રાજકોટમાં ભાજપ vs ભાજપની લડાઈમાં બળવાખોર જૂથ ભારે પડ્યું, લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં મેન્ડેટ વગરના બે ઉમેદવાર જીત્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jayesh Radadiya BJP Rebellion : એશિયાના સૌથી મોટા ગણાતા રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપ સામે જ ભાજપના નેતાઓએ વિગુલ ફૂંકીને પક્ષીય વ્હિપના ધજાગરા ઉડાડી દીધા હતા. ગાંધીનગરથી લઈને દિલ્હી હાઈકમાન્ડ સુધી ભારે લોબિંગ અને જિલ્લા ભાજપ સંગઠનના પ્રયાસો છતાં બળવો શમ્યો નહોતો. પરિણામે ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટના જૂથો સામસામે આવી જતાં વર્ચસ્વની લડાઈમાં આખરે રાદડિયા જૂથનો જંગી દબદબો સાબિત થયો છે.
ભાજપના મેન્ડેન્ટ વિરુદ્ધ ચૂંટણી લડીને મેળવ્યો વિજય
સંઘની 10 બેઠકો અગાઉ જ બિનહરીફ થઈ ચૂકી હતી, જ્યારે બાકીની 5 બેઠકો પર ખરાખરીનો જંગ ખેલાયો હતો. આ પાંચ બેઠકો માટે ભાજપ પ્રદેશ નેતૃત્વ દ્વારા અધિકૃત ઉમેદવારો જાહેર કરીને તમામ સભ્યોને અધિકૃત જાહેરાત કરવામાં આવી હતી. જો કે પક્ષના મેન્ડેન્ટ અને વ્હિપનો અનાદર કરીને ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉમેદવારોએ જંગી જીત મેળવી પક્ષીય શિસ્તના નામે મોટા સવાલો ઊભા કર્યા છે.
કઈ બેઠક પર કોણ જીત્યું અને વ્હિપની શી અસર થઈ?
માધાપર જૂથ બેઠક: ભાજપના અધિકૃત ઉમેદવાર પૃથ્વીસિંહ જાડેજા (ઘોઘુભા) સામે પક્ષથી નારાજ થઈને બળવો કરનારા વિજય સખિયાએ જીત હાંસલ કરી છે. ચૂંટણી પૂર્વે વિજય સખિયાએ સ્વખર્ચે પોલીસ પ્રોટેક્શન પણ માગ્યું હતું.
કુવાડવા જૂથ બેઠક: પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સામે પક્ષના વ્હિપ વિરુદ્ધ જઈને ઉમેદવારી નોંધાવનાર નીતિન ચોવટિયા વિજેતા બન્યા છે.
ત્રંબા જૂથ બેઠક: આ બેઠક પર ભારે રસાકસી બાદ ટાઈ પડતાં આખરે ચિઠ્ઠી ઉપાડીને નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં નીતિન રામાણી વિજેતા જાહેર થયા હતા.
હલેન્ડા જૂથ બેઠક: આ બેઠક પર ભાજપના અધિકૃત ઉમેદવાર મહેશ આસોદરિયા પોતાની બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યા છે.
ખોખડદડ જૂથ બેઠક: રાદડિયા વિરોધી જૂથના માનવામાં આવતા બાબુ નસીતે એક મતદારની ગેરહાજરી વચ્ચે આ બેઠક પર જીત નોંધાવી છે.
પક્ષીય શિસ્ત પર મોટો પ્રહાર
ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે પાંચમાંથી ત્રણ બેઠકો પર ભાજપના વ્હિપનો ખુલ્લેઆમ અનાદર થયો છે. સ્થાનિક નેતાગીરી અને સંઘ પર પ્રભુત્વ મેળવવાની લડાઈમાં પ્રદેશ નેતૃત્વનું ડેમેજ કંટ્રોલ તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. આ પરિણામોથી સાબિત થાય છે કે નાના ગણાતા સહકારી ક્ષેત્રમાં પણ રાજકીય વર્ચસ્વ જાળવી રાખવા માટે ભાજપ વિરુદ્ધ બળવાનો સૂર વધુ ઉગ્ર બન્યો છે.
રાદડિયાએ અગાઉ પણ ભાજપના ધજાગરા ઉડાવ્યા હતા
સૌથી વધુ ચર્ચિત બનાવ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO)ની ડિરેક્ટર પદની ચૂંટણી દરમિયાન બન્યો હતો. ભાજપ સંગઠન દ્વારા આ ચૂંટણી માટે અન્ય નેતાને અધિકૃત ઉમેદવાર તરીકે પસંદ કરવાના સંકેતો આપ્યા હતા અથવા મેન્ડેન્ટ બિન-સત્તાવાર રીતે નક્કી કરાયો હતો. તેમ છતાં, જયેશ રાદડિયાએ પક્ષીય આદેશો કે નેતૃત્વની સૂચનાઓની પરવા કર્યા વિના ડિરેક્ટર પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમણે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના સહકારી વિજ્ઞાનીઓ તેમજ ડેલીગેટ્સનો સંપર્ક સાધીને મોટું સમર્થન મેળવ્યું હતું.
સંગઠનના ઉમેદવારને હરાવી મેળવ્યો હતો વિજય
ઇફ્કોની આ હાઈપ્રોફાઈલ ચૂંટણીમાં જયેશ રાદડિયા સામે ભાજપના જ અન્ય જૂથ અને સંગઠન સમર્થિત ઉમેદવાર મેદાનમાં હતા. ભાજપના મોવડીમંડળ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં રાદડિયા પાછા હટ્યા નહોતા. ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે જયેશ રાદડિયાએ જંગી મતોથી વિજય હાંસલ કરીને ભાજપના સત્તાવાર ઉમેદવારને ધૂળ ચાટતા કર્યા હતા. આ જીત સાથે તેમણે સાબિત કરી દીધું હતું કે સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં ભાજપના વ્હિપ કે મેન્ડેન્ટ કરતાં તેમનું અંગત વર્ચસ્વ વધુ મજબૂત છે.




