Rajkot

હવે જસદણમાં ભાજપ મંત્રી બાવળિયાના ગઢમાં સિંચાઈનાં પાણી મુદ્દે ખેડૂતો મેદાને

By GS Team
24 Jul 20262 mins read
TukuTouch Logo
જસદણમાં ભાજપ મંત્રી કુંવરજી બાવળિયાના ગઢમાં ખેડૂતો સિંચાઈના પાણી મુદ્દે મેદાને પડ્યા છે. સૌની યોજના હેઠળ 101 કરોડથી વધુની મંજૂરી માત્ર કાગળ પર રહી અને તળાવો કોરા રહેતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો. ગોખલાણા રોડ પર રામેશ્વર મંદિરે મહાસંમેલન યોજી સરકાર સામે આરપારની લડાઈનો નિર્ધાર વ્યક્ત કર્યો. જો પાણી નહીં મળે તો ગાંધીનગર કૂચની ચીમકી ઉચ્ચારાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે જસદણમાં ભાજપ મંત્રી બાવળિયાના ગઢમાં સિંચાઈનાં પાણી મુદ્દે ખેડૂતો મેદાને

જસદણ,જેતપુર: સરકારી ફાઇલોમાં કરોડો રૂપિયાના અંદાજપત્રો મંજૂર થવાના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા કેટલી કડવી હોય છે, તેનું ઉત્તમ ઉદાહરણ હાલ જસદણ પંથકમાં જોવા મળી રહ્યું છે. મોરબીમાં વીજલાઈન વળતર મુદ્દે ભાજપ મંત્રી કાંતી અમૃતિયાના વતન જેતપરમાં ચાલતા કિસાન આંદોલનની આગ હજુ બુઝાઈ નથી ત્યાં હવે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ગઢ ગણાતા જસદણમાં પણ ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. સૌની યોજના હેઠળ રૂા. ૧૦૧ કરોડથી વધુની રકમ મંજૂર થયાના માત્ર કાગળો જ ફરતા હોવાથી અને વાસ્તવિકતામાં ખેતરો તથા તળાવો કોરા કટ રહેતા કિસાન વર્ગમાં ભારે રોષ પ્રસર્યો છે.
જસદણના ગોખલાણા રોડ પર આવેલા રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આજે ખેડૂતો ઉમટી પડયા હતા. વિશાળ મહાસંમેલન યોજીને ખેડૂતોએ સરકાર અને તંત્ર સામે આરપારની લડાઈ લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ સંમેલનમાં જસદણ ઉપરાંત ગઢડીયા, ગોખલાણા, લાલકા, દેવપરા, હડમતીયા અને શિવરાજપુર સહિતના ગામોના કિસાનોએ હાજરી આપીને એકસૂરે પોતાની વેદના અને સરકારની ઉદાસીનતા સામે આક્રોશ ઠાલવ્યો હતો.
ખેડૂત અગ્રણીઓએ જણાવ્યું કે, જસદણ તાલુકાના સિંચાઈથી વંચિત રહેલા ગામોના તળાવો, ચેકડેમો અને જળાશયોને સૌની યોજના લિંક-૪ સાથે જોડવા માટે સરકારે રૂા. ૧૦૧.૦૩ કરોડના કાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હોવાના દિવાસ્વપ્નો બતાવાયા છે, પરંતુ કાગળ પરથી હજુ સુધી આ યોજના પાણી બનીને જમીન પર ઉતરી નથી. જો વહેલી તકે કેનાલ અને પાઈપલાઈન નેટવર્ક દ્વારા તળાવો અને ચેકડેમોમાં નર્મદાના નીર છોડવામાં નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે. આગામી દિવસોમાં હજારો ખેડૂતો ગાંધીનગર ખાતે મોરચો માંડીને ઉગ્ર રજૂઆતો કરશે. નેતાઓના ગઢમાં જ ખેડૂતોના વિરોધનો આસમાન આંબતો સુર હવે સરકાર માટે માથાનો દુઃખાવો સાબિત થઈ રહ્યો છે.