચ્ચોચ બની રહે છે !
(૯) એક સારો વિચાર શું નહિ કરી શકે ? નવા-નવા હકારાત્મક વિચારો એટલે ફળદ્રુપ જીવનની આધારભૂમિ ! નિયમિત નાચવાનું રાખવાથી માણસને નિત્ય નવા-નવા વિચારો આવતા રહે છે.
(૧૦) જો, તમારે તમારું શરીર ઘાટીલું રાખવું હોય-બહુ જાડું કે બહુ પાતળું નહિ થઇ જવા દેવું હોય તો તમારે નિયમિત નાચવાનું રાખવું જોઈએ!
- અને, એવું નથી કે નાચવું એટલે માત્ર ગરબા-દાંડિયા રાસ ! તમે કોઈ પણ ઠેકાણે મન ફાવે તે રીતે એકલાં કે કોઈની સાથે નાચવાનું રાખી શકો ! નવરાત્રિના આ ગરબા-દાંડિયા રાસ તો વર્ષમાં એક વારનો મોકો છે…તમારે તો તમારા દૈનિક જીવનમાં નાચવાની વૃત્તિ-પ્રવૃત્તિ વણી લેવી જોઈએ, પછી જુઓ કેવા ચમત્કારી ફેરફારો વરતાવા લાગે છે !
માતાજીનો મોડર્ન ગરબો
માનો ગરબો રે રમતો રાજને દરબાર…
રમતો ભમતો રે,
આવ્યો મેકડોનાલ્ડને દ્વાર…
એલી મેકડોનલ્ડની નાર,
તું તો સૂતી હોય તો જાગ !
માને ગરબે રે પિત્ઝા,બર્ગરિયા મેલાવ…
માનો ગરબો રે રમતો રાજને દરબાર….
રમતો ભમતો રે આવ્યો ચાઈનીસને દરબાર
એલા ચાઇનિસિયાની નાર,
તું તો સૂતી હોય તો જાગ !
માને ગરબે રે પનીર ચિલ્લી રે તેડાવ…
માનો ગરબો રે રમતો રાજને દરબાર
રમતો ભમતો રે આવ્યો મદ્રાસીને દ્વાર….
એલી મદ્રાસીની નાર
તું તો સૂતી હોય તો જાગ !
માને ગરબે રે સાંબર ઢોસા તું મુકાવ…
માનો ગરબો રે રમતો રાજને દરબાર,
રમતો ભમતો રે આવ્યો ગુજરાતીને દ્વાર,
એલી ગુજરાતીની નાર,
તું તો સૂતી હોય તો જાગ !
માને ગરબે રે થાળી ગુજરાતી તું લાવ…
માનો ગરબો રે …
- રવીન્દ્ર પારેખ
નરકનાં ૯ દ્વાર!
જેમાં પ્રવેશીને કોઈ પણ વ્યક્તિનું જીવન નરક બની જાય છે
જે મ નવરાત્રિ આવે તેમ, નવદ્વાર પણ આવે છે! આ નવદ્વાર એવાં દ્વાર છે જેમાં એક વાર કોઈ પ્રવેશે તો તેનું જીવન નરક બની જતું જોવા મળે છે… તમને એ નવદ્વારનો અહિ પરિચય કરાવવો છે:
અકર્તવ્ય
વ્યક્તિને પોતાના કર્તવ્યનું ભાન નહિ રહેવું તે અકર્તવ્ય છે અને, અકર્તવ્ય તે નરકનું પહેલું દ્વાર છે. વ્યક્તિ પોતાનું કર્તવ્ય પૂરું નહિ કરે તો તેનું જીવન નરક બની ગયા વગર રહેતું નથી. વ્યક્તિ પાસે જેની અપેક્ષા કુદરતે રાખી હોય તે કર્તવ્ય વ્યક્તિ દ્વારા પૂરું કરવામાં આવવું જોઈએ. તો જ નરકની પીડાથી વ્યક્તિ
બચી શકે.
વાસના
વાસના શું છે, તે સમજવું જોઈએ. વ્યક્તિ ભાન ભૂલીને જયારે કંઈ પણ ભોગવી લેવાના પ્રયાસોમાં સક્રિય થઇ જાય…ત્યારે તે વાસનાનો શિકાર થયો છે એમ કહેવાય. માણસ જે પણ ભોગવે તે સભાનતાથી ભોગવવું જોઈએ. ભાન વગરનો ભોગ તે વાસના થઇ. વાસના વ્યક્તિને નરકમાં પ્રવેશ કરાવે છે. ભોગવવું હિતકારી છે- ભાન રાખ્યા વગર ભોગવવું અહિતકારી છે.
લાલચ
કહ્યું છે કે, લાલચ બૂરી બલા ! લાલચ વ્યક્તિને ફસાવે છે અને ફસાવટ મોટે ભાગે વ્યક્તિને નરકની પીડાનો અનુભવ કરાવે છે. જે મળવા પાત્ર છે તેનાથી વગર પાત્રતાએ વધુ મેળવી લેવાની વૃત્તિ-પ્રવૃત્તિ લાલચ છે. લાલચવશ વ્યક્તિ દયાજનક સ્થિતિમાં મુકાઈ જાય છે જે નરકનો અનુભવ કરાવે છે.
