'બીજા કોઈની દીકરી સાથે આવું ન થાય': રાજકોટમાં ઊંચી ડ્રેનેજથી પરિણીતાનું મોત થતા રઘુવંશી સમાજની રેલી, કડક કાર્યવાહીની માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot Ghanteshwar Drainage Accident Rally: રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં રોડ પર જોખમી રીતે ઊંચી છોડી દેવાયેલી ડ્રેનેજની કુંડી એક પરિવાર માટે કાળ બની ગઈ છે. ગત 6 સપ્ટેમ્બરના રોજ સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મિતાલીબેન કેસરિયાનું અઢી માસની સારવાર બાદ હેમરેજને કારણે નિધન થતાં રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ સાથે આજે ત્રિકોણબાગથી મહાનગરપાલિકા કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી.
પ્રથમ જન્મદિવસ પૂર્વે માતા ગુમાવનાર બાળકના હસ્તે આવેદન
રેલીમાં સૌની આંખો ત્યારે ભીની થઈ ગઈ જ્યારે મૃતક પરિણીતાના માતા અંજનાબેન ચોધાર આંસુએ રડી પડ્યા અને ન્યાયની માંગણી કરી. બીજી તરફ, પોતાના પ્રથમ જન્મદિવસ પૂર્વે જ માતાની મમતા ગુમાવનારા માસૂમ બાળકના હસ્તે મહાનગરપાલિકાના નાયબ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

“સિવિલમાં અઢી મહિના દીકરી દાખલ હતી, પણ એક પણ અધિકારી ન આવ્યો”
મૃતકના માતા અંજનાબેને રડતાં રડતાં જણાવ્યું હતું કે, "સાતમ-આઠમની રાત્રે બાળક સૂઈ ગયું એટલે મારી દીકરી અને જમાઈ જમવા જતા હતા, ત્યારે કોઈ બેનર કે ડાયવર્ઝન બોર્ડ વગરની કાળમુખી કુંડી વચ્ચે આવી ગઈ. ગઈકાલે મારા પૌત્રનો પહેલો બર્થડે હતો ત્યારે તે પોતાની માને યાદ કરતો હતો. મનપા પૂરો ટેક્સ વસૂલે છે, પણ સુવિધા આપતી નથી. અઢી મહિના દીકરી સિવિલમાં દાખલ હતી છતાં મનપાનો એક પણ અધિકારી આવ્યો ન હતો. મારા પૌત્ર માટે ન્યાય અને ભવિષ્યની સુરક્ષા જોઈએ."
રઘુવંશી યુવા શક્તિ સંઘના આગેવાન કે.ડી. રઘુવંશીએ આક્ષેપ કર્યો હતો કે, ઘંટેશ્વર પાર્ક પાસે ઊભી કરાયેલી 'મોતની કુંડી'માં મનપા તંત્રની ચોખ્ખી બેદરકારી છે. વોર્ડ નંબર 1ના અધિકારી અને કોન્ટ્રાક્ટ એજન્સીના નામ જાહેર કરી કડક કાર્યવાહી થવી જોઈએ.
નાયબ કમિશનરનું નિવેદન અને બે એજન્સીને શોકોઝ નોટિસ
આ અંગે નાયબ કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું હતું કે, SRP કેમ્પથી રિંગ રોડ-2ને જોડતા રસ્તા પર બનેલી આ ઘટનામાં કોન્ટ્રાક્ટર, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી અને સાઈટ સુપરવિઝન કરતા મનપાના સ્ટાફની જવાબદારી બને છે. ઢાંકણું ડામરની નીચે હોવાનું જણાવી તેમણે કોન્ટ્રાક્ટર એજન્સીને નોટિસ અપાયાની અને કસૂરવારો સામે કાર્યવાહીની ખાતરી આપી હતી.
બીજી તરફ, મનપાના વેસ્ટ ઝોન સિટી ઈજનેર દ્વારા પવન કન્સ્ટ્રક્શન અને એસ.આર.ડી. એજન્સીને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. પ્રાથમિક તારણ મુજબ, ડી.પી. રોડના સંપૂર્ણ કેરેજ વેને બદલે ઘટાડેલા કેરેજ વે સાથે રસ્તો બનાવી હયાત ડામર રોડ સાથે જોડાયો હતો અને સ્થળ પર સલામતીના નિયમોનું પૂરતું પાલન થયું ન હતું. બંને એજન્સીઓ પાસેથી દસ્તાવેજી પુરાવા સાથે લેખિત ખુલાસો મંગાવવામાં આવ્યો છે.




