વરસાદની અછત અને આર્થિક સંકળામણ વચ્ચે અન્નદાતા ઓછા ભાવે પાક વેચવા મજબૂર! રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો ભારે ઘસારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Groundnut Price Rajkot APMC: દિવાળીના તહેવારોને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ ખેતપાકોની પુષ્કળ આવક જોવા મળી રહી છે. દિવાળીની સત્તાવાર રજાઓ શરૂ થાય તે પહેલાં જ દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી અન્નદાતાઓ ખેતપાકને ટ્રેક્ટરો અને વાહનોમાં ભરીને યાર્ડ ખાતે બુધવારે(4 નવેમ્બર) વહેલી સવારે જ પહોંચી ગયા હતા.
આર્થિક સંકળામણ વચ્ચે 'મિડિયમ' ભાવે પણ અન્નદાતા પાક વેચવા મજબૂર!
યાર્ડમાં માલ લઈને આવેલા ખેડૂતોએ વાત કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ થતાં પાકના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બજારમાં ખેતપાકોના ભાવ પણ અપેક્ષા મુજબના નહીં પરંતુ માત્ર 'મિડિયમ' જ મળી રહ્યા છે. ઓછા પ્રમાણમાં પાક થયો હોવા છતાં ખેડૂતોએ દિવાળી ટાણે દવા, બિયારણ, ખાતરના બાકી રહેલા નાણાં તેમજ ખેત મજૂરી અને રોજિંદા ઘરખર્ચના ખર્ચા ચૂકવવાના હોવાની અનિવાર્ય આર્થિક મજબૂરીને કારણે તહેવાર ટાણે જ ખેતપાકો 'મિડિયમ' ભાવે વેચવાનો વારો આવ્યો છે.
વધુમાં ખેડૂતોએ જણાવ્યું કે, 'તહેવાર ટાણે તો બધાને પૈસાની જરૂર હોય છે. વરસાદ ઓછો થયો છે, ત્યારે ખેતીપાકનો ઉતારો ખૂબ ઓછો આવ્યો છે અને સરકાર સહાય પણ કરતી નથી. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં કાંઈ ખાસ વધુ ફેર નથી, માત્ર 200-300 રૂપિયાનો ફેર જોવા મળી રહ્યો છે. હાલ મગફળીના 1400-1450 જેવા ભાવ છે. એમાં પણ મગફળી નબળી હોય તો ઓછા ભાવ આવે છે.'



