ડેટિંગ એપની એજન્સીના નામે રૂા.17 લાખનું ફ્રોડ કરનાર રાજસ્થાનથી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : ટોકી નામની ડેટિંગ એપની 'એજન્સી' અપાવી દેવાના નામે રૂા.૧૭ લાખની ઓનલાઇન છેતરપિંડી કરનાર રાજસ્થાનના ચુરૂ જિલ્લાના મોલીસર બાડા ગામના સુરેન્દ્ર હિરાલાલ સિહાગને રાજકોટ રેન્જની સાયબર ક્રાઇમ પોલીસે રાજસ્થાનથી ઝડપી લઇ ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે.
ટોકી એપમાં ચેટ કરવા માટે કોઇન મેળવવા પડે છે. ત્યાર બાદ જ મહિલાઓ સાથે ચેટ થઇ શકે છે. ભોગ બનનાર યુવાન ખૂબ જ કોઇનની ખરીદી કરતો હોવાથી આરોપીએ તેનો સંપર્ક કરી એજન્સી અપાવી દેવાની લાલચ આપી કહ્યું કે, તેમ કરવાથી કોઇનની ખરીદી ઉપર ૨૫ ટકા કમિશન અને અન્ય લાભો મળશે.
જેથી ભોગ બનનાર યુવાન આરોપીની વાતમાં આવી ગયો હતો અને તેણે આપેલા બેંક એકાઉન્ટમાં રૂા.૧૭.૮૧ લાખ મોકલી આપ્યા હતા. ત્યારબાદ તેની પાસેથી વધુ રકમની માગણી કરાઇ હતી. એજન્સી પણ નહીં મળતાં છેતરાઇ ગયાનો અહેસાસ થતાં સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પીઆઇ આર.જે. ગોધમે તપાસ આગળ ધપાવી રૂા.પાંચેક લાખ જેવી રકમ ફ્રીઝ કરાવી હતી. તપાસ કરતા આરોપીના પિતાના નામે બેંક એકાઉન્ટમાં ફ્રોડની રકમ જમા થયાની માહિતી મળી હતી. જેના આધારે આરોપીની માહિતી મેળવી ધરપકડ કરી હતી. બીજા કોઇની સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે હવે તપાસ કરાશે.
જોકે ટોકી એપનું હેડ ક્વાર્ટર હોંગકોંગમાં હોવાથી કેટલી માહિતી મળશે તેની ઉપર આગળની તપાસનો આધાર રહેશે તેમ પણ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.




