Rajkot

12-12 વર્ષ સુધી માસાએ શારીરિક શોષણ કર્યું, આખરે પોલીસ ફરિયાદ

By GS Team
4 Nov 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં 20 વર્ષીય યુવતીએ પોતાના સગા માસા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતી 8 વર્ષની હતી ત્યારથી માસા તેનું શારીરિક શોષણ કરતા હતા. 2014માં શરૂ થયેલો આ સિલસિલો પુખ્ત થયા બાદ પણ ચાલુ રહ્યો હતો. માસા ધમકાવીને વર્ષો સુધી આ કૃત્ય કરતા હતા. આખરે હિંમત દાખવી યુવતીએ રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

12-12 વર્ષ સુધી માસાએ શારીરિક શોષણ કર્યું, આખરે પોલીસ ફરિયાદ

રાજકોટ : હાલ રાજકોટ શહેરમાં રહેતી ર૦ વર્ષની યુવતી જયારે ૮ વર્ષની હતી ત્યારથી તેના સગા માસાએ તેનું શારીરિક શોષણ કરવાનું શરૂ કર્યું હતું. યુવતી પુખ્ત થઈ ત્યાર પછી પણ માસાએ તેની ઉપર દુષ્કર્મ ગુજારવાનું ચાલુ રાખતાં આખરે મામલો રાજકોટ તાલુકા પોલીસ સુધી પહોંચતા પોકસો સહિતની કલમો હેઠળ ૦ નંબરથી ગુનો નોંધી રાજકોટ જિલ્લા પોલીસ તરફ ફરિયાદ મોકલી આપી છે.
ભોગ બનનાર યુવતીએ પોલીસને જણાવ્યું કે ર૦૧૪માં રાજકોટ જિલ્લામાં રહેતી હતી. તે વખતે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી. પાડોશમાં સગા માસા પરિવાર સાથે રહેતા હતા. તેના વાલીઓ બહાર કામે જાય પછી માસાએ ઘરે આવી તેની સાથે અડપલા કરવાનું શરૂ કર્યું હતું. જોકે માસાની બીક લાગતાં વાલીઓને જાણ કરી ન હતી. ર૦૧૭માં છઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે એક દિવસ માસા તેના વાલીઓની ગેરહાજરીમાં ઘરે આવ્યા હતા. તેને ડરાવી-ધમકાવી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ વાત કોઈને કહીશ તો જીવતી નહીં રહેવા દઉ તેવી ધમકી પણ આપી હતી.
આ સમગ્ર ઘટનાક્રમને કારણે ગભરાઈ જતાં કોઈને વાત કરી ન હતી. ત્યારબાદ માસાએ તેના વાલીઓની ગેરહાજરીમાં તેની સાથે શરીર સંબંધ બાંધવાનું ચાલુ રાખ્યું હતું. વર્ષો સુધી માસાએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. એક વખત તેણે કંટાળી ગયાનું કહેતાં માસાએ તેના વાલીઓની જિંદગી બગાડી દેવાની ધમકી આપી હતી. સાથો-સાથ કહ્યું કે તારા પિતા મારી જ વાત માને છે, એટલે હું કહું તેમ કર્યા કર.
ઘણી વખત તે શરીર સંબંધ બાંધવાનો ઈન્કાર કરે તો માસા મારકૂટ કરી તેના પિતાને ચડામણી કરતા હતા કે તમારી દિકરી મારૂ કોઈ કામ કરતી નથી, મારી સામે બોલે છે. જેથી પિતા પણ તેને ઠપકો આપતા હતા. ર૦ર૧માં પરિવાર સાથે રાજકોટ રહેવા આવી હતી. સાથે માસાનો પરિવાર પણ રહેવા આવ્યો હતો. બધાં એક મકાનમાં રહેતા હતા.
તેના વાલીઓ કામે જાય પછી માસાએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનું ચાલુ રાખ્યું હતું. એક દિવસ કંટાળીને તે બીજા રાજયમાં જતી રહી હતી. જયાંથી પોલીસ તેને રાજકોટ લાવી હતી. માસાના ડરને કારણે તે વખતે પોલીસને સત્ય હકિકતો જણાવી ન હતી.
થોડા સમય બાદ તેનો પરિવાર માસાથી અલગ રહેવા જતો રહ્યો હતો. ઘરની બાજુની દુકાનમાં સીસીટીવી કેમેરા લગાડેલા હોવાથી માસા ત્યાં આવતા ન હતા. દૂકાનમાંથી સીસીટીવી કેમેરા નીકળી જતાં એક વખત માસા ઘરે આવ્યા હતા. રસ્તા પરથી જાય ત્યારે બાઈક લઈ પીછો કરતા હતા. આખરે હિંમત કરીને વાલીઓને જાણ કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.