પતિને વ્યાજે આપેલા ત્રણ લાખના બદલામાં પત્ની પર નરાધમનું દુષ્કર્મ

રાજકોટ: રાજકોટમાં વ્યાજખોરે વ્યાજે પૈસા આપતા પહેલા મહિલાને પોતાની સાથે પત્ની જેવો સંબંધ રાખવો પડશે તેમ કહીં દીધું હતું. એટલું જ નહીં વ્યાજે પૈસા આપ્યા બાદ તેણે મહિલા ઉપર બે વખત તેના ઘરે જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું. આખરે મામલો થોરાળા પોલીસ પાસે પહોંચતા ગુનો નોંધી નરાધમ વ્યાજખોર હુસેન ગોપલાણી (રહે. મેમણ કોલોની, દૂધસાગર રોડ)ને સકંજામાં લીધો હતો.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ભોગ બનનાર મહિલાના પતિને આરોપી સાથે બે વર્ષથી ઓળખાણ છે. આરોપી તેના ઘરે અવરજવર પણ કરતો હતો. રિક્ષા ચલાવતો હોવાથી તેની પત્નીને મજૂરી કામે મુકવા પણ જતો હતો. ભોગ બનનાર મહિલાના પતિને મકાન રિપેરિંગ માટે પૈસાની જરૂર પડતાં આરોપીને વાત કરી હતી, જેથી આરોપીએ ૧૪ ટકા જેવા ચામડાતોડ વ્યાજે રૂા.૩ લાખ આપવાનો વાયદો કર્યો હતો. તે પહેલા ભોગ બનનાર મહિલાને કહ્યું કે, હું તારા પતિને રૂપિયા આપીશ પરંતુ તારે મારી સાથે પત્ની જેવો સંબંધ રાખવો પડશે. ત્યારબાદ પાંચેક માસ પહેલા તેણે રૂા.૩ લાખ વ્યાજે આપી દીધા હતા. આ પછી પોત પ્રકાશી વ્યાજ અને હપ્તામાં રાહત કરી આપીશ તેમ કહીં ભોગ બનનાર મહિલાની આર્થિક સ્થિતિનો અને મજબૂરીનો લાભ ઉઠાવી તેના ઘરે જઇ બે વખત તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.
એટલું જ નહીં, આ વાત કોઇને કહીંશ તો તારા આખા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. આખરે ભોગ બનનાર મહિલાની પુત્રી અને બાદમાં પતિને હકીકતની જાણ થઇ જતાં આજે તેણે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે દુષ્કર્મ અને મની લેન્ડ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ જારી રાખી છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટના પરથી શહેરમાં વ્યાજખોરો કઇ હદે પહોંચી ગયા છે તેનો ખુલાસો પણ થયો છે. શહેરમાં વ્યાજખોરો વિરુદ્ધ કહેવાતી કડક ઝુંબેશ અને લોક દરબારો પછી પણ સ્થિતિ સુધરી નથી તે આ ઘટના પરથી સ્પષ્ટ બની ગયું છે.




