રાજકોટમાં 1 કલાકમાં બે હત્યા: ઘરકંકાસમાં પત્નીની હત્યા કરી પતિનો આપઘાતનો પ્રયાસ, જેલમાંથી છૂટેલા આરોપીએ છરીના ઘા ઝીંકતા યુવકનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot Crime News: રાજકોટ શહેરમાં માત્ર એક જ કલાકના સમયગાળામાં હત્યાની બે અલગ-અલગ ઘટનાઓ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રથમ બનાવમાં મોરબી રોડ પર ઘરકંકાસમાં પતિએ પત્નીની છરીના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પોતે પણ ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યારે બીજા બનાવમાં ગાંધીગ્રામ વિસ્તારમાં જેલમાંથી છૂટેલા શખસે પ્રેમ પ્રકરણના મનદુઃખમાં એક યુવાનની છરી મારી કરપીણ હત્યા નીપજાવી હતી. ટૂંકા સમયમાં બનેલા આ બે હત્યાને પગલે અસામાજિક તત્ત્વો બેફામ બન્યા હોવાની ચર્ચા સાથે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊઠી રહ્યા છે.
રાજકોટમાં એક કલાકમાં બે હત્યા
મળતી વિગતો અનુસાર, રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા વેલનાથપરા વિસ્તારમાં રહેતા પ્રવીણ પરસોડા અને તેની પત્ની શારદા પરસોડા વચ્ચે લાંબા સમયથી ઘરકંકાસ ચાલતો હતો. દંપતી વચ્ચે ફરી ઉગ્ર બોલાચાલીમાં આવેશમાં આવી ગયેલા પ્રવીણ પરસોડાએ પત્ની શારદા પર છરી વડે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓ થવાને કારણે શારદાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પત્નીની હત્યા કર્યા બાદ ઝેર પીને પતિનો આપઘાતનો પ્રયાસ
પત્નીની હત્યા નીપજાવ્યા બાદ ગભરાયેલા પતિ પ્રવીણ પરસોડાએ પણ પોતે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતા જ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.
જેલમાંથી છૂટેલા આરોપીએ છરીના ઘા ઝીંકી દેતા યુવાન મોત
ગાંધીગ્રામના એસ.કે. ચોક નજીક રહેતા મનીષ પરમાર નામના યુવાન પર ગની નામના શખસે તીક્ષ્ણ છરી વડે જીવલેણ હુમલો કરી શરીરના ભાગે ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા મનીષ પરમારનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં હત્યારો ગની તાજેતરમાં જ જેલમાંથી છૂટીને બહાર આવ્યો હોવાનું અને પ્રેમ પ્રકરણના મનદુઃખમાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.
પોલીસની કામગીરી સામે સવાલો
શહેરમાં માત્ર એક કલાકના અંતરમાં બે હત્યાના બનાવો બનતા પોલીસની ઢીલી નીતિને કારણે શહેરમાં અસામાજિક અને લુખ્ખાતત્વો બેફામ બન્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે.




