Rajkot

રાજકોટ રેલવે ડિવિઝનને સાંકળતી 22થી વધુ ટ્રેનો 15 દિવસ ખોરંભે

By GS Team
23 Jul 20262 mins read
TukuTouch Logo
રાજકોટ રેલવે ડિવિઝનમાં આલિયાબાડા-જામનગર ડબલિંગ કામગીરીને કારણે ૨૨થી વધુ ટ્રેનોને અસર થઈ છે. 23 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી અનેક એક્સપ્રેસ, સુપરફાસ્ટ અને લોકલ ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરાયા છે. ભાવનગર-ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ દોડશે. ઓખા-રાજકોટ લોકલ 1 થી 7 ઓગસ્ટ સુધી રદ રહેશે. વરસાદને કારણે કેટલીક ટ્રેનો રદ કે મોડી પડી છે, જેનાથી યાત્રિકોમાં ભારે રોષ જોવા મળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ રેલવે ડિવિઝનને સાંકળતી 22થી વધુ ટ્રેનો 15 દિવસ ખોરંભે

રાજકોટ: આલિયાબાડા-જામનગર ડબલિંગ કામ કરવા આગોતરા આયોજનને બદલે રેલવે તંત્રએ વધુ એક વખત મનસુફી મુજબ રાતોરાત મોટો નિર્ણય લઈને રાજકોટ રેલવે ડિવિઝનને સાંકળતી ૨૨થી વધુ પેસેન્જર ટ્રેનોની અવર-જવરને ૧૫ દિવસ ખોરંભે પાડી દેતાં આજે પ્રથમ દિવસે જ યાત્રિકોમાં જબરો ઉહાપોહ મચી ગયો હતો. જેમાં તા.૭ ઓગસ્ટ સુધી આ રૂટ પર દોડતી અનેક મહત્વપૂર્ણ એક્સપ્રેસ, સુપરફાસ્ટ અને લોકલ પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી રૂપે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.
સિનિયર ડીસીએમ સુનીલકુમાર મીનાએ જણાવ્યું કે, તા.૨૩મી જુલાઈથી તા.૭મી ઓગસ્ટ સુધી લાંબા અંતરની અને સ્થાનિક ટ્રેનોને તેમના નિર્ધારિત સ્થાન સુધી પહોંચાડવાને બદલે અગાઉના સ્ટેશનોએ જ રોકી દેવામાં આવશે અથવા ત્યાંથી જ શરૂ કરવામાં આવશે. જેમકે, ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન રાજકોટ સુધી જ દોડશે અને પરતમાં ઓખાના બદલે રાજકોટથી જ રવાના થશે. તેવી જ રીતે, વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ મર્યાદિત રહેશે અને જામનગર-વડોદરા ઇન્ટરસિટી વાંકાનેરથી જ ઉપડશે. બીજી તરફ ઓખા અને રાજકોટ વચ્ચે દૈનિક ધોરણે મુસાફરી કરતા સામાન્ય નાગરિકો અને નોકરીયાત વર્ગ માટે મહત્વપૂર્ણ એવી ઓખા-રાજકોટ લોકલ તા.૧ ઓગસ્ટથી ૭ ઓગસ્ટ દરમિયાન સંપૂર્ણપણે રદ્દ રાખવામાં આવી છે.
કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનો તેમના મૂળ સમય કરતાં મોડી ઉપડશે. જેમાં ઓખા-બનારસ એક્સપ્રેસ, હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ, ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ અને જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જેવી ગાડીઓ ૧ કલાકથી લઈને ૪ કલાક સુધી મોડી (રિ-શેડયુલ થઈને) ઓખા, હાપા અથવા જામનગરથી રવાના થશે. જ્યારે સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ, વંદે ભારત એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તથા ઉત્તર ભારત અને દક્ષિણ ભારત તરફથી આવતી-જતી અન્ય અનેક મુખ્ય ટ્રેનોને માર્ગમાં ૧૦ મિનિટથી લઈને ૨ કલાકથી વધુ સમય માટે વિવિધ સ્ટેશનો પર રેગ્યુલેટ (નિયંત્રિત) કરવામાં આવશે.

ભારે વરસાદના કારણે પણ કેટલીક ટ્રેનો રદ
રાજસ્થાન અને ગુજરાતમાં આજે ભારે વરસાદના કારણે અમુક રેલવે પુલ પર પાણીનું સ્તર ભયજનક સપાટી સુધી પહોંચી જતાં આજે બપોરથી રેલ વ્યવહાર કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવ્યો હતો. જેના કારણે રાજકોટ ડિવિઝનની ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે. જેમાં હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ આજે તા.૨૩ અને આવતીકાલે તા.૨૪ જુલાઈના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. એ જ રીતે જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ પણ આવતીકાલે તા.૨૪ના દોડશે નહીં. જ્યારે આજે પોરબંદર-કોચુવેલી એક્સપ્રેસ પણ રદ કરાઈ હતી. બીજી તરફ આજે સૌરાષ્ટ્ર મેલ અને સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ અમદાવાદથી મુંબઈ વચ્ચે આંશિક રીતે રદ કરાઈ હતી.