ગુજરાતમાં ઝૂનોટિક અને વેક્ટરજન્ય વાયરલ ચેપ સામે 'એલર્ટ'નો અભાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: રાજકોટ સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ના ક્લિનિકલ માઇક્રોબાયોલોજી અને ચેપી રોગો વિભાગ દ્વારા 'ક્લિનિકલ વાયરોલોજીમાં નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગ અને બાયોઇન્ફોર્મેટિક્સ' વિષયક રાષ્ટ્રીય હેન્ડ્સ-ઓન વર્કશોપનું આજે સમાપન થયું હતું, જેમાં ચાર દિવસ સુધી ચુનંદા તબીબી તજજ્ઞાએ દેશમાં વધતા જતાં વાયરલ ચેપ અને રોગચાળા સામેની સ્વાસ્થ્ય તૈયારીઓને વધુ સઘન બનાવવા વિચાર-વિમર્શ કરવા સાથે સંશોધનપત્રો રજૂ કર્યા હતા.
ખાસ વર્કશોપમાં વિશેષ તો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ક્રિમિયન-કોંગો હેમોરેજિક ફીવર, ચાંદીપુરા વાયરસ રોગ તેમજ અન્ય ઝૂનોટિક અને વેક્ટરજન્ય વાયરલ ચેપ સામે સજ્જ રહેવાની ખાસ આવશ્યકતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ તકે એઇમ્સના કાર્યકારી નિયામક ડો. એલ. એન. દોરૈરાજને જણાવ્યું હતું કે, રાજકોટ એઇમ્સમાં અત્યાધુનિક બાયોસેફ્ટી લેવલ-૩ (બીએસએલ-૩) લેબોરેટરી ટૂંક સમયમાં કાર્યરત થશે. જેને વીઆરડીએલ, એનજીએસ અને બાયોઇન્ફોર્મેટિક્સ સાથે સંકલિત કરવામાં આવશે. જેનાથી ઉચ્ચ જોખમવાળા રોગકારકોની સલામત તપાસ, જિનોમિક સર્વેલન્સ અને રસી વિકાસની ક્ષમતામાં અનેકગણો વધારો થશે.
ક્લિનિકલ માઇક્રોબાયોલોજી વિભાગના વડા પ્રો. અશ્વિની અગરવાલે જણાવ્યું કે અહીં એઈમ્સ ખાતે આગામી સમયમાં નવી વાયરસ અને બેક્ટેરીયા સંલગ્ન અદ્યતન પરિક્ષણ સુવિધા જિનોમિક સર્વેલન્સ, ઊભરતા વાયરસ અંગેના સંશોધન અને પુરાવા આધારિત આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. અત્યારે રાષ્ટ્રીય વર્કશોપ દ્વારા ભારતમાં ભવિષ્યના વાયરલ જોખમો સામે લડી શકે તેવા પ્રશિક્ષિત વૈજ્ઞાાનિકોનું મજબૂત નેટવર્ક તૈયાર થયું છે.
- બાયોસેફ્ટી લેવલ-૩ પ્રયોગશાળાની મુખ્ય વિશેષતા
રાજ્યમાં રોગચાળાનાં ઉચ્ચ સ્તરીય સંશોધન અને અત્યાધુનિક વાયરસ નિદાન માટે રાજકોટ એઇમ્સ ખાતે અત્યાધુનિક બીએસએલ-૩ લેબોરેટરીનું નિર્માણ હવે અંતિમ તબક્કામાં છે. પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અંતર્ગત તૈયાર થયેલી અદ્યતન લેબ દ્વારા ક્રિમિયન-કોંગો હેમોરેજિક ફીવર, ચાંદીપુરા વાયરસ, જાપાનીઝ એન્સેફાલાઇટીઝ, હેપેટાઇટિસ અને ઇન્ફ્લુએન્ઝા જેવા ગંભીર તથા જોખમી રોગકારકોની ઝડપી અને સચોટ તપાસ તથા જિનોમિક સર્વેલન્સ થઈ શકશે. આ પહેલા રાજ્યમાં કોવિડ મહામારી અને અન્ય ચેપી રોગોના પરીક્ષણ માટે બીએસએલ-૨ સ્તરની લેબ્સ કાર્યરત છે. જો કે, થોડા સમય પહેલા ગાંધીનગર ખાતે બીએસએલ-૪ કક્ષાની લેબોરેટરીનું નિર્માણ કરવાનું ખાતમુહૂર્ત પણ કરાયું છે.




