રાત્રે ઉંદર અને વંદા ફેંકીને પજવતા સાથી કેદીઓથી ત્રસ્ત કેદીનો આપઘાતનો પ્રયાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોંડલ: ગોંડલ સબ જેલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેલમાં જ સજા કાપી રહેલા એક કેદીને તેની બેરેકના સાથી કેદીઓ રાત્રિના સમયે ઉંદર અને વંદા ફેંકીને હેરાન કરતા હતા અને આ અંગે જેલ પ્રશાસનને ફરિયાદ કરવા બદલ જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આથી, કંટાળી ગયેલા કેદીએ લોખંડના પતરા વડે પોતાનું ગળું કાપીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડાયો છે. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકે ત્રણ કેદીઓ વિરૂધ્ધ ગુનો નોંધીતપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વીરપુર (જલારામ)ના મૂળ વતની અને હાલ ચોરીના ગુનામાં ગોંડલ સબ જેલના વોર્ડ નંબર ૩ની બેરેક નંબર ૨માં બંધ કેદી અરવિંદભાઈ ધીરુભાઈ રાઠોડ (ઉં.વ. ૩૦)એ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેની બેરેકમાં રહેતા કેદીઓ અજય ઉર્ફે ટીડો ચનાભાઇ સાકરીયા, ભાવીક ઉર્ફે પકો ઉર્ફે ગાંધી છગનભાઇ પરમાર અને દિલીપ ભરતભાઈ રાઠોડ રાત્રિના સમયે તેમને સુવા દેતા નહોતા. આ કેદીઓ તેમની ઉપર ઉંદર અને વંદા ફેંકતા હતા, જેના કારણે તેઓ ડરી જતા અને આખી રાત સૂઈ શકતા નહોતા.
ગઈકાલે સવારે જ્યારે કેદીઓને બેરેકમાંથી બહાર કાઢવામાં આવ્યા, ત્યારે અરવિંદભાઈએ જેલના ફરજ પરના સિપાઈને સાથી કેદીઓની આ કરતૂત અંગે ફરિયાદ કરી હતી. જેલ સિપાઈએ ત્રણેય આરોપીઓને આ બાબતે કડક ઠપકો આપ્યો હતો, જેનો ખાર રાખીને આરોપીઓએ અરવિંદને ધમકાવતા કહ્યું કે, 'તેં કેમ જેલ સિપાઈને વાત કરી? તારે પાછું વોર્ડમાં તો અમારી સાથે જ આવવાનું છે ને.'ત્યારબાદ આરોપી અજય ઉર્ફે ટીડાએ અરવિંદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જ્યારે ભાવિક અને દિલીપે ગાળો આપી હતી. સાથી કેદીઓના સતત ત્રાસ અને ધમકીથી ગભરાઈ ગયેલા અરવિંદભાઈએ જેલ પરિસરમાં બહાર પડેલું એક લોખંડનું પતરું ઉપાડી પોતાના ગળાના ભાગે મારી દીધું હતું. ગળામાંથી લોહી નીકળતું જોઈ જેલના સિપાઈએ લોહીલુહાણ હાલતમાં તેને સારવાર માટે ગોંડલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસે ભોગ બનનાર કેદીની ફરિયાદના આધારે ત્રણેય આરોપી કેદીઓ સામે ગુનો નોંધી પીએસઆઇ એ.વી. સાંખટે તપાસ હાથ ધરી છે.




