Rajkot

છ દિવસમાં મારવાડી યુનિવર્સિટીના બીજા છાત્રની છઠ્ઠા માળેથી ઝંપલાવી આત્મહત્યા

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગના 20 વર્ષીય વિદ્યાર્થી હેમંથ સિતારામપ્રસાદ ગંધમે છઠ્ઠા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી. 6 દિવસમાં આ બીજી ઘટના બનતા ABVP કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસે બળપ્રયોગ કરી 6 કાર્યકરોની અટકાયત કરી. આત્મહત્યાનું કારણ અકબંધ છે. મેનેજમેન્ટના ઉદ્ધતાઈભર્યા વર્તનનો આક્ષેપ પણ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છ દિવસમાં મારવાડી યુનિવર્સિટીના બીજા છાત્રની છઠ્ઠા માળેથી ઝંપલાવી આત્મહત્યા

રાજકોટ : મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં કમ્પ્યુટર એન્જિનિયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં મૂળ આંધ્રપ્રદેશના વિજયવાડા જિલ્લાના વતની હેમંથ સિતારામપ્રસાદ ગંધમ (ઉ.વ.૨૦)એ આજે છઠ્ઠા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં છાત્રોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હજુ ગયા શનિવારે જ મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી મૂળ આંધ્રપ્રદેશની છાત્રાએ દસમા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. છેલ્લા છ દિવસમાં આત્મહત્યાની આ બીજી ઘટના બનતા તેના વિરોધમાં એબીવીપીના કાર્યકરોએ ઉગ્ર પ્રદર્શન કરતા પોલીસે બળપ્રયોગ કરવો પડયો હતો. જેના અંતે છ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ હેમંથ મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતો હતો. નિત્યક્રમ મુજબ આજે સવારે સાડા સાત વાગ્યે સહાધ્યાયીઓ સાથે ત્રીજા માળે આવેલા ક્લાસ રૂમમાં પહોંચ્યો હતો. અડધી કલાક બાદ એટલે કે આઠેક વાગ્યે વોશરૂમના બહાને ક્લાસ રૂમની બહાર નીકળી સીધો લિફ્ટમાં છઠ્ઠા માળે પહોંચ્યો હતો. જ્યાંથી નીચે ઝંપલાવી દીધું હતું.
જાણ થતાં યુનિવર્સિટીના કર્મચારીઓ અને છાત્રો દોડી ગયા હતા. કુવાડવા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડયો હતો. કુવાડવા પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, આપઘાત પાછળનું કોઇ ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. મૃતક છાત્રના પરિવારજનોને જાણ કરાતા રાજકોટ આવવા રવાના થઇ ગયા હતા.
મારવાડી યુનિવર્સિટીના બે-બે છાત્રોએ છેલ્લા છ દિવસમાં આત્મહત્યા કરી લેતાં એબીવીપીના કાર્યકરો આવેદનપત્ર આપવા ત્યાં પહોંચ્યા હતા. પરંતુ પોલીસે તેમને અટકાવ્યા બાદ ઝપાઝપી થઇ હતી. ગમે તે કારણસર પોલીસે ઉગ્રતા ધારણ કરી રજૂઆત કરવા આવેલા કાર્યકરોના કાંઠલા પકડી, ટીંગાટોળી કરી અને ટપલીદાવ રમી અટકાયતમાં લીધા હતા. જેને કારણે ઘર્ષણ અને ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. છ કાર્યકરોની પોલીસે સ્થળ પરથી અટકાયત કરી હતી.

  • મેનેજમેન્ટના માણસે છાત્ર સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યાનો આક્ષેપ
    રાજકોટ: મારવાડી યુનિવર્સિટીના બે છાત્રોએ છ દિવસમાં આત્મહત્યા કરી લેતા વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ દર્શાવ્યો છે. સોશિયલ મીડિયામાં આત્મહત્યા કરનાર છાત્ર હેમંથ સાથે મેનેજમેન્ટના એક માણસે ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યાના આક્ષેપો પણ વહેતા થયા હતા. જોકે પોલીસ પાસે આવી કોઇ માહિતી પહોંચી નથી.