બાંદરામાં વીજ કરંટની લપેટમાં આવેલી પત્નીને બચાવવા જતાં પતિનું કરૂણ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વીજ શોકથી ઇજાગ્રસ્ત પત્ની સિવિલમાં દાખલ, 4 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર નોધારો બન્યો
ગોંડલ: ગોંડલ તાલુકાના બાંદરા ગામે ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના એક શ્રમિક પરિવાર વાડીએ કામ કરતો હતો એ વખતે પત્નીનો પગ જીવતા વીજવાયર પર પડતાં તે કરંટની લપેટમાં આવી ગઈ હતી. પત્નીને બચાવવા માટે દોડેલા પતિને પણ વીજ કરંટ લાગતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ૧૫ વર્ષના પુત્રએ લાકડીથી વાયર હટાવતાં માતાનો જીવ બચ્યો હતો, જેને ઇજાગ્રસ્ત હાલતમાં ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલ તાલુકાના બાંદરા ગામે આવેલી પંકજભાઈ પરસોત્તમભાઈ ઘોણીયાની વાડીમાં મધ્યપ્રદેશના માલગાવ (બડવાળા) ના વતની કૈલાશભાઈ સત્યાભાઈ પાવરા અને તેમનાં ૩૫ વર્ષીય પત્ની મંતલીબેન રોજિંદા ક્રમ મુજબ વાડીએ કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ખપાટ જેવા સાધનની જરૂર પડતાં તેઓ બાજુની વાડીએ ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે અચાનક મંતલીબેનનો પગ નીચે પડેલા જીવતા વીજવાયર પર આવી જતાં તેમને જોરદાર કરંટ (શોર્ટ) લાગ્યો હતો અને તેઓએ બૂમાબૂમ કરી મૂકી હતી.
પત્નીની ચીસાચીસ સાંભળીને પતિ કૈલાશભાઈ તેમને બચાવવા માટે દોડી ગયા હતા. તેમની સાથે તેમનો ૧૫ વર્ષનો પુત્ર વીરેન પણ હાથમાં લાકડી લઈને દોડયો હતો. પુત્ર વીરેને લાકડીની મદદથી માતાને વીંટળાયેલો જીવંત વીજ વાયર દૂર કર્યોે હતો, જેથી માતાનો જીવ બચી ગયો હતો. બચાવ કામગીરી દરમિયાન કૈલાશભાઈને ભારે કરંટ લાગી જતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે મંતલીબેનને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ગોઝારી ઘટનાને પગલે મૃતક દંપતીના ત્રણ દીકરા અને એક દીકરી એમ કુલ ૪ સંતાનોએ પિતાનંી છત્રછાયા ગુમાવી છે. બનાવની જાણ થતાં જ તેમના સગાસંબંધીઓ સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. હાલ ગોંડલ તાલુકા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.




