દાગીના બનાવવાના નામે બે બંગાળી કારીગર સાથે 30.90 લાખની ઠગાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : રામનાથપરામાં હાથીખાના શેરી નં.૧૭માં રહેતા અને સોની બજારમાં દેવ કોમ્પલેક્ષમાં એમ.જી. શેખ એન્ડ સન્સ નામે સોનાના દાગીના બનાવવાનું કામ કરતા અલ્ફાઝુદીન મોહરમ અલી શેખ (ઉ.વ.૩૫) અને તેના મિત્ર સુરજઅલી શેખ સાથે સોની બજારમાં પેઢી ધરાવતા આરોપી મિલન નરેન્દ્ર પાટડીયા (રહે. આરકે નગર, દ્વારકા), કિરીટ સોની (રહે. જામનગર) અને ચિંતન પ્રમોદ પાટડીયાએ સોનાના દાગીના બનાવવાનો ઓર્ડર આપી હિસાબ પેટે બાકી નિકળતું સોનું નહી આપી રૂા.૩૦.૯૦ લાખની છેતરપિંડી કર્યાની એ.ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદમાં અલ્ફાઝુદીને જણાવ્યું કે, ડિસેમ્બર ૨૦૨૫માં તેના કારીગર મારફતે સોની બજારમાં જૂની ગધીવાડ શેરીમાં રીયા ગોલ્ડ નામની પેઢી ધરાવતા આરોપી કિરીટ સોની અને ચિંતનનો સંપર્ક થયો હતો. તેણે સોનાના દાગીના બનાવવાની વાત કરી શરૂઆતમાં ૧૮ કેરેટ સોનાની ચાર વીંટીનો ઓર્ડર આપ્યો હતો અને તેની સામે તેણે તેને ૭.૫૦ ગ્રામ ફાઇન સોનું પરત આપ્યું હતું. આ વ્યવહારથી વિશ્વાસ કેળવ્યા બાદ મોટા ઓર્ડર આપવામાં આવ્યા હતા.
ગઇ તા.૨ જાન્યુઆરીના રોજ તેણે આરોપી કિરીટને ૨૨૭.૮૯૦ ગ્રામના સોનાના બ્રેસલેટ બનાવી આપ્યા હતા. હિબાસ મુજબ તેને ૧૭૮.૭૮૦ ગ્રામ ૨૪ કેરેટ ફાઇન સોનું આપવાનું હતું. તેની સામે આરોપી કિરીટે તેને ૧૦૦ ગ્રામ ફાઇન સોનું પરત આપ્યું હતું. અને બાકીનું રૂા.૧૨.૪૪ લાખની કિંમતનું ૭૮.૭૮૦ ગ્રામ સોનું લેવાનું બાકી હતું. બીજા દિવસે તે તેની દુકાને બાકી નિકળતું સોનું લેવા જતાં દુકાન બંધ હતી. ફોન કરતા તેણે કહ્યું કે, મારો સોનાનો માલ અમદાવાદ રેલવે પોલીસમાં પકડાઇ ગયો છે જેથી હું અમદાવાદ છું. થોડા દિવસ પછી રાજકોટ આવીશ. રાહ જોયા બાદ પણ દુકાન બંધ હતી. ફોન કરતા આરોપી કિરીટે બહાના કરી ફોન બંધ કરી દીધો હતો.
બાદમાં તેણે તપાસ કરતા તેના મિત્ર સુરજઅલી પાસેથી પણ સોનાના દાગીના બનાવડાવવામાં આવ્યા હતા. અલગ-અલગ ઓર્ડરના હિસાબ પેટે આરોપીઓ પાસેથી રૂા.૧૮.૪૬ લાખની કિંમતનું સોનું લેવાનું બાકી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આરોપીઓએ બંનેને રૂા.૩૦.૯૦ લાખની કિંમતનું સોનું પરત નહીં કરી છેતરપિંડી કર્યાનું માલૂમ પડતા ફરિયાદ નોંધાવી હતી.




