રાજકોટ કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, ઝપાઝપી સાથે 70થી વધુની અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: નીટના પેપર લીક કૌભાંડમાં લાખો વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડાં થયા છે તેવા રોષ સાથે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપે તેવી માંગ સરકારે નહીં સંતોષતા દિલ્હીમાં જંતર મંતર ખાતે ત્રણ સપ્તાહથી સોનમ વાંગ્ચૂકના ઉપવાસ આંદોલન બાદ ગઈકાલે સંસદ ભણી કૂચ કરાતા અને આજે વડાપ્રધાનના નિવાસ નજીકના વિસ્તારમાં કોંગ્રેસના રાહુલ ગાંધી,ખડગે વગેરેની પોલીસે ધરાર અટકાયત કરતા હવે કોંગ્રેસે આંદોલનમાં ઝૂકાવ્યું છે અને રાજકોટમાં જિલ્લા પંચાયત ચોક ખાતે આજે રાત્રે ૮.૩૦ વાગ્યે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાતા ભારે હંગામો સર્જાયો હતો.
કોંગ્રેસના નેતાઓ-કાર્યકરો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને તેની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ધસી આવી હતી અને અટકાયતોનો દોર કરતા ભારે હંગામો, ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. કોંગ્રેસના સૂત્રો અનુસાર પોલીસે બળપ્રયોગ કરીને ૭૦થી વધુ કાર્યકરોની સાથે વિદ્યાર્થી નેતાઓને પણ પકડીને બે બસ તથા અન્ય પોલીસ વાહનોમાં લઈ જઈને અટક કરી અવાજ દબાવવાની કોશિષ કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે વર્તમાન સરકાર એ અંગ્રેજો કરતા પણ બદતર છે અને બંધારણની જોગવાઈ મૂજબ પણ વિરોધ કરવા દેતી નથી, દેશમાં સાચી સ્વતંત્રતા માટે લોકોએ ફરી લડત લડવી પડે તે સ્થિતિ છે.
આજે રાત્રે આ વિરોધ પ્રદર્શન પહેલા બહુમાળી ભવન ચોક, સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે અન્ય યુવાનો,વાલીઓ બેનર વગર એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર કરીને કોક્રોચ પાર્ટીની માંગને સમર્થન આપી સરકાર સામે વિરોધ પ્રદર્શન શરુ કરતા જ પોલીસે ધસી આવીને ત્યાં પણ યુવાનોની અટકાયત કરી લીધી હતી.
રાજકોટમાં રવિવારે ભક્તિનગર સર્કલ પાસે લોકસંસદ વિચાર મંચ દ્વારા પોલીસ પાસેથી લેખિતમાં ધરણાં યોજવા મંજુરી મેળવી હતી અને છતાં ધરણાનો સમય પહેલા જ મંચના કાર્યકરોને તેમના ઘરેથી પોલીસે પકડીને પોલીસ મથકે લઈ જવાયા હતા. આમ, પોલીસ વિરોધ પ્રગટ ન થાય તે માટે મરણિયા પ્રયાસો કરી રહી છે પરંતુ, રવિવાર સુધી રાજકોટમાં કોઈ વિરોધ કાર્યક્રમ ન્હોતા ત્યારે હવે પોલીસના વિરોધ પ્રદર્શન રોકવાના પ્રયાસો વચ્ચે આવા કાર્યક્રમો વધવા લાગ્યા છે.
70 વર્ષ પૂર્વે ટ્રેન અકસ્માત થતા શાસ્ત્રીજીએ રાજીનામુ આપ્યું હતું
રાજકોટ: નીટ તથા અન્ય પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં આંદોલનકર્તાઓ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે ત્યારે અત્રે એ બનાવનું સ્મરણ થાય છે જ્યારે ભારતના પનોતા પુત્ર લાલબહાદુર શાસ્ત્રી આજથી ૭૦ વર્ષ પહેલા ઈ.સ.૧૯૫૬માં રેલવે મંત્રી હતા.તે વર્ષમાં તમિલનાડુમાં પાટા પરથી ખડી ગયેલી ટ્રેનને અકસ્માત થતા ૧૪૦ના મૃત્યુ થયા હતા જે અન્વયે તેમણે તુરંત જ રાજીનામુ આપી દીધું હતું. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આ રાજીનામુ શાસ્ત્રીજી દોષી ન્હોતા છતાં રાજકારણમાં ઉચ્ચ ધોરણો પ્રસ્થાપિત કરવા સ્વીકાર્યાનું જણાવાયું હતું. જો કે હવે રાજકારણના મૂલ્યો, નેતાઓ, સમય બધું બદલાયું છે.
રાહુલ ગાંધીની અટકાયત બાદ કોંગ્રેસે પણ આંદોલનમાં ઝૂકાવ્યું
રાજકોટ: કોક્રોચ પાર્ટીનું આંદોલન તો ૨૩ દિવસથી ચાલે છે પરંતુ, કોંગ્રેસ પિક્ચરમાં ન્હોતી, ઉપવાસી છાવણીની મુલાકાત પણ લેવાઈ ન્હોતી. આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જંગી મેદની વચ્ચે વિરોધ પ્રદર્શનમાં જતા પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી તેના દ્રશ્યો વાયરલ થયા બાદ હવે કોંગ્રેસે પણ આંદોલનમાં ઝૂકાવ્યું છે. આવતીકાલે શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે કાર્યક્રમ એન.એસ.યુ.આઈ. દ્વારા યોજાયેલ છે.




