યુપીના ગેંગસ્ટરે આંગડિયા લૂંટ માટે તૂટીફૂટી ગુજરાતી શીખી હતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: ભાવનગર રોડ પરની પ્રાઇમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં લૂંટ ચલાવતા પહેલા મુખ્ય સુત્રધાર યુપીના ગેંગસ્ટર આસુ ઉર્ફે આસે કાવતરામાં સામેલ રમઝાનઅલી ઉર્ફે રાજુ શેખ પાસેથી તુટીફુટી ગુજરાતી ભાષા શીખી હતી.
ઝડપાયેલો આરોપી રમઝાનઅલી સાડા ત્રણેક માસથી રાજકોટ રહેતો હતો. અગાઉ પણ રાજકોટ કામ કરતો હતો. જેને કારણે તેને ગુજરાતી ભાષા આવડતી હતી. સુત્રધાર આસુ ઉર્ફે આસે તેની પાસેથી ગુજરાતી ભાષા શીખી હતી. લૂંટ ચલાવવા ગયો ત્યારે તેણે આંગડિયા કર્મચારી અલ્કેશ દવેને ગુજરાતી ભાષામાં બે લાખનું આંગડિયું કરવું છે તેમ કહ્યું હતું.
આ વાત અલ્કેશે ફરિયાદમાં પણ જણાવી હતી. જેને કારણે શરૂઆતમાં પોલીસને ગુજરાતની જ કોઇ ગેંગની સંડોવણીની શંકા ગઇ હતી. આ રીતે સુત્રધાર આસુ ઉર્ફે આસે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં પોલીસ કોઇપણ રીતે પોતાનું નામ ન જાણી શકે તે માટેની તમામ તકેદારી તેણે રાખી હતી. તેણે જ્યાં મકાન ભાડે લીધું ત્યાં પોતાનું ઓળખકાર્ડ આપ્યું ન હતું, કોઇ જગ્યાએ ઓનલાઇન પેમેન્ટ કર્યું ન હતું, બાઇક ચોરી તેની નંબર પ્લેટ પણ બદલી નાંખી હતી, એન્જીન ચેસિસ નંબર પણ ભુંસી નાંખ્યા હતા.
પોતે યુપીનો હોવાથી પોલીસ ચહેરો નહીં ઓળખી શકે તેવી ખાતરી હોવાથી ચહેરો ખુલ્લો રાખ્યો હતો. જોકે ક્રાઇમ બ્રાંચની ટીમોએ તેના ચહેરાની ઓળખ માટે એઆઇ સહિતના ટુલનો ઉપયોગ પણ કરી જોયો હતો. આમ છતાં સફળતા મળી ન હતી. હાલ ઝડપાયેલા અને અગામી તા.૧૪ સુધીના રીમાન્ડ પર રહેલા રમઝાનઅલી અને પ્રવિણે એવી કબૂલાત આપી છે કે, ત્રણ-ચાર દિવસ સુધી સુત્રધાર આસુ અને તેની સાથે વોન્ટેડ અરૂણ સવારે ઘરેથી નીકળી જઇ રેકી કરી આવતા હતા.
ચારેય આરોપીઓ ગ્રીન લેન્ડ ચોકડી પાસેના બગીચામાં મીટિંગ કરતા હતા. પોલીસને તપાસમાં એવી હકીકતો પણ મળી છે કે જે દિવસ લૂંટ થઇ તે દિવસે ફરિયાદી અલ્કેશ પાસે ૧૯ લાખ રૂપિયા હતા. તેના આગલા દિવસે તેની પાસે ૮૯ લાખ રૂપિયા હતા. જો તે દિવસે લૂંટ થઇ હોત તો આંક મોટો થઇ જાત પણ સદ્નસીબે તેવું થયું ન હતું.
ક્રાઇમ બ્રાંચની જુદી-જુદી ટીમોએ સુત્રધાર આસુ અને અરૂણને ઝડપી લેવા પ્રયાસો જારી રાખ્યા છે. આ બંને સૌથી પહેલા મથુરા જેલમાં મળ્યા ત્યારે પરિચય થયો હતો.




