Rajkot

રાજકોટમાં બોગસ તબીબ સામે પોલીસની લાલઆંખ: 17 નકલી ડૉક્ટરો ઝડપાયા, 14 તો માત્ર ધોરણ 10 અને 12 પાસ

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
રાજકોટ ગ્રામ્ય પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા 17 બોગસ ડૉક્ટરોને ઝડપી પાડ્યા છે. આ બોગસ ડૉક્ટરો પાસે કોઈ તબીબી ડિગ્રી નહોતી, છતાં તેઓ ક્લિનિક ચલાવી દર્દીઓને એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શનો આપતા હતા. પકડાયેલા 14 આરોપીઓ માત્ર 10-12 પાસ છે. પોલીસે આવી ડ્રાઇવ ચાલુ રાખવાની ખાતરી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં બોગસ તબીબ સામે પોલીસની લાલઆંખ: 17 નકલી ડૉક્ટરો ઝડપાયા, 14 તો માત્ર ધોરણ 10 અને 12 પાસ

Rajkot Fake Doctors: રાજકોટ ગ્રામ્ય પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતા નકલી ડૉક્ટરો સામે લાલઆંખ કરીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. યોગ્ય તબીબી લાયકાત કે ડિગ્રી વિના ગેરકાયદે રીતે ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા કુલ 17 બોગસ ડૉક્ટરોને રાજકોટ ગ્રામ્ય પોલીસે પકડી પાડ્યા છે. પોલીસની આ સપાટાબંધ કાર્યવાહીથી સમગ્ર જિલ્લામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા નકલી ડૉક્ટરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

14 આરોપીઓ ધોરણ 10-12 પાસ

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, ઝડપાયેલા 17 આરોપીઓ પૈકી 14 આરોપીઓ તો માત્ર ધોરણ 10 અને 12 પાસ જ છે, જ્યારે બાકીના ત્રણ આરોપીઓ સામાન્ય ગ્રેજ્યુએટ થયેલા છે. આ તમામ આરોપીઓ ભૂતકાળમાં મૂળ ડૉક્ટરોના સહાયક (કમ્પાઉન્ડર) તરીકે અથવા મેડિકલ સ્ટોરમાં કામ કરી ચૂક્યા હતા. આ કામગીરી દરમિયાન મેળવેલા અનુભવના આધારે તેઓએ પોતે જ ક્લિનિક ખોલીને ચિકિત્સક તરીકે પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.

આ નકલી ડૉક્ટરો સામાન્ય તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓ માટે હોમિયોપેથિક તથા એલોપેથિક દવાનો ઉપયોગ કરીને દર્દીઓને એલોપેથીની સારવાર અને ઇન્જેક્શનો પણ આપતા હતા.

કેટલાક 10 વર્ષથી પ્રેક્ટિસ કરતા હતા તો કેટલાક સ્થળ છોડી ભાગી ગયા

ઝડપાયેલા કેટલાક આરોપીઓ છેલ્લા બે-ત્રણ મહિનાથી જ આ ધંધામાં આવ્યા હતા, જ્યારે કેટલાક શખસો છેલ્લા 10 વર્ષથી પણ વધુ સમયથી તબીબી લાયકાત વિના જ દર્દીઓને સારવાર આપી રહ્યા હતા. રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન ભાડાં ફૂટવાની બીકે કેટલાય બોગસ ડૉક્ટરો પોતાના દવાખાના બંધ કરીને સ્થળ પરથી નાસી છૂટ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.

બોગસ ડૉક્ટરો સામે પોલીસની ડ્રાઈવ સતત ચાલુ રહેશે

આગામી દિવસોમાં પણ સમગ્ર જિલ્લામાંથી બોગસ ડૉક્ટરોને શોધી કાઢવા અને તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે વિશેષ ડ્રાઇવ ચાલુ જ રાખવામાં આવશે. હાલ પકડાયેલા તમામ 17 આરોપીઓ સામે કાયદાકીય ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.