Rajkot

પોલીસમેનના ભત્રીજાની હત્યાના આરોપી પાસેથી બે હથિયાર કબજે

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં ગાંધીગ્રામ-2 પોલીસ હેડ કોન્સ્ટેબલના ભત્રીજા કૃષ્ણસિંહ જાડેજાની હત્યા કેસમાં, ક્રાઈમ બ્રાંચે નાનામવા ગામમાંથી રાજવીર વાળા (ઉ.વ. 20) પાસેથી 2 હથિયાર જપ્ત કર્યા છે. મુખ્ય આરોપી રણજીત વાળાએ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેને ડાબા પગે ગોળી વાગી હતી. ક્રાઈમ બ્રાંચે તેને સારવાર અર્થે સિવિલમાં ખસેડ્યો છે. રણજીતને પુત્રોને મારકૂટ કરાયાની જાણ થતા તેણે આ કૃત્ય કર્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

પોલીસમેનના ભત્રીજાની હત્યાના આરોપી પાસેથી બે હથિયાર કબજે

રાજકોટ: ગાંધીગ્રામ-ર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ જાડેજાના ભત્રીજા કૃષ્ણસિંહ જાડેજાની નાનામવા ગામમાં આવેલા તેના ઘર પાસે પરિવારજનોની હાજરીમાં ગોળી મારી હત્યા નિપજાવવાના કેસમાં પકડાયેલા રાજવીર વાળા (ઉ.વ.ર૦) પાસેથી ક્રાઈમ બ્રાંચે ગુનામાં વપરાયેલા હથિયાર સહિત કુલ બે હથિયાર કબજે કર્યા છે.
મુખ્ય આરોપી રણજીત વાળાએ ફાયરિંગ કર્યું ત્યારે તેનું હથિયાર ઝપાઝપીમાં પડી ગયું હતું. જેમાંથી અકસ્માતે એક ગોળી તેના ડાબા પગમાં ગોઠણના ભાગે વાગી જતાં ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત હાલતમાં જ સ્થળ પરથી ભાગી જઈ ડોકટર પાસે ખોટું બોલી સારવાર લીધી હતી. ક્રાઈમ બ્રાંચે વીધિવત ધરપકડ કર્યા બાદ સારવાર માટે તેને સિવિલમાં ખસેડયો છે. જયાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ જેલહવાલે કરાશે. જયાંથી ક્રાઈમ બ્રાંચ કબજો મેળવી રિમાન્ડની માગણી કરશે. આરોપી રણજીતની પૂછપરછ પછી જ તેની પાસે બે-બે હથિયારો કયાંથી આવ્યા તેનો ખુલાસો થશે તેમ ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું હતું.
આરોપી રણજીતને તેના પુત્રોને મારકૂટ કરાયાની જાણ થતાં રોષે ભરાયો હતો. જેને કારણે તે હથિયાર લઈ સીધો પુત્રો પાસે પહોંચ્યો હતો. ત્યાર પછી તેણે કૃષ્ણસિંહ ઉપર ફાયરિંગ કરી તેની હત્યા નિપજાવી હતી. ક્રાઈમ બ્રાંચ હવે બનાવ વખતે તેની પાસે ખરેખર એક હથિયાર હતું કે બે હથિયારો તે અંગે પણ તપાસ કરી રહી છે.
ધરપકડ કરાયેલો તેનો પુત્ર રાજવીર સોશિયલ મીડિયા પરની જાહેરાતોની ડિઝાઈનિંગનું કામ કરે છે. ક્રાઈમ બ્રાંચે આજે તેને કોર્ટમાં રજૂ કરી આગામી સોમવાર સુધીના રિમાન્ડ પર મેળવ્યો છે. આ કેસમાં ધરપકડ કરાયેલા સગીર આરોપીને બાળ અદાલતમાં મોકલી અપાયો છે.