ઈમિટેશનના ધંધામાં 10 થી 15 ટકા નફાની લાલચે રૂા.3 કરોડ ગુમાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : જસદણની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને મોબાઈલ સ્પેરપાર્ટસનો ધંધો કરતા ભાવિક હિરપરા (ઉ.વ.૩૩)એ ઈમિટેશનના ધંધામાં ૧૦ થી ૧પ ટકાના વળતરની લાલચે આપેલા રૂા.૩.૦પ કરોડ રાજકોટમાં રહેતા આરોપી અશોક મોહન મોલીયા અને તેના બે પુત્રો નિકુંજ અને પ્રતિક ઓળવી ગયાની જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદમાં ભાવિકે જણાવ્યું છે કે પાંચેક વર્ષ પહેલાં મોટાબાપુજીની પુત્રી અંકિતાબેનને ત્યાં ભાઈ-બીજના પ્રસંગે ગવરીદળ ગયા હતા ત્યારે અંકિતાબેનના મામાજી અશોકભાઈ પણ ત્યાં આવ્યા હતા. જેણે તેના બંને પુત્રો ઈમિટેશન મેટલનો ધંધો કરતાં હોવાનું જણાવી તેમાં ૧૦ થી ૧પ ટકા જેટલું પ્રોફીટ મળે છે તેમ કહ્યું હતું. સાથો-સાથ તેને પણ રોકાણ કરવાની સલાહ આપતાં શરૂઆતમાં રૂા.ર૧ લાખનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ કટકે-કટકે વધૂ રૂા.૮૬ લાખ રોકયા હતા.
આરોપીઓએ તેને કહ્યું કે હાલ કાચો માલ સસ્તો મળે છે. જેથી વધૂ રૂા.એક કરોડની જરૂર છે. તે સાથે જ તેણે જસદણના મકાન ઉપર બેન્કમાંથી એક કરોડની લોન લઈ આપી દીધા હતા. તેના થોડા સમય બાદ આરોપીઓએ જણાવ્યું કે કાચો માલ મળી ગયો છે, હજૂ સસ્તો મળશે, પછી ભાવ વધી જશે, જેથી વધૂ પૈસાની સગવડ હોય તો કરો. પરિણામે તેણે પિતા અને સગાસંબંધીઓ પાસેથી રૂા.૯૭.૯૬ લાખ લઈ આરોપીઓને આપી દીધા હતા.
આ રીતે રૂા.૩.૦પ કરોડ આપ્યા હતા. સાથો-સાથ આરોપીઓને ધંધાનો નફો દર મહિને આપવાનું કહ્યું હતું. જેની સામે આરોપી નિકુંજે કહ્યું કે થોડો સમય રાહ જુવો, ત્રણ મહિનાની અંદર તમારી લોન ભરાઈ જાય તેટલો પ્રોફીટ થશે ! ત્રણ મહિના બાદ પ્રોફીટની માંગણી કરતા આરોપીઓએ વાયદા કરવાનું શરૂ કર્યું હતું.
એક દિવસ આરોપી અશોકે કોલ કરી પુત્ર નિકુંજ ઘરેથી જતો રહ્યાનું કહ્યું હતું. બાદમાં નિકુંજ મળી ગયાનું કહી રાજકોટમાં મિટીંગ ગોઠવી હતી. તે વખતે તેના જમાઈ સંજય કોરાટે હજૂ વધૂ પૈસાની જરૂર છે, તમે વ્યવસ્થા કરો, પછી તમને પૈસા પરત મળી જશે તેમ કહ્યું હતું. જોકે તેણે હાલ મારી પાસે સગવડ નથી તેમ કહેતાં નિકુંજે હવે પછી જો ઉઘરાણી કરશો તો હું દવા પી લઈશ તેમ કહી તેને મારી નાખવાની ધમકી આપી હતી.
લોભીયા રોકાણકારોને કારણે ધૂતારા ગઠિયાઓને ઘી-કેળા !
રાજકોટ : ઊંચા વળતરની લાલચમાં લાલચુ રોકાણકારોની આ રીતે મોટી રકમ ડૂબી જતી હોવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે આમ છતાં લાલચુ રોકાણકારો કોઈ શીખ લેતાં નથી. ફરિયાદ નોંધાવ્યા પછી પણ મોટાભાગના રોકાણકારોને તેમની રકમ પરત મળતી નથી. જો મળે તો તે સામાન્ય હોય છે.




