એઈમ્સમાં ચાંદીપુરા વાયરસની 'કુંડળી' શોધવા સંશોધનઃ 561 સેમ્પલનું પરીક્ષણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના વધી રહેલા કેસો અને સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગમાં દોડધામ થઈ ગઈ છે ત્યારે રાજકોટ સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ હોસ્પિટલ) ખાતે ચાંદીપુરા વાયરસના નિદાન માટે એક અત્યંત અદ્યતન અને હાઈ-ટેક લેબોરેટરી કાર્યરત કરવામાં આવી છે. અહીં અત્યાધુનિક સાધનોની મદદથી શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને સાથે જ 'ચાંદીપુરા' વાયરસની 'કુંડળી' શોધવા માટે વિશેષ સંશોધન પણ શરૂ કરવામાં આવ્યું છે.
રાજકોટ એઈમ્સ ખાતે વાયરસના સમયસર અને ચોક્કસ નિદાન માટે અત્યાધુનિક આરટી પીસીઆર (રીઅલ ટાઈમ પોલીમર્સ ચેઈન રીએક્શન) આધારિત લેબોરેટરી ફેસિલિટી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ લેબમાં સેમ્પલનું પરીક્ષણ કરવા માટે પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજી (એનઆઈવી) દ્વારા ખાસ ટેસ્ટિંગ કિટ્સ પૂરી પાડવામાં આવી છે. આ અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ ખૂબ જ ઓછા સમયમાં મેળવી શકાતા હોવાથી ડોક્ટરોને દર્દીની સારવાર શરૂ કરવામાં ઘણી સરળતા રહે છે.
એઈમ્સ ખાતે અત્યાર સુધીમાં કુલ ૫૬૧ સેમ્પલના સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. સૌથી રાહતની અને આનંદની વાત એ છે કે આ તમામ ૫૬૧ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આમ છતાં, કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે એઈમ્સ અને રાજકોટ સિવિલ હોસ્પિટલનું તબીબી તંત્ર તૈયાર છે.
બીજી તરફ માત્ર દર્દીઓની તપાસ પૂરતું મર્યાદિત ન રહેતા રાજકોટ એઈમ્સ ખાતે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ (આઈસીએમઆર) દ્વારા વિશેષ ફંડ ફાળવવામાં આવતા ચાંદીપુરા વાયરસ અંગે વિશેષ સંશોધન પણ ચાલી રહ્યું છે. આ રિસર્ચનો મુખ્ય હેતુ વાયરસના ફેલાવા પાછળના કારણો, તેના લક્ષણો, અને તેના અસરકારક ઉપચારો વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે, જેથી ભવિષ્યમાં આ રોગચાળાને વધુ સારી રીતે ડામી શકાશે.




