Rajkot

ધોરાજી અને ઉ૫લેટામાં પહેલા વરસાદમાં જળબંબાકાર : પ્રિ-મોન્સૂન કાર્યનો ફિયાસ્કો

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટામાં 10 ઈંચ વરસાદથી જળબંબાકાર થયો છે. નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી નિષ્ફળ રહેતા રસ્તાઓ તળાવ બન્યા, ઠેર-ઠેર ખાડા પડ્યા. સ્કૂલેથી છૂટેલા વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આ મુસીબતમાં નગરજનો મુકાયા છે, જ્યારે ખેડૂતોએ વાવણીનો પ્રારંભ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધોરાજી અને ઉ૫લેટામાં પહેલા વરસાદમાં જળબંબાકાર : પ્રિ-મોન્સૂન કાર્યનો ફિયાસ્કો

બન્ને નગરપાલિકાનાં તંત્રવાહકો વરસાદી પાણીના નિકાલમાં નિષ્ફળ, રસ્તાઓ તળાવ બન્યા, ઠેર-ઠેર મસમોટા ખાડા પડયા, નગરજનો મુસીબતમાં મુકાયા
ધોરાજી,ઉપલેટા: રાજકોટ જિલ્લામાં ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ખાસ કરીને ધોરાજી અને ઉ૫લેટામાં ૧૦ ઈંચ સુધીનાં પહેલા વરસાદે જળબંબાકાર સર્જીને નગરપાલિકા તંત્રની પ્રિ-મોન્સૂનની પોલ ખોલી નાખી છે. વરસાદી પાણીના નિકાલમાં બન્ને નગરપાલિકા નિષ્ફળ રહેતા રસ્તાઓ તળાવ બન્યા હતા. ઠેર-ઠેર ખાડા પડયા હતા અને નગરજનો મુસીબતમાં મુકાયા હતા.
ધોરાજીમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની અવિરત સવારી ચાલી રહી છે. આજે સવારથી શરૂ થયેલા વરસાદે બપોર સુધીમાં તો બે ઇંચ પાણી વરસાવી દીધું હતું, પરંતુ ત્યારબાદ બપોરે એક કલાકમાં પડેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું હતું. સાંજ સુધીમાં કુલ ૬ ઇંચ વરસાદ નોંધાતા ધોરાજીના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભારે વરસાદને કારણે સ્ટેશન રોડ, પોસ્ટ ઓફિસ ચોક, ત્રણ દરવાજા, જૂનાગઢ રોડ, પીરખાના કૂવા ચોક, હોકળા કાંઠા વિસ્તાર, નદી બજાર અને શાકમાર્કેટ ચોક જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણીના નિકાલના અભાવે સ્કૂલેથી છૂટેલા વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સ્થાનિક રહીશોના મતે, નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ પર ઠેર-ઠેર મસમોટા ખાડા પડી ગયા છે, જે તંત્રની પોલ ખોલી રહ્યા છે. જોકે, આ ભારે વરસાદને કારણે સિઝનનો કુલ આંકડો માત્ર ત્રણ દિવસમાં ૧૦ ઇંચ સુધી પહોંચી ગયો છે.
બીજી તરફ ઉપલેટા પંથકમાં પણ મેઘમહેર યથાવત રહી છે. ચોમાસુ સક્રિય થતાની સાથે જ ગઈકાલે ત્રણ કલાકમાં ૪ ઇંચ વરસાદ પડયો હતો, જેનો સિલસિલો આજે પણ ચાલુ રહ્યો હતો. આજે સવારે ૧૧:૦૦ વાગ્યાથી શરૂ થયેલા વરસાદે માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ પાણી વરસાવી દીધું હતું. સતત બીજા દિવસે પણ ભારે વરસાદને પગલે છેલ્લા બે દિવસમાં ૯ ઇંચ વરસાદ નોંધાયો છે.

  • અષાઢી બીજ પૂર્વે મેઘમહેરથી ખેડૂતો દ્વારા વાવણીનો પ્રારંભ
    એક તરફ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાએ નગરપાલિકાના પ્રિ-મોન્સૂન આયોજન સામે સવાલો ઉભા કર્યા છે, તો બીજી તરફ ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. અષાઢી બીજ પૂર્વે જ સારા વરસાદના પગલે ખેડૂતોએ વાવેતરના શ્રીગણેશ કરી દીધા છે. સમગ્ર પંથકમાં વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે અને ધરતીપુત્રોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે, જાણે કે ખેડૂતોના ઘરમાં લાપસીના આંધણ મુકાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.