તપાસનીશ ત્રણ પોલીસ અધિકારીઓને સેસન્સ કોર્ટની કારણદર્શક નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર: જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી થયેલા રૂ. ૧.૩૬ કરોડના ચેક કૌભાંડમાં સેશન્સ કોર્ટે કેસની સુનાવણી દરમિયાન ત્રણ ઇન્વેસ્ટિગેટિંગ પોલીસ અધિકારીઓ ને 'શો કોઝ' નોટિસ ફટકારી ત્રણેય પોલીસ અધિકારીઓનો ઉધડો લેતા વેધક સવાલ કર્યો હતો કે, જ્યારે આ કેસમાં કોલેજના ડીન સીધી રીતે એક્સ્ક્યુઝ (આરોપી/જવાબદાર) હોવા છતાં શા માટે તેમને આરોપી બનાવવાને બદલે તેમનો સતત બચાવ કરવામાં આવી રહ્યો છે? ૨૭મી તારીખ સુધીમાં ત્રણેય અધિકારીઓને આ અંગેનો સ્પષ્ટ ખુલાસો કરવા આદેશ આપ્યો છે, જેનાથી સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ સમગ્ર મામલાની પૂર્વ વિગતો તપાસીએ તો, રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી કુલ ૧૫ ચેકો દ્વારા રૂ. ૧,૩૬,૧૯,૩૫૦ જેટલી માતબર રકમ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જોકે, એફએસએલ ના રિપોર્ટમાં એ મોટો ઘટસ્ફોટ થયો છે કે માત્ર બે જ ચેકમાં સહી જોવાની ગડબડ છે, જ્યારે બાકીના ૧૩ ચેક પર તો કોલેજના ડીનની પોતાની જ અસલ સહીઓ રહેલી છે. બચાવ પક્ષના વકીલ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર શોભિત ગર્ગ માત્ર એક કરાર આધારિત કર્મચારી છે અને તેને કોઈ પણ પ્રકારની નાણાકીય સત્તા કે ચેક પર સહી કરવાનો અધિકાર જ નથી. વધુમાં, બેંકના નિયમો મુજબ પાંચ લાખથી વધુની રકમના વ્યવહાર માટે 'પોઝિટિવ પે સિસ્ટમ' અને આર.ટી.જી.એસ. ફોર્મ ભરવા ફરજિયાત હોય છે, જેમાં પણ સત્તાવાર અધિકારી એટલે કે ડીનની જ સહીઓ આવશ્યક બને છે. આમ છતાં, ડીનની સીધી સંડોવણી છુપાવીને માત્ર વહીવટી કામગીરી કરતા એક નાના કર્મચારીને બલિનો બકરો બનાવવાનું કાવતરું રચવામાં આવ્યું હોવાનું સ્પષ્ટપણે ફલિત થાય છે.
શોભિત ગર્ગે ધરપકડ થાય તે પહેલા પોલીસ અધિક્ષકને લેખિત અરજી આપી હતી
આ કૌભાંડમાં ખોટી રીતે ફસાવી દેવા અંગે આરોપી શોભિત ગર્ગે પોતાની ધરપકડ થાય તે પહેલા જ જિલ્લા પોલીસ અધિક્ષક ને એક લેખિત અરજી આપી હતી. આ પત્રમાં તેણે ચોખવટ કરી હતી કે તેણે ડીનની સૂચના અને આદેશ મુજબ જ બેંકના કામકાજો કર્યા હતા .ડીનની સહીવાળા ચેકો જમા કરાવ્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, ડીન દ્વારા શોભિતને રૂબરૂ બોલાવીને આ સમગ્ર ગુનાનો દોષ પોતાના માથે લઈ લેવા માટે ભારે દબાણ કરવામાં આવ્યું હતું અને જો તે કબૂલાત નહીં કરે તો તેને પોલીસના હવાલે કરી દેવાની અને તેના ભવિષ્યને નુકસાન પહોંચાડવાની સીધી ધમકીઓ પણ આપવામાં આવી હતી. આમ, ધરપકડ પૂર્વે અપાયેલી આ રક્ષણ અંગેની અરજી અને બેંકના નક્કર દસ્તાવેજી પુરાવાઓ તપાસ એજન્સી પાસે હોવા છતાં, પોલીસે ડીન સામે પગલાં લેવાને બદલે તેમને ક્લીનચીટ આપવાનો પ્રયાસ કરતા હવે સેશન્સ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે.




