Rajkot

સૌરાષ્ટ્રભરમાં વકીલોની હડતાલ, ટૂંક સમયમાં રાજ્યપાલને મળશે

By GS Team
30 Jul 20261 min read
TukuTouch Logo
રાજકોટમાં હાઈકોર્ટ બેંચની માંગ સાથે સૌરાષ્ટ્રભરના વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી વિરોધ નોંધાવ્યો. રાજકોટના કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું કે, ગુજરાત હાઈકોર્ટના 40% કેસ સૌરાષ્ટ્ર-કચ્છના હોય છે. રાજકોટ બેંચથી લોકોને ઘરઆંગણે ઝડપી અને સસ્તો ન્યાય મળશે તેમજ હાઈકોર્ટનું ભારણ ઘટશે. આ મુદ્દે વકીલો હવે રાજ્યપાલ અને ચીફ જસ્ટિસને રજૂઆત કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૌરાષ્ટ્રભરમાં વકીલોની હડતાલ, ટૂંક સમયમાં રાજ્યપાલને મળશે

રાજકોટ: રાજકોટને હાઇકોર્ટની બેંચ આપવાના મુદ્દે આજે સૌરાષ્ટ્રભરના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા. રાજકોટના વકીલો હવે આ મુદ્દે આગામી દિવસોમાં રાજ્યપાલ અને હાઇકોર્ટના ચિફ જસ્ટીસને રજૂઆત કરશે.
આજે સવારે રાજકોટના વકીલોએ કલેક્ટરને આવેદનપત્ર આપી એવી રજૂઆત કરી હતી કે, ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી તકરારોમાંથી ૪૦ ટકા સૌરાષ્ટ્ર-કચ્છમાંથી આવે છે. આ તમામ મેટર જો રાજકોટની હાઇકોર્ટ બેંચને મળે તો ગુજરાત હાઇકોર્ટનું ભારણ ઘટશે. એટલું જ નહીં લોકોને ઘરઆંગણે ઝડપી અને સસ્તો ન્યાય મળી શકશે.
હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છના છેવાડાના લોકોને હાઇકોર્ટમાં જવા-આવવામાં ઓછામાં ઓછી છથી બાર કલાકની મુસાફરી અને ટ્રાફિકનો સામનો કરવો પડે છે. જો મુદ્દત પડે તો વધુ નાણાં અને સમયનો વ્યય કરવો પડે છે. રાજકોટ સૌરાષ્ટ્ર-કચ્છનું સેન્ટર પોઇન્ટ છે. ભૂતકાળમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર બેંચ કાર્યરત હતી.
ગુજરાત સિવાયના અન્ય ઘણાં રાજ્યોમાં બેથી ચાર હાઇકોર્ટની બેંચ છે. સૌરાષ્ટ્ર-કચ્છની હાઇકોર્ટ બેંચ રાજકોટને આપવા માટે વર્ષો જૂની માગણી છે. આ માટેની દરખાસ્ત હાઇકોર્ટ અને સરકારને મોકલી દેવામાં આવી છે. ગુજરાતમાં કેશુભાઇ પટેલની સરકાર હતી ત્યારથી લઇ આજ સુધી તમામ મુખ્યમંત્રીઓએ એટલે કે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં રાજકોટને હાઇકોર્ટ બેંચ માટેનું વચન આપ્યું છે.
રાજકોટમાં હાઇકોર્ટ બેંચ માટે વિશાળ જગ્યા ઉપસ્થિત છે. હાઇકોર્ટના જજીસના રહેણાંક માટે પણ વિશાળ જગ્યા છે. આ સ્થિતિમાં રાજકોટને હાઇકોર્ટ બેંચ આપવા માગણી કરી હતી.