રાજકોટમાં બર્થ-ડે પાર્ટીના નામે દારૂની રેલમછેલ, પોલીસે સરાઝા હોટેલમાંથી 75થી વધુ લોકોને ઝડપ્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot Saraza Hotel Liquor Party : રાજકોટમાં દિવાળીના માહોલ વચ્ચે એક હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીએ પોલીસને દોડતી કરી દીધી હતી. કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં 31 ઓક્ટોબરની મધરાતે ચાલી રહેલી પાર્ટી પર LCB ઝોન-2ની ટીમે દરોડો પાડ્યો હતો. ડેકોરા ગ્રુપના માલિક ચિરાગ અરવિંદ પટેલના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આ પાર્ટી યોજાઈ હોવાનું સામે આવ્યું છે. પાર્ટીમાં 43 પુરુષ અને 33 મહિલા સહિત કુલ 76 લોકો હાજર હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો કબજે કરી 38 લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
વીડિયો મળતાં જ પોલીસની કાર્યવાહી, રાતે 1 વાગ્યે દરોડો
મળતી માહિતી મુજબ, ચિરાગ પટેલનો જન્મદિવસ 12 નવેમ્બરે છે અને દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અગાઉથી જ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. 31 ઓક્ટોબરની રાત્રે સરાઝા હોટેલમાં પાર્ટી ચાલી રહી હોવાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસ સક્રિય થઈ હતી. રાત્રે આશરે 1 વાગ્યે LCB ઝોન-2ની ટીમે હોટેલમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસની એન્ટ્રી થતાં જ પાર્ટીમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. હોટેલના પાર્કિંગમાં મોંઘીદાટ અને લક્ઝરી કારની લાંબી લાઈન જોવા મળી હતી. રાજકોટ અને મોરબીના જાણીતા વેપારીઓ તથા ઉદ્યોગપતિઓ પણ પાર્ટીમાં હાજર હોવાની ચર્ચા છે.
વરમોરા ગ્રેનિટો પ્રાઈવેટ લિમિટેડના એમડી પણ પાર્ટીમાં સામેલ હતા
રાજકોટની સરાઝા હોટેલ પાર્ટીમાં મોરબીની પ્રખ્યાત ટાઈલ્સ કંપની વરમોરા ગ્રેનિટો પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મનીષ વરમોરા પણ હોવાનુ સામે આવ્યું છે. ઘટનાસ્થળેથી વરમોરા કંપનીના નામની ફોર્ચ્યુનર કાર પણ મળી આવી હતી. પોલીસ દ્વારા આ દરોડા દરમિયાન પકડાયેલા વાહનોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં એમનુ નામ પણ સામેલ છે.
લાઈટો બંધ થતાં રહસ્ય ઘેરાયું, મહિલાઓએ ખુરશીનાં કવરથી મોઢાં ઢાંક્યાં
પોલીસની કાર્યવાહી દરમિયાન હોટેલની લાઈટો બંધ કરી દેવામાં આવી હોવાની પણ વિગતો સામે આવી છે. રાત્રે આશરે 3 વાગ્યે હોટેલની બહારની વીજળી બંધ થઈ હતી. ત્યારબાદ 3:40 વાગ્યા પછી હોટેલની અંદર અને બહારની લાઈટો પણ બંધ કરી દેવાઈ હતી. આ દરમિયાન પોલીસની કાર્યવાહી વચ્ચે રાજકીય નેતાઓના ફોન આવવા લાગ્યા હોવાની પણ ચર્ચા છે. પાર્ટીમાં હાજર 33 મહિલાઓને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ સમયે કેમેરામાં ઓળખ છતી ન થાય તે માટે મહિલાઓએ દુપટ્ટાને બદલે ટેબલ અને ખુરશીનાં કવરથી પોતાનાં મોઢાં ઢાંક્યાં હતાં. વહેલી સવારે 3:55 વાગ્યે મહિલાઓને પોલીસ સુરક્ષા હેઠળ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
ટેબલ પર ભરેલા ગ્લાસ અને દારૂની બોટલો મળી
રાજકોટ પોલીસે સવારે 5:05 વાગ્યે પ્રાથમિક વિગતો આપતાં જણાવ્યું હતું કે, પોલીસ હોટેલમાં પહોંચી ત્યારે ટેબલ પર મૂકેલા ગ્લાસમાં દારૂ ભરેલો હતો. સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની 750 MLની આશરે 11 ખાલી અને ભરેલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂ સિવાય અન્ય કોઈ નશાકારક પદાર્થ મળી આવ્યો નથી. પાર્ટીમાં કુલ 76 લોકો હાજર હતા. કુલ 38 લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમાં પાર્ટીમાં સામેલ 35 વ્યક્તિઓ અને હોટેલ મેનેજર સહિત ત્રણ સર્વિસ સ્ટાફનો સમાવેશ થાય છે.
92થી વધુ લોકોનાં બ્લડ સેમ્પલ, રિપોર્ટ બાદ વધુ વિગતો સામે આવશે
પોલીસે આ કેસમાં 92થી વધુ વ્યક્તિઓનાં બ્લડ સેમ્પલ એકત્ર કરાવ્યાં હોવાનું પણ સામે આવ્યું છે. પાર્ટીમાં કેટલા લોકોએ દારૂ પીધો હતો અને કોણ નશાની હાલતમાં હતું તે મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. હોટેલ સંચાલકોએ દારૂની વ્યવસ્થા કરી હતી કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. હાલ પોલીસે હોટેલનાં CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ આગળ ધપાવી છે. હોટેલ મેનેજમેન્ટની ભૂમિકા સહિત પાર્ટીના આયોજન અને દારૂની વ્યવસ્થા પાછળ કોણ હતું તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.




