વૃદ્ધા પર દુષ્કર્મમાં નિષ્ફળતા મળી હતી, રોષે ભરાઇ પતાવી દીધા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : કુવાડવા રોડ પરના સાત હનુમાન મંદિરની બહાર બેસી ભિક્ષાવૃતિ કરતા લીલાબેન સોલંકી નામના ૭૬ વર્ષના વૃદ્ધાને રીક્ષામાં લઇ જઇ ધોકાના ઘા ઝીંકી અર્ધબેભાન કરી દીધા બાદ રિક્ષામાં દુષ્કર્મ ગુજારી તેમની ઘાતકી રીતે હત્યા કરી લાશ આજી ડેમમાં ફેંકી દેવાના જઘન્ય કૃત્યમાં સંડોવાયેલા સાઇકો કિલર રિક્ષા ચાલક રમેશ વૈધુકિયા (ઉ.વ.૩૩)ની ધરપકડ બાદ પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી તેની ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરવાના ગુનામાં તેને રાજકોટની સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફરમાવી હતી. જોકે હાઇકોર્ટે છોડી મુકવાનો હુકમ કર્યો હતો. છ મહિના પહેલા જેલમાંથી બહાર આવ્યાના અઢી મહિના પછી હવસ સંતોષવા ભાવનગર રોડ પરના રેડલાઇટ એરીયામાં રૂપલલના સાથે શરીર સુખ માણ્યું હતું. એકાદ માસ બાદ ફરીથી ભાવનગર રોડ પરના જ રેડલાઇટ એરીયામાં શરીર સુખ માણ્યું હતું.
ગઇ તા.૧૯ના રોજ અચાનક વાસનાનો કીડો સળવળતા શિકારની શોધમાં હતો. તેવામાં સાત હનુમાન મંદિરની બહાર લીલાબેનને બેસેલા જોઇ તેમને શિકાર બનાવવાનું નક્કી કર્યું હતું. લીલાબેનની નજીકમાં રિક્ષા લઇ જઇ ચાલો માજી બેસી જાવ તેમ કહેતા લીલાબેને ભાડું પુછતાં રૂા.૪૦ કહ્યું હતું. પરંતુ લીલાબેને રૂા.૨૦ આપવાની તૈયારી બતાવતા રિક્ષામાં બેસાડી રસ્તામાં તેમને ધોકાના ઘા ઝીંકી અર્ધબેભાન બનાવી દીધા હતા.
આ જ હાલતમાં તેમને લઇ આજી ડેમ નજીક પહોંચ્યો હતો. જ્યાં રિક્ષામાં જ તેમની ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરવા જતાં નિષ્ફળતા મળી હતી. આ સ્થિતિમાં રોષે ભરાઇ ધોકાના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ નજીકમાં પડેલો કોથળો લાશ ઉપર ઢાંકી લાશ આજી ડેમના કાંઠે ફેંકી દીધી હતી. આ પછી કંઇ ન બન્યું હોય તેમ કોઠારીયા મેઇન રોડ પરના પરબે જઇ સુઇ ગયો હતો. બીજા દિવસે ફરીથી રિક્ષાના ભાડા શરૂ કરી દીધા હતા.
આજી ડેમ પોલીસની હદમાં બનેલી આ ધૃણાસ્પદ ઘટનાની તપાસ ભક્તિનગર પોલીસને સોંપાતા પીઆઇ જે.ડી.પરમાર અને રાઇટર નિલેશ મકવાણાએ હવે સજ્જડ પૂરાવા એકત્રિત કરવા તપાસનો દોર આગળ ધપાવ્યો છે. આવતીકાલે પોલીસ રિમાન્ડની માગણી કરશે.
- ત્રણેય ગંભીર ગુનામાં વકીલ રોકવા માટે પણ પૈસા ન હતા
રાજકોટ : સાઇકો કિલર રમેશ આ પહેલા ત્રણ-ત્રણ મર્ડર કેસમાં પકડાયો હતો. તેની પાસે વકીલ રોકવા માટે પણ પૈસા ન હોવાથી ત્રણેય કેસમાં તેને સરકાર તરફથી વકીલો મળ્યા હતા. ત્રણેય કેસમાં તેનો છુટકારો પણ થઇ ગયો હતો. હવે તેના વિરુદ્ધ ચોથો રેપ વિથ મર્ડરનો ગુનો નોંધાયો છે. આ વખતે પુરાવાના અભાવે છુટી ન જાય તે માટે પોલીસે તપાસમાં કોઇ કચાશ ન રહે તેનું ધ્યાન રાખવાનું નક્કી કર્યું છે. પોલીસ આ કેસમાં સાયકોલોજીસ્ટ કે સાયકિયાટ્રિસ્ટની મદદ લે તેવી પણ સંભાવના નકારાતી નથી. કેવા સંજોગોમાં ગુના આચરતો હતો તે વિશે પોલીસ જાણવા માંગે છે. જેથી ભવિષ્યમાં આવા બીજા સાઇકો કિલર ઊભા ન થઇ શકે. - આરોપીના લગ્ન જ થતાં ન હતા, હવે ભૂલ થઇ ગયાનું રટણ શરૂ
રાજકોટ : સાઇકો કિલર રમેશને બે બહેન અને એક મોટો ભાઇ છે. ત્રણેયના લગ્ન થઇ ગયા છે. રમેશના લગ્ન થયા નથી. તે ઘણાં સમયથી રખડતું-ભટકતું જીવન વ્યતિત કરે છે. પોતાના ઘરે પણ જતો નહીં. દરરોજ કોઠારીયા ચોકડી પાસે આવેલા પરબે જઇ સૂઇ રહેતો હતો. પોલીસ સમક્ષ તેણે મગરના આંસૂ સારી ભૂલ થઇ ગયાનું રટણ કર્યું છે.




