બાબરા નજીક ચેકડેમમાં કાકા-ભત્રીજા સાથે બે ભાણેજ ડૂબ્યાઃ ચારે'યનાં મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બાબરા: ગણેશ વિસર્જનના પર્વ પહેલાં જ બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે બનેલી હૃદયદ્રાવક ઘટનામાં મોટા દેવળિયા અને ધરાઈ દેવળિયા વચ્ચે દશામાના મંદિર પાછળ આવેલા ચેકડેમમાં ન્હાવા પડેલા કાકા-ભત્રીજા અને બે ભાણેજ સહિત ચાર યુવકોના ડૂબી જવાથી મોત નીપજતાં પરિવારોમાં કરુણ કલ્પાંત મચી ગયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ આજે બપોરે આશરે બે વાગ્યાના અરસામાં ચાર યુવકો ચેકડેમ પાસે પહોંચ્યા હતા. ચારેય પાણીમાં ન્હાવા પડયા હતા. દરમિયાન એક યુવક ઊંડા પાણીમાં ડૂબવા લાગતાં તેને બચાવવા માટે અન્ય યુવકો પણ પાણીમાં ઉતર્યા હતા. પરંતુ પાણીની ઊંડાઈનો અંદાજ ન રહેતાં એક પછી એક ચારેય યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાનું જાણવા મળે છે. દરમિયાન ગણેશ વિસર્જન માટે ચેકડેમ તરફ જઈ રહેલા કેટલાક લોકોને કાંઠે યુવકોનાં કપડાં પડેલાં જોવા મળ્યાં હતાં. કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોવાની શંકા જતા તેમણે ગ્રામજનોને જાણ કરી હતી.
બાદમાં પોલીસને જાણ થતાં સ્થાનિક ગ્રામજનો અને પોલીસની મદદથી ચેકડેમમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન ચારેય યુવકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, ચારેયનાં મોત થઈ ચૂક્યાં હોવાનું સામે આવતાં ઘટનાસ્થળે કરુણ દ્રશ્યો સર્જાયાં હતાં. મૃતકોમાં કનુભાઈ દેવજીભાઈ શિંગાળા અને તેમના ભત્રીજા સચિનભાઈ કાળુભાઈ શિંગાળા, (બંને રહે. મોટા દેવળિયા), ઉપરાંત કનુભાઈના ભાણેજો ભલા પ્રવીણભાઈ જેઠવા અને કેવિન પ્રવીણભાઈ જેઠવા (રહે. નવાગઢ, જેતપુર)નો સમાવેશ થાય છે. પોલીસે મૃતદેહોને બહાર કઢાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર બનાવ અંગે વધુ તપાસ બાદ ઘટનાક્રમની ચોક્કસ વિગતો સામે આવશે.
- માતાજીનો પ્રસંગ હોવાથી બંને ભાણેજ મામાનાં ગામે આવ્યા'તા
મોટા દેવળિયા ખાતે આગામી દિવસોમાં માતાજીના પ્રસંગનું આયોજન હોવાથી જેતપુરથી આવેલા બંને ભાણેજ અહીં મામાનાં ગામે આવ્યા હોવાનું જાણવા મળે છે. એક જ ઘટનામાં ચાર યુવકોનાં મોતથી વાલ્મિકી સમાજ સહિત સમગ્ર મોટા દેવળિયા અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.




