જમીન-મકાનના ધંધાર્થીનું રૂા. 19 લાખનું બાઈક પોતાના નામે કરાવી લીધું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : રેલનગરના સાધુ વાસવાણી કુંજ રોડ પર સ્ટાર રેસિડેન્સી બંગ્લોઝમાં રહેતા અને જમીન-મકાન લે-વેચનું કામ કરતા યુવરાજસિંહ રાઠોડ (ઉ.૩૭)ના રૂા. ૧૯ લાખની કિંમતના બાઈકની આરસી બૂક કોઈપણ રીતે મેળવી બાઈક પોતાના નામે કરાવી લેવા અંગે આરોપી રવિરાજસિંહ ભરતસિંહ ઝાલા (રહે. શિવપરા-૩, રૈયા રોડ) વિરૂદ્ધ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદમાં યુવરાજસિંહે જણાવ્યું છે કે ગત ફેબુ્રઆરી માસમાં સુરતથી રૂા. ૧૯ લાખમાં હાયાબુસા બાઈક લીધું હતું. રૂા. બે લાખ આપી સિલેક્ટેડ નંબર પણ મેળવ્યો હતો. ગત જૂન મહિનામાં મોરબીમાં રહેતો મિત્ર અમિત અવાડીયા બાઈક ચલાવવા લઈ ગયો હતો. સાથે તેને આરસી બૂક પણ આપી હતી. ત્રણ દિવસ બાદ બાઈકમાં ટેકનિકલ એરર આવતા પોતે બાઈક લઈ આવ્યા હતા. કંપનીના માણસો આવી બાઈક રિપેર કરી ગયા હતા.
તેણે મિત્ર અમિતને આરસી બૂક આપવાનું કહેતા ક્યાંક મુકાઈ ગયાનું કહ્યું હતું. મળે એટલે મોકલી દઈશ તેમ પણ કહ્યું હતું. તેના થોડા દિવસો બાદ આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા મિત્ર ગુંજને તેના બાઈકના માલિક બદલી ગયાનું કહ્યું હતું. જેથી તેણે તપાસ કરતા આરોપીના નામે બાઈક થઈ ગયાની માહિતી મળી હતી.
વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેના આધારકાર્ડ, આરોપીના આધારકાર્ડ અને ટીટીઓ ફોર્મમાં તેની ખોટી સહીઓ કરી બાઈક ટ્રાન્સફર કરી લેવાયું હતું. આરટીઓમાંથી વાહન ટ્રાન્સફર વખતે વાહનમાલિકના મોબાઈલમાં ઓટીપી જતો હોય છે પરંતુ આરોપીએ તેના મોબાઈલ નંબરની જગ્યાએ પોતાનો મોબાઈલ નંબર કોઈપણ રીતે અપડેટ કરી નામ ટ્રાન્સફર કરાવી લીધું હતું. પ્ર.નગર પોલીસે ગુનો નોંધી ખરેખર કઈ રીતે આ કારસ્તાન કરવામાં આવ્યું હતું તે અંગે તપાસ શરૂ કરી છે.