લોભ
લાલચ અને લોભ વચ્ચેનો ફરક સમજવા જેવો છે. લાલચનું કેન્દ્રબિંદુ અન્યોનું છીનવી લેવાની વૃત્તિ-પ્રવૃત્તિ છે જયારે, લોભનું કેન્દ્રબિંદુ પોતાનું જે કંઈ પણ છે તે બચાવીને-વધારીને સાચવી રાખવાની વૃત્તિ-પ્રવૃત્તિ છે. જરૂરત પડયે પોતાનું ધન ખર્ચી નહિ શકે બલ્કી હજુ તે વધે તેવી વિચારધારા રાખનાર તે લોભી વ્યક્તિ છે. લોભ નરકનું એક દ્વાર છે.
ક્રોધ (ગુસ્સો)
ક્રોધ અર્થાત્ ગુસ્સો અમુક વાર અભિવ્યક્ત હોય છે તો, અમુક વાર છૂપો પણ હોઈ શકે છે. માણસ મનમાં ને મનમાં ક્રોધ દબાવી રાખે છે અને જાહેર નથી કરતો ! કોઈ પણ જાતનો ક્રોધ (ગુસ્સો) નરકનું દ્વાર બની રહે છે. ક્રોધ (ગુસ્સા)ના પ્રભાવ હેઠળ વ્યક્તિ ખોટા નિર્ણયો કરી બેસે છે અને પાછળથી ખૂબ પસ્તાવાનો વારો આવે છે જે તેને નરકની પીડાનો અનુભવ કરાવે છે.
કુસંગતિ
કુસંગતિ એક સમયે વ્યક્તિને નરક ભણી લઇ જ જાય છે. કુસંગતિને લીધે વ્યક્તિ મોટે ભાગે પોતાનું સઘળું એક કાળે ખોઈ બેસે છે. કુસંગતિ વ્યક્તિના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પર પણ બૂરો પ્રભાવ જન્માવી નરક જેવી પીડા લઇ આવે છે તેથી તેને નરકનું દ્વાર ગણી શકાય. જો, જીવન નરક નહિ બનાવવું હોય તો વ્યક્તિએ કુસંગતિથી દૂર રહેવું જોઈએ. નરકના દ્વારમાં ઘૂસી રહેલી વ્યક્તિની સંગતિ કરવી તે કુસંગતિ છે.
હિંસા
હિંસા એટલે, અન્યોને શારીરિક-માનસિક હાનિ પહોંચાડવાની વૃત્તિ-પ્રવૃત્તિ ! હિંસા સ્વયં પોતાની અંદર એક અનિચ્છનીય ઉદ્દેશ છુપાવીને આગળ વધે છે. હિંસા આચરનાર વ્યક્તિ હિંસા બાદ ભીતરથી પીડાયા કરે છે અને તે પીડાથી તે કદાપિ મુક્ત થઇ શકતો નથી જે નરકના દ્વાર સમાન છે. હિંસાગ્રસ્ત વ્યક્તિ કરતાં અનેક ગણું દુ:ખ હિંસા બાદ હિંસા આચરનાર વ્યક્તિએ ભોગવવાનું આવે છે અને જીવનનું આ એક સત્ય છે.
વિશ્વાસઘાત
કોઈકે તમારી ઉપર મૂકેલો-રાખેલો વિશ્વાસ જયારે તમે તોડો છો ત્યારે તે તમારા દ્વારા વિશ્વાસઘાત થયેલો ગણાય. કોઈક તમારી ઉપર વિશ્વાસ મૂકવાનું બંધ કરી દે તે તમારે માટે નરકની પીડા સમાન છે. તમારા વિશ્વાસઘાત બાદ, કમ સે કમ તે વ્યક્તિ તો હવે, તમારી ઉપર વિશ્વાસ રાખશે નહિ ! બીજી વ્યક્તિને તમારી ઉપર વિશ્વાસ નહિ રહે તે તમને નરક તરફ લઇ જાય છે.
છેતરપીંડી
કોઈકને છેતરીને ફાયદો ઉઠાવી લેવામાં થોડા સમય માટે તો તમને 'વિજેતા'ની લાગણી રહી-થઇ શકે પણ, છેતરપીંડી કરનાર વ્યક્તિ પોતાનું આત્મબળ ઉત્તરોત્તર ગુમાવવા લાગે છે. છેતરપીડી કરવાથી મનમાં સતત એક પ્રકારના ભય-ડરની લાગણી રહ્યા કરે છે…છેતરપીંડી ઉઘાડી પડી ગઈ તો શું ? આ વિચાર નરકનું દ્વાર છે. અને, છેતરપીડી ઉઘાડી પડી ગયા બાદ તો નરકની શરૂઆત થઇ જ જાય છે !




