કુવાડવા રોડ પર ટ્રકે હડફેટે લેતાં હોમિયોપથીના વિદ્યાર્થીનું મૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: કુવાડવા રોડ પરના ત્રિ-મંદિરની સામે ઓવરબ્રિજ ઉપર આજે સવારે ટ્રકે હડફેટે લેતા બાઇક પર સવાર હોમિયોપેથીના છાત્ર નિખિલ દશરથભાઇ બ્રાહ્મણ (ઉ.વ.૨૦)નું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ભાગી ગયો હતો. કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તેની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે.
મૂળ કચ્છ પંથકના છાત્રનો ભાઇ પણ તબીબી છાત્ર, ભાગી ગયેલા ટ્રક ચાલકની શોધખોળ
ભોગ બનનાર નિખિલ મૂળ કચ્છના લખપત તાલુકાના કપુરાસી ગામનો વતની હતો. ચિનોય રોડ પર મેડિકલ બોયઝ હોસ્ટેલની સામે રહી ગુંદા ગામ પાસે આવેલી આર્યવીર હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેની માતા કલાવતીબેન સાથે રહેતો હતો. પિતા ગાંધીનગર એસઆરપી ગુ્રપ-૧૨માં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે.
આજે સવારે બાઇક લઇ કોલેજ જતો હતો ત્યારે ટ્રકે હડફેટે લેતાં ગંભીર ઇજા સાથે રોડ પર પટકાઇ ગયો હતો. સ્થળ પર ટોળાં ભેગા થઇ ગયા હતા. જેમાંથી કોઇએ ૧૦૮ને કોલ કરતા તેમા સિવિલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. તેનો ભાઇ પાર્થ (ઉ.વ.૨૩) રાજકોટની જ પીડીયુ મેડિકલ કોલેજમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
જાણ થતાં તે હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે તેની ફરિયાદના આધારે ભાગી ગયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો. કુવાડવા રોડ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે અકસ્માત સર્જનાર ટ્રકના નંબર મેળવવા તજવીજ શરૂ કરી છે.




