Rajkot

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ પેથોલોજી ટેન્ડરને તપાસમાં 'ક્લિનચીટ'!

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં પેથોલોજી ટેન્ડરમાં ગોલમાલનો આરોપ છે. RTI કાર્યકરોએ ફરિયાદ કરી કે દોઢ વર્ષથી ઊંચા ભાવવાળી બિડ સ્વીકારી ગરીબ દર્દીઓ પાસેથી વધુ પૈસા લેવાય છે. 200 રૂપિયાનો ABG ટેસ્ટ તફાવત વાર્ષિક 20 લાખનો બોજ પાડે છે. ગાંધીનગરથી 4 મહિના પહેલા તપાસ શરૂ થઈ, પણ રિપોર્ટ ન આવતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ પેથોલોજી ટેન્ડરને તપાસમાં 'ક્લિનચીટ'!

રાજકોટ : રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં દવા-સાધનોની ખરીદીનાં વિવાદિત બિલો ખુદ આરોગ્ય કમિશનરે અટકાવીને તપાસનો આદેશ આપવામાં આવ્યાને ૧૦ મહિના વીતિ ગયા છે, અને ઢાંકપીછોડી કરવામાં સફળતા મળી ગઈ છે, એવી જ રીતે પેથોલોજી ટેન્ડરમાં ગોલમાલ આચરીને દોઢ વર્ષથી લેબોરેટરી ટેસ્ટના નામે ગરીબ દર્દીઓના ખિસ્સા પર કાતર ફેરવવામાં આવી રહી હોવાની આરટીઆઈ કાર્યકરોએ આધાર-પુરાવા સાથે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સહિત લાગતી વળવતી છ સરકારી કચેરીઓને ફરિયાદ કરી હતી અને ગાંધીનગરથી તપાસ ચાલુ કરવામાં આવી હતી પણ ચાર મહિના બાદ પણ તપાસ રિપોર્ટ નહીં આવતા અનેક તર્ક-વિતર્કો ઉઠયા છે.
આ ફરિયાદનો સૌથી ચોંકાવનારો મુદ્દો એ છે કે ટેન્ડરમાં ઊંચા ભાવવાળી બિડ સ્વીકારવામાં આવતા ઓપીડી દર્દીઓએ જુદા-જુદા લેબોરેટરી ટેસ્ટ માટે વધુ નાણાં ચૂકવવા પડે છે. આરટીઆઈ દ્વારા મેળવેલી માહિતી મુજબ, શંકાસ્પદ રીતે ટેન્ડર મેળવનાર ખાનગી પેથોલોજી લેબોરેટરી દ્વારા જે દરો નક્કી કરવામાં આવ્યા છે, તે અન્ય સ્પર્ધકો કરતા નોંધપાત્ર રીતે વધારે છે. ઉદાહરણ તરીકે, એબીજી ટેસ્ટમાં પ્રતિ ટેસ્ટ રૂા.૨૦૦નો સીધો તફાવત જોવા મળે છે, જેના કારણે માત્ર એક ટેસ્ટ પર વાર્ષિક રૂા. ૨૦ લાખનો વધારાનો નાણાકીય બોજ સરકારી તિજોરી કે ગરીબ દર્દીઓ પર પડે છે.
આરટીઆઈ કાર્યકર્તા સંજય લાખાણી અને કૃષ્ણદત્ત રાવલે આક્રોશ ઠાલવ્યો છે કે અહીં ભાગ્યે જ થતા ટેસ્ટોમાં નીચા દર અને વધુ થતા ટેસ્ટોમાં ઊંચા દર રાખવામાં આવ્યા છે, જેથી ટેન્ડર સસ્તું લાગે પરંતુ વાસ્તવમાં આર્થિક ભારણ વધારે રહે છે. ટેન્ડરમાં ભાગ લેનારી એક લેબ બીજીની સબસિડિયરી હોવાની અને એક જ બ્રાન્ડ હેઠળ કામ કરતી હોવાની શંકા છે. જો આ સાબિત થાય તો તે બીડ-રિગિંગ એટલે કે સ્પર્ધાની છેતરપિંડીનો ગંભીર ગુનો બને છે. વળી, મૂળ કરારની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં કોઈ પણ સત્તાવાર મંજૂરી વિના તેની પાસેથી સેવાઓ ચાલુ રખાઈ રહી છે, જે નિયમોનું ઉલ્લંઘન છે.
વધુમાં જણાવ્યું કે, ચાર મહિના પહેલા આરોગ્ય વિભાગે નિષ્પક્ષ કાર્યવાહીની બાંયધરી સાથે તપાસ શરૂ કરાવી હતી, પણ હવે આરોગ્ય મંત્રી, આરોગ્ય કમિશનર, નાયબ નિયામક, અગ્ર સચિવ, કલેક્ટર અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ એમ તમામ છ સરકારી કચેરી તરફથી યોગ્ય જવાબ મળતો નથી. અહીં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને ડિન કહે છે કે, તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયા બરાબર હોવાથી કોઈ પગલાં લેવાનાં થતાં નથી. જેથી ફરિયાદીની જાણ બહાર ક્લિનચીટ આપવી ગેરકાનૂની છે, હવે વિજિલન્સ કમિશન, લોકાયુક્ત, એસીબી અને જરૂર પડયે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દ્વારા કરવામાં આવશે.